Get The App

ગાઓકાઓ : વિશ્વની સૌથી અઘરી અને લાંબી પ્રવેશ કસોટી

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
ગાઓકાઓ : વિશ્વની સૌથી અઘરી અને લાંબી પ્રવેશ કસોટી 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- ચીનની આ ગાઓકાઓે નામની પ્રવેશ કસોટીમાં લાખો યુવાઓ પર સારા માર્કસ લાવવાનું પ્રચંડ માનસિક દબાણ રહે છે

પૃ થ્વી પરના જીવોમાં કુદરતે માણસને જ વિચારવા દિમાંગ અને વિચારીને કાર્ય કરવાની શકિત આપી છે. માણસ માહિતી અને જ્ઞાનનો મગજમાં સંગ્રહ કરી શકે છે, જરુર પડે વાંચી,બોલી કે કાગળમાં અભિવ્યકત કરી શકે છે. ભણતર અને ડિગ્રી વચ્ચે લેવાતી કસોટી તેનું પ્રગટ સ્વરુપ છે. વિશ્વમાં શિક્ષણક્ષેત્રે જેટલા વિવાદ જોવા મળે છે તેટલા કયાંય જોવા મળતા નથી. કેટલું ભણાવવું ? કેવું ભણાવવં્ ? શું ભણાવવું અને કસોટી કેવી રીતે લેવી ? ગુણ કેવી રીતે આપવા, પ્રવેશ કેવી રીતે આપવો આવી તો અનેક બાબતો છે જેને લઇને નિરાકરણ આવતું નથી. ચીનમાં દર વર્ષે ૭ થી ૧૦ જૂન દરમિયાન વિશ્વની સૌથી લાંબી અને અઘરી ગણાતી 'ગાઓકાઓ'નામની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. ચીનની આ ગાઓકાઓ પરીક્ષા અને તેની પધ્ધતિ દર વર્ષે ચર્ચામાં આવે છે. તાજેતરમાં ૧.૩૩ કરોડ વિધાર્થીઓએ એક સાથે ગાઓકાઓ આપી હતી. સંખ્યાની રીતે એક સાથે આટલા બધા સ્પર્ધકો પ્રવેશ પરીક્ષા આપે એ પણ વિક્રમજનક છે.  ચીની ભાષામાં ગાઓકાઓનો અર્થ ઉચ્ચ પ્રવેશ કસોટી થાય છે. ધોરણ ૧૨ સુધી હાઇસ્કૂલ શિક્ષણ મેળવ્યા પછીના ઉચ્ચ અભ્યાસ માટે ગાઓકાઓ પ્રવેશ પાસ કરવી પડે છે. આ પરીક્ષાના માર્કસના આધારે જ ટોપ યુનિવર્સિટીઓમાં સ્થાન મળશે કેે સામાન્ય કોલેજમાં તે નકકી થાય છે. પરીક્ષા આપવા માટે ઉંમરની કોઇ જ મર્યાદા નથી. પસંદગીની યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ફરી પરીક્ષા આપી શકાય છે પરંતુ તેના માટે ૧ વર્ષની રાહ જોવી પડે છે. ત્રણ થી ચાર દિવસ સુધી ચાલતી પ્રવેશ પરીક્ષામાં ગણિત,ચીની ભાષા અને કોઇ પણ વિદેશી ભાષા જેમાં સામાન્ય રીતે અંગ્રેજી હોય છે. આ ઉપરાંત વિધાર્થી હાઇસ્કૂલમાં જે વિષયો ભણ્યા છે જેમકે આર્ટસ અને સાયન્સ જેવા મહત્વના વિષયોની પણ પરીક્ષાનો સમાવેશ થાય છે. આ બહુ દિવસીય પરીક્ષામાં ગણિત, અંગ્રેજી ઉપરાંત, ભૌતિકી, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે.  દેશના વિવિધ પ્રાંતોમાં એક સાથે પરીક્ષા થતી હોવાથી જાણે કે યુધ્ધ હોય તેવા ટેન્શનનો માહોલ ઉભો થાય છે. પરીક્ષા કેન્દ્રો પર  ચાંપતી નજર રાખવા માટે જીપીએસનો ઉપયોગ થાય છે. ડ્રોનની મદદથી હવાઇ સુરક્ષા ઉભી કરવામાં આવે છે. પ્રશ્નપત્રોને પરીક્ષા સેન્ટર્સ સુધી પહોંચાડવા માટે જીપીએસ ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ બાંધકામ વર્ક અટકાવી દેવામાં આવે છે. બાળકો માટે આવન જાવન માટે ખાસ વાહનની વ્યવસ્થા કરવામાં આવે છે. રોજીંદા ટ્રાફિકનો માર્ગ બદલી નાખવામાં આવે છે. બાળકોને પરીક્ષા આપવામાં ખલેલ ના પડે તે માટે વાહનના હોર્ન વગાડવા પર પ્રતિબંધ મુકાય છે. મેડિકલ ટીમોને એલર્ટ પર રાખવામાં આવે છે. ગાઓકાઓ પરીક્ષા દરમિયાન સમગ્ર સુરક્ષા વ્યવસ્થા આર્મી સંભાળી લે છે. કોઇ નકલ ના કરે કે પેપર ફૂટે નહી તેની પણ કડક વ્યવસ્થા હાથ ધરવામાં આવે છે. ગાઓકાઓમાં ગેરરિતી આચરનારાને જેલની સજાની પણ જોગવાઇ છે. ગાઓકાઓ પરીક્ષા દરમિયાન ચીનમાં પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓનો મેળો જામે છે. વાલીઓ પોતે જાણતા હોય છે કે સંતાન કસોટીમાં ખરુ ઉતરશે તો જ જીવનની દિશા બદલાશે આથી ગાઓકાઓમાં કોઇ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર થતા નથી.  દરરોજ ૯ કલાકનું એક પેપર આપવું પડે છે. આ પરીક્ષા ૩ થી ૪ દિવસમાં પુરી થાય છે પરંતુ તેનો આધાર પરીક્ષા કયા વિસ્તારમાં યોજાઇ રહી છે તેના પર પણ રહેલો છે.

