- મીડ વીક- હસમુખ ગજજર
- અત્યાર સુધી કુલ 140 શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે જેમાં 92 પુરુષો, 20 મહિલાઓ અને 28 સંગઠનોનો સમાવેશ થાય છે. સૌથી વધુ વિવાદ શાંતિના અપાતા નોબેલ બાબતે થયેલા છે
છે લ્લા ૫ વર્ષથી શાંતિ નોબેલની માળા જપતા અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી પુરસ્કાર વિના રહી ગયા છે. શાંતિ નોબેલ માટે નોર્વેની સંસદ દ્વારા નિયુકત પાંચ સભ્યોની સમિતિએ લેટિન અમેરિકી દેશ વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને આ પુરસ્કારની હકકદાર ગણી છે. નોબેલ સમિતિએ નોંધ્યું છે કે વર્ષ ૨૦૨૫નું શાંતિ નોબેલ એક એવી મહિલાને મળે છે જેને વેનેઝુએલામાં અંધકારની વચ્ચે લોકશાહીની જયોતને ઝળહળતી રાખી છે. નોબલ પારિતોષિક આમ તો દર વર્ષે અપાય છે પરંતુ આ વખતે શાંતિ નોબેલની રેસમાં અમેરિકી પ્રમુખ અને તેમના સમર્થકોએ મોટા પાયે પ્રચાર અભિયાન ચલાવ્યું હોવાથી સૌનું ધ્યાન વધારે ખેંચાયું હતું.ઘણાને એમ લાગતું હતું કે પ્રચાર અભિયાનથી પ્રેરાઇને શાંતિ નોબેલ સમિતિ શકિતશાળી દેશના વડાને નોબેલથી પોંખશે પરંતુ આ ધારણા ખોટી પડી છે.ભૂતકાળમાં ૪ અમેરિકી પ્રમુખને શાંતિ નોબેલથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં ૧૯૦૬માં થિઓડર રુઝવેલ્ટ, ૧૯૨૦માં વુડ્રો વિલ્સન, ૨૦૦૨માં જિમી કાર્ટર અને છેલ્લે વર્ષ ૨૦૦૯માં બરાક ઓબામાને નોબેલ મળ્યો હતો. જો કે એક વાત નોંધવા જેવી છે કે શાંતિ નોબેલ માટે ટ્રમ્પ જેવી આપવડાઇ, અધિરાઇ અને પ્રચાર કોઇએ કર્યો હશે નહી.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પને ૨૦૨૫નું શાંતિ નોબેલ મળે તે માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પાકિસ્તાનના ફાંકાબાજ આર્મી ચીફ આસિમ મુનીરે ટ્રમ્પનું ભોજન લીધા પછી નોબલ પારિતોષિક મળે એવી ખૂશામત કરી હતી.૨૦૨૪માં ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ તરીકેની બીજી ટર્મ માટે ચુંટાઇ આવ્યા પરંતુ શાંતિ નોબેલની ઝંખના તો પ્રથમ ટર્મથી જ ધરાવે છે. ૨૦૧૯નો શાંતિ નોબેલ ઇથોપિયાના ૪૩ વર્ષના વડાપ્રધાન અબી અહેમદને મળ્યો ત્યારે પણ ટ્રમ્પ માનતા હતા કે શાંતિ નોબેલ પારિતોષિકના પોતે હક્કદાર હતા. અબી અહેમદે પાડોશી દેશ ઇરિટ્રિયા સાથે વર્ષો જુના સરહદી વિવાદ અને સંઘર્ષ ઉકેલીને શાંતિની પહેલ કરી હતી. ટ્રમ્પે ૨૦૨૦માં પોતાની પ્રથમ ટર્મ દરમિયાન ઇઝરાયેલ અને આરબ અમિરાત વચ્ચે શાંતિ સમજૂતી, ઇઝરાયેલ અને વેસ્ટ બેંકની ઐતિહાસિક સમજૂતી,કોરિયાઇ દ્વીપમાં શાંતિ માટે કિમ જોગ ઉન સાથે મુલાકાત, કોંગો (ડીઆરસી) અને ઇરિટ્રીયા વચ્ચેની શાંતિ સમજૂતી વગેરેમાં પોતાની ભૂમિકાને નોબલ માટે આગળ ધરી હતી. નોર્વેના એક જમણેરી ક્રિસ્ચ્યન ટાયબ્રિંગ યેદ્દે નામના નેતાએ ૨૦૨૧ના શાંતિ નોબેલ માટે ટ્રમ્પનું નામ સૂચિત કર્યુ હતું. કોરોના મહામારી પછી યુએસનું જનરલ ઇલેકશન ટ્રમ્પ હારી ગયા હતા પરંતુ હવેની બીજી ટર્મમાં એશિયા હોય કે આફ્રિકા તેઓ એક પછી એક દેશો