Get The App

અણુ પ્રયોગનીતિ અપનાવીને વિશ્વ વિનાશનો પાયો નાખતી અણુસત્તાઓ

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
અણુ પ્રયોગનીતિ અપનાવીને વિશ્વ વિનાશનો પાયો નાખતી અણુસત્તાઓ 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- દુનિયા એમ માનતી રહી છે કે અણુધડાકા કે અણુ પ્રયોગો સનકી તાનાશાહ કિમ જોગ ઉનના નેતૃત્વમાં એક માત્ર ઉત્તર કોરિયા જ કરે છે પરંતુ ટ્રમ્પના દાવા મુજબ પરમાણુ પરીક્ષણ  ઉત્તર કોરિયા જ નહી ચીન, રશિયા અને પાકિસ્તાન પણ કરે છે.

તા જેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એક અમેરિકી મીડિયાને આપેલી મુલાકાતમાં કબુલાત કરી હતી કે અમેરિકા પાસે દુનિયાનો દોઢસો વાર નાશ કરી શકાય તેટણી અણુશકિત છે. સૌથી ચોંકાવનારી વાત તો એ કરી કે ચીન, રશિયા, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા અણુબોંબના અંડર ગ્રાઉન્ડ ટેસ્ટ કરે છે પરંતુ જણાવતા નથી. ટ્રમ્પના આ નિવેદન પછી દુનિયાના અનેક દેશો એલર્ટ મોડ પર આવી ગયા છે.શીતયુધ્ધનો અંત આવ્યા પછી વિશ્વમાં નિ:શસ્ત્રીકરણ અને અણુસંયમની ઝુંબેશ શરુ થઇ હતી જેને મોટો ફટકો પડયો છે. નિ:શસ્ત્રીકરણની આડમાં અણુસત્તાઓ અણુ સંશોધનો કરતી રહે છે એવી શંકા વધુ મજબૂત બની છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે અણુુપ્રયોગો સનકી તાનાશાહ કિમ જોગ ઉનના નેતૃત્વમાં માત્ર ઉત્તર કોરિયા જ કરે છે પરંતુ ટ્રમ્પના દાવાએ ચીન, રશિયા અને પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. એક અહેવાલ અનુસાર હમણાં રશિયાએ અમેરિકાની સુરક્ષાને ભેદી શકે તેવા પરમાણુ શસ્ત્રોની નવી પ્રણાલીનું પરીક્ષણ કર્યુ હતું. પ્રતિક્રિયા સ્વરુપે ટ્રમ્પે પણ પોતાના સંરક્ષણ મંત્રાલયને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ માટે તૈયારી  શરુ કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પ દલીલ કરવા લાગ્યા છે કે અમે ઘણા સમયથી અણુ પરીક્ષણો કરતા નથી પરંતુ બીજા દેશો કરતા હોવાથી અમેરિકા પણ પરીક્ષણ કરે તે યોગ્ય જ છે. ૩૧ ઓકટોબરના રોજ ટ્રમ્પે નવેસરથી અણુ પ્રયોગ શરુ કરવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો. ૫ નવેમ્બરના રોજ અમેરિકાની વાયુસેનાએ મિનટમેન-૩ નામની ઇન્ટરકોન્ટિનેંટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. આ મિસાઇલ એક ખંડમાંથી બીજા ખંડમાં અણુહુમલા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.

રામાયણ અને મહાભારતમાં બ્રહ્નાસ્ત્રના પ્રયોગની વાત આવે છે. આધુનિક સમયમાં અણુબોંબ એક એવું બ્રહ્માસ્ત્ર છે જે માનવજાતના વિનાશ માટે પુરતું છે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલતા યુક્રેન યુધ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમેર પુતિન અનેક વાર અણુશસ્ત્રની ધમકી આપી ચુકયા છે. યુક્રેન યુધ્ધમાં યુરોપ,અમેરિકા અને નાટો સંગઠનની પરોક્ષ ભૂમિકા જોતા રશિયા પર પોતાની સુરક્ષાનું એક દબાણ  ઉભું થયેલું છે. અણુ અખતરાનો ખતરો ટાળીને વિશ્વશાંતિ સ્થાપવા માટે પણ યુક્રેન યુધ્ધનું કોઇ સમાધાન નિકળે તે જરુરી છે. અમેરિકી પ્રમુખે ચુંટણી પ્રચારમાં યુક્રેન-રશિયા યુધ્ધના ઝડપી નિરાકરણનું વચન આપ્યું હતું પરંતુ સફળતા હાથ લાગી નથી. એક સમયે અણુ ધમકીઓને ન્યુકિલયર બ્લફમાં ખપાવવામાં આવતી હતી પરંતુ હવે અણુયુધ્ધ ફાટી ના નિકળે તે દિશામાં ગંભીરતાથી વિચારવાની જરુરિયાત છે.

