Get The App

ઉત્તર યૂરોપના ફિનલેન્ડમાં પાંચ મહિલાઓની ગઠબંધન સરકાર

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News
ઉત્તર યૂરોપના ફિનલેન્ડમાં પાંચ મહિલાઓની ગઠબંધન સરકાર 1 - image


હસમુખ ગજજર

પીએમ સન્નાની સોશિયલ ડેમોક્રેટિક પાટીને એકલા હાથે બહુમતી મળી ન હોવાથી તેની સરકાર બીજા ચાર રાજકિય પક્ષોના સમર્થનથી ચાલે છે જેને સેન્ટર -લેફટ ગઠબંધન તરીકે ઓળખવામાં આવે છે 

ઉત્તર યૂરોપના નાનકડા ફિનલેન્ડ દેશની કમાન યુવા મહિલાઓના હાથમાં છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની સન્ના મરીન 34 વર્ષની નાની ઉંમરે વડાપ્રધાનપદ સંભાળે છે. સન્ના માત્ર ફિનલેન્ડ જ નહી વિશ્વની સૌથી નાની ઉંમરની વડાપ્રધાન છે. સન્નાનો જન્મ 16 નવેમ્બર 19૮5માં થયો હતો. એડમિનિસ્ટ્રેટિવ સાયન્સમાં સ્નાતક સન્ના મરીન વર્ષ 2012માં ટેમ્પેયર ટાઉન કાઉન્સિલની સભ્ય બની હતી. વર્ષ 2015માં પ્રથમ વાર પાર્લામેન્ટમાં ચૂંટાઇને ફિનલેન્ડની ટ્રાંસપોર્ટ મંત્રી પણ રહી હતી. ગત વર્ષ ચૂંટણી પછી તે દેશની વડાપ્રધાન બની હતી.

જો કે સન્ના પોતાના વડાપ્રધાન પદની ડયૂટી ઉપરાંત પરીવારને પણ સમય આપવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં તે પોતાના પરીવાર સાથેના ફોટા પોસ્ટ કરતી રહે છે. સન્ના 12 વર્ષ પહેલા રાજકારણમાં આવી ત્યારે પ્રથમ ચુંટણીમાં જ હારનો સામનો કરવો પડયો હતો. તે પોતાના વતનથી હેલસિંકીમાં અભ્યાસ માટે આવી ત્યારે સ્ટડી ફી માટે બેકરીમાં નોકરી કરતી હતી. એટલું જ નહી સિટી ઓફિસમાં સેલ્મમેન અને શો રુમમાં કેશિયર પણ બની હતી. મરીને બેરોજગારીની પીડા વેઠી હોવાથી તે દેશના બેરોજગાર યુવાઓ માટે હમદર્દી ધરાવે છે.

ડિસેમ્બર 2019માં સન્નાની સોશિયલ ડેમોક્રેટિક પાટીને એકલા હાથે બહુમતી ન મળતા બીજા ચાર રાજકિય પક્ષોના સમર્થનથી સરકાર ચલાવે છે. જેને સેન્ટર -લેફટ ગઠબંધન તરીકે ઓળખવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે આ તમામ રાજકિય પક્ષોની બાગડોર મહિલાઓ સંભાળે છે. આમ એ રીતે જોઇએ ફિનલેન્ડમાં પાંચ મહિલાઓની ગઠબંધન સરકાર ચાલે છે. વિશ્વમાં ભલે મહિલાઓને રાજકિય અને સામાજિક અધિકારો પૂરતા મળતા ન હોય પરંતુ ફિનલેન્ડમાં તો મહિલાઓની જ બોલબાલા છે.

32 વર્ષની કાતરી કુલમૂની સેન્ટર પાર્ટીની નેતા છે તે નાણા મંત્રાલય સંભાળે છે. કાતરી 2010 થી 2011 સુધી ફિનલેન્ડના વિદેશમંત્રાલયમાં પ્રેસ સચિવ રહી ચૂકી છે. 2015માં પ્રથમ વાર પાર્લામેન્ટમાં સાંસદ બની હતી. ડાબેરી ગઢબંધનની નેતાગીરી 32 વર્ષની લી એન્ડરસન સંભાળે છે. લી એન્ડરસન 2023 સુધી પોતાની પાર્ટીના અધ્યક્ષ પદે નિમણુંક કરવામાં આવી છે જે સરકારમાં શિક્ષણમંત્રીનો હોદ્દો પણ સંભાળે છે.

