ભારતમાં સર્પદંશથી દર વર્ષ 64000 લોકો મોતને ભેટે છે
- મીડ વીક- હસમુખ ગજજર
- જળવાયુ પરિવર્તનના કારણે તાપમાન વધવાથી સાપ ઉંચા પર્વતીય વિસ્તારોમાં પહોંચી રહયા હોવાનું માનવામાં આવે છે
ભા રતીય સંસ્કૃતિમાં સરીસૃપ જીવોની વાત કરીએ તો નાગ કે સર્પની સૌથી વધુ પૂજા થાય છે. ફેણ ફેલાવતા નાગ અને સાપને એક સરખા ગણવામાં આવતા નથી.ખાસ કરીને નાગ વિશેની ઘણી પૌરાણિક કથાઓ, દંતકથાઓ અને માન્યતાઓ ઘણી રોચક રહી છે.હિંદુ સંસ્કૃતિમાં કેટલાક નાગ ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે.રહેણાંક વિસ્તારોમાં સાપ નિકળે ત્યારે અફરાતફરી મચી જાય છે. સાપ પકડવાના જાણકારને બોલાવવામાં આવે છે અથવા તો સાપ સલામત અંતરે જતો ના રહે ત્યાં સુધી પીછો કરવામાં આવે છે. કેટલાક શહેરોમાં ઝુ અને તૈયાર કરાયેલા વન-ઉપવનમાં વિવિધ નાગ-સાપોના પરિચય મળે છે જયારે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને જંગલ,ખેતર અને પહાડોમાં સાપમુકત રીતે વિચરતા મળે છે.બધા સર્પઝેરી હોતા નથી પરંતુ તેની પરખ નહી હોવાથી મારવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર વિશ્વમાં દર વર્ષે ૫૦ લાખ લોકોને સાપ દંશે છે. વિવિધ પ્રકાશિત રિપોર્ટ અનુસાર વિશ્વમાં ૮૧૦૦૦ થી ૧૩૮૦૦૦ના મુત્યુ સાપ કરડવાથી થાય છે. સર્પદંશના લીધે ૪ લાખ લોકો અંગ વિચ્છેદન કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. સર્પદંશ રોધી મોંઘી દવા (એન્ટીવેનમ)ને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ આવશ્યક દવાઓની યાદીમાં સામેલ કરી છે. સર્પંદંશની સારવાર કોઇ પણ પ્રાથમિક સેવા પેકેજનો ભાગ હોવી જરુરી છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) દ્વારા વર્ષ ૨૦૨૨માં સર્પ દંશની ઘટનાઓ, મુત્યુદર અને તેના સામાજિક આર્થિક બોજને લઇને એક સ્ટડી બહાર પાડવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર જનરલ મિલિયન ડેથ સ્ટડી (આરજીઆઇ- એમડીએસ) અનુસાર ભારતમાં ઝેરી સર્પદંશથી વર્ષે ૪૬૯૦૦ના મુત્યુ થાય છે. સર્પદંશની સામાજિક આર્થિક અસરના પ્રથમ સ્ટડીમાં ભારતના પાંચ ક્ષેત્રોની ૮૪૦ લાખની વસ્તી આવરી લેવામાં આવી હતી જેમાં હિમાચલપ્રદેશ, રાજસ્થાન,મહારાષ્ટ્ર, કેરલ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, મેઘાલય, અરુણાચલપ્રદેશ, મિઝોરમ અને ત્રિપુરા સહિતના ૧૩ રાજયોનો સમાવેશ થતો હતો. ભારતમાં જંગલો,નદીઓના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં બનતી સર્પદંશની ઘટનાઓ બહાર આવતી નથી.ખૂણે ખાંચરે છુપાએલી રહેતી સર્પદંશની ઘટનાઓ ઉમેરીએ તો સર્પદંશથી થતા મુત્યુનો આંકડો ૬૪૦૦૦ને પાર કરી જાય છે.સાપ કરડવાથી સૌથી મોટી મુશ્કેલી તો તાત્કાલિક સારવારની ઉભી થાય છે.હજુ પણ ઘણી હોસ્પિટલોમાં સાપ કરડે ત્યારે સારવાર માટે જરુરી જીવન રક્ષણ ઉપકરણો અને એન્ટીવેનમ દવા પુરતી મળતી નથી. સાપ કરડે ત્યારે જેમ બને તેમ જલદી હોસ્પિટલ પહોંચવું જરુરી છે પરંતુ ગ્રામીણ ભારતમાં ૩૦ ટકા લોકો જ સારવાર માટે આવે છે. લોકો ઘરગથ્થું વૈકલ્પિક ચિકિત્સા ઉપરાંત ઝાડુ, ફૂંક અને દોરા ધાગાનો ઇલાજ અપનાવે છે. સર્પદંશથી વિકલાંગતા અને ખોડખાપણ પણ આવતું હોય છે પરંતુ આને લગતા ડેટાની ઝીણવટભરી તપાસ થવી જરુરી છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને કામદારોને સર્પના સંપર્કમાં આવવાનું જોખમ વધારે રહે છે. અત્યંત ઝેરી કોમન કરેત સાપ ઘાસના મેદાનો, કૃષિ વિસ્તાર અને માનવ વસ્તીઓની નજીક વધુ જોવા મળે છે. કરેત મોટે ભાગે સાંજે કે અંધારામાં ડંશે છે. કેટલાક કિસ્સામાં દંશ દર્દરહિત હોય છે આથી શરીરમાં અચાનક પ્રસરી જતું ઝેર પ્રાણઘાતક સાબીત થાય છે.
