Get The App

ટ્રમ્પ વિના નોબેલ નહીં,નોબેલ વિના ટ્રમ્પ અધૂરા!?

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ વિના નોબેલ નહીં,નોબેલ વિના ટ્રમ્પ અધૂરા!? 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વિશ્વશાંતિ સ્થાપવામાં જાતે જ પોતાના યોગદાનનો હિસાબ આપીને પોતાની આ કામગીરીને શાંતિ નોબેલ માટે પુરતી માને છે

તા જેતરમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર પાઠવ્યો જે તેમણે નોબેલ પ્રાઇઝ કમિટીને મોકલ્યો છે. ટ્રમ્પ માટે શાંતિ નોબેલ પ્રસ્તાવ રજૂ કરવામાં નેતન્યાહૂ એકલા નહી અગાઉ જૂન મહિનામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનિરે અમેરિકા મુલાકાત દરમિયાન નોબલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને મળવો જોઇએ એવી માંગણી કરી હતી. નોબેલ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જેને પણ મળે એની ખૂશીનો પાર હોતો નથી. પૃથ્વી પરના જીનિયસ વિજ્ઞાાની-સંશોધકો અને મહાનુભાવ માટે નોબેલથી આગળ કોઇ મોટું સન્માન નથી. સ્વીડિશ વૈજ્ઞાાનિક, ઉધોગપતિ અને સમાજસેવી આલ્ફ્રેડ નોબેલની વસીયત અનુસાર સ્થાપિત કરવામાં આવેલા નોબેલ એવોર્ડસ ભૌતિક, જીવ વિજ્ઞાાન,રસાયણ વિજ્ઞાાન,અર્થશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વશાંતિ જેવી કુલ ૬ કેટેગરીમાં અપાય છે. ૧૯૦૧ થી ૨૦૨૪ સુધીમાં ૬૨૭ વારમાં ૯૭૬ વ્યકિતગત અને ૩૬ ઓર્ગેનાઇઝેશન સહિત કુલ ૧૦૧૨ નોબેલ અપાયા છે જયારે શાંતિ પુરસ્કારના વિજેતાઓની પસંદગી નોર્વેની સંસદ દ્વારા નિયુકત પાંચ સભ્યની સમિતિ કરે છે. વિજ્ઞાાન અને અર્થશાસ્ત્ર કરતા સૌથી વધુ ચર્ચા અને વિવાદ શાંતિ નોબેલ પુરસ્કારનો હોય છે. અત્યાર સુધી કુલ ૧૩૯ વાર શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે જેમાં ૯૨ પુરુષો,૧૯ મહિલાઓ અને ૨૮ ઓર્ગેનાઇઝેશનનો સમાવેશ થાય છે. નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારી વ્યકિત મોટે ભાગે જાહેર જીવનમાં પડેલી હોય છે આથી તે લાયક છે કે નહી ? ઓછી લાયકાત અથવા તો આના સ્થાને પેલાને મળવો જોઇતો હતો વગેરે ચર્ચાઓ કયારેક ઉઠતી રહે છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વશાંતિની સ્થાપનામાં જાતે જ પોતાના યોગદાનનો હિસાબ આપીને પોતાની આ કામગીરીને શાંતિ નોબેલ માટે પુરતી માને છે. પૃથ્વીના ગોળો હાથમાં લઇને વિશ્વનું પોલિટિકસ નકકી કરતા મહાશકિતશાળી દેશનો સર્વોચ્ચ નેતા છેલ્લા પાંચ વર્ષથી નોબેલ પુરસ્કારની માળા જપે છે. એક વાર નહી અનેક વાર શાંતિ નોબેલ નહી મળવાનો બળાપો વ્યકત કર્યો છે. વાત કરીએ ૨૦૨૦ની, દુનિયાએ અનુભવેલી કોરાના મહામારીની ત્રાસદી પછીના માહોલમાં અમેરિકામાં ચૂંટણી યોજાવાની હતી. તેના થોડાક સપ્તાહ પહેલા નોર્વેના એક જમણેરી નેતા ક્રિસ્ચ્યન ટાયબ્રિંગ યેદ્દે નામના નેતાએ ૨૦૨૧ના શાંતિ નોબેલ માટે ટ્રમ્પનું નામ સૂચિત કર્યુ હતું. ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચેના સંબંધોને મજબૂત થાય તે માટે ટ્રમ્પે પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને ઇઝરાયેલ અને આરબ અમિરાત વચ્ચે શાંતિ સમજૂતીમાં ટ્રમ્પની ભૂમિકાને શાંતિ નોબેલ માટે આગળ કરવામાં આવી હતી. ઇઝરાયેલ અને વેસ્ટ બેંક વચ્ચે કબ્જાવાળા ભાગમાં વિવાદાસ્પદ યોજનાઓ સ્થગિત કરવા પર સંમતિ સધાઇ હતી. આ એક ઐતિહાસિક સમજૂતી શાંતિની દિશામાં ખૂબ મહત્વની હતી. નોર્વેના નેતાએ  નોબેલ કમિટીનું ધ્યાન પણ દોર્યુ કે નોમિનેટ યાદીમાં તથ્યો પર ધ્યાન આપીને નિર્ણય લેવામાં આવે તે જરુરી છે  અર્થાત તેમની રજૂઆતમાં ટ્રમ્પ શાંતિ નોબેલ માટે પાત્રતા ધરાવે છે એવો સૂર પ્રગટતો હતો. છેલ્લા ૭૫ વર્ષથી ઉત્તર કોરિયામાં કિમ પરિવારનું શાસન અમેરિકાને દુશ્મન માનતું રહયું છે. ઉત્તર કોરિયા પડોશી દક્ષિણ કોરિયા સાથે ઐતિહાસિક દુશ્મની ધરાવે છે જયારે અમેરિકાને મૂડીવાદી દક્ષિણ કોરિયા સાથે ગાઢ રાજકીય અને વ્યાપારિક સંબંધો છે. ૨૦૧૮માં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોગ ઉન વચ્ચે વાક્યુધ્ધના પગલે તણાવ વધ્યો હતો. ત્યાર બાદ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સંબંધો સુધરે અને કોરિયન ક્ષેત્રમાં શાંતિ સ્થપાય તે  માટે ટ્રમ્પ ખુદ કોરિયન ક્ષેત્રમાં આવ્યા હતા. કિમ જોગ ઉન સાથે  ટ્રમ્પની ઐતિહાસિક મુલાકાત પણ થઇ હતી. ઉત્તર કોરિયાઇ નેતાને પરમાણુ હથિયારો છોડવા માટે તૈયાર કર્યા હતા.

