- મીડ વીક- હસમુખ ગજજર
- ભારતના પાડોશી દેશ શ્રીલંકા (2022) બાંગ્લાદેશ (2024) અને હવે 2025માં નેપાળમાં સત્તા પરિવર્તન ચુંટણીથી નહી પરંતુ જન આક્રોશથી થયું છે. છેલ્લા 3 વર્ષમાં 3 પાડોશી દેશોના લોકશાહી શાસકોએ કાર્યકાળ અધૂરો છોડવો પડયો છે
નેપાળમાં જેન જી આંદોલનની અસરથી કેપી શર્મા ઓલીના સ્થાને ૭૩ વર્ષના મહિલા સુશિલા કાર્કી અંતરિમ વડાપ્રધાન બન્યા છે. નેપાળના ૨૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર કોઇ મહિલાને આ સર્વોચ્ચ પદ મળ્યું છે. નેપાળની સંસદ ભંગ કરી દેવાઇ છે અને ૫ માર્ચ ૨૦૨૬ના રોજ ચૂંટણી થવાની છે. નેપાળમાં ૮ સપ્ટેમ્બરના રોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ ટયૂબ સહિતના ૨૬ જેટલા સોશિયલ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધના વિરોધમાં યુવાઓ રસ્તા પર આવી ગયા હતા. નેપાળમાં ૨૦૦૮માં રાજાશાહી પર પૂર્ણવિરામ મુકયા પછી છેલ્લા ૧૭ વર્ષમાં ૧૪ સરકારો બદલાઇ છે. એક પણ વડાપ્રધાન પોતાનો સળંગ પ વર્ષનો કાર્યકાળ પુરો કરી શકયા નથી. રાજાશાહીમાં થી મુકિત પછી નવા નેપાળની કલ્પના કરવામાં આવી હતી તેમાં શાસકો ઉણા ઉતર્યા હોવાનું વધુ એક પ્રમાણ માત્ર ૨૪ કલાક ચાલેલા જેન જી આંદોલનથી મળ્યું છે. વર્ષ ૧૯૯૭ થી ૨૦૧૨ની વચ્ચે જન્મેલા લોકોને જનરેશન ઝુમર્સ અથવા તો જેન જી કહેવામાં આવે છે. આ દોરમાં જન્મેલા યુવાઓ પર ઇન્ટરનેટનો ખૂબ પ્રભાવ રહેલો અને મોટા થયા ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા જ સક્રિય જોવા મળે છે. આ એક એવી યુવા પેઢી જેનું શિક્ષણ, જાગૃતિ, મનોરંજન અને દિનચર્ચા બધુજ સોશિયલ મીડિયા પર રહે છે. પોતાના ડિજિટલ પ્લેટફોર્મં પર પ્રતિબંધ મુકાવાથી યુવાઓ સમતોલન ગુમાવીને હિંસા પર ઉતરી આવ્યા હતા. નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધનો વિરોધ એક દેખીતું કારણ હતું પરંતુ આંદોલનના બેનર્સ અને પોસ્ટર્સમાં બેરોજગારી,ભ્રષ્ટાચાર અને સગાવાદ જેવા મુદ્વે ભારે નારાજગી જેવા મળતી હતી. આ જેન જી આંદોલને ડિજિટલ દુનિયા અંગે લોકોેને નવેસરથી વિચારતા કર્યા છે. આ આંદોલને સમજાવ્યું છે કે સોશિયલ મીડિયા માત્ર માહિતી પ્રચારિત અને પ્રસારિત કરવાનું માધ્યમ નથી પરંતુ એક લાઇફ સ્ટાઇલ બની ગયું છે.લોકશાહી વ્યવસ્થામાં નિશ્ચિત કરેલા વર્ષો પછી થતી ચુંટણીમાં મતદારોને મનપસંદ સરકાર ચુંટવાનો અધિકાર મળતો હોય છે પરંતુ ભારતના પાડોશી દેશ શ્રીલંકા (૨૦૨૨) બાંગ્લાદેશ (૨૦૨૪) અને હવે ૨૦૨૫માં નેપાળમાં સત્તા પરિવર્તન ચુંટણીથી નહી પરંતુ જન આક્રોશથી થયું છે. છેલ્લા ૪ વર્ષમાં ભારતના ૩ પાડોશી દેશોમાં બળજબરીથી સત્તાપલટો થતા શાસકોએ કાર્યકાળ અધૂરો છોડીને ભાગવું પડયું છે.
