- મીડ વીક- હસમુખ ગજજર
- પાણીની કાયમી અછત ધરાવતા ખાડી દેશો વિશ્વના ડિસેલિનેટેડ પાણીનું ૪૦ ટકા જેટલું ઉત્પાદન કરે છે. યુધ્ધ સતત લંબાતું જાય ત્યારે હુમલામાં નાગરિક સંસ્થાનો અને જળ સંસાધનો ભોગ બનતા હોય છે
અ મેરિકા-ઇઝરાયેલ વર્સિસ ઇરાન યુધ્ધમાં ક્રુડ તેલ અને ગેસની કટોકટીની સાથે વોટર યુધ્ધની ચર્ચાએ પણ જોર પકડયું છે. આમ તો જીવસૃષ્ટિનો પ્રાણ ગણાતા જળ સંસાધનો કયારેય યુધ્ધનો ભોગ બનવા જોઇએ નહી પરંતુ ઇરાન યુધ્ધમાં બે થી ત્રણ જેટલી ઘટનાઓ બની છે જે જળ સંસાધનો માટે ચિંતા પ્રેરે તેવી છે. ૭ માર્ચના રોજ ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો હતો કે ઇરાનના કેશ્મ ટાપુ પર એક મીઠા પાણીના ડિસેલિનેશન વોટર પ્લાન્ટ પર યુનાઇટેડ સ્ટેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાથી ૩૦ જેટલા ગામોનો પાણી પુરવઠો ખોરવાઇ ગયો હતો.બીજા દિવસે બહેરીન સરકારે પણ ઇરાની ડ્રોન હુમલાથી તેના એક વોટર ડિસેલિનેશન પ્લાન્ટના માળખાને નુકસાન થયું હોવાનો આરોપ મુકયો હતો. ઇરાનની મિસાઇલો અને ડ્રોનએ માત્ર ઇઝરાયેલ જ નહી સાઉદી અરબ, કુવૈત, કતાર, ઓમાન, યુએઇ,ઇરાક અને બહેરીનને પણ ટાર્ગેટ કર્યા છે. આ ગલ્ફ દેશોમાં અમેરિકા દ્વારા સ્થાપિત મિલિટરી બેઝ સામે ઇરાનને વાંધો છે.ઘણીવાર યુધ્ધ કરવાનો નિર્ણય લેવો સરળ હોય છે પરંતુ બંધ કરવું અઘરું હોય છે. બંને પક્ષકારો વચ્ચે ખટાશ અને ગેર સમજણ વધી જાય ત્યારે યુધ્ધ તેના મૂળ ઉદ્દેશથી જુદી જ દિશામાં ફંટાતું રહે છે. યુધ્ધ પોતે જ એક સમસ્યા છે. યુધ્ધમાં બદલાની ભાવના એટલી બધી વધી જાય છે કે નાગરિક સંસ્થાનો અને જળ સંસાધનો પણ યુધ્ધનો ભોગ બનતા હોય છે. વર્ષોની મહેનત પછી જળ વ્યવસ્થાપન માળખું ગોઠવાયું હોય તેના પર પાણી ફરી વળે છે. સૌ જાણે છે કે પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)ના આરબ દેશો પાણીની કાયમી કારમી અછત ધરાવે છે.નહિંવત વરસાદ અને ભૂગર્ભ જળ ઉંડા હોવાથી દરિયાના ખારા ધૂંધ પાણીને મીઠુ બનાવવામાં આવે છે. અશુધ્ધિઓ ધરાવતા અત્યંત ખારા પાણીને પીવાલાયક બનાવવાની એક પ્રક્રિયાને ડિસેલિનેશન કહેવામાં આવે છે.ડિસેલિનેશનએ દરિયાઇ પાણીમાંથી મીઠું અને ખનિજો દૂર કરવાની ટેકનિક છે જેના થકી પાણી માનવ વપરાશ અને સિંચાઇ માટે યોગ્ય બને છે. આરબ દેશો માટે દરિયાકાંઠે વોટર ટ્રીટમેન્ટ લાઇફલાઇન સમાન છે. ડિસેલિનેશન પાણી ગુણવત્તા અને પુરવઠા માટે સારી બાબત છે પરંતુ આના પરની અતિ નિર્ભરતા યુધ્ધ અને કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં જોખમ ઉભા કરે છે.
