- મીડ વીક- હસમુખ ગજજર
- તાજેતરમાં ગ્રેટર નોર્થ અમેરિકા અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે ભૂમધ્ય રેખાના ઉત્તરમાં આવેલા તમામ દેશો અને ક્ષેત્રો, ગ્રીનલેન્ડથી લઇને ઇકવાડોર અને અલાસ્કાથી લઇને ગુયાના સુધીનો વિસ્તાર સાઉથ નહી પરંતુ નોર્થ ગ્લોબલનો હિસ્સો છે
અ મેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ મહાન અમેરિકા બનાવવાનું સપનું ધરાવે છે. દરેક દેશ આમ તો નેશન ફર્સ્ટમાં માનતા હોય છે પરંતુ ટ્રમ્પ અમેરિકાના રાજકિય,આર્થિક હિતો માટે યુધ્ધ, લડાઇ અને ધમકીને પણ પોતાનું અમોધ શસ્ત્ર સમજે છે. ડોનાલ્ડ ટ્મ્પે સત્તામાં આવવાની સાથે જ અન્ય દેશો પર દબાણ ઉભું કર્યુ હતું. શરુઆતમાં તો તેમના નિવેદનોને બડાઇમાં ખપાવવામાં આવ્યા પરંતુ ટેરિફના મામલે દુનિયાના ઘણા દેશોને હડધૂત કરતા હોય એવું વર્તન, કેનેડાને ૫૧ મું રાજય બનાવવા પ્રયાસ, નહેર મામલે પનામા પર પ્રેશર, વેનેઝુએલાના નડતરરુપ શાસક નિકોલસ માડૂરોને ઉપાડીને જેલમાં નાખવા, ગ્રીનલેન્ડને પચાવી પાડવાની ગર્જના, યુરોપના દેશો સાથે તોછડાઇ, ઇરાન યુધ્ધમાં કુદયા પછી હવે કયૂબાનો વારો એવું ખુલ્લેઆમ નિવેદન. આ તમામ ઘટનાક્રમોને એક બીજા સાથે જોડીએ તો આધિપત્યની ગંધ આવે છે. ટ્રમ્પના ગ્રેટ અમેરિકાને અન્ય દેશોના સાર્વભૌમત્વ પર અતિક્રમણ તરીકે જોવામાં આવી રહયું છે.
૫ માર્ચના રોજ ફલોરિડા સ્થિત અમેરિકાની દક્ષિણ કમાનમાં આયોજિત અમેરિકા કાઉન્ટર કાર્ટેલ સંમેલનમાં ડ્રગ્સના કારોબારને રોકવા માટે કેરેબિયન, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ૧૭ દેશોના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો. આ કાર્ટેલ સંમેલનમાં શાંતિ, સંપ્રભુતા અને સ્થિરતા પર એક સંયુકત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. અમેરિકાના સેક્રેટરી ઓફ ડિફેન્સ પીટ હેગસેથે ગ્રીનલેન્ડથી અમેરિકાની ખાડી સુધીના એક રણનીતિક ગ્રેટર નોર્થ અમેરિકા નકશો તૈયાર કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. આ નકશામાં ટ્રમ્પના આદેશથી મેકિસકોની ખાડીનું નામ બદલીને 'ગલ્ફ ઓફ અમેરિકા' કરવામાં આવ્યું હતું. અગાઉ ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ટ્રમ્પે સંઘીય એજન્સીઓને મેકિસકોની ખાડીનું નામ બદલવાનો આદેશ આપ્યો હતો. આ પરિવર્તનને આંતરિક વિભાગ દ્વારા કાયદેસર માન્યતા આપી