- મીડ વીક- હસમુખ ગજજર
- વેનેઝુએલાના વામપંથી શાસક નિકોલસ માડુરો અમેરિકાના ઘોર વિરોધી છે. ક્રુડ ઓઇલનો વિશાળ ભંડાર ધરાવતું વેનેઝુએલા 90 ટકા નિકાસ ચીનને કરે છે.
વ ર્ષોથી લેટિન દેશ વેનેઝુએલા અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના સંબંધો ચડાવ ઉતાર ભરેલા રહયા છે. તાજેતરમાં અમેરિકાએ દરિયામાં ૧૨૦૦ જેટલા મિસાઇલોથી લેસ આઠ યુદ્ધ જહાજો અને એક પરમાણુ સબમરીન ગોઠવી દીધી છે. વેનેઝુએલાએ પણ અમેરિકાના હુમલાની આશંકા જોતા સરહદ પર સૈનિકો મોકલવાના શરુ કર્યા છે. વેનેઝુએલાના લોકોને ઝડપથી સૈન્યમાં ભરતી થવાનું પણ આહ્વાન કર્યું છે. અમેરિકા વેનેઝુએલાના શાસક નિકોલસ માડૂરોને એક તાનાશાહ જ નહી નાર્કો ટેરરિસ્ટ પણ સમજે છે. વિશ્વ સુંદરીઓનો દેશ ડ્રગ્સ અને નશાના કારોબાર માટે બદનામ થઇ રહયો છે.અમેરિકાનો આક્ષેપ રહયો છે કે વેનેઝુએલામાંથી નશીલા પદાર્થો મોકલવામાં આવતા હોવાથી યુવાપેઢી બરબાદ થઇ રહી છે. ૨૦૨૦માં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ બિરાજમાન હતા ત્યારે ન્યૂયોર્કની એક સંઘીય અદાલતમાં માડૂરો અને તેમના ૧૪ સહયોગીઓ પર નાર્કો આતંકવાદ અને કોલંબિયાઇ વિદ્રોહી સમૂહ સાથે કોફીન આયાતનું ષડયંત્ર રચવાનો આરોપ મુકાયો હતો. અમેરિકાએ માડૂરોની ધરપકડ માટે પહેલા ૧.૫ કરોડ ડોલર, ત્યારબાદ ૨.૫ કરોડ ડોલર અને ગત મહિને આ રકમ વધારીને ૫ કરોડ ડોલર કરી છે. ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખવા માટે ટ્રમ્પ સરકારે યુધ્ધ જહાજો ગોઠવતા વેનેઝુએલા માટે કપરોકાળ શરુ થવાનો છે.
એક સમયે દક્ષિણ અમેરિકાનું સૌથી સમૃધ્ધ વેનેઝુએલા પાંચમા પુછાતું હતું. જમીન નીચે રહેલા ક્રુડ તેલના વિશાળ ભંડાર તેની સૌથી મોટી આર્થિક તાકાત હતા.૧૯૯૮માં વેનેઝુએલાની કુલ નિકાસ ટકાવારીમાં ક્રુડ ઓઇલનો ફાળો ૭૧ ટકા હતો જે ૨૦૧૩માં વધીને ૯૮ ટકા થયો હતો. વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માડૂરોના પુરોગામી હ્વુગો ચાવેઝ ૧૯૯૮માં સત્તા પર હતા ત્યારે ક્રુડ ઓઇલની કમાણીનો ઉપયોગ લોકોને સબસિડીવાળી ચીજ વસ્તુઓ અને સેવાઓ પુરી પાડવા માટે કર્યો હતો. દુનિયાની નજર લાગે તેવી સમૃધ્ધિમાં જીવતા લોકોની ગરીબી તો દૂર થઇ પરંતુ ચાવેઝના શાસનમાં આર્થિક ગોટાળા અને ભ્રષ્ટાચારે પણ હદ વટાવી હતી. સરકારની માલિકીની પીડીવીએસએ નામની તેલ કંપનીનોે નેતાઓ અને સૈન્ય અફસરોએ ખૂબ દૂરોપયોગ કર્યો હતો.વેનેઝુએલાના સમાજવાદી ઝોક ધરાવતા શાસકોને અમેરિકા સાથે ક્યારેય બન્યું નહી. પહેલા ચાવેઝ અને ત્યાર પછી ૨૦૧૩થી સત્તાનું કેન્દ્ર બનેલા માડૂરો જેવા નેતાઓ અમેરિકાના શાસનને સામ્રાજયવાદી ગણીને દૂરથી નમસ્તે કરતા રહયા છે. અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશો વર્તમાન માડૂરો સરકારની વિરુધમાં જયારે ચીન, કયૂબા, રશિયા અને તુર્કી જેવા દેશો સમર્થન કરે છે. નિકોલસ માડૂરો ૨૦૧૮ અને ત્યાર પછી ૨૦૨૪ની ચુંટણીમાં કથિત રીતે ગેરરીતિ આચરીને એનકેન રીતે સત્તાને ચીટકી રહયા છે. ૨૦૧૦ની શરુઆતમાં ક્રુડ તેલના ભાવમાં તીવ્ર ઘટાડાથી તેલ આધારિત અર્થતંત્ર ધરાવતા વેનેઝુએલામાં આર્થિક સંકટની શરુઆત થઇ હતી. ૨૦૧૫માં આર્થિક કટોકટી આગળ વધી ત્યારે ૮૦ લાખ લોકોએ વેનેઝુએલા છોડીને લેટિન અમેરિકન દેશોની વાટ પકડી હતી. માડૂરોએ કરન્સી નોટો છાપીને પરિસ્થિતિ સુધારવા પ્રયાસ કર્યો જે દાવ સાવ ઉલટો પડયો હતો. મોંઘવારી, બેકારી અને જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ માટે લોકો સંઘર્ષ કરવા મજબૂર બન્યા હતા. આંતરરાષ્ટ્રીય દબાણ અને પ્રતિબંધો છતાં માડૂરો સત્તા પર પોતાની પકડ જાળવી રાખવામાં સફળ રહયા હતા.