પેસિફિક ઇન્સ્ટિટયૂટના વોટર કોન્ફિલકટ ક્રોનોલોજી ડેટાબેઝમાં ભૂતકાળના સંઘર્ષોમાં જળ સંસાધનો પર થયેલા હુમલાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. ૧૯૯૧ના ગલ્ફ યુધ્ધ દરમિયાન ઇરાકે ઇરાદાપૂર્વક કુવૈતની ડિસેલિનેશન ક્ષમતાનો મોટો ભાગ નાશ કર્યો હતો.૨૦૧૬ અને ૨૦૧૭માં યમનમાં ડિસેલિનેશન પ્લાન્ટ પર સાઉદી અરબ અને સાથી દળો દ્વારા બોંબમારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૯ અને ૨૦૨૨માં હુથી દળો પર સાઉદી અરબના ડિસેલિનેશન પ્લાન્ટ પર મિસાઇલો ચલાવવાનો આરોપ મુકાયો હતો. ઓકટોબર ૨૦૨૩માં હમાસ હુમલા પછી ઇઝરાયેલે ગાઝામાં ચલાવેલા લાંબા સૈન્ય અભિયાનમાં ડિસેલિનેશન સહિતની જળ સંચાલન વ્યવસ્થાને નુકસાન પહોંચાડયું હતું. સાડા ત્રણ દાયકા પહેલા અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી હતી કે મોટા ભાગના આરબ દેશોમાં ડિસેલિનેશન સુવિધાઓમાં કોઇ પણ પ્રકારનો અવરોધ ગંભીર પરિણામો લાવી શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદો પીવાના પાણીની વ્યવસ્થા સહિત નાગરિક વસ્તીના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ એવી માળખાગત સુવિધાઓ પર હુમલાઓને સ્પષ્ટપણે પ્રતિબંધિત કરે છેે. ૧૯૭૭ના જીનીવા સંમેલનના પ્રોટોકલની કલમ ૫૪માં જણાવાયું છે કે નાગરિક વસ્તીના અસ્તિત્વ માટે અનિવાર્ય એવી પ્રાથમિક વસ્તુઓ જેમકે ખાધ પદાર્થો,ખાધ ઉત્પાદન માટે કૃષિ વિસ્તારો, પશુધન, પીવાના પાણીના સ્થળો અને સિંચાઇ કાર્યો પર હુમલો કરીને નાશ કરવો કે નુકસાન કરવું ઉચિત નથી. બર્લીનના જળ સંસાધન નિયમો પણ આ પરંપરાગત આંતરરાષ્ટ્રીય કાયદાને સૂચીબદ્ધ કરે છે. વર્તમાન સમયમાં ચાલી રહેલા ઇરાન યુધ્ધમાં ડિસેલિનેશન પ્લાન્ટ પર વ્યાપક હુમલા થાય તો ક્રુડ કરતા પણ મોટી ક્રાઇસિસ સર્જાય તેવી શકયતા રહેલી છે. પૃથ્વી પર કુદરતી રીતે મીઠા પાણીના જળ સંસાધનો મર્યાદિત અને અસમાન રીતે વિતરિત થયેલા છે. પાણીની અછતને પહોંચી વળવા માટે દરિયામાં વિશ્વના સૌથી વધારે ૪૦૦ જેટલા ડિસેલિનેશન પ્લાન્ટ સાઉદી અરબ, યુએઇ, કુવૈત, ઓમાન, કતાર અને બહેરીન જેવા દેશોમાં કાર્યરત છે. પાણી પીવા માટે