- મીડ વીક- હસમુખ ગજજર
- અમેરિકા અને સાથી દેશોના સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યારે બગરામ એરબેઝ પરથી ઉડેલા અમેરિકાના છેલ્લા વિમાનની તસ્વીર વાયરલ થઇ હતી. હવે અચાનક જ આ એરબેઝ માટે ટ્રમ્પનું મમત્વ વધી ગયું છે
અ ફઘાનિસ્તાનમાં કાબુલથી ઉત્તરમાં ૬૦ કિમી દૂર પરવાન પ્રાંતમાં બગરામ એરબેઝ આવેલું છે. બગરામ એરબેઝની ગણતરી વિશ્વના સૌથી વિશાળ અને વ્યૂહાત્મક એરબેઝમાં થાય છે. અફઘાનિસ્તાન એક લેન્ડલોકડ દેશ છે તેની અંદર આ એરબેઝ હોવાથી સ્વભાવિક રીતે માલિકી અફઘાનિસ્તાનની જ રહે છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને અફઘાનિસ્તાન પાસેથી બગરામ એરબેઝ જોઇએ છે. તાજેતરમાં ટ્રમ્પે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ધમકાવી છે કે એરબેઝ આપી દો નહીંતર જોવા જેવી જશે. ટ્રમ્પે અગાઉ બ્રિટન પ્રવાસ દરમિયાન પણ બગરામ એરબેઝ પાછું આપવા બાબતે નિવેદન આપ્યું હતું. ડૉનાલ્ડ ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં વધારે ગુસ્સાવાળા અને જીદ્દી જણાય છે, ટ્રમ્પની વધતી જતી ધમકીઓની યાદીમાં હવે અફઘાનિસ્તાનનો ઉમેરો થયો છે. તાલિબાન વિદેશ મંત્રાલયના અધિકારી જાકિર જલાલીેએ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં કહયું હતું કે અફઘાનિસ્તાન અને અમેરિકા પરસ્પરના સન્માન અને એક સરખા હિતના આધારે આર્થિક અને રાજકિય સંબંધો બનાવી શકે છે પરંતુ અફઘાનિસ્તાનમાં કોઇ પણ પ્રકારનો સૈન્ય અડ્ડો તો શું જમીનનો એક કણ પણ અમેરિકાને મળશે નહી.અફઘાનોના ઇતિહાસમાં કોઇ પણ વિદેશી સૈન્યની હાજરી સ્વીકારી નથી માટે એરબેઝની વાત કરશો નહી.
અફઘાનિસ્તાનના તાલિબાન શાસક પોતાની સરકારની માન્યતા માટે વિશ્વના દેશોને કાલાવાલા કરે છે કે પણ વર્લ્ડ પાવર અમેરિકાને એરબેઝ આપીને ખૂશ કરવા રાજી નથી. કોન્ક્રિટ અને સ્ટીલથી બનેલું વિશ્વનું સૌથી મજબૂત ગણાતું બગરામ એરબેઝ ૩૦ વર્ગ માઇલ એટલે કે ૭૭ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. અનેક કિલોમીટર લાંબી દીવાલોથી સૌથી સુરક્ષિત આ સ્થળે બહારની કોઇ પણ વ્યકિત પ્રવેશી શકતી નથી. આ એરબેઝમાં અંદાજે ૧૦ હજાર જેટલા સૈનિકો રહી શકે તેટલા બેરક અને કવાટર છે. એરબેઝના બે રનવેમાંથી એકનો રન વે ૭ કિમી કરતા પણ લાંબો છે. ૨૦૦૧માં વર્લ્ડ સેન્ટરની ઘટના પછી ૨૦૦૧ થી ૨૦૨૧ સુધી અમેરિકાની આર્મીએ અફઘાનિસ્તાનમાં ડેરા તંબુ તાણ્યા હતા. તાલિબાનો જયાં પણ માથુ ઉંચકતા ત્યાં અહીંથી સૈન્ય કાર્યવાહી કરવામાં આવતી હતી. આ એક એવો સૈન્ય અડ્ડો જેની ૩ અમેરિકી પ્રમુખોએ મુલાકાત લીધી હતી જેમાં જયોર્જ ડબ્લ્યુ બુશ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પનો સમાવેશ થાય છે. ૨૦૨૧માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી આર્મી ખસેડવાનો નિર્ણય લીધો તેની સાથે જ બગરામ એરબેઝ અમેરિકાએ જાતે જ છોડી દીધું હતું. અમેરિકાના સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યારે બગરામ એરબેઝ પરથી ઉડેલા અમેરિકાના છેલ્લા વિમાનની તસ્વીર વાયરલ થઇ હતી. હવે અચાનક જ ટ્રમ્પનું એરબેઝ માટે મમત્વ એટલું બધું વધ્યું છે કે તાલિબાન સાથે ધમકીની ભાષા વાપરવી પડી છે. બગરામ એરબેઝથી થોડે કે દૂર ચીન પોતાના પરમાણુ હથિયારો બનાવે છે આથી તેના પર ચીનનો પ્રભાવ વધે તો અમેરિકા માટે મુશ્કેલી ઉભી ના થાય માટે તાલિબાન પાસેથી એરબેઝ પાછું લઇ લેવો એ જ સારો વિકલ્પ લાગે છે. બગરામથી ચીન નજીકનું પરમાણુ સ્થળ ૨ હજાર કિમી દૂર છે જે ઉત્તર પશ્ચિમ ચીનમાં લોપ નૂર નામનું ક્ષેત્ર ગણાય છે. અમેરિકાના લોક હીડ એસઆર-૭૧ બ્લેકબર્ડ જેવા આધુનિક સૈન્ય વિમાનો આ અંતરને લગભગ ૧ કલાકમાં પુરુ કરવા સક્ષમ છે.
