- મીડ વીક- હસમુખ ગજજર
- દુનિયાના અંતનો ઇશારો કરતી પ્રતિકાત્મક ડૂમ્સ ડે ક્લોકના કાંટા મુજબ અડધી રાત થવામાં એટલે કે 12 વાગવામાં માત્ર 85 સેકન્ડની જ વાર છે. આ ડૂમ્સ કલોકના કાંટા ગત વર્ષની સરખામણીમાં ૪ સેકન્ડ આગળ ખસ્યા છે
વિશ્વ વિનાશની શકયતાની ચેતવણી આપતી એક ઘડિયાળ છેલ્લા ૭૮ વર્ષથી સેટ કરવામાં આવી છે. આ ઘડિયાળ ખતરાને પારખીને સતત રીસેટ કરવામાં આવે છે. આ ઘડિયાળમાં મધરાતના બાર વાગવાની જેટલા નજીક હોય એટલી ચિંતા વધારે છે. 'બાર વાગી જવા'એ આમ પણ ભય દર્શાવે છે આથી આ ઘડિયાળને ડૂમ્સ ડે (પ્રલય ઘડિયાળ) કહેવામાં આવે છે. તાજેતરમાં 'બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટસ' દ્વારા ૨૭ જાન્યુઆરીના રોજ ચિંતાજનક ઘોષણા કરવામાં આવી હતી કે ઘડિયાળ માનવતાના વિનાશની સૌથી નજીક પહોંચી ગઇ છે. દુનિયાના અંતનો ઇશારો કરતી પ્રતિકાત્મક 'ડૂમ્સ ડે કલોક'ના કાંટા મુજબ અડધી રાત થવામાં એટલે કે ૧૨ વાગવામાં માત્ર ૮૫ સેકન્ડની જ વાર છે. આ ડૂમ્સ કલોકના કાંટા ગત વર્ષની સરખામણીમાં ૪ સેકન્ડ આગળ ખસ્યા છે. આ પ્રલય ઘડિયાળનો નવો સમય ૮ નોબેલ પારિતોષિક વિજેતાઓનું સભ્યપદ ધરાવતી એક કમિટી સાથે ચર્ચા વિચારણા કર્યા પછી નકકી થયો છે. વૈજ્ઞાાનિકોએ ગત વર્ષ પરમાણુ યુધ્ધના વધતા જતા ખતરા, જળવાયુ પરિવર્તન અને દુનિયા ભરમાં ફેલાતા જતા ડિજિટલ દુષ્પ્રચારને મોટી સમસ્યા ગણાવી છે. ડૂમ્સ કલોક સાથે સંકળાયેલા વૈજ્ઞાાનિકોના સમૂહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકી પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક માનદંડોને ખૂબ નુકસાન કર્યુ છે. જેમાં એક તરફી સૈન્ય હુમલા અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી ખસી જવાની નીતિ સામેલ છે. રશિયા, ચીન અને અમેરિકા જેવા મહત્વના દેશો પહેલાની સરખામણીમાં આક્રમક, વિરોધાભાસી અને રાષ્ટ્રવાદી બની ગયા છે.વિશ્વના માન્યતા પ્રાપ્ત પરમાણુ દેશો અણુ આયુધોનું આધુનિકીરણ કરવા લાગ્યા છે. જાન્યુઆરી ૨૦૨૪ની માહિતી મુજબ વિશ્વમાં ૧૨૧૨૧ જેટલા અણું બોંબ છે જેમાં ૯૦ ટકા અમેરિકા અને રશિયા ધરાવે છે. ચીન કોઇ પણ દેશની સરખામણીમાં પરમાણુ શસ્ત્રાગારનો તિવ્ર વિકાસ કરી રહયું છે.