ટ્રમ્પના આ પ્રયાસ બદલ ૨૦૧૮માં નોર્વેના એક સાંસદે ટ્રમ્પને શાંતિ નોબેલ માટે નોમિનેટ કર્યા હતા. જો કે ૨૦૧૮માં યુધ્ધ અને સશસ્ત્ર સંઘર્ષના હથિયાર તરીકે જાતિય હિંસાના ઉપયોગને સમાપ્ત કરવાના પ્રયાસ બદલ કોંગો (ડીઆરસી)ના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદ બસી તાહાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૯નો શાંતિ નોબેલ આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે અને ખાસ કરીને પડોશી ઇરિટ્રિયા દેશ સાથે સરહદ સંઘર્ષ ઉકેલવાની નિર્ણાયક પહેલ બદલ ઇથોપિયાના ૪૩ વર્ષના વડાપ્રધાન અબી અહેમદને મળ્યું હતું. ટ્રમ્પ માનતા હતા કે શાંતિ નોબેલ પોતાને મળવો જોઇતો હતો. એ સમયે બીબીસીમાં અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં જણાવાયેલું હતું કે જાન્યુઆરી ૨૦૨૦માં ઓહાયોના ટોલેડો ખાતે પોતાના સમર્થકોની વચ્ચે ટ્રમ્પે કહયું હતું કે મૅે એક સમજુતી કરીને એક દેશને બચાવ્યો છે તેમ છતાં મને જાણવા મળે છે કે એ દેશના પ્રમુખને નોબેલનો શાંતિ એવોર્ડ મળી રહયો છે. હકીકતમાં તો અમે જ એક મોટું યુધ્ધ ટાળ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર વિજેતા અને તેના દેશનું નામ આપ્યું ન હતું તેઓ ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ વિશે વાત કરી રહયા હતા. 