સત્તાવાર રીતે ભારત અને પાકિસ્તાન સહિતના ૯ દેશો અણુ શસ્ત્રો ધરાવે છે પરંતુ વાસ્તવિક સંખ્યા અને ટેકનોલોજીનો પ્રસાર વધારે થયો હોય એ શકય છે. ઇરાન અને ઇઝરાયેલના ચાલુ યુધ્ધ દરમિયાન અમેરિકાએ ઇરાનના ફોર્ડો પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરીને નુકસાન પહોંચાડયું હતું. ૨૫ જૂનના રોજ ઇરાન -ઇઝરાયેલ યુધ્ધતો ખતમ થયું પરંતુ અણુબોંબ તૈયાર કરવાની ઇરાનની મહત્વકાંક્ષા ખૂટી નથી. ઇઝરાયેલ પાસે ૯૦  જેટલા પરમાણુ બોંબ ેહોવાનું માનવામાં આવે છે. આરબ અને ઇઝરાયેલ વચ્ચેની ઐતિહાસિક દુશ્મની જોતા આરબ દેશો પણ અણુબોંબ માટે તલપાપડ રહે છે. આરબ દેશોમાં વિવિધ પ્રકારના ધર્માંધ અને કટ્ટરપંથી સંગઠનોની હાજરી અને સત્તા નજીકની પહોંચ જોતા અણુશકિત હોવી કેટલી જોખમી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પૂર્વ એશિયામાં ઉત્તર કોરિયાના મહત્વકાંક્ષી પરમાણુ હથિયાર કાર્યક્રમોને રોકવામાં અમેરિકા નિષ્ફળ ગયું છે. ટ્રમ્પ તેમના પ્રથમ કાર્યકાળમાં જૂન ૨૦૧૯માં દક્ષિણ કોરિયામાં વિસૈન્યીકૃત ક્ષેત્ર સીમાવર્તી ગામ પનમુનજોમમાં કિમ જોંગ ઉન સાથે હાથ મિલાવ્યો હતો. આ દરમિયાન નિ:શસ્ત્રીકરણ બાબતે કોઇ સહમતિ સધાઇ હોયતો પણ હજુ સુધી ધરાતલ પર ઉતરી નથી. ઉત્તર કોરિયા પાસે કમસેકમ ૫૦ જેટલા પરમાણુ બોંબ છે અથવા તો તે બનાવી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. એક જ મગની બે ફાડ ગણાતા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ઐતિહાસિક કારણોસર કટ્ટર દુશ્મની ધરાવે છે. ઉત્તર કોરિયામાં છેલ્લા ૭૫ વર્ષથી કિમ પરિવારની તાનાશાહી ચાલે છે. લાંબા સમયથી આર્થિક પ્રતિબંધોથી ઘેરાયેલું ઉત્તર કોરિયા દુનિયાથી લગભગ વિખૂટું પડી ગયેલું છે. પાડોશમાં મુકત મૂડીવાદી અર્થતંત્ર અને લોકતંત્ર ધરાવતા દક્ષિણ એશિયાનું અમેરિકા મોટું સહયોગી રહયું છે. કોરિયા દ્વીપમાં તણાવ ના વધે તે માટે અમેરિકા સર્તક રહે છે.

જો કે બદલાતી જતી પરિસ્થિતિમાં ખાસ તો ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ જીદ્ના પગલે દક્ષિણ કોરિયાના લોકોને અમેરિકાની સુરક્ષા ગેરંટી પર પહેલા જેવો ભરોસો રહયો નથી.દક્ષિણ કોરિયામાં થયેલા સર્વેક્ષણો મુજબ બે તૃતિયાંશથી વધુ લોકો અમેરિકાથી સ્વતંત્ર થઇને પરમાણુ હથિયારો મેળવવાની વાતને ટેકો કરે છે. એક માહિતી મુજબ દક્ષિણ કોરિયા પાસે ૨૪ અણુ રિએકટર છે. અમેરિકા પછીની દુનિયામાં અસ્તિત્વ જાળવી રાખવા માટે પરમાણુ હથિયાર મેળવવા એજ માત્ર ઉપાય છે. દક્ષિણ કોરિયા અણુબોબ બનાવવા પ્રયાસ કરે તો જાપાને પણ ક્ષેત્રિય સમતુલન માટે અણુ કાર્યક્રમ ઝડપી બનાવ્યા વિના છુટકો રહેશે નહી.