2019માં ફિનલેન્ડની સામાન્ય ચૂંટણીમાં એડરસનના નેતૃત્વમાં 16 બેઠકો જીતી હતી જે અગાઉના ચુંટણી પરીણામો કરતા 4 બેઠકો વધારે છે. ગ્રીન લીગની મહિલા નેતા મારિયા ઓહિસાલો છે જે પણ ગઠબંધન સરકારમાં જોડાયેલી છે. 34 વર્ષની મારિયાએ 2011માં માસ્ટર ડિગ્રી મેળવી અને વર્ષ 2017માં સમાજશાસ્ત્ર વિષયમાં પીએચડી થઇ છે. તે અભ્યાસ કરતી હતી તે દરમિયાન 200૮માં ગ્રીન લીગ પાર્ટી સાથે જોડાઇ હતી. આંદોલનો અને પ્રદર્શનો માટે જાણીતી મારિયાને 2019માં પાર્ટીની અઘ્યક્ષ બનાવાઇ હતી આજ વર્ષમાં પ્રથમ વાર ચૂંટણી જીતીને પાર્લામેન્ટમાં પહોચી હતી. ગઠબંધન સરકારનો ભાગ ગણાતી ગ્રીન લીગ વતી તે સરકારમાં જોડાઇને આંતરિક બાબતોની મંત્રી બની છે. આ ઉપરાંત અન્ના ક્રિષ્ટિના પણ સના સરકારને સમર્થન ધરાવે છે. 

ફિનલેન્ડના રાજકારણમાં ઘણી વાર નાના મુદ્વા પણ મોટું સ્વરુપ ધારણ કરે છે પરંતુ સંસદમાં કે લોકો સમક્ષ જુઠું બોલનારા નેતાઓની ખૂરશી ટકતી નથી. અગાઉ ફિનલેન્ડના વડાપ્રધાન અંટી રીને દેશમાં ટપાલ વિભાગની ચાલતી હળતાલ મામલે સંસદને ગેરમાર્ગે દોરવાના આરોપમાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર પછી સના વડાપ્રધાન બની જે સ્કેન્ડિનેવિયન દેશોમાં ત્રીજી મહિલા વડાપ્રધાન છે. 55 લાખની વસ્તી ધરાવતા ફિનલેન્ડ દેશના નાગરિકો ભલે ધીરગંભીર જણાતા હોય પરંતુ તે વિશ્વમાં યૂનાઇટેડ નેશનના હેપી ઇન્ડેક્ષમાં સૌથી ટોપ દેશોમાં ગણાય છે. ગમે તે પ્રકારના ગંભીર મુદ્વાઓને પણ લોકો વિવેક બુધ્ધિથી હલ કરે છે. ફિનલેન્ડની સુખાકારીમાં મહિલાઓ અને પુરુષો વચ્ચેની સમાનતાનો મોટો ફાળો છે. કોઇ પણ પરીવાર હોય કે દેશ મહિલાઓ અને બાળકોને મહત્વ આપ્યા વિના આગળ વધી શકતો નથી તે ફિનલેન્ડે પૂરવાર કર્યુ છે. 

રશિયા સાથે ગૃહયુદ્ધ થયા પછી 1917માં સ્વતંત્ર થયેલા આ દેશમાં ભષ્ટા્રચાર જેવા મુદ્વે લોકો છુટથી બોલી શકે છે રાજકિય પક્ષો દ્વારા ટીકા ટિપ્પણી બાબતે કોઇ પણ પ્રકારનું દાબ દબાણ કરવામાં આવતું નથી. ખામીઓ ઉજાગર કરનારાઓને કયારેય દબાવવામાં આવતા નથી, ફિનલેન્ડનું ઉદાર કલ્ચર પણ એવું છે જે દરેકને ખૂશ જોવા ઇચ્છે છે. આ દેશમાં લેવામાં આવતા ઉદારમતવાદી રાજકિય નિર્ણયોને સામાજીક વિકાસ સાથે સિધો સંબંધ હોય છે. લોકોમાં આત્મવિશ્વાસ અને પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. અહીંયા લોકો પાસેથી ઉંચો ટેક્ષ દર વસૂલવામાં આવે છે પરંતુ આ ટેકસનો ઉપયોગ બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં અને સામાજિક સુખાકારીમાં વપરાય છે.