૨૦૨૦માં કોરોના મહામારી પછી યોજાયેલી ચૂંટણીમાં ટ્રમ્પની હાર થતા ડેમોક્રેટસ પાર્ટીના જો બાયડન અમેરિકાના પ્રમુખ બન્યા હતા. આ સાથે જ ચાલુ પ્રમુખપદે શાંતિ નોબેલ મેળવવાની ટ્રમ્પની ઝંખના અધૂરી રહી હતી. ડિસેમ્બર ૨૦૨૪માં યોજાયેલી યુએસ ચુંટણીમાં ટ્રમ્પ ભારે બહુમતિથી ફરી ચુંટાઇ આવતા જાન્યુઆરી ૨૦૨૫થી બીજી ટર્મ સંભાળે છે. છેલ્લા ૭ મહિનાના નવા કાર્યકાળ દરમિયાન ફરી તેઓ ફરી શાંતિ નોબેલ યાદ કરવા લાગ્યા છે. ટ્રમ્પને શાંતિ નોબેલ નહી મળવાનો રંજ  આજકાલનો નહી પરંતુ  પ્રથમવાર સત્તા સંભાળી ત્યારથી રહયો છે. તેમને એવું લાગે છે કે પોતે દુનિયામાં શાંતિ સ્થાપવા ભરપૂર પ્રયાસો કર્યા છે અને કરી પણ રહયા છે. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકી હુમલો થતા ભારતે  ૭ મે થી ૧૦ મે એમ ૪ દિવસ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ અને મદદમાં આવતી આંતરમાળખાકિય સુવિધાઓ પર હુમલો કરીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. બંને દેશો વચ્ચે યુધ્ધવિરામ કરાવ્યો હોવાનો ટ્રમ્પે અનેક વાર જશ ખાટયો છે. 

ટ્રમ્પ શાસન માને છે  કે જો યુધ્ધવિરામ ના થયો હોતતો બંને (ભારત,પાકિસ્તાન) દેશો અણુબોંબ ધરાવતા હોવાથી મહાવિનાશની શકયતા હતી. જો કે ભારતે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનની વિનંતીથી જ યુધ્ધવિરામ થયો હતો જેમાં ત્રીજા પક્ષની કોઇ મધ્યસ્થતા ન હતી.  ૭ ઓકટોબર ૨૦૨૩માં થયેલા હમાસ હુમલા પછી ઇઝરાયેલે પેલેસ્ટાઇનમાં ખાસ તો ગાજાપટ્ટી વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી છે. હિજબુલ્લાહ અને હમાસ જેવા ઇરાન સમર્થિત કટ્ટરપંથી સશસ્ત્ર સમૂહો ઇઝરાયેલના ઘોર વિરોધી રહયા છે. ઇરાન ઘર આંગણે અણુબોંબ વિકસિત કરી રહયું હોવાનું કારણ આપીને ઇઝરાયેલે ૧૩ જૂને હુમલો કર્યો. ઇરાને પણ મિસાઇલો છોડીને ઇઝરાયેલને પ્રત્યુત્તર આપ્યો હતો. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ફાટી નિકળેલા યુધ્ધમાં ટ્રમ્પે ઓપરેશન 'મીડનાઇટ હેમર'ને લીલીઝંડી આપતા ઇરાનની ફોર્ડો પરમાણુ સાઇટ પર અમેરિકાના ઘાતક બી -૨ બોમ્બર વિમાનોએ વિનાશ વેર્યો હતો. ટ્રમ્પની આ કૂટનીતિક ચાલ હશે પરંતુ ટીકાકારોનું માનવું હતું કે ટ્રમ્પનું આ પગલું વિશ્વશાંતિને જરાંય પણ બંધ બેસતું  થતું ન હતું. અમેરિકાના હુમલા પછી ઇરાને યુધ્ધનું વિસ્તરણ કરીને કતારમાં રહેલા યુએસ એરબેઝ પર મિસાઇલો છોડતા દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. ઇરાન- ઇઝરાયેલની ૧૨ દિવસની લડાઇ પછી ટ્રમ્પે યુધ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પ માને છે  એશિયા હોય કે આફ્રિકા તેઓ એક પછી એક દેશો અને ક્ષેત્રોમાં કાયમી શાંતિ સ્થાપવાના કામમાં લાગેલા છે. અગાઉ ૪ અમેરિકી રાષ્ટ્રપતિઓને શાંતિ નોબેલ મળી ચુકયા છે. છેલ્લે ૨૦૦૯માં બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. દુનિયામાં કેટલાકની શાંતિ નોબેલ માટે પસંદગીનો વિવાદ જાણીતા છે તેમાં અબી અહેમદ અને ઓબામાનો પણ સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ નોબેલ મળે તો તે  ૫ માં અમેરિકી પ્રમુખ હશે પરંતુ એટલું ચોકકસ છે કે નોબેલ માટે ટ્રમ્પ જેટલી અધિરાઇ, ઝુરાપો, બેબાકળાપણુ અને રટણ કદાંચ કોઇએ કર્યુ હશે નહી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર માટે લાયક હોવાનું જાહેર કર્યુ છે. સાચે જ ટ્રમ્પ વિના નોબેલ નહી પરંતુ નોબેલ વિના ટ્રમ્પ પોતે અધૂરા હોય એવું અનુભવી રહયા છે.