- મીડ વીક- હસમુખ ગજજર
- 2013માં અમેરિકાએ ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં નામ જાહેર કર્યુ હતું પરંતુ હવે તે સીરિયાનો રાષ્ટ્રપતિ હોવાથી અતિત ભૂલીને વ્હાઇટ હાઉસમાં સ્વાગત થયું હતું.
આં તરરાષ્ટ્રીય રાજકારણ ખૂબજ પેચિંદુ અને અટપટ્ટુ હોય છે. આબોહવાની જેમ અચાનક જ પલટાય ત્યારે દોસ્ત દૂશ્મન અને દુશ્મન દોસ્ત બની જાય છે. એક સમયના ગ્લોબલ ટેરરિસ્ટ અહેમદ અલ શારાએ સીરિયાના રાષ્ટ્રપતિ બન્યા પછી ગત ૧૦ નવેમ્બરે અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી. ફ્રાંસના ઉપનિવેશવાદમાંથી આઝાદી મેળવ્યા પછી સીરિયાના કોઇ શાસકે પહેલીવાર વ્હાઇટ હાઉસમાં પગ મુકયો હતો. કટ્ટર જેહાદી અલકાયદા સંગઠન વતી અમેરિકા વિરોધી લડાઇ લડેલા આ શખ્સની વિશ્વની મહાસત્તા સ્વાગત કરશે એવું તો કોઇએ ધાર્યુ ન હતું. અહેમદ અલ શારાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રાચીન સીરિયાઇ કલાકૃતિઓ ભેટ આપી હતી જેમાં ઇતિહાસની પ્રથમ વર્ણમાલા, પ્રથમ સિક્કો અને પ્રથમ મ્યુઝિક નોટનો સમાવેશ થતો હતો. બંને નેતાઓ વચ્ચે મજબૂત સંબંધો અને મધ્ય પૂર્વમાં ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી સંગઠનો સામે લડવા માટે સીરિયાની ભૂમિકા અંગે ચર્ચા થઇ હતી. અહેમદ અલ શારા નવેમ્બર ૨૦૨૪માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાનું નામ અબૂ મોહમ્મદ અલ જોલાની હતું. એક સમયે જોલાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનો ખાસ ગણાતો હતો.૨૦૧૩માં યુએન અને અમેરિકાએ વૈશ્વિક આતંકવાદીઓની યાદી જાહેર કરી જેમાં જોલાનીનું નામ હતું. વૉન્ટેટ જોલાની પર ૧ કરોડ ડોલરનું ઇનામ પણ હતું. અલ અહેમદ શારાની વર્તમાન ઉપલબ્ધિએ છે સીરિયામાં બશર અલ-અસદના વર્ષ ૨૦૦૦થી ચાલતા શાસનનો અંત લાવી દીધો છે. અગાઉ બશરના પિતા હફીઝ અલ અસદના ૨૯ વર્ષના શાસનને ઉમેરીએ તો અસદ પરિવારનું ૫૦ વર્ષ સુધી સીરિયા પર નિયંત્રણ રહયું હતું.બશર અલ અસદના નબળા વહીવટ અને નિર્ણયોને લીધે સીરિયામાં ૧૩ વર્ષ ગૃહયુધ્ધ ચાલ્યું જેમાં ૫ લાખથી વધુ લોકો હોમાયા હતા. સીરિયામાં વર્ષોથી ચાલતા વર્ગવિગ્રહ, સ્ટેટ આતંકવાદ અને સત્તા સંઘર્ષમાં આંતરરાષ્ટ્રીય ડખલગીરી પણ હતી. અહેમદ અલ શારાના નેતૃત્વમાં ગત નવેમ્બર ૨૦૨૪માં 'હયાત તહરીર અલ શામ' (એચટીએસ) સંગઠન રાજધાની દમિશ્ક તરફ આગળ વધ્યું ત્યારે રશિયા પણ બશરની મદદે આવ્યું નહી. બશર પરિવારના શાસનના અંત પછી સીરિયા સાથે જોડાયેલું મધ્યપૂર્વનું રાજકારણ બદલાઇ ગયું છે. પૂર્વ ગ્લોબલ આતંકી જોલાની અહેમદ અલ શારાના સ્વરુપે હિરોની ભૂમિકામાં છે. અમેરિકાને હવે અહેમદ અલ શારાના ભૂતકાળ સાથે કોઇ લેવા દેવા નથી માટે જ તો ગ્લોબલ ટેરરિસ્ટમાંથી તેનું નામ પણ કાઢી નાખ્યું છે.
