Get The App

પાકિસ્તાનના અત્યાચારોથી તંગ આવીને ન્યાય માંગતું બલુચિસ્તાન

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાનના અત્યાચારોથી તંગ આવીને ન્યાય માંગતું બલુચિસ્તાન 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- બલુચિસ્તાન પાકિસ્તાનના કુલ વિસ્તારના 44 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. અન્યાય ઉપેક્ષા અને અત્યાચારનો ભોગ બનેલા બલુચિસ્તાનની ભૂગોળ ભલે પાકિસ્તાન સાથે જોડાયેલી હોય પરંતુ સંસ્કૃતિ,રહેણી કહેણી અને વિચારોથી પણ જુદું હોવાથી પોતાનું અલગ અસ્તિત્વ ઝંખે છે

પા કિસ્તાન કાશ્મીરને ગળાની નસ ગણવાનો ફાંકો મારે છે પરંતુ પોતાના કબ્જામાં રહેલા બલુચિસ્તાનને સંભાળી શકતું નથી. ૩૪૭૧૯૦ કિમી વર્ગ વિસ્તાર ધરાવતું બલુચિસ્તાન પાકિસ્તાનના કુલ વિસ્તારના ૪૪ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વિસ્તારની દ્વષ્ટીએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ વસ્તી માત્ર ૧.૪૮ કરોડ જ છે. બલૂચિસ્તાનમાં દુર્ગમ પહાડિયોની વચ્ચે માતા સતીના ૫૧ શકિતપીઠોમાં એક શકિતપીઠ હિંગળાજ તીર્થ આવેલું છે. બલુચિસ્તાન પાકિસ્તાનની દક્ષિણ પશ્ચિમમાં, ઇરાનના દક્ષિણ-પૂર્વી પ્રાંત સિસ્તાન તથા અફઘાનિસ્તાનના નિમરુજ અને હેલમંડના કેટલાક વિસ્તારો સુધી ફેલાયેલું છે. આમ મૂળભૂત રીતે બલુચોનું બલુચિસ્તાન ૩ દેશોમાં વહેંચાયેલું છે. બલુચિસ્તાન નામ બલોચ નામની જનજાતિ પર આધારિત છે જે દાયકાઓથી રહે છે ત્યાર પછી પશ્તુનોની વસ્તી વધારે છે. બલુચિસ્તાનમાં અનેક વિદ્વોહી સમૂહો છે જેમાં બલુચ લિબરેશન આર્મી (બીએલએ) બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) જો પાકિસ્તાન સરકાર અને મિલિટરીને પડકારતા રહે છે. તાજેતરમાં બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન સૈન્યની ટ્રેન હાઇજેક કરીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. બીએલએ પાસે મજીદ નામની એક સુસાઇડ બ્રિગેડ છે જેમાં મહિલાઓ પણ છે. ચીન અને પાકિસ્તાનનો મહત્વકાંક્ષી ઇકોનોમિક કોરિડોર બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. સશસ્ત્ર બલુચ ગુ્રપોએ પાકિસ્તાન આર્મી જ નહી પ્રોજેકટ સાથે સંકળાયેલા ચીની નાગરિકો પર પણ હુમલા કર્યા છે. ગેસ પરિયોજના, સરકારી ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુરક્ષા ચોકીઓ પર ધમાકા કરતા રહે છે. બલુચિસ્તાનની ભૂગોળ ભલે પાકિસ્તાન સાથે જોડાયેલી હોય પરંતુ બલુચ લોકો મનથી જોડાયેલા નથી. સંસ્કૃતિ,રહેણી કહેણી અને વિચારો જુદા હોવાથી તેઓ અલગ અસ્તિત્વ ઝંખે છે. પાકિસ્તાનમાં રાષ્ટ્રીય ઓળખ નહી મળવાથી તેમનામાં અલગાવના બીજ રોપાયેલા છે. પાકિસ્તાનની સરકારો વર્ષોથી બલુચિસ્તાનના લોકો સાથે ભેદભાવ કરતી આવી છે. બલુચિસ્તાનના પહાડો અને ટેકરીઓનો સમગ્ર વિસ્તાર ખનીજ સંપતિથી ભરપૂર છે. પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂર આ વિસ્તાર યુરેનિયમ,ગેસ અને ક્રુડતેલનો ભંડાર જોવા મળે છે. રેકો ડિક નામની સોનાની ખાણમાં અઢળક સોનું છે જેમાં કેનેડાની એક કંપની પાકિસ્તાન સરકાર સાથે ૫૦ ટકાની ભાગીદારી ધરાવે છે. વિકાસના ફળ વહેંચવામાં અન્યાય થયો હોવાની લોકોની બલુચોની લાગણી ખૂબ જુની છે. પાકિસ્તાનમાં બલુચ લોકો સૌથી ગરીબ અને ઉપેક્ષિત રહી ગયા છે. પાકિસ્તાનની સેના હંમેશા તેમને બંદૂકની અણીએ ધાકમાં રાખે છે. પાકિસ્તાની સૈન્યના અત્યાચારોથી ત્રાસેલા લોકો વર્ષોથી અલગ બલુચિસ્તાન માટે આંદોલન ચલાવે છે. 

