Get The App

એન્ટી એજિંગ ઔષધો માટે વર્ષે 60 લાખ ગધેડાની હત્યા થાય છે

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
એન્ટી એજિંગ ઔષધો માટે વર્ષે 60 લાખ ગધેડાની હત્યા થાય છે 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- વિશ્વમાં છેલ્લા ત્રણ દાયકા દરમિયાન ગધેડાની સંખ્યામાં 80 ટકા જેટલો ઘટાડો થયો છે. ચીનમાં આ પ્રાણીની ચામડી માંથી એન્ટી એજિંગ દવા બનાવવાનો ધંધો ધમધોકાર ચાલતો હોવાથી ગધેડા ખુટી ગયા છે

આ મ તો કુદરતની પોષણ કડીમાં કોઇ પણ જીવનું અસ્તિત્વ નકામું નથી પરંતુ માણસ જાત પોતાની સગવડ પ્રમાણે જીવોનું પોષણ કરે છે અને મારણ પણ કરે છે.આ પૃથ્વીનો ભોગવટો આમ તો દરેક જીવનો છે પરંતુ માણસે પોતાની માલિકીની સમજી લીધી છે. આર્થિક ફાયદો થતો હોય તો કોઇ જીવની આખી  પ્રજાતિ ખતમ થઇ જતી હોયતો પણ પરવા નથી. માણસે પૃથ્વી પરના અનેક પ્રાણીઓના અસ્તિત્વને ખતરામાં મુકયા પછી હવે ગધેડાનો વારો છે. વિશ્વમાં છેલ્લા ત્રણ દાયકા દરમિયાન ગધેડાની સંખ્યામાં ૮૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આ પ્રાણીની ચામડામાંથી મળતા જીલેટિન માટે કતલ કરવામાં આવે છે. ચીનમાં એન્ટી એજિંગ (ઉંંમર અવરોધક) દવા માટે વર્ષે લાખો ગધેડાઓની હત્યા થાય છે. આજકાલ દુનિયામાં ચીનના એજિયાઓ ઉધોગની ખૂબ ચર્ચા થાય છે. એજિયાઓ જેલી જેવું એક પ્રકારનું હેલ્થ સપ્લીમેન્ટ છે જેના માટે ગધેડાની ચામડીમાંથી પ્રાપ્ત થતા જીલેટિનનો ઉપયોગ થાય છે. પરંપરાત ચીની ચિકિત્સામાં એજિયાઓ ટોચના ત્રણ ટોનિકોમાં એક ગણાય છે. ઇમ્યુન સિસ્ટમ સુધારવા અને રકત પરિભ્રમણ વધારવા એજિયાઓનો જાણીતું છે. સૌદર્ય અને ફેશનના જમાનામાં એન્ટી એજિંગ એટલે કે ઉંમરને અટકાવવા માટે ગધેડાના ચામડામાંથી ઔષધ તૈયાર કરવામાં આવે છે. ગધેડાનું માંસ કમરના દુખાવા અને અસ્થમાને દૂર કરે છે અને પુરુષત્વ વધારતું હોવાની ચીનમાં વ્યાપક માન્યતા છે.

