Get The App

મકરસંક્રાંતિ : માત્ર કેલેન્ડરની તારીખ નથી કુદરતના મિજાજને પાંમવાનો પણ અવસર!

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
મકરસંક્રાંતિ : માત્ર કેલેન્ડરની તારીખ નથી કુદરતના મિજાજને પાંમવાનો પણ અવસર! 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- સૂર્યનો ઉત્તર દિશા પ્રવેશ  ખેતરોમાં શિયાળું પાક માટે અનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. ઋતુઓ હવે અનિયમિત રહે છે બાકી ઉતરાયણએ શિયાળાના અંતનો પણ આરંભ છે

પૃ થ્વીનો મોટો ભાગ ભૂમધ્ય રેખાથી ઉત્તરમાં એટલે કે ઉત્તરી ગોળાર્ધમાં આવે છે આથી જ તો સદીઓથી ઉતરાયણની સોલાર ઘટનાનું મહત્વ દુનિયા આખીએ સ્વીકાર્યું છે. ભારતીય કેલેન્ડર મુજબ મહિનાઓ,તિથિઓ ચંદ્રની કળાના આધારે હોવાથી તમામ તહેવારો અને ધાર્મિક ઉત્સવોનું આયોજન લૂનાર કેલેન્ડર મુજબ થાય છે જયારે મકરસંક્રાંતિ એક એવો તહેવાર જે અંગ્રેજી (ગ્રેગોેરીયન) કેલેન્ડર મુજબ ઉજવાય છે. આ કેેલેન્ડર સૂર્યની ગતિને અનુસરે છે. પૃથ્વી સાડા ૨૩.૫  ડિગ્રી  ધરી પર ઝુકેલી રહીને સૂર્યની પરિક્રમા કરે છે. સૂર્યના કિરણ ૨૧ માર્ચ થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન વિષુવવૃત પર સીધા પડે છે. ૨૧ જુન કર્કરેખા અને ૨૨ ડિસેમ્બરે મકરરેખા પર પડે છે. સૂર્યનો દક્ષિણથી ઉત્તર દિશા તરફનો પ્રવેશ ઉતરાયણ કહેવામાં આવે છે.૧૪ જાન્યુઆરીના રોજ સૂર્ય પ્રતિ વર્ષ પોતાની કક્ષામાં પરિવર્તન લાવીને દક્ષિણાયનથી ઉતરાયણમાં આવીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ઉતરાયણ  માત્ર કેલેન્ડરની એક તારીખ નથી પ્રકૃતિના બદલતા મિજાજને પાંમવાનો પણ અવસર છે. જયારે આનો અહેસાસ થાય ત્યારે મન નવી ઉર્જા મહેસુસ કરવા લાગે છે. કાંતિલ ઠંડી રાત પછી એક એવો  દિવસ ઉગે છે જે સૌને હુંફથી ભરી દે છે. આજીવિકાનો આધાર ગણતો કૃષિ વ્યવસાય ખૂબ  પ્રાચીન છે.  સદીઓથી  ધંધો નહી પરંતુ ધર્મ સમજીને ખેતી કરનારા ખેડૂતોની પેઢીઓએ  પૃથ્વી પરના માનવીઓનું અન્ન પોષણ કર્યુ છે. રવિપાકોની સિઝનમાં લહેરાતો પાક મનને  આશા અને હરખથી ભરી દે છે. જેઓ કુદરતના ખોળે રહીને જીવે છે એમના માટે ઉતરાયણ એક મોટી ઘટના છે.  સમયની સાથે જીવન શૈલીમાં આધુનિકતા અને ફેશન આવી પરંતુ ખેતીનો વિકલ્પ ખેતી જ રહેવાનો છે.  દુનિયા ગમે તેટલી ડિજિટલ બને પરંતુ માણસનું અસ્તિત્વ તો ધન ધાન્યોને આધારે જ ટકેલું છે. શરીર ટકાવવા માટે ખોરાકની જરુર પડે છે તે અનાજ સ્વરુપે બજારમાંથી ખરીદવું પડે છે. ઉતરાયણ પછી ક્રમશ ઠંડી ઓછી થવાની સાથે જ સહેજે હુંફાળો તડકો શરુ થાય છે. ઉતરાયણની કુદરતી સ્થિતિ ખેતરોમાં શિયાળું પાક પાકવા માટે અનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. જળવાયુ પરિવર્તનના લીધે ઋતુઓ હવે અનિયમિત અને આઘી પાછી થવા લાગી છે બાકી ઉતરાયણએ શિયાળાના અંતનો પણ આરંભ છે. ઉત્તરાયણના દિવસથી સૂર્યના કિરણોમાં અજવાળું વધે છે. ઠંડીથી ઠુંઠવાતા સજીવોમાં નવ ચેતનાનો સંચાર થાય છે. 

