જયારે 1967માં ભારતે સિકિકમ સરહદે નાથુલાની લડાઇમાં ચીનને પાઠ ભણાવેલો
- હસમુખ ગજજર .
ચીનના સૈનિકોએ અંધાધૂંધ ગોળી બાર શરુ કરતા ગોળીનો જવાબ તોપથી આપવો જરુરી બન્યો હતો. ઉપરથી કોઇ હુકમ ન આવતા અફસર સગતસિંહે તોપના નાળચા જાતે જ ખોલાવી દીધા હતા. સળંગ ૩ દિવસ સુધી ચાલેલી લડાઇમાં ચીનના ૪૦૦ જવાનોના મોત થયા હતા
કો રોના સંક્રમણને અટકાવવા ભારતમાં દેશ વ્યાપી લોકડાઉનનો અમલ હતો ત્યારે ચીને દગાખોરીથી લડ્ડાખ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવા પ્રયાસ કર્યો હતો. ચીન આજે પણ લડાખ ક્ષેત્રમાં તોપો ગોઠવીને તથા યુધ્ધ ટેન્કો ફેરવીને ઉશ્કેરણી કરી રહયું છે. આમ જોવા જઇએ તો મોંગોલિયા હોય, જાપાન હોય, ફિલિપાઇન્સ હોય કે વિયેટનામ ચીનને તેના કોઇ પાડોશી દેશ સાથે સારુ બનતું નથી. આજકાલ તે લડાખ સરહદે ભારત સાથે શિંગડા ભેરવવા પ્રયાસ કરી રહયું છે. ચીન જાણે છે કે ૧૯૬૨માં ઇન્ડો ચાઇના યુધ્ધમાં જે નબળું ભારત હતું તે હવે રહયું નથી આથી જ તો સમયાંતરે સરહદ પરના કારસ્તાન છતાં તે સીધી લડાઇથી બચતું આવ્યું છે. ૧૯૬૨માં અધૂરી સૈન્ય તૈયારીઓ અને દગા ફટકાથી ભારતને નુકસાન ખમવાનો વારો આવ્યો હતો. ચીન ભારતથી કેમ ડરે છે તેના મૂળમાં ૧૯૬૭માં ભારતે સિકિકમ સરહદે નાથુ લાની લડાઇમાં ચીનને પાઠ ભણાવેલો તેનો પણ ફાળો છે. ૩ દિવસ ચાલેલી લડાઇએ ચીનના જીતના આફરાને ભારતના જવાનોએ ઉતારી દીધો હતો.
વાત એમ છે કે ૧૯૬૨માં હિંદી ચીની ભાઇ ભાઇના ઓથા હેઠળ ચીનની દગાખોરી પછી ભારત અને ચીનના રાજકિય સંબંધો તંગ રહેતા હતા. ૧૯૬૫માં ભારતે વધુ એક યુધ્ધ પાડોશી પાકિસ્તાન સાથે લડવું પડયું હતું. કોઇ કારણ વગર પાકિસ્તાને કરેલો કાંકરીચાળો પાકિસ્તાનને જ ભારે પડયો હતો. ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરતા તત્કાલિન પાક જનરલ અયૂબખાન ઉભી પૂંછડિયે ચીન દોડયા હતા. આ બાજુ ૧૯૬૨ના યુધ્ધમાં ભારતને પરાજય આપ્યો હોવાથી ચીનનું ઘમંડ ઉતરતું ન હતું. ૧૯૬૭માં વિસ્તારવાદી ચીનને ફરી જમીન હડપવાની લાલસા જાગી હતી. એ સમયે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી બિરાજમાન હતા પરંતુ લોખંડી મહિલા અને દૂર્ગા જેવી ઇમેજ બંધાવાને હજુ વાર હતી. જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની વિદાય પછીનું ભારતીય રાજકારણ કરવટ બદલી રહયું હતું. ચીન સિકિકમ સરહદે નાથુ લા અને જેલેપ લા ચોકી વિસ્તાર ખાલી કરવાની સતત ધમકી આપતું હતું.