એક વાત એ પણ સમજવા જેવી છે કે બગરામ એરબેઝને અમેરિકાએ ચોકકસ આધુનિક બનાવ્યું છે પરંતુ તેના નિર્માણનો ઇતિહાસ જુનો અને જૂદો છે. ૧૯૫૦ના દાયકામાં વિમાન ઉતરી શકે તે માટે પ્રથમવાર બગરામમાં હવાઇપટ્ટીનું નિર્માણ શરુ કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુધ્ધ પછી સોવિયત સંઘ (રશિયા) અને અમેરિકા વચ્ચે કૉલ્ડવૉર શરુ થયું હતું. અફઘાનિસ્તાને પહેલા અમેરિકા પાસે મદદનો હાથ લંબાવ્યો હતો પરંતુ અમેરિકાએ ખાસ પ્રતિસાદ ન આપતા અફઘાનિસ્તાન સોવિયત સંઘ તરફ ઢળ્યું હતું. સોવિયત સંઘે અફઘાનિસ્તાનમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી અને વ્યૂહાત્મક દ્વષ્ટીએ મહત્વની હવાઇપટ્ટીઓનું નિર્માણકાર્ય શરુ કર્યુ હતું જેમાં બગરામનો પણ સમાવેશ થતો હતો. ૧૯૭૩માં અફઘાનિસ્તાનના રાજા ઝાહિરશાહને ઉથલાવીને તેમના કૌટુંબિક ભાઇ દાઉદખાને સત્તા સંભાળી હતી. દાઉદખાન સોવિયત સંઘના સામ્યવાદી વિચારોથી પ્રભાવિત હતા. આજ ગાળામાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન (પીડીપીએ) રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ પાર્ટીમાં પણ બે ભાગલા પડવાથી દાઉદખાને વિરોધી એવા મીર અકબર ખૈબરને જેલમાં પુરી દીધો હતો. મીર અકબરનું જેલમાં જ મુત્યુ થતા તેના સમર્થક વામપંથીઓમાં હાહાકાર મચી ગયો હતો. અફઘાનિસ્તાનમાં જે વિદ્રોહ થયો તે સાઉર ક્રાંતિ એટલે કે એપ્રિલ ક્રાંતિના નામથી જાણીતો બન્યો હતો. વિદ્વોહના પરિણામ સ્વરુપ ડાબેરી નૂર મોહમ્મદ તરાકીની સરકાર બની હતી. તરાકીની પોતાની જ પાર્ટીના હફીજુલ્લા અમીને સરકાર ઉથલાવવા પ્રયાસ શરુ કરતા પરિસ્થિતિ પાંમીને સોવિયત સંઘની મદદ માંગી હતી.સોવિયત સંઘ પોતાની વિચારધારાને અનકૂળ એવી સરકારને બચાવીને દબદબો કાયમ રાખવા માટે ૧૯૭૯માં અફઘાનિસ્તાનમાં આર્મી મોકલી હતી. આ એ જ સમયગાળો હતો જેમાં બગરામ એરબેઝને સોવિયત સંઘ આર્મીએ મિલિટરી બેઝ તરીકે વધુ વિકસાવવાની શરુઆત કરી હતી. ૧૯૭૯થી ૧૯૮૯ સુધી બગરામ સોવિયત સૈન્ય માટે એક મહત્વનો મિલિટરી અડ્ડો રહયું હતું.