હોવાનું પણ હાઇટ હાઉસે જાહેર કર્યુ હતું. હેગસેથે ગ્રેટર નોર્થ અમેરિકા શબ્દ પ્રયોગને સરહદ પરિવર્તન નહી પરંતુ કાર્ટેલ વિરોધી પહેલને વ્યાપક વિસ્તારવા માટે હોવાની સ્પષ્ટતા કરી હતી. જો કે તેમ છતાં આમાં અમેરિકા પોતાના નેજા હેઠળની સહિયારી સુરક્ષાનો વ્યાપ અને નિયંત્રણ વધારવા ઇચ્છે છે એવો સંકેત જરુર મળતો હતો. અમેરિકા પોતાની ગ્રેટર નોર્થ અમેરિકા નીતિ હેઠળ ઉત્તરી ગોળાર્ધ અને પોતાના સૈન્ય સ્થળોની ઉપસ્થિતિ વધારવા પર ભાર મુકે છે. આમ તો અમેરિકા પહેલાથી જ સમગ્ર ક્ષેત્રમાં પોતાને મહાન લિડર સમજે છે પરંતુ ટ્રમ્પ જરાં વધારે ઉતાવળા જણાયા છે. ૭ માર્ચના રોજ ડોરલ મિયામી રિસોર્ટ ખાતે 'શીલ્ડ ઓફ ધ અમેરિકા' શિખર સંમેલન યોજાયું હતું જેમાં યુનાઇટેડ સ્ટેટ, મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ૧૧ દેશો તેમજ કેરેબિયન દેશોએ ભાગ લીધો હતો. આ દેશોમાં આર્જેન્ટિના, બોલિવિયા, કોસ્ટા રિકા, અલ સાલ્વાડોર, ગુયાના, હોન્ડુરાસ, પનામા, પારાગ્વે અને ત્રિનિદાદ તથા ટોબેગોનો સમાવેશ થતો હતો. આ શિખર સંમેલનમાં ટ્રમ્પના નેતૃત્વ હેઠળ શીલ્ડ ઓફ અમેરિકાઝ નામના એક બહુરાષ્ટ્રીય સૈન્ય ગઠબંધનની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનનો હેતું આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો ખાસ કરીને અમેરિકાખંડમાં કાર્યરત ડ્ગ કાર્ટેલને અટકાવવા માટે લશ્કરી અને સુરક્ષાના અન્ય માર્ગેો અપનાવવા સહિયારા પ્રયાસ કરવાનો છે. શીલ્ડ ઓફ અમેરિકાઝને અમેરિકાઝ કાઉન્ટર કાર્ટેલ ગઠબંધન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે આમાં બ્રાઝિલ, મેકસિકો, વેનેઝુએલા અને કોલંબિયાએ ભાગ લીધો ન હતો.ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા પછી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મિલે, ઇકવાડોરના ડેનિયલ નોબોઆ અને સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે તેમની નજીક આવ્યા હતા. ઘણાનું માનવું છેેે કે આ જોડાણ અમેરિકાની વિદેશનીતિમાં મુનરો સિધ્ધાંતની ફરી સ્થાપના માટે પણ હોઇ શકે છે. આમ પણ અમેરિકામાં જે સરકારો યુનાઇટેડ સ્ટેટસ સાથે જોડાણ કરતી નથી તેમને માથે લટકતી તલવાર જેવું જોખમ હોય છે. જે સરકારો જોડાણ ધરાવે છે તે યુએસ માટે ખાસ બની જાય છે.ટ્રમ્પની નીતિ જે નજીક નથી આવતા તે દેશોને સમજાવવાના સ્થાને ધમકાવવાની રહી છે.
