જંગલના સંરક્ષક ગણાતા ગજરાજને કલાયમેટ ચેંજથી બચાવવાનો ભારેખમ પડકાર
- મીડ વીક- હસમુખ ગજજર
આફ્રિકાના જંગલમાં હાથીઓની સંખ્યા ૧ કરોડથી ઘટીને પ લાખ રહી છે. આ વિશાળકાય શાકાહારી જીવ ઓછા કાર્બન ઘનત્વ વાળા વૃક્ષોના ડાળ-પાનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વધુ કાર્બન ધનત્વ ધરાવતા મોટા વૃક્ષોનો ફળો આરોગીને જંગલ વિકાસમાં મદદ કરે છે. જળવાયુ પરિવર્તન સામે જંગલનું છટણીકામ કરીને હાથી જંગલના માળીની ભૂમિકા પણ ભજવે છે
પૃ થ્વી પર હજારો વર્ષથી અસ્તિત્વ ધરાવતા હાથી અંગે અમેરિકાની સેન્ટ લૂઇસ યુનિવર્સિટી દ્વારા એક સ્ટડી થયો છે. આ સ્ટડીમાં જણાવાયું છે કે હાથીઓ જંગલના માળી બનીને પૃથ્વી ગ્રહને જળવાયુ પરિવર્તનથી બચાવી શકે છે. જો કે આના માટે હાથીઓને બચાવવા જરુરી છે. છેલ્લા ૩ દાયકામાં હાથીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહયો છે. હાથી જંગલ નિર્માણ અને વાયુ મંડળીય કાર્બન જમા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આથી જો હાથીઓની સંખ્યા ઘટશે કે લૂપ્ત થશે તો મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના વર્ષાવનની વાયુ મંડળીય કાર્બનને પકડી રાખવાની ક્ષમતા ૬ થી ૯ ટકા જેટલી ઓછી થશે.
હાથીઓનું કુદરતી નિવાસસ્થાન ગણાતું આફ્રિકાનું વર્ષાવન પૃથ્વી પરના સૌથી વિશાળ જંગલોમાંનું એક છે. પૃથ્વી પર હાથી જેવા પ્રાણીઓ ગ્લોબલ વોર્મિગને ધીમું કરવા સક્ષમ છે. હાથી અને કેટલાક શાકાહારી જીવ ઓછા કાર્બન ઘનત્વ વાળા વૃક્ષોમાંથી પણ ભોજન કરે છે. આથી જંગલનું આપમેળે છટણીકામ થાય છે. આ છટણી બે વૃક્ષો વચ્ચેની હરિફાઇ ઓછી કરે છે. આથી ઉચ્ચ કાર્બનવાળા વૃક્ષોને ફૂલવા ફાલવામાં મદદ મળે છે. પૂરતો સૂર્યપ્રકાશ અને કુદરતી ખાતર પણ મળી રહે છે. હાથી નાના ઝાડમાંથી ઘણા બધા પાંદડા ખાય છે. આખી ડાળીને ફાડી નાખે છે અથવા તો ખાતી વખતે છોડને જળમૂળથી ઉખેડી નાખે છે. હાથીનું આ કામ જંગલ માટે માળી જેવું છે. હાથી માત્ર ઓછા કાર્બન ધરાવતા વૃક્ષોને દૂર કરે છે એટલું જ નહી તે ઉચ્ચ કાર્બન ઘનતાવાળા વૃક્ષોના ફળો ખાય છે. આ ફળો ખાવાથી તેના બીજ આંતરડામાંથી કોઇ પણ પ્રકારના નુકસાન વગર મળ ત્યાગમાં બહાર આવે છે. તેમાંથી જંગલના કેટલાક સૌથી મોટા વૃક્ષો ફરી અંકુરિત થાય છે. આ રીતે તે વૃક્ષો વાવે પણ છે. ઉચ્ચ કાર્બન ઘનતાવાળા વૃક્ષો વાતાવરણમાંથી વધુ કાર્બનનો સંગ્રહ કરે છે જે ગ્લોબલ વોર્મિગ સામે લડે છે. જંગલની જૈવ વિવિધતા જાળવવા માટે હાથીનું આ કામ જબરદસ્ત છે. હાથીઓને ગુમાવવાનો મતલબ જૈવ વિવિધતાને ગુમાવવાનો છે. જંગલમાં હાથીઓ જ નહી રહે તો જળવાયુ પરિવર્તનને રોકવા માટે મોટા નુકસાન સમાન હશે. હાથી જંગલના સંરક્ષક છે તો તેના સંરક્ષણ માટે પણ ગંભીરતાપૂર્વક પગલા ભરવાની જરુરિયાત છે. જેમ કે કોંગો બેસિન અને પશ્ચિમ આફ્રિકાના જે વિસ્તારમાં સમુદાયો હાથીના સંરક્ષણને મહત્વ આપે છે ત્યાં ઇકો સિસ્ટમને ખાસ અસર નથી.