પૃથ્વી પર માનવસર્જિત કે માનવીય ભૂલોના લીધે આવનારા પ્રલય સામે ચેતવણી આપતી ડૂમ્સ ડે કલોકની શરુઆત ૧૯૪૭માં આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને રોબર્ટ ઓપન હાઇમર જેવા વૈજ્ઞાાનિકોએ કરી હતી.શિકાગો યુનિવર્સિટીમાં આ ઘડિયાળના માધ્યમથી પરમાણુ યુધ્ધ ઉપરાંત હવે જળવાયુ પરિર્વતનથી આવતા ભયને પારખવામાં આવે છે. આ ઘડિયાળનો મકસદ પરમાણુ સંશોધનનો દુરોપયોગ વધ્યા પછી માણસ પોતાના અંતથી કેટલો દૂર છે એ દર્શાવવાનો છે. આમ તો આ કાલ્પનિક ઘડિયાળ છે પરંતુ તેનું ખૂબ મહત્વ રહેલું છે. ૧૯૪૭માં 'બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સે' પોતાના ફોર્મેટ ન્યૂઝ લેટરને બદલીને મેગેઝિન કરી દીધું હતું. પહેલા કવર પર એક ઘડિયાળ હતી. આ ઘડિયાળની આર્ટિસ્ટ દ્વારા કોન્સેપ્ટ મુજબ એસ્થેટિક ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી ત્યાર પછી આ ઘડિયાળ ડૂમ્સ ડે કલોક તરીકે ઓળખાવા લાગી હતી. આ કલોક અણુ ખતરાની ગંભીરતા દર્શાવવા માટેની આઇકોન બની છે. અણુ અખતરા-ખતરાની સાથે આ ઘડિયાળમાં કલાયમેટ ચેંજ અને બીજા પડકારોને પણ જોડી દેવામાં આવ્યા છે. આ ડૂમ્સ ડે કલોક શરુ થઇ ત્યારે બાર વાગવામાં ૭ મિનિટની વાર હોવાનો સમય સેટ કરવામાં આવ્યો હતો.વિશ્વમાં બનતી જતી અશાંતિની ગંભીર ઘટનાઓ અને સંઘર્ષોની અસરનું તારણ કાઢીને સમયમાં ફેરફાર થતો રહયો છે. ૧૯૪૯માં અમેરિકા અને સોવિયત યુનિયન (રશિયા) વચ્ચે અણું સંશોધનોની તિવ્ર સ્પર્ધા શરુઆત થતા ઘડિયાળનો કાંટો ૭ મિનિટથી ખસીને ૩ મિનિટ પર આવી ગયો હતો. અણુંવિજ્ઞાાનીઓના વિરોધ છતાં અમેરિકા (યુએસએ)એ અણુંબોબ કરતા અનેક ગણો શકિતશાળી હાઇડ્રોજન બોંબ તૈયાર કરવાનું નકકી કર્યુ હતું. થોડાક અઠવાડિયા પછી સોવિયત સંઘે સેન્ટ્રલ એશિયામાં એક અંતરિયાળ જગ્યાએ પરમાણુ ડિવાઇસમાં વિસ્ફોટ કર્યો હતો જેની ડિઝાઇન અમેરિકાએ જાપાનમાં વાપરેલા બોંબ જેવી હતી. ૧૯૫૨માં ડૂમ્સ ડે ની ઘડિયાળમાં બાર વાગવાને માત્ર ૨ મિનિટ બાકી રહી હતી.૧૯૫૬માં અમેરિકા અને સોવિયત યુનિયને સુવેઝ કટોકટી જેવા ક્ષેત્રિય સંઘર્ષોમાં સીધા ટકરાવથી બચવા પ્રયાસ કર્યો હતો. આથી ૧૯૬૦માં ઘડિયાળના કાંટા ફરી ૨ મિનિટના સ્થાને ૭ મિનિટ પર આવી ગયા હતા. દસ વર્ષ સુધી અણુ પ્રયોગો કર્યા પછી અમેરિકા અને સોવિયત સંઘે પાર્શિયલ ટેસ્ટ બેન ટ્રીટી પર હસ્તાક્ષર કરતા એટમોસ્ફેરિક ટેસ્ટિંગ ખતમ થયું હતું. અણું શસ્ત્રોની હોડ ધીમી થવાના અણસાર મળતા ડૂમ્સ કલોકનો કાંટો ૧૨ મિનિટ પર આવી ગયો હતો. ફ્રાંસ અને ચીને પણ ગ્લોબલ લિડર સાબીત થવા માટે પરમાણુ શસ્ત્રો વિકસિત કરવા પર ભાર મુકયો હતો.૧૯૬૫માં ભારત પાકિસ્તાન યુધ્ધ,૧૯૬૭માં ઇઝરાયેલ-આરબો વચ્ચે ટક્કર વગેરે પરિબળોના લીધે કલોકનો કાંટો ૧૯૬૮માં ૧૨ મિનિટ પરથી ૭ મિનિટ પર સેટ કરવો પડયો હતો. અણું શસ્ત્રો ધરાવતા દેશો નોન પ્રોલિફરેશન ટ્રીટી પર સાઇન કરવાવાળા દેશોને અણુંબોંબ નહી બનાવે તેવી શરત સાથે ન્યૂકિલયર પાવર ડેવલપમાં મદદ કરવા તૈયાર થયા હતા. રાજકિય પરિસ્થિતિ સુધરશે ત્યારે અણું દેશો પણ પોતાની અણુશસ્ત્ર નીતિનો ત્યાગ કરી દેશે એવી સુફિયાણી વાત હતી જેના પર ભારત અને ઇઝરાયેલ જેવા દેશોએ હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી. એ સમયે ડૂમ્સ કલોકની મિનિટોમાં નજીવો સુધારો થયો હતો. ૧૯૭૨માં બે મહાસત્તા યુએસ અને સોવિયત યુનિયને બેલેસ્ટિક મિસાઇલ લોન્ચરની સંખ્યા ઘટાડવા સ્ટ્રેટેજિક આર્મસ લિમિટેશન ટ્રીટી (સોલ્ટ) પર વિચાર શરુ કર્યો હતો.