જાપાન અણુબોંબની વિભિષિકાનો ભોગ બનેલો દુનિયાનો એક માત્ર દેશ છે. અણુ વિરોધી ચળવળો અને શાંતિ આંદોલનોની  ભૂમિ રહી છે. જાપાન પાસે યુરેનિયમ સંવધર્ન યંત્ર છે. નવ ટન જેટલું પ્લુટોનિયમ અને ૧.૨ ટન સંવર્ધિત યુરેનિયમ પણ શામેલ છે. અણુનું વિભાજન થાય ત્યારે પ્રચંડ ગરમી અને રેડિયેશન પેદા થાય છે તેને અણુશકિત કે એટમિક એનર્જી કહેવામાં આવે છે. એક વાર પરમાણુ બોંબનો જીન બાટલીમાંથી બહાર આવશે તો તે કોઇના નિયંત્રણમાં રહેશે નહી.ટ્રમ્પની નીતિઓના કારણે યુરોપનો પણ અમેરિકા પરનો ભરોસો ઘટતો જાય છે. ફ્રાંસ અને બ્રિટન જેવા અણુક્ષમતા ધરાવતા દેશો જર્મની અને પોલેન્ડ જેવા દેશોને પરમાણુ પ્રતિરોધક ક્ષમતા પ્રદાન કરવાનો વિકલ્પ વિચાર કરી શકે છે. કાશ્મીરના પહેલગામના આંતકી હુમલા પછી ભારતે ગત મે મહિનામાં પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરી હતી.પાકિસ્તાનની વિનંતીથી ભારતે યુધ્ધવિરામ કર્યો પરંતુ અણુક્ષમતા ધરાવતા બે દેશો પ્રથમવાર ટકરાયા હતા એ ભૂલવા જેવું નથી.૧૯૪૭માં થયેલા ભારતના ભાગલા પછી ભારતદ્વેષથી પીડાતું પાકિસ્તાન  અણુબોંબની ઘેલછામાં જીવે છે. અણુશસ્ત્રો શો કેસમાં રાખવા બનાવ્યા નથી આવા બેજવાબદાર  નિવેદનો પાકિસ્તાનના હુકમરાનો કરી ચુકયા છે. સ્વભાવિક રીતે જ આ પ્રકારની ગર્ભિત અણુ ધમકીનો ઇશારો ભારત તરફનો રહયો છે. સૌ જાણે છે કે અણુ આયુધોના સંરક્ષણ બાબતે પાકિસ્તાન સૌથી બેજવાબદાર દેશ ગણાય છે.કોઇ આતંકી સંગઠનના હાથમાં અણુબોંબ આવી જશે તો વિશ્વશાંતિને મોટો ખતરો ઉભો થવાનો છે. ભારત ૧૮૦ જયારે પાકિસ્તાન ૧૭૦ જેટલા અણુ શસ્ત્રો ધરાવે છે. ભારતનો પરમાણુ કાર્યક્રમ હંમેશા સંયમિત અને આત્મરક્ષણનો રહયો છે પરંતુ પાકિસ્તાન ખાનગી રીતે અણુ સંશોધનો અને પ્રયોગ કરતું હોયતો ભારત પર પણ દબાણ વધવું સ્વભાવિક છે. 