ચીનમાં એજિયાઓ ૧૬૪૪ અને ૧૯૧૨ સુધી ચીનમાં શાસન કરનારા કિંગ રાજવંશ દરમિયાન અમીરોમાં ખૂબ લોકપ્રિય થયું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી લકઝરી જીવન જીવતા લોકો એન્ટી એજિંગ તરીકે ઉપયોગમાં લે છે. વર્ષ ૨૦૧૧માં ચીનની એક ટીવી સીરિયલ 'ઇમ્પ્રેસ એન્ડ ધ પેલેસ'લોકપ્રિય થયા પછી  માંગ વધી છે. ચીન પોતાના દેશમાં જ નહી દુનિયામાં એન્ટી એજિંગ (ઉંમર અવરોધક) દવાઓ, ઔષધો અને ક્રિમનું બજાર ઉભું થયું છે તેનો ફાયદો ઉઠાવવા માગે છે. ૨૦૧૩માં એજિયાઓનું વાર્ષિક ઉત્પાદન ૩૨૦૦ ટન હતું જે વધીને ૫૬૦૦ ટન થયું છે. ગધેડાની ચામડીને ઉકાળીને ઔષધ બનાવવા માટે દર વર્ષે ૪૦ લાખ જેટલા ગધેડાના ચામડાની જરુર પડે છે. ૧૯૯૨માં ચીનમાં ગધેડાઓની સંખ્યા ૧ કરોડને ૧૦ લાખ હતી જે ઘટીને માત્ર ૨૦.૨૦ લાખ રહી છે. ચામડામાંથી મળતા જીલેટિન માટે ગધેડા મારવામાં આવતા હોવાથી ગધેડા ખૂટી પડયા છે. ગધેડાની ઘટ પુરી કરવા માટે દાણચોરો  ચીનની બહાર નજર દોડાવે છે. આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના ગરીબ દેશોમાંથી ગધેડાઓ ગેરકાયદેસર રીતે ચીન મોકલવામાં આવે છે. માલસામાનના જહાજમાં છુપાવીને ગધેડાનું ચામડું પણ ચીન જઇ રહયું છે.એક ગધેડાની ચામડીની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૨૦૦૦ થી ૩૦૦૦ ડોલર સુધીની મળે છે. ચીનની એક રિસર્ચ કંપનીના જણાવ્યા પ્રમાણે ચીનમાં એજિયાઓ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્ય વધીને ૬.૮ અબજ ડોલર જેટલું થયું છે. ચીનના સરકારી મીડિયા અનુસાર છેલ્લા એક દસકામાં તેની કિંમત ૩૦ ગણી વધી ગઇ છે.૧૦૦ યુઆન પ્રતિ ૫૦૦ ગ્રામના વધીને ૨૯૮૬ યુઆન થઇ છે.  

ચીનના તસ્કરોનો ગધેડા પર ડોળો હોવાનું ધ્યાનમાં આવતા આફ્રિકી સંઘે ગત વર્ષ ગધેડાની કતલ પર ૧૫ વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે, જો કે બુર્કિનાફાસો, બોત્સ્વાના,સેનેગલ, ઝીમ્બાબ્વે અને ટોગોને બાદ કરતા બધા દેશો પ્રતિબંધનું એક સરખી રીતે પાલન કરતા નથી. મોઝાંમ્બિક અને ઝાંબિયા જેવા દેશોમાં ગેર કાયદેસર વેપાર ચાલું રહયો છે. ઇજિપ્ત અને દક્ષિણ આફ્રિકામાં વર્ષે ૧૦ થી ૧૫ હજાર જેટલા ગધેડા નિકાસની છુટ છે. નાઇજીરિયા, ઘાના અને નામિબિયામાં ઉહાપોહ થાય ત્યારે હંગામી ધોરણે પ્રતિબંધનો અમલ થાય છે. વેપારીઓ અને એજન્ટો વચ્ચે એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. નબળા વર્ગના ગરીબ ગ્રામીણ લોકો પાસેથી લાલચ આપીને ગધેડા ખરીદવામાં આવે છે. કેન્યામાં રાત્રે ગધેડાઓની ચોરી અને કતલો થવા લાગી છે.  હેરફેર દરમિયાન ગધેડાને રસ્તામાં જ મારી નાખવામાં આવે છે અથવા તો અધમૂવા કરીને જે તે સ્થળે પહોંચાડી દેવામાં આવે છે. નાઇજીરિયામાં રોજ ૫૦૦ ગધેડાઓની ખુલ્લામાં હત્યા કરવામાં આવે છે. આ પ્રક્રિયા અત્યંત ક્રુર, અમાનવીય અને અસુરક્ષિત હોય છે.ગધેડાના સંરક્ષણ માટે કાર્યરત 'ધ ડોન્કી સેન્ચ્યુરી' એ ચેતવણી આપી છે કે આ અપરાધો માત્ર આર્થિક નથી પરંતુ સાર્વજનિક સ્વાસ્થ્ય માટે પણ ખતરો પેદા કરે છે. આફ્રિકા સહિત દુનિયાના વિવિધ ભાગના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલનનો સામાન બજાર સુધી પહોંચાડવા માટે ગધેડા પર નિર્ભર છે. જો તેમની પાસેથી ગધેડા છીનવાઇ જશે તો સોશિયલ ઇકોનોમી પર વિપરીત અસર થશે. સમુદાયની એકતા અને સાંસ્કૃતિક વારસો પણ જોખમમાં મુકાતા વાર લાગશે નહી.

તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે જો ગધેડાના ચામડાના વેપાર પર ખંડ વ્યાપી પ્રતિબંધને કડક હાથે અમલી બનાવવામાં નહી આવે તો આફ્રિકામાં આગામી ૧૫ વર્ષમાં ગધેડાની વસ્તી ૨.૭૦ કરોડથી ઘટીને ૧.૪૦ કરોડ જેટલી થઇ શકે છે.પ્રાણીપ્રેમીઓ ગધેડા પર કરુણા દાખવીને ખૂની ખેલ બંધ કરવા હાકલ કરી રહયા છે. ગધેડાને સામાજિક અને આર્થિક વિકાસ માટે જરુરી સંવેદનશીલ પ્રાણી તરીકે ઓળખવા માટે પ્રોત્સાહિત કરવા પર ભાર મુકે છે. ઇજિયાઓ વેચતા પ્લેટફોર્મનો બહિષ્કાર કરીને ગધેડાના ચામડાના ઉત્પાદનોની ગ્રાહક માંગ ઘટાડવા માટે ઝુંબેશ ચલાવવાની હાકલ કરે છે. એન્ટી એજિંગ ઔષધો માટે વિશ્વમાં વર્ષે ૬૦ લાખ ગધેડાની હત્યા થાય છે. ચીન ઘર આંગણે ગધેડાની જરુરિયાત પૂરી કરવા માટે પાકિસ્તાન પર સૌથી મોટો આધાર રાખી રહયું છે. પાકિસ્તાન દર વર્ષે ૩ લાખથી વધુ ગધેડા ચીનને એજીયાઓ દવા બનાવવા માટે મોકલે છે. પાકિસ્તાનમાં ૬૦ લાખ ગધેડા છે જે ઇથોપિયા અને સુદાન પછી સૌથી વધારે છે. પાકિસ્તાન સરકાર ગધેડા ઉછેર માટે પ્રોત્સાહન આપવા લાગી છે જેનો હેતું ગધેડાનું  સંરક્ષણ કરવાનો નહી પરંતુ ચીનને ગધેડા પુરા પાડીને વિદેશી નાણુ કમાવાનો છે. ચીન ખૂદ પાકિસ્તાનમાં પોતાના ડોન્કી ફાર્મસ નાખવાની તૈયારી કરી રહયું છે. આ ફાર્મમાં ચીની કંપનીઓ જ ગધેડા પાળશે અને માંસ તેમજ ચામડાની નિકાસ કરશે. ગત વર્ષ એપ્રિલ મહિનામાં ચીનની ડોન્કી ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ ઝાઓ ફેઇ પાકિસ્તાનમાં પ્રસ્તાવ પણ રજુ કરી ચુકયા છે.પાકિસ્તાન અને ચીનની ડોેન્કી ઇકોનોમિએ સામાજીક અને સાંસ્કૃતિક ચર્ચાને જન્મ આપ્યો છે. પાકિસ્તાન સરકાર ચીનને ખૂશ કરવા અને કમાણીનું 

સાધન બનાવવા માટે ગધેડા ઉછેરીને હત્યા કરે છે. ચીનમાં ગધેડાનું માંસ મોકલવા માટે બ્લોચિસ્તાનના ગ્વાદરમાં ડોન્કી ફાર્મ અને કતલખાનું તૈયાર કરાયું છે જેનો સ્થાનિકો વિરોધ પણ કરેલો છે. 

