Get The App

એગ્રો ટેરરિઝમ: અમેરિકાને હવે ચીનનો ભય સતાવવા લાગ્યો છે

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
એગ્રો ટેરરિઝમ: અમેરિકાને હવે ચીનનો ભય સતાવવા લાગ્યો છે 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- અમેરિકાની એફબીઆઇએ અત્યંત ખતરનાક ફયૂઝેરિયમ ગ્રેમીનેરમ નામની ફૂગ સાથે ચીનના બે સંશોધકોની ધરપકડ કરી હતી.આ ફૂગને કૃષિ આતંકવાદનું હથિયાર ગણવામાં આવે છે

વિ શ્વમાં હિંસા દ્વારા પોતાના ઉદ્દેશની પૂર્તિ માટે ચાલતો આતંકવાદ અને કટ્ટરવાદ વધતો જાય છે પરંતુ ગત જૂન મહિનાના પ્રથમ સપ્તાહે અમેરિકાએ બે ચીની સંશોધકોની એગ્રો ટેરરિઝમ (કૃષિ આતંકવાદ) ફેલાવવાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઇની ફરિયાદ મુજબ ચીનની યુનકિંગ જિયાન નામની મહિલા અને તેના બોય ફ્રેન્ડ લિયૂને અત્યંત ખતરનાક એવી ફયૂઝેરિયમ ગ્રેમીનેરમ નામની ફૂગની દાણચોરી કરી હતી. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટસ ડિપાર્ટંમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ)ને આ ચીની સંશોધકોએ કયારેય રોગકારક ફૂગ લાવવાની પરવાનગી માંગી ન હતી. ફયૂઝેરિયમ ગ્રેમીનેરમ લાવવાના નિયંત્રણોથી વાકેફ હોવાથી બંનેએ જાણી જોઇને ફૂગને બેગપેકમાં છુપાવી દીધી હતી. જિયાનને પૈથોજન પર કામ કરવા માટે ચીની સરકાર તરફથી ફંડિંગ મળતું હતું. ફયૂઝેરિયમ ગ્રેમીનેરમ આ એક એવી ફૂગ છે જેનાથી વિશ્વની ખેતીને દર વર્ષે અબજો રુપિયાનું આર્થિક નુકસાન થાય છે. મકાઇ, ઘઉં અને ઓટ્સ સહિતના પાકોમાં સંક્રમણ ફેલાવાથી ફયૂઝેરિયમ હેડ બ્લાઇટ એટલે કે સ્કેબ નામનો રોગ લાગુ પડે છે. આ રોગની અસરથી અનાજ ઉત્પાદન ઘટવાની સાથે પાકની ગુણવત્તા પણ બગડે છે. ચોખા અને ઘઉંમાં એમિનો એસિડની સંરચનામાં ફેરફાર થવાથી દાણા સંકોચાઇ જાય છે. આ ફૂગનો ઉપયોગ કોઇ પણ દેશની ખેતી અને અન્ન સુરક્ષાને જોખમમાં નાખવાના હથિયાર તરીકે પણ થાય છે. ફયૂઝેરિયમ ગ્રેમિનીઅરમ ખેતી પાકો અને પશુઓ જ નહી માનવીઓના આરોગ્ય માટે પણ જોખમી છે. આ ફૂગ વિવિધ સ્વરુપે વિશ્વમાં લગભગ બધે જ જોવા મળે છે. 

દરેક દેશનો કૃષિ સંબંધિત વિભાગ બહારથી નવા રોગ અને જીવાત પ્રવેશે નહી તે માટે ઓછાવત્તા અંશે સજાગ હોય છે પરંતુ અમેરિકામાં  શંકાસ્પદ કૃષિ ચીજ વસ્તુઓની કાળજીપૂર્વક ચકાસણી થાય છે. વિદેશથી આવતા ફળફળાદિની ગુણવત્તા મામલે કડક પૃથ્થકરણમાંથી પસાર થવું પડે છે. એક નજીવી ખામીમાં પણ કૃષિ પેદાશ પાછી મોકલવામાં આવી હોવાના દાખલા છે. અમેરિકાનો કૃષિ વિભાગ માને છે કે  ફયૂઝેરિયમ ગ્રેમીનેરમ ફૂગ એટલી ઝડપી ફેલાય છે કે તેના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ પડે છે. આ ફૂગ માત્ર ખેતી પાકોને જ નહી દૂધાળા પશુઓ અને માંસ આપતા જાનવરોને પણ હાનિકારક છે. ફયૂઝેરિયમ ગ્રેમીનેરમ ફંગસના માધ્યમથી ડિઓકસીનિવેલનૉલ અને જેરાલેનોન જેવા ખતરનાક પદાર્થો ઉત્પન્ન થાય છે જેનાથી ઉલ્ટી, લીવર ડેમેજ અને પ્રજનન સંબંધી બીમારીઓ થાય છે. ફયૂઝેરિયમ ફંગસ વાતાવરણમાં કુદરતી રીતે અસ્તિત્વ છે પરંતુ તેને કૃષિમાં નુકસાન કરવાના ચોકકસ ઇરાદાથી એકઠી કરીને ખેતરમાં છોડવામાં આવે તો ખૂબ જોખમી બની જાય છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં સંશોધન કાર્ય કરતી ચીની મહિલા યુનકિંગ જિયાન ફૂગ ગેરકાયદેસર રીતે લાવી હતી જેને અમેરિકી નિષ્ણાતોએ આને ચીનનું એગ્રો ટેરરિઝમ ગણ્યું જે અમેરિકાની ખેતીને બરબાદ કરવા ઇચ્છે છે. મોલેકકયૂલર પ્લાન્ટ પેથોલોજી જર્નલના લેખ મુજબ ૧૯૯૮ થી ૨૦૦૦ દરમિયાન મધ્ય યુએસએ અને ઉત્તરીય ગ્રેટ પ્લેઇન્સમાં ફૂગથી થયેલા નુકસાનનો આંકડો ૨.૭ બિલિયન ડોલરનો હતો. ભેજવાળા હવામાન દરમિયાન ફૂગ બીજને અંકુરિત કરે છે જે પછી પવન દ્વારા ફેલાતા રહે છે. 