શ્રીલંકાની વાત કરીએ તો વર્ષ ૨૦૨૨માં વિદેશી મુદ્રાભંડાર ઘટી જવાથી રાજપક્ષે ગોટબાયાની સરકારે ઐતિહાસિક આર્થિક સંકટનો સામનો કરવો પડયો હતો.વિદેશી દેવાના હપ્તા ચુકવવામાં શ્રીલંકામાં ફોરેકસ રિઝર્વ ક્રાઇસિસ ઉભી થઇ હતી.૨૦૧૯માં શ્રીલંકાનો વિદેશી ભંડાર ૭.૫ બિલિયન ડોલર હતો જે ૨૦૨૧માં ઘટીને ૨.૫ બિલિયન ડોલર થયો હતો. શ્રીલંકા પર ચીનનું સૌથી વધુ ૫ અબજ ડોલરથી વધારે કરજ હતું. કોરોના મહામારી પછી પ્રવાસન ઉધોગ ઠપ્પ થવાથી લાખો લોકો ગરીબી રેખાની નીચે આવ્યા હતા. શ્રીલંકાના જીડીપીમાં નાના ઉધોગ રોજગારનો ફાળો ૫૨ ટકા જેટલો હતો જેનાથી ૪૫ ટકા જેટલી રોજગારીનું સર્જન થતું હતું. મોંઘવારી અને બેરોજગારી વધવાથી શ્રીલંકાની કુલ વસ્તીના ૨૮ ટકા લોકો એટલે કે ૬૩ લાખ કરતા વધુને બે ટંકના સાંસા પડતા હતા. દૂધ ૪૨૦ રુપિયે લીટર, ચાવલ ૨૨૭ રુપિયે કિલો, સંતરા ૧૦૮૨ રુપિયે કિલો, આલુ ૩૪૧ રુપિયે કિલો અને ટામેટાનો ભાવ ૪૧૨ રુપિયા કિલો થયો હતો.પેટ્રોલ અને રાંધણગેસ માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર હતા. ૧૩ કલાક સુધી વીજળીનો કાપ સહન કરવો પડતો હતો. પેટ્રોલની બચત માટે સ્કૂલો અને કોલેજ બંધ કરવાની ફરજ પડી હતી. કોલંબોના ઉપનગરોમાં ગેસના અભાવે પરિવારો ચુલા પર રાંધવા લાગ્યા હતા. કેટલાક લોકો પોતાનું સોનું વેચીને અનાજ ખરીદવા મજબૂર બન્યા હતા. એક તો કોવિડ મહામારી પછી પ્રવાસન ઉધોગને ફટકો અને યુક્રેન યુધ્ધ શરુ થતા ક્રુડના ભાવોમાં વધારો થતા આર્થિક સંકટ વધ્યું જે ગોટબાયા સરકાર સંભાળી શકી નથી. લોકોએ રાજપક્ષે અને તેમના પરિવાર વિરુધ આંદોલન શરું કર્યુ. દેશ ભરમાં 'ગોટા ગો હોમ' નો નારો ગુંજયો જેમાં માત્ર યુવાઓ જ નહી પાદરીઓ, બૌધ્ધ ભીક્ષુઓ સહિત સિનિયર નાગરિકો પણ જોડાયા હતા. શ્રીલંકાના મુખ્ય ત્રણ સમુદાયો સિહલા, તમિલ અને મુસલમાન યુવાઓએ સાથે મળીને વિરોધ કર્યો તેવું ઇતિહાસમાં પ્રથમવાર બન્યું હતું. લોકોએ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના પૈતૃક નિવાસસ્થાનને આગ લગાડી હતી.૫ જુલાઇ ૨૦૨૨ના રોજ કેટલાક પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસીને તોડફોડ કરી તેનું દ્વષ્ય દુનિયા આખીએ જોયું હતું. છેવટે ગોટબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને સિંગાપુર ભાગી ગયા હતા.ગોટબાયાએ સિંગાપુરથી પોતાનું રાજીનામુ મોકલાવતા આંદોલનકારીઓએ આ ઘટનાક્રમને અરાગલાયા એટલે કે જનસંઘર્ષની જીત ગણાવી હતી.
