તુવાલુ: જળવાયુ પરિવર્તનનો ભોગ બનેલા ટાપુનેે ઉચાળા ભરવાનો વારો
- મીડ વીક- હસમુખ ગજજર
- 2023માં નાસાના એક અહેવાલમાં જણાવાયું હતું કે તુવાલુમાં છેલ્લા 30 વર્ષમાં દરિયાની સપાટી 15 સેન્ટીમીટર વધી છે. 2050 સુધીમાં ઇમારતો સહિતનો તુવાલુનો મોટો ભાગ હાઇ ટાઇડમાં ડૂબી શકે છે.ગત વર્ષથી લોકો ટાપુ છોડીને ઓસ્ટ્રેલિયા વસવા લાગ્યા છે.
વિ શ્વમાં જળવાયુ પરિવર્તનના લીધે દરિયાકાંઠે રહેતી વસાહતો અને ગામોએ સ્થળાંતરણ કરવું પડયું હોય એવું બન્યું છે પરંતુ પ્રથમવાર પેસિફિક મહાસાગરમાં આવેલો તુવાલુ નામનો ૯ ટાપુઓનો બનેલો આખો દેશ ઉચાળા ભરીને ઓસ્ટ્રેલિયામાં સામેલ થવાનો છે. તુવાલુ ૨૬ ચો કિમી ક્ષેત્રફળ અને ૧૧૫૦૦ લોકોની વસ્તી ધરાવતો બચુકડો દેશ છે પરંતુ જળવાયુ પરિવર્તનના ખતરાનો ખૂબ મોટા સંકેત આપી રહયો છે. આ ટાપુ વર્ષોથી દરિયાની વધતી જતી જળસપાટી અને જમીનમાં આવી રહેલા ખારા પાણીની સમસ્યાથી પીડાય છે.હવે અસ્તિત્વનું જોખમ વધતા લોકોએ બાપદાદાની ભૂમિ છોડીને ક્રમશ ખસી જવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.
પેસિફિકના કેટલાક ટાપુઓ નવા વર્ષના આગમનની છડી પોકારે છે તેમાં તુવાલુનો પણ સમાવેશ થાય છે પરંતુ થોડાક વર્ષો પછી નિર્જન બનનારા ટાપુ પર કદાંચ નવા વર્ષનું સ્વાગત કરનારુ કોઇ રહેશે નહી. તુવાલુની જમીન સમુદ્રથી સરેરાશ ૨ મીટર જેટલી ઉંચી છે. વધતા જતા વાવાઝોડા, દરિયાઇ તોફાન અને દરિયાકાંઠાની જમીન કપાતી જતી હોવાથી ટકવું મુશ્કેલ બન્યું છે. વર્ષ ૧૯૮૯માં પહેલીવર તુવાલુને ૨૧ મી સદીમાં ગ્લોબલ વોર્મિગના કારણે સમુદ્ર નીચે અદ્રષ્ય થઇ જવાની શકયતા ધરાવતા અનેક ટાપુ જુથોમાંના એક તરીકે સુચિબધ્ધ કરવામાં આવ્યો હતો કમનસીબે આ ચેતવણી સાચી સાબીત થઇ રહી છે. ૨૦૨૩માં નાસાના એક અહેવાલમાં જણાવાયું હતું કે તુવાલુમાં છેલ્લા ૩૦ વર્ષમાં દરિયાની સપાટી ૧૫ સેન્ટીમીટર વધી છે. નિષ્ણાતોનું માનવું છે કે ૨૦૫૦ સુધીમાં ઇમારતો સહિતનો તુવાલુનો મોટો ભાગ હાઇ ટાઇડમાં ડૂબી શકે છે. પહેલાના બે નાના દ્વીપ આંશિક રીતે પાણીમાં સમાઇ ચુકયા છે. વધતા જતા સમુદ્રના પાણીથી જળસ્ત્રોત ખારા બન્યા છે. ખેતી કરવી મુશ્કેલ બનવાથી લોકો હવે ખેતીના પાક ઉંચા પ્લેટફોર્મ પર ઉગાડવા મજબૂર બન્યા છે.