મહારાષ્ટ્રમાં કલરફૂલ રંગોલી, તમિલનાડુમાં પોંગલ ફેસ્ટિવલ, પંજાબમાં લોહાડી, અસમમાં ભોગાલી બિહુ, ગુજરાતમાં પતંગ અને દાન પૂર્ણ્યનો મહિમા સમજાવતા ઉતરાયણ પર્વની રાજયે રાજયે  રીત ભાત ભલે જૂદી હોય પરંતુ સોશિયલ યુનિટીનો સંદેશો એક સરખો જ  સમાયેલો છે. ઉતરાખંડમાં ઉત્તરાયણને કાળા કાગડાનો તહેવાર કહેવામાં આવે છે. કુમાઉ વિસ્તારમાં સ્થાનિક બોલીમાં ઘુઘૂતિયા તહેવાર તરીકે ઉજવાય છે. જેમાં ગોળ અને ચોખાના લોટમાંથી ઘુઘુત નામની વાનગી તૈયાર કરવામાં આવે છે. આ ગોળાકાર ઘુધૂત વાનગીની માળા પરોવીને કાગડાને બોલાવવામાં આવે છે. આ દિવસે લોકો પહાડની ટોચ પર ઉભા રહીને 'કાલે કૌવા કાલે, ઘુઘુતિમાલા ખાલે '  એવું સમૂહમાં ગાય છે. પતંગ ઉતરાયણ પર્વના આત્મા સમાન  હોવાથી પતંગ વિનાની ઉતરાયણની કલ્પના થઇ શકતી નથી. આ એક એવો તહેવાર જેની સાથે સૌના બાળપણની યાદો મજબૂતાઇ જોડાયેલી હોય છે. વડીલો ધાબા પર ચડે ત્યારે યાદોનો પટારો ખુલવા લાગે છે. આ એક એવી પરંપરા જે જીવનને નવી જ ઉર્જાથી ભરી દે છે. રંગબેરંગી પતંગો  ઉડતા જઇને મન પણ ઉડવા લાગે છે. સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરે છે જયારે માણસે ખુદની જાતમાં પ્રવેશ કરવાનો અવસર પણ છે. તલની રેવડી, ગોળ તલની સુખડી, શેરડીની મીઠાશ અને જામફળ ,બોર જેવા ફળો ધાબા પર વહેંચવામાં આવતા હોય છે. પાડોશી કે સગા સંબંધીઓ સાથે ઓછો વત્તો મનનો સંઘર્ષ રચાયેલો હોયતો ભૂલીને ઓતપ્રોત રહેવામાં જ ઉતરાયણની મજા છે. આ એક એવી પરંપરા છે જે કરોડો હ્વદયોને મીઠાશથી ભરી દે છે. કોઇ તલ સાંકળી આપે ત્યારે  એક હળવા સ્મિત સાથે તેને ગ્રહણ કરવામાં જ જીવનનો આનંદ આવી જાય છે.સગા સંબંધીઓ અને પાડોશીઓને જોડી દેતી આ એક  એવી પરંપરા જે કરોડો હ્વદયોને જોડવાનું કામ કરે છે.  પતંગ મનની મોકળાશ રચીને ઉંચે આકાશમાં  વિસ્તરતા રહેવાનું  શિખવે છે. અહંકારના પુંછડાને પતંગ સાથે બાંધીને  આકાશમાં વહેતું કરી દેવાની આ વેળા છે. બોજ લઇને ફરવાના સ્થાને હળવા થઇને રહીએ તો દુનિયા આખી હળવી લાગે છે.  પતંગ ઉડે ત્યારે ખાલી મસ્તી નહી એક સંસ્કૃતિના મૂળ સાથે જોડાયા હોવાનું અનુભવાય છે.આખા આકાશમાં કાપ્યોનો નાદ ગુંજી ઉઠે  ત્યારે ઉંમગનો દરિયો છલકાતો રહે છે. પતંગ ઉડાડવાથી શરીર અને  મનના સંતુલનનો અનોખો સંગમ રચાય છે. પરોપકાર, અને દાન કરનારના હૈયે ઉતરાયણનો આનંદ છલકાતો રહે છે.  આખો દિવસ ધાબા પર પતંગોત્સવમાં મશગૂલ રહેવાથી જે આનંદ મળે છે તેની સામે સોશિયલ મીડિયાની કોમેડી રીલ પણ  ફિક્કી લાગે છે.