અહેમદ અલ શારા ઉર્ફે અબુ મોહમ્મદ અલ જોલાનીએ અલકાયદા ઉપરાંત ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા (આઇએસ)ના લિડર અબૂ બક્ર અલ બગદાદી સાથે પણ કામ કર્યુ હતું.પિતા અહેમદ હુસેન ૧૯૮૯માં પરિવાર સાથે સાથે સાઉદી અરબથી સીરિયા રહેવા આવ્યા ત્યારે જોલાની ૭ વર્ષનો હતો. જોલાનીએ ૨૦૦૦ના વર્ષમાં દમિશ્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું ત્યારે ઇસ્લામવાદી કટ્ટરપંથી વિચારધારા ધરાવનારા લોકો સાથે ભેટો થયો હતો. આ સમયગાળામાં ઓસામા બિન લાદેનની લીડરશીપમાં આતંકી સંગઠન અલ કાયદા મિડલ ઇસ્ટમાં પગપેસારો કરી રહયું હતું. ૨૦૦૩માં અમેરિકા ઇરાક પર હુમલો કરવાનું છે તેવી માહિતી મળતા મેડિકલનો અભ્યાસ છોડીને જંગ લડવા ઇરાક જતો રહયો હતો. ઇરાકમાં અલ કાયદાના કેટલાક નેતાઓના સંપર્કમાં આવ્યો હતો. ૨૦૦૬માં અમેરિકી સેનાએ જોલાનીને પકડીને પાંચ વર્ષ જેલમાં પુરી દીધો હતો. પાંચ વર્ષ પછી ૨૦૧૧માં જેલમાંથી છુટયા પછી અબુ બકર બગદાદી સાથે મુલાકાત કરી હતી. બગદાદીએ જોલાનીને અલ કાયદા સંગઠનના વિસ્તાર માટે સીરિયા મોકલ્યો.જોલાનીએ ૨૦૧૧માં સીરિયામાં અલકાયદાની એક શાખા તરીકે જ જબાત અલ -નૂસરા અથવા તો નુસરા ફ્રન્ટની સ્થાપના કરી હતી. અલ નુસરા ફ્રન્ટનું મુખ્યકામ આત્મઘાતી હુમલાઓ કરીને બશર અલ અસદ સરકારની ઉંઘ હરામ કરવાનું હતું. બગદાદીએ પછીથી ૨૦૧૪માં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)ની રચના કરી હતી. બગદાદીએ નવા સંગઠનમાં જોડાવા જોલાનીને આદેશ કર્યો પરંતુ જોલાનીએ સાફ ના પાડી દીધી હતી. જોલાનીએ સીરિયામાં સ્વતંત્ર રીતે સક્રિય રહેવાનું પસંદ કર્યુ હતું.૨૦૧૭માં જોલાનીએ 'હયાત તહરીર અલ શામ'(એચટીએસ)ની સ્થાપનાની જાહેરાત કરી હતી. એચટીએસનો એક માત્ર ઉદ્દેશ બશર અલ-અસદ સરકારને ઉથલાવવાનો હતો. ૨૦૨૨માં યુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરુ થતા રશિયાએ પોતાના સૈનિકોને સીરિયામાંથી બહાર કાઢવા માંડયા હતા. ઓકટોબર ૨૦૨૩થી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જંગ શરુ થતા હમાસ પણ સીરિયામાં ડખલગીરી કરવાથી દૂર રહયું હતું. લેબનોનનું હિજબુલ્લાહ સંગઠન સુપ્રિમ લિડર હસન નસરલ્લાહના મુત્યુ પછી નબળંુ જણાતું હતું. આવી સાનુકૂળ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને જોલાનીએ માત્ર ૧૧ દિવસમાં જ સીરિયામાં સત્તા પરિવર્તન કરીને ગાદી સંભાળી લીધી હતી. ૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ હમા શહેર પર કબ્જો કર્યા પછી જોલાનીનું અસલી નામ અહમદ અલ શારા હોવાનું ખુૂદ એચટીએસે જાહેર કર્યુ હતું.