હવે બાંગ્લાદેશની વાત કરીએ તો ગત વર્ષ જુલાઇ ૨૦૨૪માં લાયકાતના આધારે સિવિલ સેવામાં નોકરીઓની સંખ્યામાં ઘટાડો કરતા સ્ટુડન્ટસનું વિરોધ આંદોલન શરુ થયું હતું. જેના પરિવારોએ મુકિતસંગ્રામ ચળવળમાં ભાગ લીધો હોય તેમને સરકારી નોકરીમાં અનામત આપવાની પણ વાત હતી. બાંગ્લાદેશના સર્જક મુજીબુર રહેમાનના પુત્રી બેગમ શેખ હસીનાના હાથમાં છેલ્લા ૧૫ વર્ષથી બાંગ્લાદેશની બાગડોર હતી. તેમના લાંબા કાર્યકાળમાં બાંગ્લાદેશનો નોંધપાત્ર આર્થિક વિકાસ થયો હતો. વડાપ્રધાન શેખ હસીનાએ આંદોલનકારીઓને ગંભીરતાથી લેવાના સ્થાને રઝાકાર ગણીને ઉતારી પાડયા હતા. ૨૦ દિવસથી સ્ટુડન્ટસ ચાલતું હતું તે ગાળામાં બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટે સરકારી નોકરીઓમાં અનામતને ગેર કાયદેસર ગણ્યું હતું. આમ તો આ નિર્ણય પછી આંદોલન શાંત પડી જવું જોઇતું હતું તેમ છતાં આંદોલનકારી સ્ટુડન્ટસ અને લોકોનો આક્રોશ ઠંડો થયો નહી. શેખ હસીના પીએમ પદ પરથી રાજીનામુ આપે તેવી માંગણી તેજ બની હતી. સ્ટુડન્ટસ સંગઠનોએ ૪ ઓગસ્ટના રોજ પૂર્ણ અસહયોગ આંદોલન શરુ કરવાની જાહેરાત કરી હતી. સરકારે વિરોધીઓની ચાલ ગણાવીને વિરોધ પ્રદર્શનને બળજબરીથી દબાવી દેવાનો પ્રયાસ કર્યો. ગોળીઓ છોડવામાં આવી, રસ્તા પર સેના ઉતારવામાં આવી છતાં આંદોલન અટકયું ન હતું. બંગબંધુ મુજીબુર રહેમાનના સ્ટેચ્યુ તોડવામાં આવ્યા હતા.૪ ઓગસ્ટના રોજ થયેલી હિંસક અથડામણોમાં ૯૪ લોકો માર્યા ગયા હતા. છેવટે દેશવ્યાપી વિદ્રોહની પરિસ્થિતિને પાંમીને ૫ ઓગસ્ટના રોજ શેખ હસીનાએ પોતાનું પદ છોડી દીધું હતું. બાંગ્લાદેશની આર્મીના વિમાને શેખ હસીનાનો જીવ બચાવવા ભારતમાં ઉતરાણ કર્યુ હતું. શેખ હસીના આજે પણ ભારતમાં રાજયાશ્રય લઇ રહયા છે.