અહીં ગોઠવેલા સુખોઇ-૨૫ જેવા ફાઇટર વિમાનો ઉડાણ ભરીને પહાડોની પાછળ છુપાએલા અમેરિકા પ્રેરિત ધાર્મિક સંગઠનો અને કેટલાક મુજાહિદ્દીનો પર હુમલા કરાતા હતા. અમેરિકાની મદદથી મુજાહિદ્દીન જૂથોએ સોવિયત સૈન્યનો મજબૂત પ્રતિકાર કર્યો હતો. ભારે ખૂંવારી વેઠયા પછી ૧૪ ફેબુ્રઆરી ૧૯૮૯માં સોવિયત સંઘના સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લેવાની ફરજ પડી હતી. રશિયન સૈન્યની વિદાય પછી બગરામ એરબેઝ વર્ષો સુધી ધૂળ ખાતું પડયું રહયું હતું. લાંબા વર્ગવિગ્રહ પછી ૧૯૯૬માં કટ્ટરપંથી તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળવાની શરુઆત કરી હતી. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકી હુમલામાં અફઘાનિસ્તાનના અલકાયદા સંગઠનની સંડોવણી બહાર આવતા અમેરિકા અને તેના સહયોગી દેશોએ અફઘાનિસ્તાન પર હુમલો કરીને બગરામ એરબેઝ કબ્જો કર્યો હતો.અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ સુધી આતંકવાદ સામેની લડાઇ લડી તેનું મુખ્ય સેન્ટર બગરામ એરબેઝ હતું.આ ગાળામાં જ એરબેઝનો વિસ્તાર વધારીને ૩૦ વર્ગ ચોરસ માઇલ કરવામાં આવ્યો હતો. નાના ટાઉન જેટલા વિશાળ એરબેઝ પર મેડિકલ સુવિધા, ફાસ્ટ ફૂડ અને દુકાનોના સ્ટોલ પણ હતા.
તાલિબાની નેતાઓને પકડીને એરબેઝની કોટડીઓમાં રાખવામાં આવતા હતા જેમાં સિરાજુદ્દીન હક્કાની જેવા મોટા તાલિબાની નેતાઓ પણ સામેલ હતા. બગરામ એરબેઝને તાલિબાનીઓ ગુલામીનો અડ્ડો માનતા હતા આથી સુરક્ષાની પરવા કર્યા વિના અમેરિકન સૈન્ય પર ફિદાઇન હુમલા પણ કરતા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તાલિબાન સાથે એક સમજૂતી થઇ તે હેઠળ અમેરિકા અને તેમના સહયોગીઓએ પોતાના સૈનિકો અફઘાનિસ્તાનથી પાછા બોલાવવાનું નકકી કર્યુ હતું. એક વર્ષ ચાલેલી આ કાર્યવાહી દરમિયાન અમેરિકામાં ટ્રમ્પે સત્તા ગુમાવતા તેમના સ્થાને જો બાયડેન પ્રેસિડેન્ટ બન્યા હતા.૨ જુલાઇ ૨૦૨૧ના રોજ અમેરિકી સેનાએ બગરામ એરબેઝ ખાલી કરી દીધું હતું. ૧૫ ઓગસ્ટના રોજ તાલિબાને આ જગ્યાનો કબ્જો લઇ લીધો હતો. એક માહિતી મુજબ બગરામ પર કબ્જો જાળવી રાખવા માટે કમસેકમ ૫૦૦૦ જેટલા અમેરિકી સૈનિકોને રાખવા પડે તેમ હતા. કેટલાક નિષ્ણાતો માને છે કે બગરામ એરબેઝનું આટલું વ્યૂહાત્મક મહત્વ હતું તો પછી છોડા કેમ દીધું એ પણ મોટો સવાલ છે. ચીન અને ઇરાન સાથે અમેરિકાને એ સમયે પણ અત્યંત તણાવપૂર્ણ સંબંધો હતા. ચીનથી સંભવિત ખતરો આજે છે એટલો પહેલા પણ હતો. તાલિબાન શાસનનો મહિલા, બાળકો અને નાગરિકો માટેનો માનવાધિકાર રેકોર્ડ અત્યંત ખરાબ છે આવા સંજોગોમાં અમેરિકા બગરામ એરબેઝ માટે અફઘાનિસ્તાન સાથે કેવા પ્રકારની સમજુતી કરશે એ જ એક મોટો સવાલ છે. તાલિબાન અમેરિકાનું કોઇ આર્થિક પેકેજ પણ સ્વિકારવાની સ્થિતિમાં નથી કારણ કે તાલિબાન વિરોધી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરસાન અને નોર્થન એલાયન્સ તો પહેલાથી તાલિબાનોને મુસલમાન નહી પરંતુ અમેરિકા સાથે સમજૂતી કરી શકે તેવા કાફર સમજે છે. આવી સ્થિતિમાં તાલિબાન ઇચ્છેતો પણ કોઇ પણ વિદેશી શકિતને બગરામ એરબેઝ આપવાનો નિર્ણય લઇ શકે તેમ નથી. તાલિબાન જાણે છે કે બગરામ એરબેઝ તેના નિયંત્રણમાં ના રહે તો તેની ઘોર ખોદાતા વાર લાગશે નહી. તાલિબાનો માટે બગરામ એરબેઝ અફઘાનિસ્તાનમાં અમેરિકા દ્વારા થયેલા શોષણ સામે મુકિતનું પ્રતિક છે. ચીન અને રશિયા જેવા શકિતશાળી દેશોની સક્રિયતા જોતા બગરામ એરબેઝ માટે અમેરિકા અફઘાનિસ્તાન પર હુમલો કરવાનું સાહસ કરે તેવી શકયતા પણ ઓછી જણાય છે.