ફિનલેન્ડમાં છેલ્લા ૮0 વર્ષથી ગર્ભવતી મહિલાને એક ડબ્બા પેકેજ આપવાની પ્રથા અમલમાં છે જેમાં બાળકોના કપડા, ચટ્ટાઇ, રમકડા, સ્લીપિંગ બેગ અને નેપકિન હોય છે. આ ખાસ પ્રકારના ડબ્બાનો ઉપયોગ બાળકોને સુવાડવા માટેના બિસ્તર તરીકે પણ થાય છે. નવજાત શિશુના સૌથી ઓછા મુત્યુ પ્રમાણનું કારણ ભેદભાવ વગર આપવામાં આવતું આ માતૃત્વ પેકેજ પણ છે. આ રીતે દરેક બાળકની જીંદગીની શરુઆત સરખી સુવિધાથી થાય છે. જો કે માતા ઇચ્છે તો ડબ્બાના સ્થાને રોકડ મદદ પણ લઇ શકે છે. મહિલાઓને બાળકોને સ્તનપાન માટે પણ પ્રેરિત કરવામાં આવે છે. ફિનલેન્ડની એજયૂકેશન સિસ્ટમ દુનિયામાં દાખલારુપ છે. માર્કસ અને નંબરની હરિફાઇમાં બાળપણ ખોવાઇ રહયું છે ત્યારે ફિનલેન્ડના બાળકો ભણતા રહીને પણ બાળપણને ભરપૂર માણે છે. આખા વર્ષ દરમિયાન પરીક્ષાઓનો ભાર વેંઢારતો પડતો નથી.

6 વર્ષ સુધી બાળકોના કૌશલ્યને પરખવામાં કોઇ ગૂણ પધ્ધતિ અપનાવવામાં આવતી નથી. ગરીબ હોય કે અમીર દરેક બાળકોને એક સરખું જ શિક્ષણ મળે છે. 1960 પહેલા ફિનલેન્ડની એજયૂકેશન સિસ્ટમ બદલવામાં આવી તેના સારા પરીણામો દેશને મળી રહયા છે. મહિલાઓ માટે પણ રાજકારણથી માંડીને તમામ ક્ષેત્રમાં આગળ વધવાની તક ઉભી થઇ છે. ટેકસ અંગેનું માળખું અને માહિતી સરળતાથી મળી રહેતી હોવાથી મહિલાઓની ગઠબંધન સરકારમાં લોકોનો વિશ્વાસ પણ વધતો રહયો છે. 

વિશ્વાસ પારદર્શકતા અને ખુલ્લાપણું જે ફિનલેન્ડની સંસ્કૃતિનું અંગ રહી છે તેને રાજકારણી મહિલાઓ બરાબર સમજે છે. ફિનલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ કે જેણે મહિલાઓને 1907માં પાર્લામેન્ટમાં મોકલી હતી એટલું જ નહી 1906માં મહિલાઓને મતાધિકાર આપનારો યૂરોપનો પ્રથમ દેશ પણ હતો. 200 બેઠકો ધરાવતી સંસદમાં 93 બેઠકો પર જીતીને મહિલાઓ પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ વર્ષ 2000માં મહિલા રાષ્ટ્રપતિ પણ બની હતી. ફિનલેન્ડમાં મહિલાઓ માટે ખાસ આઇલેન્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ક્રિસ્ટિના રૉથ દ્વારા સ્થાપવાનો હેતું મહિલાઓને રિલેકસ રાખવાનો છે. ફિનલેન્ડના પાટનગર હેલસિંકીમાં સૌથી વધુ તળાવ હોવાથી તેને બ્લૂ સિટી પણ કહેવામાં આવે છે. આ બ્લૂ સિટીમાં બેસીને મહિલાઓ કમાન સંભાળીને દેશની મહાન પરંપરાઓને આગળ વધારી રહી છે.

Tags :