વિપક્ષો અને વિરોધીઓને જેલના સળિયા પાછળ મોકલી દેતા હતા.વેનેઝુએલામાં માનવ અધિકાર ભંગની ફરિયાદો પણ ઉઠતી રહી છે. ૨૦૨૧માં બોલિવર નોટોમાંથી ૬ શુન્ય ઘટાડતા ફૂગાવો પ્રમાણમાં નિયંત્રણમાં આવ્યો હતો. ૨૦૨૨માં વેનેઝુએલાએ ૧૫ ટકા આર્થિક વૃધ્ધિ મેળવી જે લેટિન અમેરિકામાં સૌથી વધુ હતી તેમ છતાં આજે વેનેઝુએલાની ગણતરી વિશ્વના સૌથી ઉંચા ફુગાવા દર ધરાવતા દેશોમાં થાય છે. માડુરોએ યુએસ તરફથી તેલ પ્રતિબંધોમાં રાહતના બદલામાં ૨૦૨૪માં મુકત અને ન્યાયી ચુંટણી યોજવા સંમતિ આપી હતી પરંતુ સ્વતંત્ર ચુંટણી નિરીક્ષકોને પરેશાન કરવા, લોકપ્રિય વિપક્ષી ઉમેદવારો પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મુકવા સહિતની ગેરરિતીઓ અટકી ન હતી.
એશિયાથી માંડીને યુરોપ અને આફ્રિકા એમ દરેક ખંડના દેશોમાં અમેરિકા ડખલ કરતું રહે છે. અમેરિકાની વાત નહી માનનારા શાસકોને હટાવી દેવામાં આવે છે. અમેરિકા સમર્થિત સત્તાપલટાનો લાંબો ઇતિહાસ રહયો છે. ઇરાકના સદામ હુસેન, લિબિયાના કર્નલ ગદ્દાફી અને છેલ્લે બાંગ્લાદેશના શેખ હસીના તેના ઉદાહરણો છે. સીરિયામાં ૩૦ વર્ષથી સત્તા ભોગવતા અશદ પરિવારના બશર અલ અશદને પણ લાંબા સંઘર્ષ પછી દેશ છોડવો પડયો છે જયારે ખૂબ પ્રયાસો કરવા છતાં અમેરિકા વેનેઝુએલાના નિકોલસ માડૂરોનું ખાસ બગાડી શકયું નથી. અમેરિકા આમ તો કોઇ દેશ પર સિધો કબ્જો કરતું નથી પરંતુ પરોક્ષ રીતે સરકારમાં દબાણ અને હસ્તક્ષેપ કરે છે. ભૂતકાળમાં પણ વેનેઝુએલાનો કબ્જો કરીને સત્તા પલટો કરશે એવી ધમકીઓ સામે માડૂરો ડંકાની ચોટ ઉપર અમેરિકાને પડકારતા રહયા છે. તાજેતરમાં વેનેઝુએલાના માડૂરો માટે અમેરિકા દ્વારા જે નવેસરથી અભિયાન શરુ થયું છે તે મોટી નવા જૂનીના એંધાણ આપે છે. ધ વૉર ઝોનના અહેવાલ અનુસાર અમેરિકાએ વેનઝુએલાના દરિયાકાંઠે વિનાશક શસ્ત્ર સરંજામ ઉપરાંત એક અમ્ફીબિયસ રેડી ગુ્રપમાં ૪૦૦૦ મરીને સૈનિકો પણ તૈનાત કર્યા છે. માડૂરોએ વેનેઝુએલા પર જો હુમલો થયો તો એક સશસ્ત્ર ગણરાજય જાહેર કરીેને લડી લઇશું એવીે જાહેરાત કરી છે. કોઇ પણ પ્રકારના બ્લેકમેલ કે ધમકી સામે ઝુકવાના સ્થાને ૪૫ લાખ જેટલા સૈનિકોની તૈનાતી કરવાની ધમકી આપી છે. માડૂરોએ પોતાની ધરપકડ માટેના ઇનામ અંગે પ્રતિક્રિયા આપી છે કે તેઓ માફિયા ડોન નહી પરંતુ ક્રાંતિકારી છે. પોતાને એવા મજૂર યોધ્ધા ગણાવ્યા જે રાજનીતિની સાથે સૈન્ય રણનીતિ પણ જાણે છે. માડૂરોએ સમગ્ર ઘટનાની સરખામણી ૧૯૬૨માં શિતયુધ્ધ સમયે સર્જાયેલી કયૂબા ક્રાઇસિસ સાથે છે. ગત વર્ષે સરકાર ઉથલાવવા ષડયંત્ર રચતા અમેરિકી એજન્ટોની ધરપકડ કરવાનો પણ વેનેઝુએલાએ દાવો કર્યો હતો. અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે માદક પદાર્થોનો વેપાર કરતી વેનેઝુએલા સરકારને પાઠ ભણાવવા ઇચ્છે છે. માદક પદાર્થોની દાણચોરી રોકવા માટે યુદ્ધ જહાજ મોકલવા પડે છે.
