Get The App

ગ્રીસનો નાનો ટિલોસ ટાપુ વિશ્વનોપ્રથમ 'ઝીરો વેસ્ટ' કેવી રીતે બન્યો?

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીસનો નાનો ટિલોસ ટાપુ વિશ્વનોપ્રથમ 'ઝીરો વેસ્ટ' કેવી રીતે બન્યો? 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- કુદરતી સ્થળોનું પ્રવાસ આકર્ષણ ટાપુઓની ઇકો સિસ્ટમ બગાડી રહયું છે ત્યારે ગ્રીસના  નાનકડા ટિલોસ ટાપુને મળેલી સફળતા દુનિયાના તમામ ટાપુ સમુદાયો માટે એક બ્લુ પ્રિન્ટ સમાન છે. 

દુ નિયાના સૌથી પ્રદૂષિત ટાપુઓની વાત નિકળે ત્યારે હેન્ડરસન ટાપુનું નામ લેવામાં આવે છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો આ ટાપુ યુનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળોમાંનો એક છે. આ માનવ વસ્તી વિહોણા વિશ્વ ધરોહર ટાપુ પર ૩.૮ કરોડથી પણ વધારે પ્લાસ્ટિકના ટુકડાઓ વેરાયેલા છે. સાઉથ પેસિફિક ગાયર તરીકે ઓળખાતા સમુદ્રી પ્રવાહોનું ચક્ર લાખો ટન કચરો અહીં ઠાલવી દે છે. મહાસાગરો તો જાણે કે ડસ્ટબીન હોય એમ લાખો -કરોડો ટન કચરો ઠલવવામાં આવે છે. હેન્ડરસન જ નહી દુનિયા ભરના ટાપુઓના કાંઠા હવે જોખમ વધી રહ્યું છે. કુદરતી સ્થળોનું પ્રવાસ આકર્ષણ ટાપુઓની ઇકો સિસ્ટમ બગાડી રહયું છે ત્યારે યુરોપના ગ્રીસ દેશનો એક ૬૩ ચોરસ કિમી વિસ્તાર ધરાવતો ટિલોસ ટાપુ વિશ્વનો પ્રથમ જીરો વેસ્ટ ટાપુ હોવાનું ગૌરવ ધરાવે છે. એક સમયે ટિલોસ ટાપુ પર ૮૭ થી ૯૦ ટકા જેટલો કચરો લેન્ડફિલમાં જતો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કચરાનું ૧૦૦ ટકા રિસાયકિલંગ અને ક્મ્પોસ્ટિંગ કરવામાં આવે છે. આ ટાપુના જાહેરમાર્ગો પર કયાંય કચરાના ડબ્બા જોવા મળતા નથી. ઘરે ઘરેથી કચરો ઉઘરાવીને દરરોજ રિસાયકિલંગ કરવામાં આવે છે. દરેકના ઘરે રિસાયકલ અને નોન રિસાયકલ કચરા માટેના અલગ બોકસ અને ઓર્ગેનિક કચરા માટે એક બેગ આપવામાં આવે છે. આ બેગમાં દરેક ટાપુવાસીઓએ કચરાના યોગ્ય નિકાલ માટે આપેલા યોગદાનનો હિસાબ રાખવામાં આવે છે. ઘર ઉપરાંત વ્યવસાય સંસ્થાનો અને દુકાનોમાંથી પણ દરરોજ કચરો ઉઘરાવીને કચરો ઇનોવેશન સેન્ટરમાં લાવવામાં આવે છે. અહીંયા કચરો ૧૫ થી વધુ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં રિસાયકલ કરી શકાય તેવી સામગ્રી કાગળ,પ્લાસ્ટિક,ધાતુઓ, કાંચ તેમજ કાર્બનિક કચરાનો સમાવેશ થાય છે. કચરામાંથી મળતી તમામ વસ્તુઓનું રિસાયકિલંગ કરવામાં આવે છે. સિમેન્ટ ઉધોગ માટે વૈકલ્પિક બળતણ પણ કચરામાંથી મળે છે. જૈવિક કચરાને કમ્પોસ્ટ કરીને માટી અને ખાતરમાં બદલી નાખવામાં આવે છે જે સ્થાનિક કૃષિમાં ઉપયોગ થાય છે. ટોયલેટ રોલ, અને ડાયપર જેવી સામગ્રીને સૂકવીને કે છીણીને સિમેન્ટ ભઠીઓ માટે બળતણ તરીકે કામે લેવાય છે.  કચરાનું વ્યવસ્થાપન અને રિસાયકિલંગથી ટાપુનું લેન્ડસ્કેપ્સ સુંદર બનવાની સાથે ઇકો સિસ્ટમનું રક્ષણ થયું છે. 