હાથીઓ અંગેના તાજેતરના રિસર્ચ પેપરના લેખક સ્ટીફન બ્લેકના સંશોધનને ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહયું છે. નવા પેપરમાં બ્લેક અને તેમના સાથીઓએ હાથી અંગે સમજાવ્યું છે કે હાથીઓના લીધે જંગલમાં કાર્બન ભંડાર મજબૂત રીતે વધે છે. એક સમય હતો કે આફ્રિકાના જંગલમાં ૧ કરોડ જેટલા હાથીઓ વસતા હતા. હાલમાં તેની સંખ્યા ૫ લાખ આસપાસની છે. છેલ્લા ૩૦ વર્ષમાં હાથીઓની સંખ્યામાં ૮૦ ટકા જેટલો ઘટાડો થયો છે. હાથીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ ભલે રક્ષણ આપવામાં આવ્યું હોય પરંતુ વિનાશનો ખતરો જરાં પણ ટળ્યો નથી. હાથીના દાંત માટે સદીઓથી મનુષ્ય આ જેન્ટલ જાયન્ટસનો શિકાર કરતો આવ્યો છે. દરેક વ્યકિતને હાથી ગમે છે પરંતુ બધા હાથીઓની હત્યાઓને રોકવા માટે સમર્થન આપે તે પણ જરુરી છે. એક સદી પહેલા એશિયા અને આફ્રિકા હાથીઓના સમૃધ્ધ કુદરતી રહેઠાણ હતા. ગેરકાયદેસર શિકાર હંમેશા એક મોટા પડકાર સમાન રહયો છે પરંતુ હાથીઓના અસ્તિત્વના ખતરા માટે કલાયમેટ ચેંજ એક નવું કારણ ઉમેરાયું છે.
નિષ્ણાતો માને છે કે આફ્રિકાના જંગલ વિસ્તારમાં મોટા ભાગની ઇકો સિસ્ટમ હાથીઓની આસપાસ જ ફરે છે. આથી હાથી સાંસ્કૃતિક આર્થિક મૂલ્ય હોવાની સાથે ઇકો સિસ્ટમ માટે મહત્વના છે. જળવાયુ પરિવર્તનના લીધે દક્ષિણ અને પૂર્વી આફ્રિકામાં લાંબા સમય સુધી દુષ્કાળ જેવી સ્થિતિ રહી છે. પાણીની અછતના લીધે હાથીઓ પર વિપરિત અસર પડી રહી છે. ઝિમ્બાબ્વેમાં વારંવાર દુષ્કાળ પડવાથી હાથીઓના મુત્યુ થતા રહે છે. ૨૦૧૬માં આફ્રિકામાં અલનીનો પેર્ટનની અસરના પગલે પડેલા દુષ્કાળ હાથીઓ માટે કાળ સાબીત થયા છે. લાંબા સમય સુધી રહેતો દુષ્કાળ હાથી જેવા પ્રાણીઓના ખોરાક-પાણી પર ગંભીર અસર કરે છે. છેલ્લા એક દસકામાં આફ્રિકાના ભૂખંડ સૌથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહયા છે. મોટા ભાગના જળસ્ત્રોતોમાં પાણી વરાળ બની ઉંડી જવા લાગ્યું છે.
બદલતા જતા મૌસમના મિજાજ અને જંગલોના વિનાશના લીધે હાથીઓના પ્રાકૃતિક આવાસમાં ફેરફાર થઇ રહયા છે. ભારે વરસાદ,લાંબા સમય સુધી દુષ્કાળ અને તાપમાન વૃધ્ધિ જેવી હવામાન સાથે જોડાયેલી વિષમ ઘટનાઓ બનવા લાગી છે. એક હાથી ૧૦ ફળાઉ વૃક્ષોમાંથી પોષણ મેળવતા આજે તેમને ૫૦ જેટલા વૃક્ષોમાંથી મળે છે. ખોરાકનો અભાવ અને પાણી માટે તરસતા માદા હાથી પોતાના બચ્ચાને પુરતું પોષણ આપી શકતા નથી. અનોખું શરીર વિજ્ઞાાન ધરાવતા હાથીને રોજ ૧૦૦ થી ૧૫૦ લિટર પાણીની જરુર પડે છે. પાણીની અછતના લીધે ઉચ્ચ આંતરિક ગરમીનો અનુભવ થાય ત્યારે કોશિકાઓ અને લિવર જેવા અંગોના કાર્યમાં અવરોધ પેદા થાય છે જે બીમાર થવાથી માંડીને મરવા સુધીનું કારણ બને છે. હાથી આમ પણ ગરમીનો સામનો કરવામાં કમજોર ગણાય છે. આફ્રિકાના સવાના હાથી લૂપ્તપ્રાય થવાની યાદીમાં છે. ગેરકાયદેસર થતા શિકાર કરતા પણ જળવાયુ પરિવર્તનનું જોખમ ૨૦ ગણું વધારે છે. ગત વર્ષ કેન્યામાં દુનિયાના સૌથી મોટા ત્સાવો નેશનલ પાર્કમાં ૮ મહિનામાં ૧૭૯ હાથીઓના મુત્યુ થતા હાહાકાર મચી ગયો હતો. કેન્યાએ રાષ્ટ્રીય વન્ય જીવ જળવાયુ પરિવર્તન અનુકુલન નીતિ ૨૦૨૨-૨૩ તૈયાર કરી છે. ૨૦૧૯માં ઝિમ્બાબ્વેમાં ૨૦૦ હાથીઓના અકુદરતી મુત્યુ થયા પછી ૬૦૦ હાથીઓને સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી.