ભારતની વાત કરીએ તો સરકારી પશુધન ગણતરીના આંકડા મુજબ ૨૦૧૨ થી ૨૦૧૯ દરમિયાન વસ્તીમાં ૬૧ ટકા જેટલો ઘટાડો થયો છે. સમગ્ર ભારતમાં ગધેડાની સંખ્યા ૧.૨૦ લાખ કરતા પણ ઓછી છે. ઉત્તર પૂર્વીય રાજય રાજસ્થાન જે ભારતના પાંચમા ભાગના ગધેડાઓનું ઘર છે ત્યાં વસ્તી લગભગ ૭૨ ટકા ઘટી ગઇ છે. ૮૧૦૦૦થી માત્ર ૨૩૦૦૦ રહયા છે. એક સમયે પશુમેળાઓમાં ગધેડા વિપુલ પ્રમાણમાં જોવા મળતા જે હવે ગાયબ થઇ રહયા છે. ભારતમાં માંસ માટે ગધેડાની કતલ અને વેપાર પર પ્રતિબંધ છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ૨૦૧૧ હેઠળ ગધેડાના માંસને પ્રાણી ખોરાક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું નથી આથી આપમેળે કતલ અને વપરાશ ગેર કાયદેસર બને છે. ભારતમાં છેલ્લા ૧૫ વર્ષથી ગધેડાની વસ્તી સતત ઘટી રહી છે તે જોતા ગેર કાયદેસર વેપાર થતો હોવાની શંકા ઉપજવી સ્વભાવિક છે. ભારતમાં  પશુધન વસ્તી ગણતરી ૨૦૧૨માં ૩.૩૩ લાખ ગધેડા હતા જે ૨૦૧૯ની પશુધન ગણતરીમાં ઘટીને ૧.૨૦ લાખ થઇ છે  જે અંદાજે ૬૨ ટકાનો ઘટાડો સૂચવે છે. ગુજરાતમાં ૧૧૦૦૦, મહારાષ્ટ્રમાં ૧૮૦૦૦ યુપીમાં ૧૬૦૦૦ અને જમ્મુ કાશ્મીરમાં ૧૦૦૦૦ ગધેડા બચ્યા છે. મધ્યપ્રદેશમાં ગધેડાની વસ્તી માત્ર ૩૦૦૦ રહી છે જે છેલ્લા ૩૦ વર્ષમાં ૯૪ ટકા જેટલી ઓછી છે. ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પાલનની પેઢી પણ નામશેષ થઇ રહી છે. ગધેડાને બચાવવા માટે હજુ પણ વસ્તી છે ત્યાં ગધેડા દૂધ ફાર્મ શરુ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. ગધેડાની માદાનું લિટર દૂધ ૮૦૦ થી ૧૦૦૦ રુપિયાની કિંમતે વેચાય છે.  માનવ અને પ્રાણીઓનું સદીઓથી સહ જીવન રહયું છે. ગધેડાએ કડિયાકામ માટેની માટી કે રેત લાવવામાં માનવજાતની ખૂબ સેવા કરી છે. ઉબડ ખાબડ રસ્તા અને ઢોળાવ પર મૂર્ખ ગણાતા ગધેડાએ નિષ્ઠાથી સામાન પહોંચાડયો છે. છેલ્લા ૭ હજાર વર્ષથી માણસ સાથે સહ અસ્તિત્વ ધરાવે છે. આમ તો કુદરતે કોઇ ચીજ પૃથ્વી પર નકામી બનાવી નથી પરંતુ માણસને જે ચીજ નકામી કે બોજારુપ લાગે કે  આર્થિક ફાયદો થતો હોયતો ખુદના સ્વાર્થ માટે નિકંદન કાઢતા સહેજ પણ વિચાર કરતો નથી.જો આમ ચાલતું રહેશે તો એક સમય એવો પણ આવશે કે ગધેડા જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં જવું પડશે.