જો કે નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા હુમલો કરવા માટે બહાનું શોધી રહયું છે.
ડ્રગ્સ અને માદક પદાર્થો વેનેઝુએલા જ નહી મેકિસકોના માર્ગે પણ આવે છે. વેનેઝુએલા પાસે રહેલા વિશ્વના વિશાળ ગણાતા ક્રુડ ઓઇલ ભંડારોને નિયંત્રિત કરવા માંગે છે. વેનેઝુએલા પાસેથી જે દેશ ગેસ કે તેલ ખરીદશે તેના પર ૨૫ ટકા ટેરિફ વસૂલાશે માર્ચ ૨૦૨૫માં થયેલી આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે વેનેઝુએલાના તેલ ભંડારો પર અમેરિકાની નજર છે. વેનેઝુએલા ક્રુડ ઓઇલની ૯૦ ટકા નિકાસ ચીનને કરે છે. ચીને આગામી સમયમાં વેનેઝુએલાના તેલક્ષેત્રોમાં ૧ અબજ ડોલરનું રોકાણ કરવાનું જાહેર કર્યુ છે. વેનેઝુએલાની જાણીતી કંપનીમાં ચીનની ૫૦ ટકા ભાગીદારી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ચીને દુનિયાના દેશોમાં જે વિકાસ અને કારોબારી પ્રોજેકટ પર રોકાણ કર્યુ છે તેમાં રશિયા પછી ૨૧૨.૨૮ બિલિયન ડોલર સાથે વેનેઝુએલા બીજા ક્રમે છે. સ્ટેટેસ્ટિક રીવ્યુ ઓફ વર્લ્ડ એનર્જી ૨૦૨૧ના અહેવાલ મુજબ વેનેઝુએલા પાસે ૪૮ હજાર મિલિયન ટન તેલનો ભંડાર છે જે સાઉદી અરબ,કેનેડા, ઇરાન અને ઇરાક કરતા પણ વધારે છે. ટ્રમ્પ સરકાર વેનઝુએલા પર એકશન લેવાની બ્લુ પ્રિન્ટ પર વિચાર કરી રહી છે. સૌ જાણે છે કે વેનઝુએલાના માડૂરો એક વામપંથી શાસક છે જે અમેરિકાના ઘોર વિરોધી છે. અમેરિકા ૧૫ સપ્ટેમ્બરે પોતાના તટ પાસે યુનિટાસ ૨૦૨૫ નામનો એક સંયુકત નૌ સૈનિક અભ્યાસ શરુ કરવા જઇ રહયું છે જેને માડૂરોએ સીધી ધમકી ગણી છે. અમેરિકી રિપબ્લીકન સેનેટર બર્ની મોરેનો જેવા નેતાઓ તો ખુલ્લેઆમ કહેવા લાગ્યા છે કે માડૂરોને સત્તા પર રહેવા દેવા જોઇએ નહી. વેનેઝુએલા અમેરિકા અને યુરોપીય દેશોના ૩૫૦ કરતા પણ વધુ પ્રતિબંધોથી ઘેરાયેલું રહ્યંુ જેનો ચીને ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. અમેરિકા નિકોલસ માડૂરોને હટાવીને પોતાને મનગમતી કથપુતળી સરકાર રચીને આર્થિક અને રાજકિય પ્રભાવ પાથરીને ચીનને રોકવા ઇચ્છે છે. છેવટે તો આધુનિક યુધ્ધોના ઇતિહાસમાં સૌથી તો આર્થિક હિતો જ વેર બીજના વાવેતર કરતા રહે છે એ ભૂલવા જેવું નથી.