૧૯૪૫માં જાપાનના નાગાસાકી અને હિરોશિમા પર 'લિટલ બોય' અને 'ફેટમેન' નામના બે પરમાણુ બોંબ ઝીકવામાં આવ્યા ત્યારે તો પરમાણુ સંશોધન પ્રાથમિક તબક્કામાંં હતા. બીજા વિશ્વયુધ્ધ પછી સોવિયત સંઘ (રશિયા) અને અમેરિકા વચ્ચેના શીતયુધ્ધની સાથે જ અણુ સંશોધનોમાં ગતિ આવી હતી. ૧૯૪૫થી અત્યાર સુધીમાં વિશ્વમાં ૨૦૦૦થી વધુ પરમાણુ પરીક્ષણ થયા છે જેમાં અમેરિકાના નામે ૧૦૩૨ અને રશિયાના નામે ૭૧૫ પરીક્ષણો છે.  ૧૯૬૩માં મર્યાદિત પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (એલએનટીટી) અસ્તિત્વમાં આવી હતી. જેમાં વાયુમંડળ, અંતરિક્ષ અને સમુદ્રમાં પરમાણુ પરીક્ષણ નહી કરવાનો સમાવેશ થતો હતો પરંતુ જમીન પર થતા પરીક્ષણોને છુટ આપવામાં આવી હતી. ૧૯૭૪માં થ્રેસહોલ્ડ ટેસ્ટ પ્રતિબંધ સંધિ (ટીટીબીટી) હેઠળ ૧૫૦ કિલોટનથી વધુ ક્ષમતા ધરાવતા પરીક્ષણો પર નહી કરવાની શરત હતી.શીતયુધ્ધ પછી ૧૯૯૪માં જિનેવામાં નિશસ્ત્રીકરણ અંગે સંમેલન ભરાયું હતું. ૧૯૯૬માં યુએન દ્વારા સીટીબીટી અંર્તગત તમામ પ્રકારના અણુ અખતરા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સપ્ટેમ્બર ૧૯૯૬માં હસ્તાક્ષર માટે સંધી તૈયાર થઇ ત્યારે પરમાણુ પરીક્ષણ અટકાવવાની દિશામાં મોટી સિધ્ધિ માનવામાં આવતી હતી. આ સંધી પર ૧૮૭ દેશોએ હસ્તાક્ષર કરેલા છે અને ૧૭૮ દેશો દ્વારા અનુમોદન આપવામાં આવ્યું છે. જો કે આ સંધી ૪૪ વિશિષ્ટ દેશો દ્વારા મંજુરી ના મળે ત્યાં સુધી ઔપચારિક રીતે લાગુ કરી શકાય નહી. જેમાં જે આઠ દેશો હજુ સુધી સહી નથી કરી તેમાં ચીન, ભારત, ઉત્તર કોરિયા, ઇરાન, ઇજિપ્ત અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતે એક ભેદભાવપૂર્ણ નિ:શસ્ત્રીકરણ નીતિ ગણીને વિરોધ કર્યો હતો. ભારતે પરમાણુ ધારી અને બિન પરમાણુધારી દેશો પર નો ફર્સ્ટ યુઝની નીતિનો હવાલો આપ્યો હતો. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ  ઇન્સ્ટિટયૂટ (એસઆઇપીઆરઆઇ) અનુસાર રશિયા  ૫૪૫૯, અમેરિકા  ૫૧૭૭ અને ચીન ૬૦૦ જેટલા અણુબોંબ ધરાવે છે. અમેરિકા અણુ સંયમ છોડીને અણુધડાકા કરવા માંડે તો અમેરિકાનું મજબૂત હરિફ ગણાતું ચીન અને રશિયા પણ પાછળ રહેશે નહી. સત્તાવાર રીતે જોઇએ તો રશિયાએ ૧૯૯૦, અમેરિકાએ ૧૯૯૨  ચીને ૧૯૯૬ પછી ન્યુકલિયર ટેસ્ટ કર્યો નથી પરંતુ હવે પછીની જે અણુ હરિફાઇ પેદા થશે તે પહેલા કરતા વધુ ખતરનાક હશે.  

 નિષ્ણાતોનું માનવું છે કે હવે લેબમાં માઇક્રો બેઝ પર એકસપેરિમેન્ટ કરીને ક્ષમતા જાણી શકાય છે. અણુ પરીક્ષણનો હેતું વૈજ્ઞાનિક કે ટેકનિકલ કરતા શકિત પ્રદર્શનનો રહી ગયો છે. હેરી એસ ટ્ટુમેનને બાદ કરતા દરેક અમેરિકી રાષ્ટ્રપતિની નીતિ પરમાણુ હથિયારોના પ્રસારને સીમિત કરવાની રહી છે પરંતુ અત્યાર સુધી યુદ્ધ કરતા વેપાર અને ટેન્ક કરતા ટેરિફને મજબૂત ગણાતા ટ્રમ્પે હવે દુનિયાને અણુ રવાડે ચડાવી રહયા છે જે કમનસીબ બાબત છે.