બ્લુચિસ્તાન અને પાકિસ્તાનને આજકાલની નહી છેક આઝાદીના સમયથી ઠેરેલી છે. પાકિસ્તાને પ્રોપગેન્ડાથી બલુચિસ્તાનનું નાક દબાવેલું તેનો કાળો ઇતિહાસ જાણવા જેવો છે. પ્રથમ અફઘાન યુધ્ધ (૧૮૩૯-૪૨) પછી અંગ્રજોએ બલુચિસ્તાન ક્ષેત્ર પર અધિકાર જમાવ્યો હતો. ૧૮૩૯માં અંગ્રેજોએ કલાતના ખાનો અને બલૂચિસ્તાનના સરદારો વચ્ચે ઝગડાની મધ્યસ્થતા કરી હતી. વર્ષ ૧૮૭૬માં રોબર્ટ સેંડમેનને બલુચિસ્તાનમાં બ્રિટિશ એજન્ટ તરીકે નિયુકત કરાયા હતા. અંગ્રેજોએ બલુચિસ્તાનને  કલાત, મકરાન, લસ બેલા અને ખારન એમ ૪ રજવાડા વહેંચ્યું હતું. ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા  ૧૧ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બલુચિસ્તાનની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે બલુચિસ્તાનના પાકિસ્તાન સાથેના વિલય કે કોઇ પણ કરારની વાત જ ન હતી. ભાગલા વખતે બલુચોમાં ચર્ચા જરુર છેડાઇ હતી કે જો ઇસ્લામના નામે પાકિસ્તાન સાથે ભળીએ તો પાડોશી અફઘાનિસ્તાન અને ઇરાન પણ ઇસ્લામિક દેશો જ છે. આપણી  ભાષા, પહેરવેશ અને સંસ્કૃતિ સાવ જુદા પ્રકારની હોવાથી પાકિસ્તાન સાથે જવાનો કોઇ જ મતલબ નથી. ૭ માર્ચ ૧૯૪૮ના રોજ પાકિસ્તાને બલુચિસ્તાન પર હુમલો કરીને ગેરકાયદેસર કબ્જો લઇ લીધો હતો. એ રીતે જોઇએ તો ભાગલા પછી બલુચિસ્તાનને મળેલી આઝાદી ધોખાવાળી અને ફસાવનારી સાબીત થઇ હતી.રાષ્ટ્રવાદી બલુચ અને બીએલએસ જેવા સશસ્ત્ર વિદ્રોહી જુથો પાકિસ્તાનના આ પગલાને આજે પણ ગેર કાયદેસર માને છે.

 છેલ્લા ૭૫ વર્ષથી બલુચિસ્તાનનો ઇતિહાસ પાકિસ્તાનની ગુલામીમાંથી છુટવા માટેના હિંસક-અહિંસક સંઘર્ષનો રહયો છે. બલુચિસ્તાનમાં પ્રથમ વિદ્રોહ નિસારખાન અને રાજકુમાર અબ્દુલ કરીમખાને કર્યો હતો. ગેરિલ્લા પધ્ધતિથી પાકિસ્તાની સેના પર સશસ્ત્ર હુમલા કરવાની શરુઆત કરી હતી. ૧૯૫૮માં એક સશસ્ત્ર સંઘર્ષનું નેતૃત્વ કરી રહેલા નવાબ નવરોઝખાન અને તેમના સહયોગીઓને પાકિસ્તાન સરકારે જેલમાં પુર્યા હતા. ૧૫ જુલાઇ ૧૯૬૦ના રોજ હૈદરાબાદની જેલમાં નવરોઝખાનના પુત્રો અને ભત્રીજાઓ સહિત ૭ ને ફાંસી આપવામાં આવી હતી જયારે નવરોઝખાનનું ૧૯૬૪માં કોહલુ જેલમાં મુત્યુ થયું હતું.૧૯૬૪માં  સ્થપાયેલું બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) ઇરાની સરકાર વિરુધ બલોચ સમૂહના વિદ્રોહમાં જોડાયું હતું. બીએલએફ અને અન્ય કેટલાક વિદ્રોહી સંગઠનો પાકિસ્તાન આર્મીના વિરોધમાં પડયા હતા.૧૯૫૮-૫૯ ૧૯૬૨-૬૩ અને ૧૯૭૩ થી ૧૯૭૭ દરમિયાન પાકિસ્તાન સરકાર સાથે બલુચોની હિંસક ટક્કર થતી રહી હતી.૧૯૭૧ના યુધ્ધમાં બાંગ્લાદેશની આઝાદીથી પ્રેરાઇને બલુચ નેતાઓએ સ્વાયતતાની માંગણી કરી હતી. ૧૯૭૩માં પાકિસ્તાનની સંધીય સરકારે બલુચિસ્તાનની પ્રાંતિય સરકારને બરખાસ્ત કરી દેતા ૪ વર્ષ સુધી વિદ્રોહ ચાલ્યો હતો.