પ્રવાસન પર નભતા ટાપુવાસીઓએ ભૌતિક સુવિધાઓ અને હોટેલ મોટેલની સુવિધાઓ  ઉભી કરવી પડે છે પરંતુ આ સુવિધાઓથી પ્લાસ્ટિક, કાગળ અને પેકિંગની નકામી વસ્તુઓ જમીન પર ના પડી રહે તેનું ટાપુવાસીઓ ધ્યાન રાખે છે. ટિલોસને એજિયન સમુદ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટકાઉ વિકાસ માટે એક મોડેલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. કચરાનું વ્યવસ્થાપન ફકત ગ્રીન લેબલ નથી પરંતુ પર્યટનનો આત્મા સમજવામાં આવે છે. પ્રકૃતિના આદરને જીવન સાથે વણી લઇને દૈનિક જીવનચક્ર પર્યાવરણને અનુકૂળ બનાવી શકાય છે તેનું આ એક ઉદાહરણ છે. ૫૯૧ પરિવારોનું ઘર ગણાતા ટાપુ પર પ્રવાસન સિઝનમાં ૩૮૦૦૦થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. આ તમામ પ્રવાસીઓએ ટાપુને ગ્રીન રાખવાના નિયમોનું પાલન કરવાનું ફરજીયાત છે. પ્રવાસીઓ ઝીરો પોઇન્ટ ઇન્ફર્મેશન સેન્ટર પરથી ખરીદી માટે કાપડની થેલીઓ લઇ શકે છે. બિન પરંપરાગત ઉર્જાસ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન કરીને કાર્બન ફૂટ પ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વીજળી માટે હાઇબ્રિડ વિન્ડ અને પીવી બેટરી સિસ્ટમ પર આધાર રાખે છે. આ ટાપુ એક સમયે કોલસા અને  તેલ આધારિત વીજળી પર આધાર રાખતો હતો અને વારંવાર  પાવર કટની સમસ્યાથી પીડાતો હતો. આ ટાપુ વધુ પડતા વિકાસ બાંધકામ પર નહી પરંતુ પર્યાવરણ જતન અને ટકાઉપણા પર ભાર મુકે છે. પર્વતારોહકો, પ્રકૃતિપ્રેમીઓ આ ઉપરાંત જેમને એકાંત પસંદ છે એમના માટે ટિલોસ સ્વર્ગ સમાન છે. ટિલોસમાં શાનદાર મધ્ય યુગીન કિલ્લા, કુદરતી ઝરણા ધરાવતા પર્વત, સ્વચ્છ દરિયાકાંઠો, નાના હાથીઓની પ્રાગેતિહાસિક ગુફા અને મિક્રો હોરિયાનું એક મધ્યયુગીન ઉજ્જડ ગામને જોવા માટે લોકો આવે છે. મેસારિયા ક્ષેત્રમાં હરકાડિયોની ગુફા ૪૦૦૦ વર્ષ પહેલા યુરોપના નાના હાથીનું અંતિમ નિવાસ હતું. એવું માનવામાં આવે છે કે ટિલોસ ટાપુ ૬૦ લાખ વર્ષ પહેલા એશિયા માઇનરના તટ સાથે જોડાયેલો હતો.