ગાઓકાઓ પ્રવેશ પરીક્ષાના કુલ ૭૫૦ જેટલા પોઇન્ટસ એટલે માર્કસ હોય છે. વિવિધ વિષયોનું માર્કિગ અને વેઇટિંગ જુદંુ જુદું હોય છે. ચાઇનિઝ,મેથેમેટિકસ,અને ફોરેન લેગ્વેંજ માટે ૧૫૦ પોઇન્ટ જયારે બાકીના વિષય જેમકે કેમેસ્ટ્રી,બાયોલોજી, ફિઝિકસ માટે ઓછામાં ઓછા ૧૦૦ પોઇન્ટ નકકી કરવામાં આવ્યા છે. ૭૫૦ માંથી ૫૫૦ એ સારો ગાઆકાઓે સ્કોર ગણાય છે. તેમ છતાં યુનિવર્સિટી અને વિસ્તારની રીતે જોઇએ તો  શાંઘાઇ માટે ૬૬૦ જેટલો સ્કોર પણ ઘણી વાર ઓછો ગણાય છે. ૩૩૦ થી ૩૭૫ જેટલો  સ્કોર હોયતો તે સામાન્ય ગણાય છે. સામાજિક શૈક્ષણિક વ્યવસ્થા ગાઓકાઓની લાયકાત અને ક્ષમતા સાથે જોડાયેલી છે.  એપ સ્ટેટિસ્ટાના જણાવ્યા અનુસાર વિધાર્થીઓ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ વિષયને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે.  ચીનમાં ગાઓકાઓની શરુઆત ૧૯૫૨માં થઇ હતી પરંતુ માઓ જેડાંગની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન ૧૯૬૬ થી ૧૯૭૬માં આ પરીક્ષા બંધ રહી હતી. સાંસ્કૃતિક ક્રાંતિના ગાળામાં એક દાયકા સુધી આ પરીક્ષા સ્થગિત કર્યા પછી ૧૯૭૭માં શરુ થઇ હતી જે હજુ પણ અમલમાં છે. ચીનના દરેક ક્ષેત્રમાં ગાઓકાઓ પરીક્ષાનું પોતાનું એક સ્વરુપ છે પરંતુ સામાન્ય રીતે ચીની ભાષા, ગણિત અને એક વિદેશી ભાષા સાથે જોડાયેલા સવાલો પુછાય છે.

