પૃથ્વીના ફેંફસા ગણાતા એમેઝોન વર્ષાવનને બચાવવા 8 દેશોની કવાયત
Updated: Sep 12th, 2023
- મીડ વીક - હસમુખ ગજજર
- એમેઝોન વર્ષાવન પૃથ્વી પર લાખો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. દુનિયાની ૧૦ ટકા વન્યજીવોની પ્રજાતિઓનું રહેઠાણ છે. એમેઝોનના વિશાળ વર્ષાવનને બચાવવા માટે ગત મહિને બ્રાઝિલના બેલેમ ઓફ પારા ખાતે બોલીવિયા, કોલંબિયા, પેરુ, ઇકવાડોર, ગુયાના, સૂરીનામ અને વેનેઝુએલા દેશની ટોચની નેતાગીરીએ બેઠક યોજી હતી.
૫ ૫ લાખ વર્ગ કિમીમાં ફેલાયેલા પૃથ્વીના ફેૅફસા એટલે એમેઝોનના જંગલ. ઇકો સિસ્ટમની એક એવી મજબૂત સાંકળ જો તૂટે તો મહાવિનાશને કોઇ રોકી શકે નહી. લાખો વર્ષોથી અસ્તિત્વ ધરાવતું એમેઝોન જીવ વિવિધતા અને જીવ સૃષ્ટિના ધબકારા ઝીલતું આંગણું છે. દુનિયાના વર્ષાવનો (રેઇન ફોરેસ્ટ)માં એમેઝોન સૌથી મોટું છે. અત્યાર સુધી કમસેકમ ૪૦૦૦૦ છોડ, ૨૨૦૦ માછલીઓ, ૧૨૦૦ પક્ષીઓ, ૪૦૦ સ્તનધારીઓ. ૪૦૦ ઉભયચરો અને ૩૭૫ સરીસૃપોની પ્રજાતિઓનું ઘર છે. હજુ સુધી ૨૫ લાખ જેટલી કીટ પ્રજાતિઓ મળે છે. એમેઝોનમાં જોવા મળતી કેટલીક પ્રજાતિઓ દુનિયામાં બીજા કોઇ ભાગમાં જોવા મળતી નથી. એમેઝોન જંગલના કેટલાય રહસ્યો હજુ પણ વણ ઉકેલાયેલા છે. એમેઝોન વર્ષાવન એટલે એમેઝોનિયા પૃથ્વીની સપાટીનો ૪.૧ ટકા હિસ્સો ધરાવે છે. દુનિયાની ૧૦ ટકા વન્યજીવોની પ્રજાતિઓનું રહેઠાણ છે. એમેઝોન આજકાલ કરતા સાડા પાંચ કરોડ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. જંગલી વૃક્ષો, ફળ પાનનો નિકાલ થતો રહે છે અને નવા ઉગતા રહે છે આ એક કુદરતી ક્રમ છે પરંતુ જયારે માનવીય હસ્તક્ષેપ વધે ત્યારે લય ખોરવાય છે. એક વૃક્ષ કાપીને ધરાશયી કરતા ૫ મિનિટ લાગે છે જયારે વૃક્ષને ઉગવામાં ઓછામાં ઓછા ૨૦ વર્ષ લાગે છે. કેટલાક વૃક્ષો તો ૧૦૦ થી ૧૫૦ વર્ષ જેટલા જુના હોય છે. વિશ્વમાં દર મિનિટે ૧ ફૂટબોલના ગ્રાઉન્ડ જેટલું જંગલ કપાય છે. જંગલમાં રહેતા મૂળ નિવાસીઓનું જીવન ઉદાસીથી ભરેલું હોય છે. અભાવોની વચ્ચે અર્ધનગ્ન અવસ્થામાં જીવવા મજબૂર બને છે જયારે એમેઝોન જેવા જંગલ પર એકાધિકાર ભોગવનારા માલેતુંજાર બનતા જાય છે.
