- મીડ વીક- હસમુખ ગજજર
- યુક્રેન-રશિયાનું યુધ્ધ ગ્લોબલ ડિફેન્સ સેકટર માટે ફળદાયી સાબીત થયું છે. હથિયાર કંપનીઓ નવા ઇકવિપમેન્ટ સપ્લાય અને સ્ટોક કરવા પર ભાર મુકવા લાગી છે.
સં ચારક્રાંતિના ફળ સ્વરુપ દુનિયા એક ગામ જેવી બની ગઇ છે. હવેનો સમય યુધ્ધોનો નહી પરંતુ કારોબારનો છે આવું ભલે કહેવામાં આવતું હોય પરંતુ સત્યએ છે કે વિશ્વના માનવીઓ યુધ્ધો અને યુધ્ધ ઉન્માદમાં જીવી રહયા છે. અવિશ્વાસ અને અસુરક્ષાના ઓથાર હેઠળ શસ્ત્રોના ભંડાર ફટાફટ ખાલી થવા લાગ્યા છે. શસ્ત્ર નિર્માણ કરતી કંપનીઓ વેચાણ કરીને અઢળક નફો રળવા લાગી છે. વિશ્વના ટોચના ધનાઢય એલન મસ્કે એવી આગાહી કરી છે કે આવનારા પાંચ થી દસ વર્ષમાં વિશ્વયુધ્ધ થશે જેમાં પરમાણુ બોંબનો પણ ઉપયોગ થઇ શકે છે. આમ પણ વિશ્વમાં વધતું જતું જીઓ પોલિટિકસ ભવિષ્યના મોટા યુધ્ધો તરફ ઇશારો કરી રહયું છે. ચીન અને તાઇવાન, ઇઝરાયેલ -પેલેસ્ટાઇન, કોરિયા મહાદ્વીપ, ભારત અને પાકિસ્તાન સરહદ આ એવી સળગતી સમસ્યાઓ છે જેમાં એક ચિનગારી દાવાનળ બનતા વાર લાગે તેમ નથી. છેલ્લા ૩ વર્ષ કરતા વધુ સમયથી ચાલતા યુક્રેન અને રશિયા વચ્ચેના અવિરત યુધ્ધે શસ્ત્રોના ભંડકિયા ભરવા મજબૂર કર્યા છે. દુનિયાના લગભગ દરેક દેશે પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. પોતાના દેશના નાગરિકોના કલ્યાણ માટેની યોજનાઓના બજેટમાં કાપ મુકીને પણ સંરક્ષણ પર વધારે ભાર મુકે છે. યુરોપિયન દેશો રશિયાથી ડરીને પોતાની સરહદો મજબૂત કરવામાં લાગેલા છે. જમીનમાં બિછાવવામાં આવતી સુરંગોએ લાખો નિદોર્ષ માનવીઓનો ભોગ લીધેલો છે તેમ છતાં સુરંગ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા રશિયાના પાડોશી યુરોપીયન દેશો માંગ કરી રહયા છે. રશિયા સાથેની સરહદોના રક્ષણ માટે સુરંગ બિછાવવા સુધીની પણ તૈયારીઓ માંડી છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (સિપ્રી)ના તાજેતરના અહેવાલ અનુસાર વિશ્વની શસ્ત્ર નિર્માણ કરતી ૧૦૦ કંપનીની આવકમાં ૫.૯ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૪માં યુદ્ધ હથિયારો અને મિલિટરી સર્વિસ વેચીને જે આવક મેળવી છે તે ૬૭૯ અબજ ડોલર કરતા પણ વધારે છે. વિશ્વની ૧૦૦ લિસ્ટેડ ડિફેન્સ કંપનીઓ માંથી ૩૯ તો માત્ર અમેરિકાની જ છે. ૩૯ કંપનીઓ ગ્લોબલ શસ્ત્ર વેપારની આવકમાં લગભગ અડધો હિસ્સો છે. ભારતની ડિફેન્સક્ષેત્રની ૩ કંપનીઓ પણ ટોચની ૧૦૦ની યાદીમાં આવે છે. દુનિયાની ટોપ ફાઇવ કંપનીઓમાંની જાણીતી અમેરિકાની લોકડીડ માર્ટિન જે એફ ૩૫ ફાઇટર જેટ બનાવે છે.આરટીએકસ જે એરક્રાફટ એન્જીન અને ડ્રોન બનાવે છે.નોથ્રોપ ગુ્રમ્મન જે લાંબા અંતરની મિસાઇલો બનાવે છે. બ્રેટિશ કંપની બીએઇ સિસ્ટમ્સ અને જનરલ ડાયનેમિકસ જે ન્યુકલિયર સબમરીન અને ગાઇડેડ મિસાઇલો બનાવે છે.બીએઇ સિસ્ટમ્સને છોડીને બાકીની બધી જ ટોચની પાંચ કંપનીઓ યુએસમાં છે. યુક્રેન અને ગાઝા યુધ્ધ પછી અનેક દેશોની સૈન્ય ઇકવિપમેન્ટની માંગમાં વધારો થયો છે.૨૦૨૩ની સરખામણીમાં માંગમાં વધારો જિયો પોલિટિકલ ટેંશન અને યુક્રેન યુધ્ધના લીધે થયો છે. છેલ્લા બે વર્ષથી શસ્ત્ર કારોબારમાં વધારાનો ટે્રન્ડ જળવાઇ રહયો છે. યુક્રેન-રશિયાનું યુધ્ધ ગ્લોબલ ડિફેન્સ સેકટર માટે ફળદાયી સાબીત થયું છે. હથિયાર ઉત્પાદન કરતી કંપનીઓ નવા ઇકવિપમેન્ટ સપ્લાય અને સ્ટોક કરવા પર ભાર મુકવા લાગી છે.