દુનિયાના દરેક દેશને પોતાની આગવી શિક્ષણશૈલી, કસોટી અને મૂલ્યાંકન રીત હોય છે પરંતુ ગાઓકાઓ સૌથી સૌથી અઘરી અને લાંબી ગણાતી પરીક્ષા છે જેમાં સારા માર્કસ લાવવાનું માનસિક દબાણ ચરમસિમાએ હોય છે. આર્થિક સામાજિક સ્ટેટસ અને ઉજજવળ ભવિષ્ય માટે ચીની સ્ટુડન્ટસ ગાઓકાઓમાં શ્રેષ્ઠ માર્કસ લાવવા મથતા રહે છે. ચીની સોશિયલ મીડિયામાં શુભકામનાઓ અને પ્રોત્સાહનનો વરસાદ વરસવા લાગે છે. ચીનના પોતાના સોશિયલ મીડિયા વેઇબો પર ગાઓકાઓ ટોપ સર્ચ વિષય તરીકે ટ્રેન્ડ થાય છે. ચીનની સેલિબ્રિટીઓ અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પરીક્ષા આપનારાઓને મેસેજ પાઠવે છે. મેરિટ આધારિત ગાઆકાઓે પરીક્ષાના પરિણામોને માન સન્માન સાથે જોડવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે દુનિયાની અઘરી ગણાતી પરીક્ષાની તૈયારીઓ બાળકો મહિનાઓ નહી વર્ષો પહેલા કરે છે. હાઇસ્કૂલમાં ચીની શિક્ષકો વિધાર્થીઓને ભણશો નહી તો ગાઓકાઓમાં શું કરશો એમ ટોકતા 