નાના હાથીઓને જીવતા રહેવા માટે નવા વાતાવરણમાં ઢળવું પડયું હતું. લીલી ચાદર ઓઢેલી પહાડીઓ ટિલોસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે, બદામ, ઓર્કિડ, ઓક, સુગંધિત ઘાસ, સફેદ રંગના ઘર, ફૂલોથી સજાવેલા આંગણા અને પથ્થરની સાંકળી ગલીઓ રોમાંચિત કરી દે છે. પરંપરાગત શૈલી ધરાવતું મેગાલો હોરિયો ટિલોસના ઉત્તરી ભાગમાં આવેલી રાજધાની કસ્બો છે. એજિઓસ સ્ટેફાનોસની પ્રાકૃતિક રુપથી જોડાયેલી પહાડી પર નાઇટસનો કિલ્લો આવેલો છે. ૧૫ મી શતાબ્દીમાં સેેંટ જોન નાઇટ્સ દ્વારા સ્થાપિત પ્રાચીન આ કિલ્લો એક્રોપોલિસના અવશેષો પર બનાવવામાં આવ્યો હતો. મધ્ય યુગમાં દરિયઇ ચાંચિયાઓ અને ડાકુઓથી રક્ષણ માટે કિલ્લાની અંદર ગામ વસાવવામાં આવ્યું હતું. ટિલોસમાં ૪૦૦ વનસ્પતિ, ઔષધિઓની પ્રજાતિઓ અને ૧૨૫ થી વધુ પક્ષીઓની પ્રજાતિનું ઘર છે. યુરોપ અને આફ્રિકા વચ્ચે સ્થળાંતર કરતા પક્ષીઓ માટે ટિલોસ એક મહત્વનું રોકાણ છે. જેમાં દુલર્ભ બોનેલીનું ગરુડ અને એલિઓનોરાના બાજનો પણ સમાવેશ થાય છે. લૂપ્તપ્રાય ભૂમધ્યસાગરીય મોંક સીલ પણ (મોનેકસ ) જોવા મળે છે. ટિલોસ ટાપુને મળેલી આ ઓળખ સ્વર્ગસ્થ મેયર, ટાઓસ એલિફેરિસને આભારી છે જેમણે ટિલોસને ગ્રીસનો લીલો ટાપુ તરીકે પ્રતિષ્ઠા અપાવી હતી. એલિફેરિસે ૧૯૯૩માં ટાપુ પર કોઇ પણ જીવનો શિકાર કરવા પર પ્રતિબંધ મુકયો હતો. તેમણે ટકાઉ વિકાસ અને માનવ અધિકારોને સમર્થન કર્યુ હતું. આસપાસ રહેતા સ્થાનિક લોકોને શરણાર્થી પરિવારોને ટિલોસમાં સ્થાઇ થવા ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. વિશ્વના લોકો ટિલોસ ટાપુવાસીઓના પર્યાવરણપ્રેમનો ખૂબ આદર કરે છે. સ્થળ છોડીને જવું એના કરતા સ્થળને સારું બનાવવુંએ ખૂબ મોટી વાત છે. આ સફળતા દુનિયાના તમામ ટાપુ સમુદાયો માટે એક પાઠ સમાન છે. દુનિયાનો સૌ પ્રથમ જીરો વેસ્ટ હોવાનો ટાપનું બિરુદ ડિસેમ્બર ૨૦૨૧માં  શરુ થયેલા' જસ્ટ ગો જીરો ટિલોસ' કાર્યક્રમ અંર્તગત મળ્યું છે. ૨૦૨૪માં બુડાપેસ્ટમાં યુરોપિયન એન્ટરપ્રાઇઝ પ્રમોશન એવોર્ડસ ખાતે ટિલોસ નગરપાલિકાને ટકાઉ વિકાસ માટે ગ્રાન્ડ યુરોપિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.ટિલોસ ટાપુને મળેલી સફળતામાં સ્થાનિક સમુદાયની ભાગીદારીનો મોટો હાથ છે. આ ટાપુની પર્યાવરણીય પ્રગતિ, જાગૃતિ, સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટે એક બ્લુ પ્રિન્ટ સમાન છે.