જેલેપ લા ની નજીક પેટ્રોલિંગ કરી રહેલા ૧૭ અસમ રાઇફલના જવાનો પર ચીની સૈનિકોએ ગોળીબાર કરતા બે જવાનો શહિદ થયા હતા. એ સમયે સરહદ પર ફરજ બજાવી રહેલા ભારતના લેફટનન્ટ જનરલ સગતસિંહને ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ મોકો આવશે ત્યારે ચીનના સૈનિકોને છોડશે નહી એવું નકકી કર્યુ હતું. ૨૭ મી માઉન્ટ ડિવિઝનના અધિકાર ક્ષેત્રમાં આવતું જેલેપ લા ચીનને આપવામાં આવ્યંવ પરંતુ ભારતીય સૈનિકો નાથુ લા પર નિયંત્રણ છોડવાના મૂડમાં ન હતા. સિકિકમના ગેંગટોકથી ૫૪ કિમી દૂર આવેલું આ સ્થળ સંરક્ષણ અને વ્યુહાત્મક દ્વષ્ટીએ ખૂબજ મહત્વનું હતું. નાથુ લા પાસે ચીન અને ભારતના સૈનિકો પોતાના નિયંત્રણ ધરાવતા વિસ્તાર નજીક પેટ્રોલિંગ કરતા ત્યારે રોજ બોલા ચાલી થતી હતી.
સિકિકમ સરહદે નેહરુ સ્ટોન તરીકે ઓળખાતા એક સ્થળે તો ભારત અને ચીનના સૈનિકો વચ્ચે માંડ ૧ મીટરનું અંતર રહેતું હતું. ૧૯૫૮માં આ સ્થળેથી નહેરુ ભૂટાન અને તિબેટની યાત્રાએ ગયા હતા. સિકિકમ સરહદે ચીનના કેટલાક રાજકિય માણસો ચીની આર્મી સાથે રહેતા જેમાં કમિસારનું નામ જાણીતું હતું. કમિસાર ટોપી પર લાલ રંગનું કપડું રાખતો હતો. ચીની સૈનિકોેને અંગ્રેજી આવડતી નહી પરંતુ કમિસાર ભાંગી તૂટી અંગ્રેજી સમજતો અને બોલતો પણ હતો. ચીનીઓને હિંદી અને ભારતીયોને ભલે ચીની ભાષા ના સમજાય પરંતુ નફરત અને ગુસ્સાના હાવભાવની કોઇ ભાષા હોતી નથી. ૬ સપ્ટેમ્બરના રોજ બંને દેશના સૈનિકો વચ્ચે મુક્કાબાજી શરુ થઇ હતી. ભારતીય સૈનિકોએ કમિસારને એક જ ધકકાથી પાડી દેતા તેના ચશ્મા તૂટી ગયા હતા. આ વિસ્તારમાં બંને દેશના સૈનિકો વચ્ચે રોજની ચકમક ઝરતી હતી તે ટાળવા ભારતીય સેનાએ નાથુ લા થી સેબુ લા સુધી એક તારની વાડ તૈયાર કરવાનું નકકી કર્યું હતું. ૧૧ સપ્ટેમ્બરના રોજ ૭૦ ફિલ્ડ કંપનીના એન્જીનિયર્સ અને ૧૮ રાજપૂત બટાલિયનના જવાનોએ તાર લગાવવાની કામગીરી શરુ કરી હતી.
ભારતીય સૈનિકોનો જુસ્સો વધારવા ૨ ગ્રેનેડિયર્સના કમાંડિગ ઓફિસર્સ લેફટનન્ટ કર્નલ રાયસિંહ ચટ્ટાનની જેમ ઉભા રહેતા હતા. કમિસારે આવીને રાયસિંહને વાડ લગાવવાની પ્રવૃતિ બંધ કરવા જણાવ્યું પરંતુ ચીનની વાત નહી માનવાનો ઉપરથી આદેશ હોવાથી રાયસિંહે ના પાડી દીધી. કમિસાર તેના ટેન્ટ તરફ ચાલ્યો ગયો અને સાંજે ૭.૪૫ વાગે ચીની સૈનિકોએ મશીનગનથી ધાણી ફૂટ ગોળીબાર શરુ કરી દીધો. ભારતીય સૈનિકો ખુલ્લામાં અને મોટે ભાગે કામે વળગેલા હોવાથી સોફટ ટાર્ગેટ બન્યા હતા. ચીન તરફથી ફાયરિંગ એટલું ભારે હતું કે ભારતીય સૈનિકોને સાથી સૈનિકોની લાશ ઉઠાવવાનો પણ મોકો મળ્યો ન હતો. લેફટનન્ટ કર્નલ રાયસિંહને ત્રણ ગોળીઓ વાગી પરંતુ સદ્નસિબે જીવલેણ નિવડી ન હતી. તેમને બંકરમાં રહીને તાર લગાવવાની કામગીરીનું નિરીક્ષણ કરવાની અફસર સગાતસિંહે સુચના આપી હતી પરંતુ તેઓ માન્યા ન હતા. સગતસિંહે જોયું કે તરતજ તોપખાનામાંથી ફાયરિંગનો આદેશ આપી દીધો. એ સમયે સરહદે તોપ ફોડવાનો હુકમ ભારતના વડાપ્રધાન જ આપી શકતા હતા. આ નિર્ણય લેવો સેના અધ્યક્ષના પણ હાથમાં ન હતો. ઉપરથી કોઇ હુકમ ન આવતા સગતસિંહે તોપના નાળચા જાતે જ ખોલાવી દીધા હતા.