સલામત છે તેની ખાતરી કરવા માટે તેને જંતુમુકત કરવામાં આવે છે ત્યાર બાદ ઘર વપરાશ, વ્યવસાય અને ઉધોગોમાં ઉપયોગ માટે બોટલોમાં ભરાય છે. ગલ્ફમાં આ ડિસેલિનેશન પ્લાન્ટ ખારા પાણીના નિકાલ સહિતની પર્યાવરણીય સમસ્યાઓ ધરાવે છે તેમ છતાં પાણી પુરવઠા માટે અનિવાર્ય જણાય છે. વિશ્વના કુલ ડિસેલિનેટેડ પાણીનું ૪૦ ટકા જેટલું ઉત્પાદન ગલ્ફ દેશોમાં થાય છે. ગલ્ફનું સમગ્ર અસ્તિત્વ અને ચમક-દમક ડિસેલિનેશન ટેકનીકને આભારી છે. સાઉદી અરબ, કુવૈત, બહેરીન, યુએઇ અને ઓમાનની સંયુકત વસ્તી ૬.૨૦ કરોડ જેટલી થાય છે. ગલ્ફમાં ઝડપથી વિકસી રહેલા શહેરો, ઔધોગિક ક્ષેત્રો અને થોડા ગણા કૃષિક્ષેત્રો પાણી માટે ભૂગર્ભજળ અને મોટે ભાગે તો દરિયામાં નાખવામાં આવેલા ડિસેલિનેશન વોટર પ્લાન્ટ પર આધાર રાખે છે.
સંયુકત રાષ્ટ્રએ પ્રતિ વ્યકિત વાર્ષિક ૫૦૦ કયૂબિક મીટરથી ઓછા પાણીની ઉપલબ્ધતાને અછત ગણાવી છે. જયારે સાઉદી અરબ, યુએઇ, કુવૈત, ઓમાન, કતાર અને બહેરીન વગેરે દેશો કુદરતી મીઠા પાણીનો સરેરાશ માથાદીઠ હિસ્સો પ્રતિ વર્ષ માત્ર ૧૨૦ ઘન મીટર જ ધરાવે છે. અહીં કોઇ કાયમી નદી વહેતી નથી અને માંડ વરસતા વરસાદમાં જ પાણીના વહેણ જોવા મળે છે. ગલ્ફ દેશો પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને ભરવા માટે ડિસેલિનેશન પર ખૂબ આધાર રાખે છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી)ના સ્ટેટેસ્ટિકલ સેન્ટરના ૨૦૨૩ના ડેટા મુજબ ૬ ગલ્ફ દેશોએ ડિસેલેનિશન દ્વારા ૭.૨ અબજ ઘન મીટર એટલ કે ૧.૯ ટ્રિલિયન ગેલન પાણીનું ઉત્પાદન કર્યુ હતું. કુવૈત અને ઓમાનમાં તો ૯૦ ટકા પીવાનું પાણી
ડિસેલિનેશનથી આવે છે.૩૭ મિલિયન રહેવાસીઓ સાથે સૌથી વધુ વસ્તી ધરાવતા સાઉદી અરબે વર્ષ ૨૦૨૩માં ૩ અબજ ઘન મીટર ડિસેલિનેટેડ પાણીનું ઉત્પાદન કર્યુ હતું. ખાડી દેશોમાં કતાર પણ ડિસેલિનેશન દ્વારા પાણી પર સૌથી વધુ નિર્ભર છે. તેના ૧.૧ અબજ ઘન મીટર વાર્ષિક પાણી પુરવઠામાંથી લગભગ ૨૨ ટકા ભૂગર્ભજળમાંથી અને ૧૮ ટકા વરસાદી પાણીમાંથી આવે છે. ફકત પીવાના પાણીની વાત આવે ત્યારે ૩.૨ મિલિયન લોકો મોટે ભાગે ડિસેલિનેશન પર જ આધાર રાખે છે. બહેરીન તેના કુલ ૦.