કોઇ પણ દેશમાં અનાજ સંકટ પેદા કરવા જૈવિક, રાસાયણિક કે લોજિકલ આઇડિયાથી કૃષિ પાકનો નાશ કરવાના કૃત્યને એગ્રો ટેરરિઝમ કહેવામાં આવે છે. એક સાયન્સ જર્નલમાં પ્રકાશિત માહિતી મુજબ અમેરિકામાં ૧૯૯૦ના દાયકામાં ફયૂજેરિયમ હેડ બ્લાસ્ટ મહામારીના સ્તરે પહોંચી ગયું હતું. એ સમયે  ઉત્પાદન અને બીજની ગુણવત્તા પર ભારે અસર થઇ હતી પરંતુ આટલા મોટા પાયે બીમારી ફેલાવાનું કારણ જાણી શકાયું ન હતું. એગ્રો ટેરરિઝમ શબ્દ ભલે આધુનિક લાગતો હોય પરંતુ  ૧૯૪૩માં બીજા વિશ્વયુધ્ધ દરમિયાન જર્મનોએ કોલોરાડો પોટેટો બીટલ (કીટ) દ્વારા બ્રિટનમાં બટાટાના પાકને બરબાદ કરવાની યોજના બનાવી હતી. એ સમયે ઇગ્લેન્ડમાં કેટલાક જાણકારોને કીટકોની હાજરીથી માલૂમ પડયું હતું કે જર્મની દ્વારા નાના પાયા પર બીટલ એટેક થયો હતો. ૨૦૦૧માં યુએસએમાં એન્થ્રેકસ હુમલો થયો હતો.એન્થ્રેકસએ બેકટેકિયમ બેસિલસ એન્થેસીસથી પશુઓને થતો એક ગંભીર ચેપી રોગ છે.ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા તેના ઉત્પાદનોના સંપર્કમાં આવવાથી મનુષ્યોને પણ તેનો ચેપ લાગતો હોય છે. થોડાક મહિના પહેલા યુકે, યુએસએ અને ન્યુઝીલેન્ડમાં પશુઓના પગ અને મોંનો વાયરસ ફેલાવવાનો ભય હતો.કૃષિ પાક અને પશુઓ પર છુપી રીતે થતા હુમલા ખૂબ વિનાશકારી હોય છે. અમેરિકામાં પકડાયેલા બે ચીની સંશોધકોનું ખતરનાક કૃત્ય એગ્રો ક્રાઇમનો ભાગ હોવાનું એફબીઆઇ માને છે. યુએસડીએના કૃષિ સંશોધન સેવાના અંદાજ મુજબ ૮ માંથી ૧ વ્યકિત કૃષિ જણસના કોઇને કોઇ ભાગમાં કામ કરે છે. ૨૦૧૩માં યુએસ કૃષિક્ષેત્રની ચોખ્ખી આવક ૧૨૯ બિલિયન જેટલી હતી. 

માણસ સદીઓથી એક સ્થળેથી બીજા સ્થળે વિસ્થાપિત થતો રહયો છે. ખેતી બીજ, ફૂલછોડ અને પાકની ખાસિયતોની સાથે બેકટેરિયા, વાયરસ અને ફૂગથી થતા રોગો પણ ફેલાતા રહે છે. સામાન્ય રીતે કૃષિ ઉત્પાદનો, ખાતરો, છાણ અને માટીની આયાત- નિકાસ થાય ત્યારે હાનિકારક રોગ-જીવાત ફેલાવાની પણ શકયતા રહેતી હોય છે. આવા કિસ્સામાં જે સ્થળે રોગ કે જીવાત નથી હોતા તે સ્થળે પણ પ્રવેશ કરે છે. રોગ-જીવાત એક વાર ઘર કરી જાય પછી તેનો મૂળમાંથી સંપૂર્ણ નાશ અઘરો બની જાય છે. કયારેક ઝેરી વનસ્પતિના બીજ પણ ઉગીને ફેલાતા થતા રહે છે.