અને ક્ષેત્રોમાં કાયમી શાંતિ સ્થાપવાના કામમાં લાગેલા હોવાનો દાવો કરે છે. પોતાને શાંતિના મસિહા ગણાવીને શાંતિ સ્થાપવા ભરપૂર પ્રયાસો કરતા હોવાનું માને છે. ભારતના જમ્મુ કાશ્મીર વિસ્તારમાં પાકિસ્તાન પ્રેરિત પહેલગામ આતંકી હુમલા પછી બંને દેશો વચ્ચે ૭ થી ૧૦ મે દરમિયાન યુધ્ધ થયું હતું. આ યુધ્ધ અટકાવીને શાંતિ સ્થાપવાનો જશ ટ્રમ્પે ૩૦ થી વધુ વાર ખાટયો છે જો કે ભારતે ત્રીજા પક્ષની આવી કોઇ ભૂમિકા હોવાનો ઇન્કાર કરેલો છે. ૧૩ જૂનથી ૨૪ જૂન એમ ૧૨ દિવસ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુધ્ધ ચાલ્યું હતું. આ યુધ્ધ અટકાવવામાં પોતાની મોટી ભૂમિકા હોવાનું ટ્રમ્પ સમજતા હતા. જો કે હકિકતમાં તો ઇરાન ઇઝરાયેલ યુધ્ધ ચાલતું હતું ત્યારે ટ્રમ્પે ઓપરેશન 'મીડનાઇટ હેમર' હેઠળ ઇરાનની ફોર્ડો પરમાણુ સાઇટ પર અમેરિકાના ઘાતક બી -૨ બોમ્બર વિમાનોએ વિનાશ વેરાવ્યો હતો. અમેરિકાના હુમલા પછી ઇરાને કતારમાં યુએસ એરબેઝ પર મિસાઇલો છોડીને બદલો લીધો હતો. ઇરાન- ઇઝરાયેલ એમ બંને પક્ષને શાંત કરવાના સ્થાને ખૂદે યુધ્ધમાં ભાગ લઇને વિશ્વશાંતિને જોખમમાં મુકી હતી. યુક્રેન અને રશિયા યુધ્ધમાં પણ ટ્રમ્પ વચન દાવા મુજબની કોઇ સફળતા મેળવી શકયા નથી. દુનિયા માટે કેન્સર સાબીત થઇ રહેલું યુક્રેન યુધ્ધ શાંત થવાના સ્થાને વકરતું જાય છે.
સામાન્ય રીતે કોઇને પણ દુનિયાનું શ્રેષ્ઠ પારિતોષિક મળે ત્યારે અભિનંદન જ આપવાના હોય પરંતુ અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વાઇટ હાઉસના પ્રવકતા સ્ટીવન ચેઉંગે નોબેલ કમિટી પર પુરસ્કારનું રાજનીતિકરણ કરવાનો આરોપ મુકયો હતો. સાથે ઉમેર્યુ પણ હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ શાંતિ સમજૂતી કરાવતા રહેશે. યુધ્ધ સમાપ્ત કરાવતા રહેશે અને લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ પણ ચાલું રાખશે. સામા પક્ષે વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા મચાડોએ પોતાને મળેલો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કરીને મોટું મન દર્શાવ્યું હતું. શાંતિ પારિતોષિક માટે ટ્રમ્પના દબાણ અભિયાન બાબતે પુછવામાં આવતા નોબેલ સમિતિના જોર્ગન ફ્રાઇડનેસે પ્રતિક્રિયા આપી હતી કે સમિતિ નિર્ણય લેવાનું સાહસ અને ઇમાનદારી બંને ધરાવે છે. આ વર્ષે પણ સમિતિએ કોઇ પણ પ્રકારના બાહિય દબાણ કે અભિયાનથી પ્રેરિત થયા વિના નિર્ણય લીધો છે.છેલ્લા ૧૨૫ વર્ષથી ભૌતિક,રસાયણ વિજ્ઞાન,અર્થશાસ્ત્ર અને શાંતિ માટે નોબલ પારિતોષિક એનાયત થાય છે. સૌથી વધુ વિવાદ ,ચર્ચા અને અશાંતિ શાંતિ નોબેલ પુરસ્કાર મુદ્વે સર્જાતી રહી છે. અત્યાર સુધી કુલ ૧૪૦ વાર શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે જેમાં ૯૨ પુરુષો,૨૦ મહિલાઓ અને ૨૮ સંગઠનોનો સમાવેશ થાય છે. શાંતિ નોબેલ મેળવનારામાં અહિંસા અને શાંતિના પુજારી મહાત્મા ગાંધીનો સમાવેશ થતો નથી પરંતુ તેમના રસ્તે ચાલનારા નેલ્સન મંડેલા જેવા મહાનુભાવો જરુર નોબેલથી પોંખાયા છે.