 પાકિસ્તાનના પૂર્વ સેનાપતિ ટિક્કાખાને બલુચોની સામુહિક હત્યાઓ કરી હતી આથી જ તો બલુચોએ કસાઇનું ઉપનામ આપ્યું હતું. 

બલુચિસ્તાનમાં પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ, મિલિટરી અને તેના પાલતું આતંકી સંગઠનોના રકતરંજીત અત્યાચારોની લાંબી કહાણી છે પરંતુ વર્તમાન અલગાવવાદી હિંસક સંઘર્ષના મૂળિયા વર્ષ ૨૦૦૨માં નખાયા હતા જેની આગેવાની બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) એ સંભાળી છે. બલુચિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી જતા ચીન અને પાકિસ્તાનના ઇકોનોમિક કોરિડોરનું કામ શરુ થયું જેમાં બલુચોને લગભગ બહાર રખાયા હતા. નિર્માણકાર્યમાં બીજા પ્રાંતના મજૂરો અને ચીની એન્જીનિયરો જ કામ કરવા આવવા લાગ્યા હતા. પાકિસ્તાન સરકારે બલુચિસ્તાનની ભૂમિનો એક મોટો હિસ્સો ચીનને હવાલે કરી દેતા બલુચ આંદોલન તેજ થયું હતું. ૨૦૦૪માં બલુચ ઉગ્રવાદીઓ એ ૩ ચીની એન્જીનિયરોની હત્યા કરીને પહેલીવાર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. પાકિસ્તાનના રાજકારણમાં પંજાબી મુસલમાનો ખૂબ વર્ચસ્વ ધરાવે છે. બલુચિસ્તાનમાં લોકો વધારે ભણેલા ગણેલા અને કૌશલ્યવાળા નથી એવા બહાના હેઠળ બહારના માણસો વસાવીને વિસ્તારની ડેમોગ્રાફી બદલવા પ્રયાસો થતા રહયા હતા. જનરલ મુશર્રફના શાસનમાં બલુચો પર ખૂબ અત્યાચારો થયા હતા. પાકિસ્તાન સૈન્ય શંકાને આધારે બલુચિસ્તાનમાં માણસોને ઉપાડી જતું અને  થોડાક દિવસ પછી અપહ્તની લાશ રસ્તે રઝડતી મળવાની અગણિત ઘટનાઓ બની હતી.૨૦૦૯માં બલુચ નેશનલ મુવમેન્ટના સદર ગુલામ મોહમ્મદ બલુચ અને અન્ય નેતાઓ લાલા મુનિર અને શેર મોહમ્મદનું કેટલાક બંદુકધારીઓએ અપહરણ કર્યુ હતું. તેમની ૫ દિવસ પછી ગોળીઓથી વિંધાયેલી લાશ મળી આવી હતી. બલુચ મહિલાઓ પર બળાત્કાર અને બાળકો પર અત્યાચાર થતા હોવાનું અનેક અહેવાલોમાં ધ્યાનમાં આવ્યું છે. પાક સૈન્યએ અનેક બલુચ વિદ્રોહીઓને નકલી એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતાર્યા હતા. ૮૦૦૦થી વધુ બલુચ લોકોનો અત્તો પત્તો ન મળતા તેમના સગાઓએ ઇસ્લામાબાદ સુધી ગુહાર લગાવી છતાં જવાબ મળતો ન હતો. ૨૦૦૫માં બલુચિસ્તાનના રાજકીય લિડર નવાબ અકબરખાન બુગતી અને મીર બલુચ મર્રીએ બલુચિસ્તાનની સ્વાયત્તા માટે પાકિસ્તાન સરકારને ૧૫ સુત્રીય એજન્ડા આપ્યો હતો. આ દરમિયાન ૨૦૦૬માં બલુચ નેતા અકબર બુગતીની પાક સૈન્યએ કતલ કરતા સંઘર્ષ વધી ગયો હતો. બલુચિસ્તાન છોડીને ભાગી ગયેલા અનેક બલુચ નેતાઓએ વિદેશમાં પાકિસ્તાન સરકારની બર્બરતા ખુલ્લી પાડેલી છે. પાકિસ્તાન સરકારે બલુચો પર હકુમત ચલાવવી છે પરંતુ રાજકિય અને આર્થિક ફાયદો આપવો નથી. બલુચિસ્તાનના લોકો ઇસ્લામના નામે આતંકવાદ ચલાવતા નથી આથી પાક પ્રેરિત ઇસ્લામી આતંકી સંગઠનો પણ બલુચોને નિશાન બનાવે છે. બલુચો સ્વભાવે લડવૈયા અને અન્યાય સહન નહી કરવાવાળા હોવાથી બલુચિસ્તાનનો વિદ્વોહ પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી સમાન છે.

Tags :