ગત મહિને એમેઝોનના વિશાળ વર્ષાવનને બચાવવા માટે બ્રાઝિલના બેલેમ ઓફ પારા ખાતે એક બેઠકનું આયોજન થયું હતું જેમાં બ્રાઝિલ,બોલીવિયા,કોલંબિયા,પેરુ, ઇકવાડોર, ગુયાના, સૂરીનામ અને વેનેઝુએલા સહિતના ૮ દેશોની ટોચની નેતાગીરીએ ભાગ લીધો હતો. એમેઝોન જંગલ ઓછા વત્તા પ્રમાણમાં આ તમામ દેશોના વિસ્તારને આવરી લે છે. આ દેશો વચ્ચે છેલ્લા ૪૫ વર્ષથી એમેઝોન કો ઓપરેશન ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (એસીટીઓ) નામનું સંગઠન ચાલે છે. બેલેમ ઓફ પારામાં બે દિવસની મેરેથોન બેઠક એસીટીઓ સંગઠનના નેજા હેઠળ થઇ હતી. નવાઇની વાત તો એ છે કે આ સંગઠનની છેલ્લા ૪૫ વર્ષમાં માત્ર ૩ બેઠક જ મળી છે. છેલ્લે ૧૪ વર્ષ પહેલા એસીટીઓ સંગઠનની બેઠક મળી હતી. આ સંગઠને એમેઝોન જંગલને ઔધોગિક અને વેપારી નફાખોરીથી બચાવી લેવાનું નકકી કર્યુ છે. એમેઝોનને લઇને એક વિકાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે જેનો અવાજ આંતરરાષ્ટ્રીય મંચ પર પડઘાતો રહે તે જરુરી છે. વિકસિત દેશો દ્વારા જળવાયુના બદલામાં આર્થિક મદદની અપેક્ષાએ આગળ વધવાનું નકકી કર્યુ છે. બેલેમની બેઠકમાં બ્રાઝિલ, કોલંબિયા અને બોલિવિયાના રાષ્ટ્રપતિઓએ સંયુકત બયાન આપ્યું જેમાં જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે એમેઝોન જંગલ કાપવા પર પ્રતિબંધ મુકવાની વાત મુખ્ય છે. એમેઝોન પર સમયાંતરે સંશોધન અહેવાલ પ્રગટ થતા રહે છે. મોટા ભાગના સંશોધન અહેવાલોમાં ચેતવણી ઉચ્ચારવામાં આવે છે કે જો એમેઝોન જંગલ વિસ્તાર ૨૫ થી ૩૦ ટકા ખતમ થશે તો આસપાસ વરસાદમાં ભારે ઘટાડો થશે.એમેઝોન વર્ષાવન દુનિયાના જળવાયુને સ્થિર રાખવામાં મદદ કરે છે. એમેઝોનનો ભેજ લેટિન અમેરિકાના ઘણા ભાગોમાં વરસાદ માટે જવાબદાર છે. કૃષિ, શહેરી જળાશયોમાં પાણીના ભંડારણમાં પણ યોગદાન આપે છે. જંગલોની કાપણીથી ઇકો સિસ્ટમ ટિપિંગ પોઇન્ટ તરફ ધકેલાઇ રહી છે. ગેરકાયદેસર વૃક્ષછેદન, દુષ્કાળ અથવા આગથી પ્રભાવિત
વિસ્તારોમાં જંગલ વર્ષો પછી પણ તેની મૂળ સ્થિતિમાં આવી શકતું નથી. કમસેકમ ૨૬ ટકા જેટલો વિસ્તાર મૂળ સ્થિતિમાં પાછો લાવી શકાય તેમ નથી. શોધ સંગઠન વર્લ્ડ રિસોર્સેઝ ઇન્સ્ટિટયૂટના ગ્લોબલ ફોરેસ્ટ વોચ રિપોર્ટમાં જણાવાયું હતું કે એમેઝોનના વિવિધ ભાગોમાં આગ લાગવાની ઘટનાથી લાખો વૃક્ષો બળી ગયા છે. ૨૦૨૧ના અન્ય એક સ્ટડી મુજબ એમેઝોન કાર્બન શોષી લે છે તેના કરતા કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જન વધુ કરે છે. જો આ પ્રકિયા સતત ચાલતી રહે તો થોડાક દાયકાઓમાં જ અડધું જંગલ ઘાસના મેદાનમાં ફેરવાતા વાર લાગશે નહી. એમેઝોન સ્વયં પાણીના જથ્થાની દ્રષ્ટીએ સૌથી મોટી નદી છે જે પેરુના ઇકિવટોસથી બ્રાઝિલને પાર કરીને છેવટે એટલાન્ટિક મહાસાગરને મળે છે આ એમેઝોન નદી આસપાસનો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે.