અહેમદ અલ શારાએ દમિશ્કની ૧૩૦૦ વર્ષ જુની પવિત્ર મસ્જિદ ઉમય્યદ પાસેના સંબોધનમાં સીરિયા બધાનું છે અને કોઇની સામે બદલો લેવામાં નહી આવે તેવી જાહેરાત કરીને ઉદારવાદી ચહેરો રજૂ કર્યો હતો. ૧૦ માર્ચ ૨૦૨૫ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થકો અને અલાવી સમુદાયના ૧૦૦૦થી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. સુન્ની બેડોઇન લડવૈયા અને ડુઝ મિલિશિયા વચ્ચે હિંસા ખૂબ મોટો પ્રશ્ન છે. સીરિયાની ધરતી ઇઝરાયેલ વિરોધી આતંકી જૂથોનો ગઢ રહી છે. ૧૯૬૭માં કબ્જે કરેલી ગોલાન હાઇટ્સ પર સ્થિતિ મજબૂત બનાવવા ઇઝરાયેલે પણ હુમલા કર્યા છે. ખાસ કરીને નવા સીરિયન નેતૃત્વ દ્વારા થતી રંજાળથી ડ્ડુઝ લઘુમતિને ઇઝરાયેલ બચાવવા માંગે છે.અમેરિકા ઇઝરાયેલ સાથેના સંબંધોનું સંતુલન રાખીને પૂર્વ ગ્લોબલ ટેરરિસ્ટમાંથી રાષ્ટ્રપતિ બનેલા અલ અહેમદ શારાને મહત્વ આપવામાં માને છે. અગાઉ ટ્રમ્પ અને અલશારા વચ્ચે પ્રથમ મુલાકાત સાઉદી અરબમાં થઇ ત્યારે ટ્રમ્પે યુવા આકર્ષક અને સખ્ત વ્યકિત ગણાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સીરિયાને અમેરિકા વિરોધી આઇએસઆઇએસને હરાવવા માટેના વૈશ્વિક સંગઠનમાં જોડવા ઇચ્છે છે. તાજેતરમાં થયેલી સીરિયાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને આવકારીને મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે અહેમદ અલ શારાને બીજી વાર મળવા માટે પણ આતૂરતા દર્શાવી છે. ટ્રમ્પ માને છે કે મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે
સીરિયાનું સફળ હોવું ખૂબ જરુરી છે. આથી જ તો અમેરિકાના આર્થિક વિભાગે સીઝર એકટ હેઠળ લગાવેલા પ્રતિબંધોમાં ૧૮૦ દિવસની છુટ આપી છે. સીરિયાના આર્થિક પુર્નનિર્માણ અને સ્થિરતા માટે અમેરિકા મદદ કરવા ઇચ્છે છે. અમેરિકી સરકાર સીરિયા માટે રાજય પ્રાયોજિત આતંકવાદ (એસએસટી) યાદીની પણ સમિક્ષા કરી રહી છે. બદલાયેલી પરિસ્થિતિમાં અમેરિકા સીરિયાને વોશિંગ્ટનમાં પોતાનું દુતાવાસ ફરીથી ખોલવાની મંજુરી આપી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાની કાયદેસરતા અને સમર્થન મેળવવુંએ સીરિયન રાષ્ટ્રપતિની મોટી સિધ્ધિ છે. અમેરિકાની સિરિયા અને મધ્યપૂર્વની નીતિમાં આવેલો આ મોટો બદલાવ છે. એક વાત એ પણ નોંધવા જેવી છે કે દુશ્મનાવટ ભૂલીને મુલાકાત કરવામાં અહેમદ અલ-શારા પણ સારી કુશળતા ધરાવે છે. અગાઉ ઓકટોબરની મધ્યમાં મોસ્કો જઇને રશિયા સાથે ઉર્જા, તેલ અને માળખાગત સોદા, લશ્કરી થાણાઓ અને પોર્ટ સુધી સતત પ્રવેશની આપ લે મુદ્વે ચર્ચા કરી હતી.
અહેમદ અલ શારા સીરિયાને આંતરરાષ્ટ્રીય અલગાવવાદથી બહાર લાવવાની દિશામાં કામ કરી રહયા છે. ૧૩ વર્ષના યુધ્ધ પછી વિદેશી મદદથી સીરિયાનું પુર્ન નિર્માણ માટે પ્રયાસ કરી રહયા છે.સીરિયામાં ચલાવેલા સૈન્ય અભિયાન પછી રાષ્ટ્રપતિ બનેલા અહેમદ અલ શારા પોતાની સાર્વજનિક છબીને સુધારવા માંગે છે. અમેરિકા ભલે ઇસ્લામિક સ્ટેટના અસ્તિત્વને ખતમ કરીને મિડલ ઇસ્ટમાં વિદેશી આતંકવાદીઓની એન્ટ્રી રોકવામાં સીરિયાની મોટી ભૂમિકા જોઇ રહયું હોય પરંતુ સીરિયામાં વિવિધ જેહાદી સંગઠનોના મૂળિયા ખૂબ ઉંડા હોવાથી અલ શારાએ લડત આપવી સરળ નથી. સીરિયામાં વિવિધ પ્રકારના સમુદાયો અને સંગઠનો વર્ષોથી લડતા આવ્યા છે તેમને એકિકૃત કરવાએ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ટ્રમ્પ ભલે અલ અહેમદ શારાને કઠિન પરિસ્થિતિમાંથી ઉભરી આવેલા કડક અને મજબૂત નેતા ગણે પરંતુ તેમનું નવું શાસન પણ દૂધે ધોયેલું નથી. સીરિયામાં હજુ પણ અલ્પ સંખ્યકોને રંજાળવાનું અને હત્યાઓ ચાલુ છે. સીરિયામાંથી જેહાદીઓનો ખાતમો થઇ ગયો છે એવું ઇઝરાયેલ પણ માનવા તૈયાર નથી. એક સમયના ગ્લોબલ ટેરરિસ્ટ રહેલા સીરિયન રાષ્ટ્રપતિ અમેરિકાના હોમવર્કને કેવી રીતે પાર પાડે છે તેના પર મધ્યપૂર્વની શાંતિ અને બંને દેશોના સંબંધોનો મદાર રહેલો છે એમાં શંકાને સ્થાન નથી.