યુરોપની વાત કરીએ તો કુલ ૨૬ શસ્ત્ર કંપનીઓમાંથી ૨૩ની આવકમાં ધરખમ વધારો થયો છે જેમાં મોટે ભાગે યુક્રેન સાથેના શસ્ત્ર સોદા જવાબદાર છે. યુરોપીયન કંપનીઓની વધતી જતી માંગને પુરી કરવા માટે નવી ઉત્પાદન ક્ષમતામાં રોકાણ કરી રહી છે પરંતુ કાચા માલની સામગ્રી મેળવવી મોટો પડકાર બની ગયો છે. રશિયાને બાદ કરતા યુરોપની ૨૬ ડિફેન્સ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓની સરેરાશ આવકમાં ૧૩ ટકા જેટલો વધારો થયો છે. યુરોપમાં પણ જર્મનની ડિફેન્સ કંપનીઓનો ગ્રોથ રેટ સૌથી વધુ ૩૬ ટકા જેટલો રહયો છે. જર્મન શસ્ત્ર કંપનીઓએ ૨૦૨૪માં સૌથી વધુ મિલિટરી ઇકિવપમેન્ટ વેચ્યા હતા. સીપરીના અહેવાલમાં આના માટે યુક્રેન યુધ્ધને મુખ્ય ગણાવ્યું છે. યુક્રેનને જર્મન મેન્યુફેકચરર કંપની ડાઇહલ તરફથી ડિફેન્સ સિસ્ટમ મળી છે.આ ઉપરાંત રાઇનમેટલ, થાઇસેન ક્રુપ અને હેન્સોલ્ડટ પણ જર્મનીની મહત્વની સંરક્ષણ કંપનીઓ છે. આ તમામે મળીને ૧૪.૯ બિલિયન ડોલર આવક મેળવી છે. જર્મન આર્મ્ડ ફોર્સેઝ માટે ૧૫૫ મીમી આર્ટિલરી શેલ્સનો ઓર્ડર કંપનીના ઇતિહાસમાં સૌથી મોટો ઓર્ડર છે. રાઇનમેટલ ટેંક, આર્મ્ડ ગાડીઓ અને એમ્યુનિશનથી ૪૭ ટકા વધુ કમાણી કરી છે. યુક્રેન યુધ્ધ અને રશિયાના ભયના લીધે શસ્ત્ર ઓેડર્સના ટાર્ગેટ પુરા કર્યા છે. શસ્ત્રોના સોદાગરો વર્ષ ૨૦૨૪માં જેટલું કમાયા એટલું કયારેક કમાયા નથી. જર્મની યુક્રેનને મદદ તરીકે મોકલે છે તેનું ચુકવણું સરકાર શસ્ત્ર કંપનીઓને કરે છે. વધતા જતા ડ્રોનના ખતરા માટે લેઝર હથિયારો બની રહયા છે. યુરોપથી અલગ ગણતરી માંડીએ તો રશિયન શસ્ત્ર કંપનીઓમાં રોસ્ટેક અને યુનાઇટેડ શિપ બિલ્ડિંગ કોર્પોરેશનની આવક ૨૩ ટકા વધીને ૩૧.૨ અબજ ડોલર થઇ છે.