એમેઝોનના વર્ષાવનનો ૬૦ ટકા ભાગ બ્રાઝિલ, ૧૩ ટકા પેરુ, ૮ ટકા બોલીવિયા, ૭ ટકા કોલંબિયા, ૬ ટકા કોલંબિયા, ૩ ટકા સુરીનામ અને ૧ ટકો ફ્રેન્ચ ગુઆના અને ઇકવાડોરમાં છે. એમેઝોન જંગલ ભારત કરતા પણ બમણા વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાંનો બે તૃતિયાંશ વિસ્તારમાં બ્રાઝિલમાં છે. બાકીનો એક તૃતિયાંશ ભાગ સાત બીજા દેશોમાં ફેલાયેલો છે. આવા સંજોગોમાં એમેઝોન બચાવવા બ્રાઝિલની જવાબદારી ખૂબ વધી જાય છે. બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોના ૪ વર્ષના કાર્યકાળ (૨૦૧૯ થી ૨૦૨૨) દરમિયાન એમેઝોન જંગલ વિસ્તારમાં ખોદકામ, પશુઓના વાડા અને ખેતી માટે વૃક્ષોની આડેધડ કાપણી થઇ હતી. જંગલની કાપણીના નિયમો અને પ્રતિબંધો નેવે મુકવામાં આવ્યા હતા. બોલસોનરો પ્રશાસને પર્યાવરણ સાથે જોડાયેલા ગુનાઓનું નિયંત્રણ કરતી એજન્સીઓના બજેટ ઘટાડી દીધા હતા. જંગલ અને પર્યાવરણ બચાવવા માટે મેદાને પડતા વ્હિસલ બ્લોઅર પણ સલામત ન હતા. મૂળ નિવાસીઓની જમીન પર ખોદકામ માટે મંજુરી આપવામાં આવતી હતી. બ્રાઝિલમાં ૨૦૨૨માં ૫૦ લાખ એકર જંગલ કપાયા હતા જે દુનિયા થતી જંગલોની કાપણીમાં સૌથી વધુ હતા. બ્રાઝિલ પછી કોલંબિયા અને બોલીવિયા જંગલો કાપવામાં મોખરે છે. જાન્યુઆરી ૨૦૨૩માં ચૂંટાયેલા બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા ડિ સિલ્વા ગત સરકાર કરતા વધારે ગંભીર જણાય છે. શરુઆતના ૭ મહિનાના કાર્યકાળ દરમિયાન જંગલ કાપણીમાં ૪૨ ટકા જેટલો ઘટાડો થયો છે. હવે તેઓ જંગલોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય મદદ માંગી રહયા છે. રાષ્ટ્પતિ લૂલા ડિ સિલ્વા એમેઝોનના વર્ષોવનો બચાવવાનો લોકોને વાયદો આપ્યો છે. રાષ્ટ્રપતિ એ ૨૦૩૦ સુધીમાં જંગલોની કાપણી સંપૂર્ણ અટકાવી દેવાનો સંકલ્પ કર્યો છે. ભલે એમેઝોન જંગલ સંપતિ પર પ્રત્યક્ષ અધિકાર કેટલાક દેશો ધરાવતા હોય પરંતુ તેની પૃથ્વીના પર્યાવરણ પર થનારી અસરમાંથી કોઇ બચી શકે તેમ નથી. એમેઝોન પૃથ્વી પર ૧૭ થી ૨૦ ટકા જેટલો ઓકસીજન પુરો પાડે છે. એમેઝોન જંગલનો ૭૪ ટકા વિસ્તાર હજુ એવો છે જેને બચાવી શકાય છે જેનો વ્યાપ ૬.૪૯ કરોડ હેકટર વિસ્તારમાં ફેલાયેલો છે. આમાંથી પણ ૩૩ ટકા વિસ્તાર એવો છે જે હજુ પણ બહારની દુનિયાના સંપર્કમાં આવ્યો નથી. ૪૧ ટકામાં હજુ પણ બચાવી ના શકાય એટલું વ્યાપક નુકસાન નથી. ૨૦૨૫ સુધીમાં એમેઝોનના ૭૫ થી ૮૦ ટકા વિસ્તારને સંરક્ષિત કરી શકાય છે. જંગલમાં રહેતા મૂળ નિવાસીઓ પોતાના પ્રાકૃતિક જીવનથી જંગલોની જૈવ વિવિધતાનું રક્ષણ કરી રહયા છે પરંતુ બદલાયેલા સમયમાં એમેઝોન જંગલ બચાવવું એ માત્ર ૮ દેશો જ નહી દરેક પૃથ્વીવાસીની પણ ફરજ બને છે.