૫ અબજ ઘન મીટર વાર્ષિક રાષ્ટીય પાણી પુરવઠામાંથી ૫૯ ટકા ડિસેલિનેશન દ્વારા મેળવે છે.૧૧ ટકા વરસાદી જળ અને ૩૨ ટકા ભૂગર્ભ જળ પર આધાર રાખે છે જો કે પીવાના પાણીની વાત આવે ત્યારે ૧.૬ મિલિયન લોકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર મદાર રાખે છે. કુવૈત તેના વાર્ષિક ઉપયોગમાં લેવાતા ૧.૭ અબજ ઘન મીટર પાણીમાંથી ૪૭ ટકા ડિસેલિનેશન દ્વારા મેળવે છે જયારે ૫૧ ટકા ભૂગર્ભજળ અને વરસાદ પર આધાર રાખે છે. યુએઇમાં લગભગ ૪૫ ટકા પાણી ડિસેલિનેશનમાંથી જયારે ૪૬ ટકા ભૂગર્ભજળમાંથી મેળવવામાં આવે છે. ઓમાન તેના ૪.૭ મિલિયન રહેવાસીઓ માટે વાર્ષિક કુલ ૨.૨ અબજ ઘન મીટર પાણીમાંથી ૨૩ ટકા ડિસેલિનેશનમાંથી ઉત્પન્ન કરે છે ત્યાર બાદ ભુગર્ભ જળ ૬૯ ટકા છે અને બાકીનું પાણી વરસાદ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાંથી મેળવવામાં આવે છે.
ડિસેલિનેશન પ્લાન્ટ અત્યંત ખર્ચાળ અને મોંઘા હોય છે. તેની સ્થાપનાથી માંડીને મરામત પાછળ ખૂબજ ખર્ચ થાય છે. આ મુખ્યત્વે થર્મલ ડિસ્ટિલેશન અથવા રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) દ્વારા પ્રાપ્ત થાય છે. અશ્મિભૂત ઇંધણનો સઘન ઉપયોગ અને ખૂબજ ખારા પાણીના નિકાલ સાથે સંકળાયેલી પર્યાવરણીય સમસ્યાઓ પણ જોડાયેલી છે. કુદરતી રીતે જ પાણીની અછત ધરાવતા ગલ્ફ દેશોમાં પાણી પુરવઠા માટે ડિસેલિનેશન પ્લાન્ટ જ કારગર બન્યા છે. ગલ્ફ દેશો ઉપરાંત ઇઝરાયેલ પણ ઇઝરાયેલના પીવાલાયક પાણીનો અડધો ભાગ પાંચ મોટા દરિયાકાંઠાના ડિસેલિનેશન પ્લાન્ટમાંથી આવે છે.ઇઝરાયેલ ડિસેલિનેશન વોટર ટેકનિકમાં ખૂબ આગળ છે અને તેને મોટા પ્રમાણમાં મૂડી રોકાણ પણ કરેલું છે. યુધ્ધની સ્થિતિમાં દરિયાકાંઠે ધમધમતા સેંકડો ડિસેલિનેશન પ્લાન્ટ પર જો હુમલા થાય તો જળ કટોકટી સર્જાતા વાર લાગે નહી. ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા યુધ્ધ લંબાતું જશે તેમ આ જોખમ પણ વધતું જવાનું છે. ડિસેલિનેશન પ્લાન્ટને નુકસાન થાય તો અવલંબિત દેશોએ પાણી માટે ટળવળવાના દિવસો આવે. ક્રુડ તેલ અને ગેસ તો અર્થતંત્ર માટે જરુરી છે જયારે પાણી વગરના જીવનની કોઇ પણ માનવ સમાજ કલ્પના પણ કરી શકે નહી.