જો કે અમેરિકા છેવટે આ એબીએમ સંધીમાંથી પાછળ હટી ગયું હતું ત્યારે ડૂમ્સ ડેની કલોક ઉપર મધરાતના ૧૨ વાગવામાં ૧૨ મિનિટની વાર હતી. ૧૯૭૪માં દક્ષિણ એશિયામાં ભારતે પોતાના ન્યૂકલિયર ડિવાઇસનો ટેસ્ટ કર્યો હતો. સોવિયત સંઘ અને અમેરિકા ન્યુકલિયર શસ્ત્રો ઓછા કરવાના સ્થાને આધુનિક બનાવ્યા હતા. વિશ્વમાં અણુ સંશોધનોની હોડ શરું થતા ૧૯૮૦માં ઘડિયાળના કાંટા ૭ મિનિટ પર પહોંચ્યા હતા. ૧૯૭૯માં સોવિયત સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. અમેરિકામાં રોનાલ્ડ રેગનના આગમનની સાથે જ અમેરિકાએ પોતાના હિતમાં પરમાણુ નીતિઓને કડક બનાવી દીધી હતી.૧૯૮૧માં પદ છોડતા પહેલા રાષ્ટ્રપતિ જીમી કાર્ટરે અમેરિકા પરમાણુ યુધ્ધ ટાળવાના સ્થાને જીતી શકે તેવી દલીલ કરી હતી. શીતયુધ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાએ આક્રમક નીતિને તેજ કરી બનાવી હતી.૧૯૮૧માં કોલ્ડ વોરના રિફલેકટિંગના કારણે ઘડિયાળનો કાંટો ૩ મિનિટ ઉતરીને ૪ મિનિટ સુધી પહોંચ્યો હતો. નિસ્ત્રીકરણની આશા નિરાશા વચ્ચે સોવિયત સંઘ અને અમેરિકાના સંબંધમાં ખટાશ વધતા ૧૯૮૪માં ઘડિયાળનો કાંટો વધુ ઘટીને ૩ મિનિટ સુધી આવી ગયો હતો.૧૯૯૦માં શીત યુધ્ધ પૂર્ણ થવાના આરે પહોંચતા બે મહાસત્તાઓએ પોતાના ન્યૂકિલયર શસ્ત્રો પર ભારે કાપ જાહેર કર્યો હતો. તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ જર્યોજ એચ ડબ્લ્યુ બુશ અને સોવિયત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બોચેવે સ્ટ્રેટેજિક આર્મ્સ રિડકશન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા.
આ અંર્તગત બંને દેશોએ ગોઠવેલા ન્યૂકિલયર હથિયારોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. 'સ્ટાર્ટ નામથી જાણીતી આ સમજુતી બંને દેશો દ્વારા ગોઠવેલા સ્ટ્રેટેજીક ન્યૂકલિયર શસ્ત્રોની સંખ્યામાં ઘટાડો થયો હતો.સૌથી સારી બાબતએ હતી પ્રથમ વાર બંને દેશોએ મોટા ભાગની મિસાઇલો અને બોમ્બર્સને હાઇ એલર્ટ પરથી દૂર કરી લીધા હતા.