 ઉતરાયણ જેવો તહેવાર કુદરતની ફેકટરીનું એવું સેટિંગ જે રોજીંદા જીવનના રુટિનને તોડીને મનને નવ પલ્લવિત કરી દે છે. આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દેવાનો આ રુડો અવસર છે જે ૩૬૫ દિવસનું  ઋતુચક્ર પુરું થાય ત્યાર પછી એક આવે છે. એક સમય હતો કે ઉતરાયણની દિવસો પહેલા છોકરાઓ રાહ જોતા હતા. સ્કૂલમાંથી છુટીને ધાબા કે છાપરા પર પતંગ ચગાવતા ત્યારે ઉતરાયણને હજુ વાર છે એવી વડિલો બૂમો પાડતા. પતંગ ચગાવવાની શરુઆત ઉતરાયણના  મહિના પહેલા શરુ થઇ જતી. છેવટે ૧૪ જાન્યુઆરીનોએ દિવસ આવી ચડતો જેમાં પતંગ ઉડાડવાનું કૌશલ્ય કામે લગાડીને જીવનની એક ઇચ્છા પુરી થઇ હોય એવો સંતોષ મળતો. પતંગ રસિયાઓ કપાયેલી પતંગને લૂંટવાનો આનંદ પુરી તાકાતથી મેળવતા. કપાએલી પતંગને લૂંટવાના હરખને મૂલ્યમાં આંકી શકાતો નહી. પહેલા જેવા પતંગબાજો અને પતંગ રસિયાઓ ઝડપથી  ઘટી રહયા છે. પહેલા કરતા ઉતરાયણમાં પરિવર્તન આવી ગયું છે. નવી પેઢી માટે ઉતરાયણ એક કે બે દિવસ પુરતી રહી ગઇ છે. મોબાઇલમાં માથુ ઝુકાવતી નવી પેઢીએ આકાશ તરફ પણ નજર કરવા જેવી છે. રંગબેરંગી પતંગોથી ભરેલા આકાશનો માહોલ ચોકકસ અસ્મરણીય બની રહેશે. 

રામાયણ તથા મહાભારત જેવા ધાર્મિક ગ્રંથોમાં પતંગનો ઉલ્લેખ મળે છે. ચીન દેશના લોકો પ્રાચીન સમયમાં હવામાન ખાસ તો પવનની ગતિ અને દિશા જાણવા માટે પતંગનો ઉપયોગ કરતા હતા. ચીનમાં ઇસ ૫૪૯માં પહેલીવાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી. જેનો ઉપયોગ રેસ્કયુ ઓપરેશનમાં સંદેશો મોકલવા માટે થવા લાગ્યો હતો.  ચીન,ભારત બાદ ઇન્ડોનિશિયા, 

જાવા સુમાત્રા, મલાયા, બોનિયો અને ન્યુઝીલેન્ડ સુધી પતંગનો શોખ વિસ્તર્યો હતો. ન્યુઝીલેન્ડના મઓરી મૂળ નિવાસીઓ સદીઓથી વિવિધ પ્રકારના પક્ષીઓના આકારની પતંગ ઉડાડતા હતા. આજે પણ શેષ રહેલા મઓરીએ તેમની આ કળાને જીવંત  રાખી છે.૧૩મી સદીમાં માર્કોપોલોએ ભારત તથા એશિયાખંડની સમૃધ્ધિના વખાણ કર્યા જેમાં પતંગોતસવનો પણ સમાવેશ થતો હતો.  ૧૬ મી સદીમાં યુરોપના નાવિકો પતંગકળાને શીખીને યુરોપમાં લઇ ગયા હતા. વર્તમાન સમયમાં પતંગ ભલે મનોરંજનનું સાધન બની હોય પરંતુ એર સાયન્સને લગતા પ્રયોગોને કારણે જ બલૂન તથા હેલિકોપ્ટરને લગતી શોધ વધુ સરળ બની હતી. મિટીરિયોલોજી,એરોનોટિકસ, કોમ્યૂનિકેશન અને વાયરલેસની શોધમાં પણ પતંગ કામ લાગી હતી. ઇસ ૧૯૦૧માં બ્રિટનના સેમ્યુઅલ કોડીએ પતંગની મદદથી બોટ વડે અઘરી મનાતી ઇગ્લીશ ચેનલ પણ પાર કરી હતી. ત્યાર બાદ આ પતંગ ધકોડી વોર કાઇટધના નામથી જાણીતી બની હતી. યુરોપ અને અમેરિકામાં ૧૮ મી સદીમાં પતંગનો ઉપયોગ હવાનું દબાણને લગતા વૈજ્ઞાનિક પ્રયોગોમાં થવા લાગ્યો હતો. અમેરિકાના ફાધર ઓફ નેશન ગણાતા બેન્જામિન ફેન્કલિન ઉપરાંત વિમાન શોધક રાઇટ બંધુઓએ પણ વૈજ્ઞાનિક પ્રયોગો માટે પતંગ ઉડાડી હતી. રાઇટ બંધુઓએ સૌથી પહેલા એક ગ્લાઇડર તૈયાર કર્યું જેને તેઓ પતંગની જેમ જ ઉડાડતા હતા. આ દ્વારા તેમણે વિમાનનું  નિયંત્રણ કરવાના સિધ્ધાંતનો પાયો નાખ્યો હતો. ઇસ ૧૮૬૦ થી ૧૯૧૦ સુધી થયેલા હવાના દબાણને લગતા સંશોધનોમાં પતંગના થયેલા વ્યાપક ઉપયોગને જોતા તે પતંગનો ગોલ્ડન પીરિયેડ હતો. આમ પતંગ સાથે ધર્મ, અધ્યાત્મ, ઇતિહાસ, ભૂગોળ, હવામાન, સમાજશાસ્ત્ર ઉપરાંત વિજ્ઞાન પણ ગાંઢ રીતે જોડાયેલું છે.