આમ જોવા જાવ તો આ નિયમનું ઉલંઘન હતું પરંતુ પરીસ્થિતિ પ્રમાણે કશું ખોટું પણ ન હતું. રાયસિંહને ઘાયલ થતા જોઇને કેપ્ટન પી એસ ડાંગરના નેતૃત્વમાં ભારતીય સૈનિકોની ટુકડીએ ચીનના બંકરો પર હુમલો કરી દીધો જેમાં મેજર પીએસ ડાંગર અને મેજર હરભજનસિંહ શહિદ થયા હતા. ૩ દિવસ સળંગ લડાઇ ચાલી જેમાં ભારતના ૬૫ અને ચીનના ૪૦૦ જવાનોના મોત થયા હતા. ૧૯૬૨માં અરુણાચલપ્રદેશથી માંડીને લડાખ સુધીની વિશાળ સરહદ પર ૨૦ દિવસ સુધી ચાલેલા યુધ્ધમાં ભારતે ચીનના ૭૦૦ જવાનોને ઠાર માર્યા હતા એ જોતા આ ખૂબ મોટી સફળતા હતી. ભારતીય સૈનિકો ઉંચાઇ પર હોવાથી ચીની સૈનિકો સ્પષ્ટ દેખાતા હતા.ગોળા પણ બરાબર નિશાન પર જતા હતા જયારે ચીન તરફથી આડેધડ ગોળીબાર થતો હતો. ચીને ભારતે પર હુમલો કરવાનો આક્ષેપ મઢયો કારણ કે કેટલાક ભારતીય સૈનિકોના શબ ચીનની હદમાં મળ્યા હતા પરંતુ ચીને એ કહયું નહી કે ઉશ્કેરણી કોને કરી હતી.?
જો કે આ લડાઇમાં આર્મીના આદેશનું ઉલંઘન થયું હોવાથી કે અન્ય બીજા કોઇ કારણોસર લેફટનન્ટ જનરલ સગતસિંહની બદલી થઇ હતી. ૧૯૬૨ના યુધ્ધના વિજય તોરમાં ગાલ ફુલાવીને ફરતા ચીનને પણ ભારતીય સૈન્યનો પરચો બરાબર મળ્યો હતો. ચીને વાયુસેનાથી હુમલો કરવાની ચેતવણી આપી પરંતુ તેની ભારતીય સૈન્ય પર કોઇ જ અસર થઇ ન હતી. ૧૫ સપ્ટેમ્બરના રોજ પૂર્વી કમાનના પ્રમુખ જનરલ માણકે શા અને જગજીતસિંહ અરેાડાની હાજરીમાં શહિદ સૈનિકોના મૃતદેહની આપ લે થઇ હતી. ૧ ઓકટોબર ૧૯૬૭ના રોજ ચો લા માં બંને દેશો વચ્ચે ફરી બીજી એક લડાઇ થઇ જેમાં ભારતીય સૈનિકો ચીનાઓને ૩ કિમી સુધી અંદર ધકેલ્યા હતા. આમ ૧૯૬૭ના આ નાની લડાઇઓનો ભારતીય સૈનિકોને મનો વૈજ્ઞાાનિક ફાયદો એ થયો કે ચીનને હરાવી શકાય છે. આજે પણ ચીન ભારતીય સૈનિકોના સાહસ અને કૌશલ્યને સારી પેઠે જાણે અને સમજે છે આથી જ તો તે યુધ્ધ નહી પરંતુ ઉધામા કરીને સંતોષ માણે છે.