કયારેક ગળામાં કે શરીરના કોઇ પણ ભાગમાં સાપ કરડે ત્યારે કોઇ જંતુ કરડયું હોવાનું સમજી લેવામાં આવે છે. ઉલટી અને બેચેની થવા માંડે અને નજીકમાં કયાંક સાપ દેખાય ત્યારે દંશનો અંદાજ આવે છે. એક માહિતી મુજબ ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં સર્પદંશની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. ભારતમાં કોમન કરેત ઉપરાંત ભારતીય નાગ (કોબરા) રસૈલ વાઇપર અને સો સ્કેલ્ડ વાઇપર સંખ્યાની દ્વષ્ટીએ સૌથી વધારે સક્રિય છે. ભારતીય કોબરા હિંદુ પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિમાં પૂજનીય છે. આ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. ભારતીય કોબરા ચશ્માવાલા કોબરા એશિયાઇ કોબરા અને બાઇનોસેલેટ કોબરા નામથી પણ ઓળખાય છે. આ પ્રજાતિ ભારતીય ઉપ મહાદ્વીપની મૂળ નિવાસી છે અને ચાર મોટી પ્રજાતિઓમાંથી એક છે જે શ્રીલંકા અને ભારતમાં સર્પદંશના મોટા ભાગના કિસ્સા માટે જવાબદાર છે. જયારે અત્યંત ઝેરી રસૈલ વાઇપર વાઇપરિડે પરિવારનો જે દક્ષિણ એશિયામાં જોવા મળે છે. ભારતમાં ૯૦ ટકા સર્પદંશ કોમન ક્રેટ, ઇન્ડિયન કોબરા, રસેલ વાઇપર અને સો સ્કેલ્ડ વાઇપરના લીધે થાય છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ઝેરી સર્પદંશથી થતા ૧૦ થી ૧૨ મુત્યુની સરખામણીમાં ખૂબ વધારે છે. ઓસ્ટ્રેલિયામાં ભારત કરતા પણ વધારે ઝેરી સાપોની પ્રજાતિઓ રહે છે છતાં ડંશની ઘટનાઓ ઓછી બને છે.
વરસાદમાં સાપના કુદરતી રહેઠાણને નુકસાન પહોંચે છે આથી તેઓ બહાર નિકળી જાય છે. સાપ એકટોર્ડમ હોય છે એટલે કે પોતાના શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકતા નથી. આથી પોતાની આસપાસના વાતાવરણનો ઉપયોગ કરે છે. ગરમ રહેવા માટે સૂર્યપ્રકાશમાં આવે છે અને ઠંડક માટે જમીનમાં છુપાએલા રહે છે. બિન ઝેરી સાપની કેટલીક પ્રજાતિઓ રક્ષણાત્મક વ્યહવાર કરે છે. ખાસ પ્રકારની વાસ છોડે છે અને પોતાની પૂંછડી પણ હલાવે છે. સાપનું આ વર્તન ભયભીત થયેલા માનવીઓને મારવા માટે પ્રેરિત કરે છે. ભારતની ઉષ્ણકટિબંધીય મોનસુન આબોહવામાં સાપની ૨૭૦થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જેમાંથી માત્ર ૬૦ જ ઓછા વત્તા પ્રમાણમાં ઝેરી છે. ઝેરી સાપની ચામડી ચમકતી હોય છે. ઝેરીલા સાપોનું માથું વિશિષ્ટ પ્રકારનું હાથ કે ત્રિકોણ જેવા આકારનું હોય છે. બિનઝેરી સાપોની ચામડી ચમકતી હોતી નથી. માથું સામાન્ય રીતે સાંકળુ અને લાંબું હોય છે. સામાન્ય રીતે વિષ વગરના સાપોમાં વિષદંત હોતા નથી પરંતુ કેટલીક પ્રજાતિઓમાં દાંત જોવા મળે છે. રેંટ સ્નેક, બેંડેડ કુકરી, બોન્ઝ બેક ટ્રી સ્નેક, સેંડબોઆ અને ઇન્ડિયન પાયથન મુખ્યત્વે બિનઝેરી સાપ છે. વરસાદની સિઝન સાપ માટે પ્રજનનકાળનો ગાળો હોય છે. નાગના બચ્ચા બહાર નિકળે ત્યારે નાગીન પણ બહાર આવે છે. સર્પદંશ માટે ફીયર સાઇકોસિસ પણ મોટું ફેકટર છે. સાપ વૃક્ષ પરથી નીચે પડી જાય કે આસપાસ નિકળેલા હોય ત્યારે જો તે ખતરો મહેસુસ કરે તો કરડવા લાગે છે. ઘણી વાર સાપ નીચે પગ કે અન્ય દબાણ આવી જાયતો સ્વબચાવમાં મોં પહોળું કરીને દાંત બેસાડી દે છે. ડંશ પછીનો સમય નિર્ણાયક હોય છે.