નિષ્ણાતોનું માનવું છે કે ભારતના પાડોશી એવા દક્ષિણ એશિયાઇ દેશ શ્રીલંકા,બાંગ્લાદેશ અને નેપાળના સત્તા પરિવર્તન માટેના આંદોલનની પરિસ્થિતિ જુદી જુદી પરંતુ પેટર્ન એક સરખી જોવા મળે છે. ખાસ કરીને આંદોલનમાં રાજનીતિક વ્યવસ્થા માટે નિરાશા, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વધતી જતી અસમાનતા બાબતે સમાનતા જોવા મળી છે. લોકોમાં ખાસ કરીને યુવાવર્ગમાં સત્તાધિશો ભ્રષ્ટ છે અને તેઓ યુવાનોને આગળ લઇ જવા માટેનો રસ્તો દેખાડવા માટે પ્રભાવશાળી નથી એવી લાગણી વધતી રહી છે. નેપાળમાં ૧૫ થી ૨૪ વર્ષના યુવાઓની સંખ્યા ખૂબ વધારે છે. યુવા વર્ગ પોતાની આ અભિવ્યકિત સોશિયલ એપ્સ પર સક્રિય રહીને રોષ ઠાલવતો રહયો છે. યુવાવર્ગની મુશ્કેલીઓ સાંભળવામાં ના આવે અને સંવેદના દર્શાવવામાં ના આવે તો તે સ્ક્રિન છોડીને મેદાનમાં પણ આવી શકે છે નેપાળ તેનો વધુ એક પુરાવો છે. પ્રદર્શનકારીઓએ નેપાળી સંસદ, ૧૨૨વર્ષ જુના મહેલ અને સૌથી મોટા પ્રશાસનિક ભવન સિંહ દરબાર, રાષ્ટ્રપતિ ભવનથી લઇને પ્રધાનમંત્રી આવાસ અને ત્યાં સુધી કે સર્વોચ્ચ ન્યાયાલય સુધી આગ લગાડી દીધી હતી. આનું પ્લાનિંગ રાતો રાત નહી થયું હોઇ માટે ઘણાને શંકા છે કે વિલાયતી તત્વોનો હાથ હોઇ શકે છે. ભારત અને લેન્ડલોક્ડ નેપાળ વચ્ચે સદીઓથી ગાંઢ સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો રહયા છે. આગામી સમયમાં સમગ્ર વિશ્વમાં સામાજિક ક્રાંતિ અને બદલાવ માટે સોશિયલ મીડિયા ખૂબ મોટું સાઘન બની શકે છે. બાંગ્લાદેશના શેખ હસીના પણ પ્રચંડ બહુમતિથી ચુંટાઇને આવ્યા હતા તે જોતા તેમના સત્તા પલટા માટે પણ બહારની શકિતઓને દોષ મઢવામાં આવતો હતો. ૨૦૧૦-૧૧માં અરબ ક્રાંતિ દરમિયાન અનેક દેશોમાં સત્તા બદલાઇ હતી. ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાનો ફરી પાવરમાં આવ્યા અને ૨૦૨૨માં પાકિસ્તાનમાં ઇમરાનખાનની સત્તાનું પરિવર્તન થયું હતું. આ બંને દેશો પણ ભારતના પાડોશી છે જેમાં શાસન બદલાયા પછી પણ કશું બદલાયું નથી. આમ જોવા જઇએ તો સત્તાપલટા પછી શ્રીલંકામાં સપ્ટેમ્બર ૨૦૨૪થી અનુરાકુમાર દિશાનાયકેની ચુંટાયેલી સરકાર કોઇ મોટા પરિવર્તનો લાવી શકી નથી. બાંગ્લાદેશમાં અંતરિમ સરકારના વડા મોહમ્મદ યુનુસે પણ ખાસ કશું ઉકાળ્યું નથી. નેપાળમાં કેપી શર્મા કોલીની વિદાય પછી અંતરિમ સરકાર કે આગામી નવી ચુંટાયેલી સરકાર નેપાળમાં યુવાઓની આકાંક્ષા કેટલી પુરી કરશે તે તો સમય જ જણાવશે.