સોવિયત સંઘ અને યુએસએનું શીતયુધ્ધ ખતમ થતા દુનિયાએ શાંતિનો શ્વાસ લીધો હતો તે સમયે ડૂમ્સ ડેની કલોકે ૧૪ મિનિટની સકારાત્મક પ્રગતિ કરી હતી. ૨૦૦૧માં યુએસ પર આતંકી હુમલો,૨૦૦૭માં નોર્થ કોરિયા ક્રાઇસિસ,૨૦૧૦માં કોપન હેગન ખાતે કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ,વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચે પરમાણુ શસ્ત્રોની કપાત માટે સ્ટાર્ટ સમજૂતી આ એવી કેટલીક ઘટનાઓ જેની અસર હેઠળ ડૂમ્સ ડે કલોકના કાંટા આગળ-પાછળ થતા રહયા હતા. ૨૦૧૫ પછી યુએસ અને રશિયાએ ન્યૂકિલયર ટ્રાયડને મોર્ડનાઇઝ કરવા માટે મોટા પ્રોગ્રામ શરુ કરતા ઘડિયાળનો કાંટો ૩ મિનિટે સેટ થયો હતો. એ સમયે કલાયમેટ ચેંજ બાબતે પોલિટિકલ લિડરશીપ ગંભીર જણાતી ન હતી. સાયન્સ એન્ડ સિકયોરિટી બોર્ડે ચેતવણી આપી હતી કે દુનિયામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ગેરઉપયોગ થવાનો પણ ખતરો મંડરાઇ રહયો છે. પરમાણુ યુધ્ધ અને બેકાબુ જળવાયુ પરિવર્તનની સાથે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ પણ ડિજિટલ વિશ્વમાં પડકાર બનવા લાગ્યું. ફેંક ઇન્ફોર્મેશનથી દુનિયામાં લોકતંત્રો નબળા પડવાનો આરંભ થયો હતો.આની અસર હેઠળ ૨૦૨૦માં પ્રલયની ઘડિયાળનો કાંટો ૧૦૦ સેકન્ડ પર આવી હતો. ૨૦૨૩માં ૧૦૦ સેક્ન્ડ એક ઝાટકે ૧૦ સેકન્ડ ઓછી થઇને ૯૦ સેકન્ડ નજીક પહોંચી હતી. યુક્રેનમાં યુધ્ધનો વધતો જતો ખતરો, પરમાણુ બોંબની રશિયાની ધમકી, રશિયા અને નાટો દેશો વચ્ચે તું તું મૈ મૈ ના લીધે માહોલ બગડવો શરુ થયો . રશિયા, ચીન, યુએસએ સહિતના દેશોમાં વધતી જતી આક્રમકતા અને રાષ્ટ્રવાદમાં વિશ્વ શાંતિ ભૂલાવાની શરુઆત થઇ. વૈશ્વિક લિડરશીપમાં શાણપણ ખતમ થતું જાય છે. જે જીતશે એનું જ બધુ એવી સ્થિતિ જોવા મળતા ૨૦૨૫માં ડૂમસ ડે કલોકની વધુ એક સેકન્ડ ઘટી હતી. ઉત્તર કોરિયાના સનકી તાનાશાહના હાથમાં અણુ વોર હેડ ઉપરાંત આતંકવાદની ફેકટરી ગણાતા પાકિસ્તાનમાં અણું શસ્ત્રોની સલામતી મોટી ચિંતાનો વિષય બનવા લાગી. યુક્રેન યુધ્ધની આડઅસરથી ૨૦૨૩માં રશિયાએ ૨૦૧૦માં થયેલી અમેરિકા સાથે પરમાણુ શસ્ત્રોના નિયંત્રણની 'સ્ટાર્ટ ' સંધીમાંથી પોતાની ભાગીદારી પાછી ખેંચી લીધી. આ ઉપરાંત સીટીબીટીમાંથી પણ પોતાનું સમર્થન પાછું લઇ લેતા પરમાણુ ટેકનોલોજીની અપ્રસાર નીતિ જોખમાયેલી છે. અણુઆયુધોના જમાનામાં દુનિયાના અસ્તિત્વનો આધાર ટકાઉ વિશ્વ શાંતિ પર જ રહેલો છે. નિરંકૂશ શસ્ત્રદોડ જ વિશ્વશાંતિ માટે સૌથી મોટું જોખમ ઉભું કરી રહી છે. દુનિયામાં ભૂખમરાથી ૧ અબજથી વધુ લોકો પીડાય છે ત્યારે ઘઉં અને મકાઇ જેવા અનાજ પેદા કરવાની તાતિ જરુરિયાત છે પરંતુ તેના સ્થાને શસ્ત્રોની ખેતી વધતી જાય છે. ડિજિટલ યુગમાં યુધ્ધનો પ્રકાર બદલાઇ ગયો છે તેમ છતાં પરંપરાગત શસ્ત્રો અને આયુધોનું ધૂમ વેચાણ થાય છે. દુનિયા બારુદના ઢગલા પર બેઠી છે આ ઢગલામાં વિસ્ફોટ થશે ત્યારે કોઇ બચવાનું નથી. ડૂમ્સ ડે કલોકના કાંટા શીતયુધ્ધના જમાનામાં પણ વિનાશનો આટલો વરતારો આપતા ન હતા તે ભૂલવા જેવું નથી.