એક બાબત નોંધવા જેવી છે કે શાંતિ નોબેલ રાજકીય વ્યકિતઓને મળે ત્યારે વધારે વિવાદાસ્પદ થતો હોય છે. ૧૯૭૩માં અમેરિકાના તત્કાલિન વિદેશમંત્રી હેનરી કિસિંજરને વિયેતનામમાં યુદ્ધવિરામ અને ઉત્તર વિયેતનામી નેતા લે ડક સાથે સાથે શાંતિ સમજૂતીમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ શાંતિ નોબલ આપવામાં આવ્યો હતો. આ કિસિંજર પર કંબોડિયામાં ખાનગી રીતે બોંબ હુમલો અને દક્ષિણ અમેરિકામાં સૈન્ય તાનાશાહોને ટેકો આપવાનો આરોપ હોવાથી નોબેલ આપવાના નિર્ણયની નિંદા થઇ હતી. ભારતના પાડોશી દેશ મ્યાંમાર (બર્મા)ના સૈન્ય શાસન સામે અહિંસક સંઘર્ષ દરમિયાન લાંબો જેલવાસ વેઠનાર મહિલા આંગ સાન સૂચિને ૧૯૯૧માં શાંતિ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. એક સમય હતો કે પશ્ચિમી જગતમાં સૂ ચિની દરેક વાતને ગંભીરતાથી લેવામાં આવી હતી. આ નોબેલ લોરેન્ટ ૨૦ વર્ષ પછી મ્યાંમારમાં સત્તાના ભાગીદાર બન્યા ત્યારે રોહિંગ્યા મુસ્લિમ સમૂદાય પર થતા અત્યાચાર અને
માનવાધિકાર ઉલંઘન બાબતે મૌન રહયા હતા. સૂ ચીના મૌનથી અકળાઇને કેટલાકે નોબેલ પાછો લઇ લેવાની માંગણી કરી હતી. સૂ ચિને મ્યાંમાર આર્મીએ લાગ જોઇને જેલવાસમાં ધકેલી દીધા છે.
૧૯૯૪માં પેલેસ્ટાઇની નેતા યાસર અરાફતને ઇઝરાયેલના વડાપ્રધાન યિત્ઝાક રેબીન અને વિદેશમંત્રી શિમોન પેરેસ સાથે સંયુકત રીતે શાંતિ નોબેલથી સન્માનિત કરાયા હતા. દાયકાઓ જુની ઐતિહાસિક દુશ્મનાવટ ભૂલીને નોર્વેના પાટનગર ઓસ્લો ખાતે શાંતિ સમજૂતી માટે ત્રણેયની મહત્વની ભૂમિકા રહી હતી. આ એક એવું પગલું હતું જે પેલેસ્ટાઇન સંઘર્ષ સમાપ્ત કરવાની દિશામાં ખૂબ મહત્વનું હતું. જો કે યાસર અરાફત પર પેલેસ્ટાઇની સંઘર્ષમાં ગેરિલા લડાઇ અને હિંસક દોરવણી કરવાનો આરોપ હતો. આ નોબેલને લઇને નોબેલ સમિતિમાં મતભેદો ઉભા થતા કમિટીના સભ્ય અને રાજનેતા કેયર ક્રિસ્ટિયાનસેન વિરોધ કરીને રાજીનામું આપ્યું હતું. ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ માટે કામ કરનાર કેન્યાની વંગારી મથાઇ ૨૦૦૪માં શાંતિ નોબલ મેળવનારી પ્રથમ આફ્રિકી મહિલા હતી.આ બાયોલોજિસ્ટ મહિલાએ લાખો વૃક્ષો ઉછેરીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. વંગાઇ મથાઇએ કાળા લોકોને ખતમ કરવા માટે એચઆઇવી વાયરસનો કૃત્રિમ જૈવિક શસ્ત્રો તૈયાર કરવામાં ઉપયોગ થતો હોવાનું નિવેદન કરીને ચર્ચા જગાવી હતી. આવું બોલવા પાછળ કોઇ તાર્કિક આધાર ન હોવાથી મથાઇ વિવાદોમાં ઘેરાઇ હતી.૨૦૦૯માં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો ત્યારે દુનિયા આખી ચોંકી ઉઠી હતી.ખુદ ઓબામાને પણ નવાઇ લાગી હતી. એ સમયે ઓબામાને અમેરિકી રાષ્ટ્રપતિ બન્યાને માત્ર ૯ મહિના થયા હતા.ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે અફઘાનિસ્તાન,ઇરાક અને સીરિયાના સૈન્ય સંઘર્ષોમાં અમેરિકા લિપ્ત રહયું હતું. ઇથિયોપિયાના વડાપ્રધાન અબી અહેમદને ૨૦૧૯માં નોબેલ શાંતિ પુરસ્કાર ઇરીટ્રીયા સાથે લાંબા સમયથી ચાલ્યા આવતા સરહદી વિવાદને ઉકેલવા માટે મળ્યો હતો. જો કે એક વર્ષ પછી જ સાબીત થયું હતું આ નિર્ણય ખૂબજ ઉતાવળમાં લેવાયો હતો. અબી અહેમદે ટિગ્રેના ઉત્તરી વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરી હતી. ગૃહયુધ્ધ ફાટી નિકળતા લાખો લોકો ભોજન,દવા જેવી બુનિયાદી સેવાઓથી વંચિત રહેવા ઉપરાંત હજારો લોકોના મોત થયા હતા. નોબેલ પારિતોષિક જો ડૉનાલ્ડ ટ્રમ્પને મળ્યો હોતતો પણ વધુ એક વિવાદનું છોગું ઉમેરાવાનું હતું.