વ્યકિતના શરીરમાં પ્રવેશી ગયેલા ઝેરની ઓળખ જીવ બચાવવા તથા પ્રભાવી ઇલાજ કરવા માટે આવશ્યક હોય છે. વર્તમાનમાં સાપના ઝેરની ઓળખ અને ઉપચાર મુખ્ય રીતે એન્ટીબોડી આધારિત છે. આ ઉપચાર પ્રમાણમાં મોંઘો, ધીમો અને અસમાન પરિણામ આપનારો છે પરંતુ એન્ટીબોડી આધારિત રીતો સિવાયનો કોઇ વ્યાપક મજબૂત અને ટકાઉ વિકલ્પ મૌજુદ નથી. જે એન્ટીવેનમ તૈયાર કરવામાં આવે છે તે વર્તમાન પીએવી ચાર મોટા સાપમાંથી પ્રાપ્ત થાય છે જેમાં ચશ્માધારી કોબરા,(નાજા નાજા) સામાન્ય ક્રેટ (બંગારસ કેર્યૂલસ) રસેલ વાઇપર (ડાબોઇયા રસેલી) અને ભારતીય સૉ સ્કેલ્ડ વાઇપર (ઇચિસ કેરિનેટસ)નો સમાવેશ થાય છે.
બેંગાલુરુંમાં ભારતીય વિજ્ઞાાન સંસ્થાનના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે રસેલ વાઇપર અને ચશ્માધારી કોબરામાં વિષની શકિત તેના જીવનકાળ દરમિયાન નાટકીય રીતે બદલાતી રહે છે. નવજાત રસેલ વાઇપરનું ઝેર મોટાની તુલનામાં વધારે હોય છે. ચશ્માવાળા કોબરાના ઝેરની શકિત સમગ્ર જીવન દરમિયાન એકસરખી જ રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ૨૦૩૦ સુધીમાં વિશ્વમાં સર્પદંશથી થતા મુત્યુ અને ખોડખાપણમાં ૫૦ ટકા ઘટાડો કરવાનું લક્ષ્ય ધરાવે છે. જુન ૨૦૧૭માં વિશ્વ આરોગ્યએ સર્પદંશથી થતી બીમારીને ઉપેક્ષિત ઉષ્ણકટિબંધિય રોગોની પ્રાથમિક સૂચીમાં સામેલ કર્યુ છે. તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટની નજીક ખતરનાક સાપ મળી આવતા નિષ્ણાતોને નવાઇ લાગી છે. સ્થાનિક લોકોએ જંગલ વિસ્તારમાં કિંગ કોબરાના ઇંડા અને દર પણ જોવા મળ્યા હતા. દોઢ મહિનામાં ૧૦ જેટલા ઝેરી સાપ પકડાયા છે. કેટલાકનું માનવું છે કે બની શકે કે સાપ લાકડી અને ઘાસ સાથેના ટ્રકોમાં આવ્યા હોય અને પછી જ ત્યાં પોતાનો રનબસેરો બનાવી દીધો હોય તેવું બની શકે છે.સાપનું માઉન્ટ એવરેસ્ટ જેવા ઠંડા વિસ્તારમાં મળી આવવું ચિંતાજનક છે. જળવાયુ પરિવર્તનના કારણે તાપમાન વધવાથી સાપ ઉંચા પહાડી વિસ્તારોમાં પહોંચી રહયા હોવાનું પણ માનવામાં આવે છે.કિંગ કોબરા અને મોનોક્લ્ડ કોબરા સામાન્ય રીતે નેપાળના દક્ષિણ તરાઇ ક્ષેત્ર અને ઉત્તરી ભારતમાં જોવા મળતા જેમાં હવે ફેરફાર થઇ રહયો છે. કુદરત માટે દરેક જીવનું સર્જન કોઇ ખાસ હેતુંથી છે. જંગલ અને ખેતરમાં ફરતા સાપ નુકસાન કરતા જીવ જંતુઓને ખોરાક બનાવીને પોષણ કડીનો ભાગ બને છે. માનવીય હસ્તક્ષેપથી સાપ જેવા જીવ જંતુઓ પોતાનું રહેઠાણ બદલે ત્યારે પોષણ કડી તૂટે છે જે પર્યાવરણ અને ઇકો સિસ્ટમ માટે હાનિકારક છે એ ભૂલાવું જોઇએ નહી.