૨૦૨૩માં તુવાલુ અને ઓસ્ટ્રેલિયાએ ફાલેપિલી યુનિયન નામની એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધી જળવાયુ પરિવર્તન અંર્તગત થતા સ્થળાંતરણની દ્વષ્ટીએ ખૂબ મોટું પગલું છે. કરાર મુજબ દર વર્ષે ૨૮૦ જેટલા તુવાલુવાસીઓને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને નોકરીની તક આપવામાં આપવામાં આવશે. આની શરુઆત ગત વર્ષ ૨૦૨૪માં જૂન મહિનાથી થઇ હતી. ઓસ્ટ્રેલિયાઇ હાઇ કમિશન મુજબ ૮૭૫૦ લોકોએ પોતાના પરિવાર સાથે શિફટ થવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ૨૫ જુલાઇએ લોટરી પદ્ધતિથી ૨૮૦ લોકોની પસંદગી થઇ હતી.તુવાલિયન લોકો જળવાયુ પરિર્વતનના ખતરાથી દૂર સન્માન સાથેની એક નવી જીંદગી જીવી શકે તે માટે ઓસ્ટ્રેલિયાએ શરુ કરેલા કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ કાર્યક્રમ હેઠળ આવનારા ૧૦ વર્ષમાં તુવાલુની ૪૦ ટકા વસ્તી ઓસ્ટ્રેલિયામાં આવી ગઇ હશે. આ વિશિષ્ટ પ્રકારના માઇગ્રેશનના લીધે નાનકડા ટાપુ દેશ વિશે જાણવાની લોકોની ઉત્સુકતા વધવી સ્વભાવિક છે. તુવાલુ દક્ષિણ પેસિફિકમાં નાના ૯ ટાપુઓના સમૂહથી બનેલો છે જેમાંના પાંચ ટાપુ કોરલ એટોલ્સ છે. બાકીના ચાર સમુદ્રના તળિયા જેવી જમીનમાંથી બનેલા છે. તુવાલુ જેવા ટાપુઓ પર ફરવા જતા પ્રવાસીઓ માટે મનમોહક સ્થળ હોય છે પરંતુ ટાપુઓ પરનું જીવન સરળ દેખાય છે તેટલું હોતું નથી. તુવાલુની વાત કરીએ તો પાણીના કોઇ જ મોટા કુદરતી ઝરણા કે નદી ન હોવાથી વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરુરી બની જાય છે. નારિયેળ અને પામ મોટા ભાગના ટાપુઓ પર ચોતરફ ફેલાયેલા છે. કોપરા અને સૂકા નારિયેળના દાણા એક માત્ર નિકાસ વસ્તુ છે. જમીનમાં ખારાશ વધવાથી પરંપરાગત નિર્વાહ ખેતી પર જોખમ વધ્યું છે.પેસિફિક ટાપુઓમાં માછીમારી પણ આવક અને ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે.
તુવાલુ પર માનવ વસ્તી સદીઓથી અસ્તિત્વ ધરાવે છે. ત્રણ હજાર વર્ષે પહેલા પ્રથમ વસવાટી પોલિનેશિયન હતા જે સ્થળાંતરણના ભાગરુપે જ પેસિફિક વિસ્તારમાં આવ્યા હતા. પેસિફિક ટાપુઓ પર યુરોપિયનોનું આગમન ન હતું થયું તે પહેલા પોલિનેશિયન તરાપા પ્રકારની પરંપરાગત હોડીઓ વડે પ્રવાસ કરતા હતા. ઇસ ૧૫૬૮માં સ્પેનિશ સંશોધક અલ્વારો ડી મેંડાનું તુવાલુમાં આગમન થયું હતું. તુવાલુની વર્તમાન રાજધાની ફુનાફુટી ટાપુનું નામ ૧૮૧૯માં એલિસ ટાપુ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ અંગ્રેજ હાઇડ્રોગ્રાફર એલેકઝાન્ડર જર્યોજ ફાઇંડલેએ સમગ્ર ટાપુઓનું એલિસ નામકરણ કર્યુ હતું. યુરોપિયનોના આગમનની સાથે રોગો પણ આવવાથી એક સમયે આ ટાપુ પરની વસ્તી ૨૦ હજારથી ઘટીને ૩૦૦૦ થઇ હતી. ઇસ ૧૮૭૭માં બ્રિટને ફિજીમાં મુખ્ય મથક સાથે પશ્ચિમ પેસિફિક હાઇ કમિશનની સ્થાપના કરી જેના અધિકાર ક્ષેત્રમાં એલિસ અને અન્ય ટાપુઓ આવતા હતા. ઇસ ૧૮૯૨માં બ્રિટને એલિસ ટાપુઓ અને ગિલબર્ટ ટાપુઓ પર સંયુકત સંરક્ષિત રાજય જાહેર કર્યુ હતું. ઇસ ૧૯૧૬માં ગિલ્બર્ટ અને એલિસ ટાપુઓ પર વસાહતની રચના થઇ હતી. આગામી ૨૦ વર્ષોમાં લાઇન ટાપુઓ અને ફોનિકસ ટાપુઓ સહિત અન્ય ટાપુ જુથો બ્રિટિશ વસાહતમાં જોડાયા હતા. વર્ષ ૧૯૭૪માં વંશીય તણાવના પરિણામે ૯૦ ટકાથી વધુ પોલિનેશિયન એલિસ ટાપુવાસીઓ મુખ્યત્વે માઇક્રોનેશિયન ગિલ્બર્ટ ટાપુઓથી અલગ થવા તલપાપડ બન્યા હતા. ૧૯૭૮માં તુવાલું બ્રિટિશ નિયંત્રણમાંથી ગિલ્બર્ટ ટાપુઓ કિરીબાતીની જેમ જ સ્વતંત્ર થયું હતું.