રહે છે.  બાળક પ્રિ સ્કૂલમાં દાખલ થાય ત્યારથી તેના પર બહેતર પ્રદર્શન કરવાનું દબાણ કરાય છે. સહપાઠીઓને  દોસ્ત નહી પરંતુ પ્રતિસ્પર્ધી માને છે. દરરોજ ૧૨ થી ૧૩ કલાક ગાઓકાઓ માટે મહેનત કરવી પડે છે. શહેરોમાં સ્કૂલ પુરી થયા પછી બાળકો ગાઓકાઓ માટે પ્રાઇવેટ કોચિૅંગ જોઇન કરતા હોવાથી પ્રાઇવેટ ટયૂશન કરોડો ડોલરનો મોટો બિઝનેસ છે. વાલીઓ ગાઓકાઓની સફળતા માટે પોતાની જીવનશૈલી ફેરવી નાખે છે. ગાઓકાઓ પરીક્ષા પર અસર પડે તેવી કોઇ પણ પ્રવૃતિ કરવાથી દૂર રહે છે. વાલીઓ  બાળકના કુદરતી ઉછેર અને શોખ પર કાપ મુકીને કસોટીઓના કોઠા પાર કરવા માટે પ્રેરતા રહે છે. વાલીઓ પણ બાળકના કુદરતી ઉછેર અને શોખ પર કાપ મુકીને કસોટીઓના કોઠા પાર  માટે પ્રેરતા રહે છે. નાની ઉંંમરે જ સંતાનને ભણવા ઉપરાંત ગાઓકાઓના કોચિંગ પર ભાર મુકતા હોવાથી બાળકની સ્વતંત્ર વિચારશકિત અને સર્જનાત્મકતા પર વિપરિત અસર થાય છે. વિશાળ વાંચન સામગ્રી અને વ્યાપક યાદ રાખવાની જરુરિયાત પરીક્ષાને અત્યંત અઘરી બનાવે છે.  પરીક્ષામાં વિધાર્થીઓએ લાંબા ગાળા સુધી ધ્યાન કેન્દ્રીત કરવું પડે છે અને સહનશકિત રાખવી પડે છે. પરીક્ષા સિવાયના જીવનના બીજા પાસા કે ટેલેન્ટની બરબાદી થાય છે. યોગ્યતા આધારિત આ પરીક્ષામાં જુદી જુદી પુષ્ઠભૂમિ,રહેણી કહેણીમાંથી આવતા ખૂબ ઓછા વિધાર્થીઓને સારી યુનિવર્સિટીમાં પ્રવેશની તક મળે છે. એક માહિતી મુજબ ચીનમાં સરકારી કોલેજ અને યુનિવર્સિટીઓની કુલ સંખ્યા ૨૮૨૨ જેટલી છે જેમાં ઉચ્ચ વ્યવસાયિક વોકેશનલ સંસ્થાનનો પણ સમાવેશ થાય છે. દુનિયાની ટોપ ૧૫ યુનિવર્સિટીઓમાં ચીનની બે યુનિવર્સિટી ચિગહવા અને પેકિંગનો સમાવેશ થાય છે પરંતુ ૧ કરોડથી વધારે પ્રતિ સ્પર્ધીઓમાં દરેકને આ પ્રકારની ટોપ યુનિવર્સિટીઓમાં પ્રવેશનું સપનું સાકાર થતું નથી. વર્ષે ૭૦૦૦ જેટલા સ્ટુડન્ટનું જ ભાગ્ય ખુલે છે જેમાં પણ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટસનો પ્રવેશ હોય છે. 

ચીનમાં ગાઓકાઓ એક જ ભાષામાં લેવાય છે પરંતુ ભારતમાં વિભિન્ન ભાષાઓ અને સંસ્કૃતિઓ હોવાથી આ પ્રકારની એક પ્રવેશ કસોટી મુશ્કેલ છે. ભારતની આઇઆઇટી જેઇઇ એડવાન્સ, યુપીએસસી બ્રિટનની ઓલ સોલ્સ પ્રાઇઝ ફેલોશિપ ,અમેરિકાની સિસ્કો સર્ટિફાઇડ ઇન્ટરનેટવર્ક એક્ષપર્ટ (સીસીઆઇએ) વગેરેનો પણ દુનિયાની ટફ એકઝામમાં સમાવેશ થાય છે પરંતુ ચીનની ગાઓકાઓ જેટલા વિશાળ સ્તરની નથી જેમાં કરોડોની સંખ્યામાં ઉમેદવારો હોય છે. ચીની સરકાર  ગાઓકાઓ પરીક્ષા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સ્ટુડન્ટસની ગુણવત્તામાં સુધારો લાવતી હોવાનો દાવો કરતી રહે છે પરંતુ વિરોધીઓ માને છે કે ગાઓકાઓ વર્ષોથી લોકો પર સરકારનું નિયંત્રણ રાખવા માટેનું હથિયાર છે.  જાણી જોઇને જ સ્ટુડન્ટસ અને તેમના પરિવાર નાનપણથી જ ગાઓકાઓમાં વ્યસ્ત રાખવામાં આવે છે જયારે ધનાઢયો પોતાના બાળકોને ભણવા માટે વિદેશ મોકલી દે છે. ઉચ્ચ શિક્ષણ માટે ગાઓકાઓ સિસ્ટમ જ એન્ટ્રી ગેટ હોવાથી સરેરાશ યુવાઓ માટે ગાઓકાઓ સદા પડકારજનક કસોટી બની રહે છે. 

Tags :