હાથી ખોરાક અને પાણીની શોધમાં ભ્રમણ કરવાનો સ્વભાવ ધરાવે છે. વિશાળ ભારેખમ શરીર છતાં મજબૂત સંવેદનશીલ પગની મદદથી લાંબા અંતરના પ્રવાસો કરે છે. ૨૦૨૧માં ચીનમાં દક્ષિણી પ્રાંત યુનાનનો દોઢ વર્ષ સુધી પ્રવાસ કરીને હાથીઓનું એક ઝુંડ પાછું ફર્યુ ત્યારે ચર્ચામાં આવ્યું હતું. હાથીના પગનું ચાલવા ઉપરાંત સૌથી મોટું જો કામ હોયતો તે સંચારનું છે. હાથી પગની મદદથી ૩૨ કિમી દુરથી પણ ધીમી આવૃતિનો અવાજ સરળતાથી સાંભળી શકે છે. પૃથ્વીની સપાટી પરના કંપનોને હાથી પગથી મહેસૂસ કરે છે. દૂર પોતાના સાથીઓને ખાસ સંદેશો સંભળાવવા પોતાના પગનો ઉપયોગ કરે છે. આ અંગે હાથી પર અનેક પ્રયોગો પણ થયેલા છે. ૨૦૧૪માં તો થયેલા એક સ્ટડી મુજબ માણસના અવાજ વચ્ચેનો ફર્ક પણ સમજી શકે છે. અવાજ પુરુષનો છે, મહિલાનો છે કે બાળકનો એ ભેદ પણ સ્પષ્ટ રીતે પારખી શકે છે. અવાજ ઓળખવાની ક્ષમતા હાથીની અદભૂત સ્મૃતિનો પુરાવો છે. સસ્તન વર્ગના જીવોમાં હાથીનું મગજ સૌથી વિશાળ હોય છે. માણસ કરતા પણ પિરામિડીય ન્યૂરોન (સ્નાયુ કોશિકાઓ) વધારે હોય છે. આથી હાથીઓમાં યાદશકિતનો ગુણ માણસની સરખામણીમાં વધારે વિકસિત હોઇ શકે છે. હાથીને પાણીના સ્ત્રોત સુધી ૫૦ કિમી દૂર પહોંચવા માટે સૌથી શોર્ટ રસ્તો કયો એની પણ સૂઝ હોય છે. ખોરાકની શોધ કરતા જંગલી હાથીઓ સાથે માનવ સંઘર્ષ પણ વધતો જાય છે. હાથી વિસ્તારના ગ્રામીણો હાથીઓથી પોતાના ખેતી પાકોને બચાવવા તારની વાડો બાંધે છે. હાથીઓના કુદરતી પ્રવાસ અને રોજીંદા જીવનમાં ખલેલ પડવાના કારણે જ આક્રમક બની રહયા છે. હાથી જેવા વન્ય જીવ મુકત રીતે હરી ફરી શકે તે માટે વન્ય જીવ કોરિડોરની જરુરીયાત છે.
આફ્રિકા જ નહી એશિયન હાથીના જીવ પણ જોખમમાં છે.એશિયન હાથીનો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કર્ન્જવેશન ઓફ નેચરના રેડ લિસ્ટમાં સમાવેશ થાય છે. ૧૯૮૦ના દાયકામાં એશિયામાં ૯૩ લાખ જેટલા હાથીઓ હતા. હવે માત્ર ૫૦ હજાર જેટલા બચ્યા છે. ભારતમાં એશિયાના કુલ હાથીના ૫૫ ટકા જેટલા હાથીઓ રહે છે. ભારત એશિયન હાથીઓનું સૌથી મોટું ઘર છે. ૧૫ રાજયોના વિવિધ અભ્યારણ્યોમાં મળીને ભારતમાં હાથીઓની સંખ્યા ૨૯૯૬૪ જેટલી છે. હાથી પરિયોજના છતાં ભારતમાં વીજળીના કરંટથી અને રેલવે લાઇનો પર અથડામણથી હાથીઓના મુત્યુનું પ્રમાણ વધારે છે. જળવાયુ પરિવર્તન સામે જંગલના સંરક્ષક બનવાનું કુદરતી કૌશલ્ય ધરાવતા હાથીનું પૃથ્વી પર અસ્તિત્વ ટકી રહે તે માટેનો પડકાર સૌ એ ઝીલી લેવો જરુરી છે.