કૃષિ વ્યવસાયમાં રોગ અને જીવાતનું નિયંત્રણ કરીને જ મહત્તમ ફાયદો મેળવી શકાય છે. વ્યવસાયિક ખેતીમાં પાક સંરક્ષણનું ખૂબ મહત્વ હોવાથી વિશ્વમાં અબજો રુપિયાનું બજાર વિકસ્યું છે. વિવિધ દેશોના કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતો અનુભવ જ્ઞાનની આપ લે કરતા રહે છે. રણમાં પાણી બચાવની કૃષિ ટેકનીક અપનાવીને લીલોતરી ઉભી કરનારા ઇઝરાયેલ દેશના ખેડૂતો વોટર મેનેજ્મેન્ટમાં નામના ધરાવે છે. ભારતના ઘણા ખેડૂતો ઇઝરાયેલની ખેતી જોવા સમજવા માટે જતા હોય છે. હેકટર દીઠ ઉત્પાદન લેવામાં અમેરિકાના ખેડૂતો દાખલારુપ છે. ચીને અર્થતંત્રને મજબૂત બનાવવા પહેલા કૃષિ સેકટર પર ભાર મુકયો હતો. ભારતે હરિત ક્રાંતિ હેઠળ અન્ન સ્વાવલંબન મેળવીને લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે. ભારતીય કૃષિ ક્ષેત્ર  દેશના સકલ ઘરેલું ઉત્પાદનમાં ૧૫ થી ૧૭  ટકા ભાગીદારી ધરાવે છે. દુનિયાના કોઇ પણ ખંડ ભાગમાં આજે દુષ્કાળ પડે તો દુષ્કાળગ્રસ્તોએ ભૂખ્યા રહેવું પડતું નથી. યુએનના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા મદદ મળી રહેતી હોય છે. એગ્રો ટુરિઝમથી ઉલટું કોઇ દેશ બીજા દેશના કૃષિ પાકનો જાણી જોઇને નાશ કરવાના ઇરાદાથી બાયોલોજિકલ એજન્ટસનો ઉપયોગ કરે તો તે એગ્રો ટેરરિઝમ છે. એગ્રો ટેરરિઝમનો હેતું  કૃષિ આધારિત અર્થવ્યવસ્થા અને સામાજિક આર્થિક માળખાને ગંભીર નુકસાન પહોંચાડવાનો હોય છે. ખાસ કરીને એગ્રો ટેરરિઝમ જે દેશની અર્થ વ્યવસ્થા કૃષિ પર આધારિત હોય છે તેમને ભારે મુશ્કેલીમાં મુકે છે.  કૃષિ આતંકવાદનો ભોગ ખેતી પાકો કરતા પણ વધારે દૂધાળા પશુઓ વધારે બને છે. પશુઓમાંથી રોગકારક જીવાણુઓ સરળતાથી મેળવી શકાતા હોવાથી પશુઓનો ઉપયોગ બાયોટેરર એજન્ટ તરીકે થતો રહે છે. કૃષિ ગુના સામાન્ય રીતે વ્યકિતગત નાણાકીય લાભ અથવા તો દુશ્મનીના લીધે આચરવામાં આવે છે. હાનિકારક હુમલા માટે જૈવિક એજન્ટોનો ઉપયોગ અથવા એન્થ્રેકસ, શીતળા અથવા અન્ય રોગકારક જીવાણુઓ જેવા જૈવિક યુદ્ધના શસ્ત્રોનો ઉપયોગ કરીને આતંકવાદ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રિન્ડર પોસ્ટ એક પશુ પ્લેગ જેને આફ્રિકા, એશિયા અને યુરોપમાં વિનાશ વેર્યો હતો જે બ્લેક ડેથ જેટલો જ જોખમી હતો. તાજેતરમાં ફયૂઝેરિયમ ગ્રેમીનેરમ ફૂગ સાથે પકડાયેલા બે ચીની સંશોધકોના મામલાએ ચીન પર એગ્રો ટેરેરિઝમનું આળ ચડયું છે. ચીન પર વુહાન શહેરની બાયો લેબમાંથી કોરોના વાયરસ ફેલાવવાનો  મહા આરોપ લાગ્યો હતો. દુનિયાના અર્થતંત્રોને મરણતોલ ફટકો મારનાર કોરાના મહામારી અને લોકડાઉન દરમિયાન ચીન માટે સમગ્ર વિશ્વમાંથી નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા. ચીન પર હંમેશા વિવાદાસ્પદ પ્રયોગો, ગતકડા અને ગતિવિધીઓ માટે આંગળી ચિંધાતી રહી છે. ચીન સાથે વેપાર અને ટેરિફની લડાઇમાં એગ્રો ટેરેરિઝમ એક નવું પ્રકરણ ઉમેરાયું છે. 

Tags :