સ્વતંત્ર થવાની સાથે જ એલિસ ટાપુઓનું પૂર્વ વસાહતી નામ તુવાલુ જાહેર કરવામાં આવ્યું હતું. તુવાલુનો અર્થ આઠ એક સાથે ઉભા રહેવું એવો થાય છે જે એટોલ્સ ટાપુઓના સમૂહને ઇંગિત કરે છે. ૧૯૮૬માં બ્રિટિશ રાજાના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર બંધારણીય રાજાશાહી રહેવા માટે મતદાન કર્યુ હતું. વર્ષ ૨૦૦૦માં તુવાલુ સંયુકત રાષ્ટ્રમાં જોડાયું હતું. ૨૦૦૧માં ન્યુઝીલેન્ડે દરિયાની સપાટીમાં વધારો થતા ટાપુવાસીઓને પોતાને ત્યાં વસાવવા માટે પ્રસ્તાવ મુકયો હતો. તુવાલુએ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડીને દરિયાની સપાટીને આગળ વધતી અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મત પ્રગટ કરીને ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૦૮માં બ્રિટિશ રાજા સાથે સ્વતંત્ર બંધારણીય રાજશાહી માટે મતદાનનો પ્રયાસ થયો હતો. ચીન અને તાઇવાન વચ્ચે સાર્વભૌમત્વનો વિવાદ વર્ષોથી ચાલે છે. ચીન તાઇવાનને સ્વતંત્ર દેશ નહી પરંતુ પોતાનો ભાગ ગણે છે.કોઇ પણ દેશના સર્વોચ્ચ વડા તાઇવાનની મુલાકાત લે તે ચીનને ગમતું નથી. ૨૦૨૨માં પેસિફિક રાજયો તરફથી રાજદ્વારી માન્યતા માટે તુવાલુના
વડાપ્રધાન કોસેઆ નાટોનોએ તાઇપેઇની મુલાકાત લેતા ચીન નારાજ થયું હતું. તુવાલુનું જીઓ પોલિટિકસમાં મહત્વ હોવાથી ચીન તુવાલુને આંખ બતાવતું રહયું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમોના અહેવાલ મુજબ તુવાલુમાં કોઇ જ રાજકીય પક્ષ નથી. વફાદારી વ્યકિતગત અને ભૂગોળની આસપાસ ફરે છે.૧૫ સભ્યોની સંસદ દર ચાર વર્ષે લોકપ્રિયતાના ધોરણે ચૂંટાય છે. વડાપ્રધાનની પસંદગી સાંસદો દ્વારા કરવામાં આવે છે. જાન્યુઆરી ૨૦૨૪ની સામાન્ય ચુંટણીઓ પછી કૌસેઆ નાટોનોના સ્થાને ફેલેટી ટીઓને વડાપ્રધાન તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. નાટોનોએ દક્ષિણ પેસિફિકમાં પ્રભાવ જમાવવા ચીન-તાઇવાન અને અમેરિકાના ઝગડામાં પોતાની ખુરશી ગુમાવવી પડી હતી.
૨૦૨૩માં આબોહવા પરિવર્તનથી થનારા વિસ્થાપન માટેની ફાલેપિલી યુનિયન સંધી પર વડાપ્રધાન નાટાનોએ ઓસ્ટ્રેલિયા સાથે હસ્તાક્ષર કર્યા હતા. કરારની શરત મુજબ બદલામાં આ કરાર ઓસ્ટ્રેલિયાને તુવાલુના વિદેશી સુરક્ષા કરારો પર વીટો પાવર આપે છે. નિષ્ણાતોનું માનવું છે કે તુવાલુ દેશવાસીઓ સમયની સાથે ફાલેલેપી યુનિયન હેઠળ ઓસ્ટ્રેલિયામાં શિફટ થઇ જશે પરંતુ તેમની પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસો ભૂંસાય નહી તે જોવું પણ જરુરી છે. લોકો અંગ્રેજી જ નહી તુવાલુઅન ભાષા પણ બોલે છે. અઢળક યાદોે પરંપરાઓ અને જમીન સાથે જોડાયેલી લાગણીઓ છોડવી અઘરી હશે. કશુંક નવું શીખવા,મેળવવા કોઇ સ્વૈચ્છાએ પોતાનું વતન છોડે અને મજબૂરીથી છોડે એમાં જમીન આસમાનનો ફરક હોય છે. ટાપુ છોડીને વસવાટ કર્યા પછી પોતાની સંસ્કૃતિને જાળવી રાખવી એક પડકારજનક હશે. આખો દેશ બીજા દેશમાં શિફટ થઇ રહયો હોવાની આ પ્રથમ ઘટના છે જે જળવાયુ પરિવર્તન અને તેની અસરોને સમજવા માટે ઉદાહરણરુપ છે એમાં શંકાને સ્થાન નથી.