યુક્રેન પરના હુમલાના પગલે રશિયા આર્થિક પ્રતિબંધોથી ઘેરાયેલું હોવાથી વિદેશી ઉપકરણોની અછત ઉભી થઇ છે. ખાસ કરીને આર્મ્સ ઇન્ડસ્ટ્રીને વિદેશથી આવતા એરક્રાફટ પાર્ટસ અને ઇલેકટ્રોનિકસની કમી જણાય છે. રશિયાની વિદેશમાં શસ્ત્ર નિકાસ પણ ઘટી છે તેમ છતાં વધતી જતી ઘરેલું માંગે નિકાસમાં ઘટાડાની ભરપાઇ કરી છે. રશિયાએ પોતાની પ્રાથમિકતા બદલીને તમામ પ્રકારના રિસોર્સ યુધ્ધમાં લગાડી દીધા છે. રશિયાએ ૨૦૨૨થી ૨૦૨૪ વચ્ચે ૧૫૨ એમએમ આર્ટિલરી શેલ્સ પ્રોડકશન ૪૨૦ ટકા વધાર્યુ છે. આર્ટિલરી શેલ્સ પ્રોડકશન ૨૫૦૦૦૦ થી વધારીને ૧.૩૦ મિલિયન કર્યુ છે. રશિયા જુદા જુદા પ્રકારના આર્થિક પ્રતિબંધો અને મુશ્કેલીઓ છતાં મજબૂત થયું છે. કમસેકમ રશિયાની ઇકોનોમી ધરાશયી થશે એ માન્યતા જરુર ખોટી પડી છે. નિષ્ણાતોનું માનવું છે કે રશિયાની ઇકોનોમીમાં એટલું પરિવર્તન આવ્યું છે કે યુક્રેનમાં શાંતિ સ્થપાય તો પણ યુધ્ધ વગરની ઇકોનોમીમાંથી પાછા આવવું અશકય જણાય છે.આમ પણ ગ્લોબલ આર્મ્સ માર્કેટમાં રશિયા અમેરિકાનું હંમેશા નજીકનું હરીફ રહયું જ છે.
ચીન વિશ્વમાં એવો દેશ જે શસ્ત્રોની આયાત અને નિકાસ બંને કરે છે, છેલ્લા કેટલાક વર્ષોથી સંરક્ષણક્ષેત્રે સ્વાવલંબન જ નહી ઉત્પાદન કરીને નિકાસ કરવાની નીતિ અપનાવેલી છે. હાલમાં ચીનની સંરક્ષણ કંપનીઓને સૌથી વધુ નુકસાન થઇ રહયું છે. ચીનની શસ્ત્ર વેચાણ કંપનીઓની કુલ કમાણી ૧૦ ટકા ઘટીને ૮૮.૩ અબજ ડોલર રહી છે. નૉરિંકો કંપનીનું હથિયાર વેચાણ ૨૦૨૩માં ૨૦.૩૧ અબજ ડોલર હતું જે ઘટીને ૨૦૨૪માં ૧૩.૯૭ ડોલર થયું છે. અંદાજે ૩૧ ટકા જેટલો વેચાણ
ઘટાડો થવાથી ચીની કંપનીનું વૈશ્વિક રેન્કિંગ ૧૦ થી ઘટીને ૧૧માં ક્રમે આવી ગયું છે. ગત વર્ષ વિશ્વમાં શસ્ત્રોની વૃધ્ધિમાં વધારો છતાં શસ્ત્ર ઉધોગની ૧૦૦ યાદીમાંથી ચીનની ૮ કંપનીઓની આવક ઘટી છે. ચીનની શસ્ત્ર કંપનીઓની આવકમાં ધરખમ ઘટાડો થવાનું કારણ શસ્ત્રો ખરીદીમાં મોટા ભ્રષ્ટાચારના પગલે અનેક ઓર્ડર કેન્સલ થયા છે અથવા તો ટાળવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલની ત્રણ કંપનીઓની આવક ૧૬ ટકા વધીને ૧૬.૨ અબજ ડોલર થઇ છે. ગાઝા સંઘર્ષ પછી ઇઝરાયેલી શસ્ત્રોની માંગમાં કોઇ જ ઘટાડો થયો નથી. મિડલ ઇસ્ટની ડિફેન્સ કંપનીઓની આવકમાં ૧૪ ટકા જેટલો વધારો થયો છે. કુલ ૯ કંપનીઓ છે જેમાં ત્રણ ઇઝરાયેલમાં છે જેના ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમની ખૂબ માંગ છે. આ ઇલાકામાં તુર્કી પણ ટોહી ડ્રોન અને બાયરકટાક ટીબી-ટુ કોમ્બેટ તૈયાર કરે છે.તુર્કી યુક્રેનને શસ્ત્ર નિકાસ કરીને યુધ્ધની સ્થિતિનો લાભ લઇ રહયું છે. રશિયા જેવા મહાકાય હાથી સામે લડવા માટે યુક્રેનને ચોતરફથી શસ્ત્ર મદદની જરુર છે. વિદેશી શસ્ત્રોની મદદથી જ યુક્રેનનું સૈન્ય રશિયાને ટકકર આપી શકયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ ઘર આંગણે ડ્રોન જેવા હાથવગા હથિયારોના ઉત્પાદન પર લખલૂટ ખર્ચ કરવા માંડયો છે. સીપ્રીના અહેવાલ મુજબ યુક્રેનના તોપખાના માટે સરકાર દ્વારા સંચાલિત પરિયોજનાના કારણે ૧૯૩ ટકા જેટલો વધારો થયો છે. યુક્રેનના સંરક્ષણ ઉધોગને પણ ૪૧ ટકા લાભ થયો છે. આમ વેચનાર નફા માટે અને લડનાર શસ્ત્ર ખરીદીના ભરોસે મીટ માંડીને તૈયાર બેઠા રહે છે.દુનિયામાં વધતા જતાં કજીયાઓના પગલે ડિફેન્સક્ષેત્રને રુપાળી કમાણી થતી રહેવાની છે.