૨૯ માર્ચના રોજ ડોરાલમાં યુએસના સાઉથ કમાન્ડ હેડ કવાટરમાં છડેચોક કહેવામાં આવ્યું કે ટ્રમ્પ પ્રશાસનનો વ્યુહાત્મક સુરક્ષા ઘેરાવો ગ્રીનલેન્ડથી લઇને અમેરિકાની ખાડી અને પનામા નહેરથી લઇને સુધી ફેલાયેલો છે જે સમગ્ર ઉત્તર ગોળાર્ધ છે. પીટ હેગસેથે નવી ગ્રેટર નોર્થ અમેરિકાની રણનીતિ પરનું આવરણ હટાવીને તાજેતરમાં ખૂલાસો કર્યો કે ભૂમધ્ય રેખાના ઉત્તરમાં આવેલા તમામ સંપ્રભુ રાષ્ટ્રો અને ક્ષેત્રો ગ્રીનલેન્ડથી લઇને ઇકવાડોર અને અલાસ્કાથી લઇને ગુયાના સુધીનો વિસ્તાર ગ્લોબલ સાઉથ નહી પરંતુ રણનીતિક ક્ષેત્રના ભાગ તરીકે જોવો જોઇએ. આ મહાન પાડોશી (યુએસ)માં એક એવો સુરક્ષા ઘેરાવો જેમાં રહેનારા બધા જ આવી જાય છે. હેગસેથે ભૂગોળને ધ્યાનમાં રાખીને ઉત્તરી તથા દક્ષિણી વ્યુહાત્મક જવાબદારીની વચ્ચે એમેઝોન વર્ષાવન અને એન્ડિઝ પર્વતમાળાને એવી પ્રાકૃતિક વિભાજન રેખા ગણાવી હતી જેની ઉત્તરમાં આવેલા દેશોની સરહદો ઉત્તરી એટલાન્ટિક અથવા તો ઉત્તરી પ્રશાંત મહાસાગર સાથે અડે છે જે પણ સંયુકત સુરક્ષા માળખા અંર્તગત આવે છે. આ એંગલથી વિચારીએ તો યુએસએ પોતાના ક્ષેત્રીય સહયોગીઓ સાથે સમન્વય સાધીને ઉત્તરી ગોળાર્ધમાં પોતાની સૈન્ય પોઝિશનનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહયું છે. યુએસ દક્ષિણ એટલાન્ટિક અને દક્ષિણ પ્રશાંતની સુરક્ષા માટે મહ્ત્વપૂર્ણ બુનિયાદી માળખા અને સંસાધનોની સુરક્ષા માટે પોતાની મોટી ભૂમિકા જોઇ રહયું છે. જીઓ પોલિટિકસના પરિવર્તનને ટ્રમ્પની ગ્રેટર નોર્થ અમેરિકા રણનીતિ ગણવામાં આવે છે. ટ્મ્પ સરકારે આ રણનીતિને બીજા વિશ્વયુધ્ધમાં કવાર્ટર સ્ફીયર ડિફેન્સ જેની ગણાવી છે જેને વર્ષો પછી ફરી જીવંત કરવા માંગે છે. ભૂમધ્ય રેખાની ઉત્તરમાં આવેલા સંપ્રભુ દેશ અને ક્ષેત્ર ગ્રીનલેન્ડથી ઇકવાડોર અને અલાસ્કાથી ગુયાના સુધી જે ગ્લોબલ સાઉથનો નહી ગણાવાનું કારણ પશ્ચિમી ગોળાર્ધમાં ચીન અને રશિયાના વધતા જતા પ્રભાવને રોકવાનો અને કાર્ટેલ હિંસાનો સામનો કરીને અમેરિકાના પ્રભાવને વધારવાનો છે.
વિશ્વની રાજનીતિક અર્થ વ્યવસ્થામાં ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ એમ બે ભાગ પડે છે. ગ્લોબલ સાઉથમાં વિકાસશીલ અને અર્ધ વિકસિત દેશોનો સમાવેશ થાય છે. ગ્લોબલ સાઉથ શબ્દ ૧૯૬૯માં રાજકીય કાર્યકર્તા કાર્લ ઓગ્લેસબીએ આપ્યો હતો. ખાસ કરીને વર્ષ ૧૯૯૧માં સોવિયત સંઘના વિઘટન પછી ગ્લોબલ સાઉથનો વારંવાર ઉપયોગ થાય છે. આ બીજી દુનિયા કે સેકેન્ડ વર્લ્ડના અંતનું પ્રતિક હતી. પૂર્વમાં વિકાસશીલ દેશોને સામાન્ય રીતે ત્રીજી દુનિયા કહેવામાં આવે છે. જો કે ગરીબી,અસ્થિરતા અને અસમાનતાને ઉદેશીને પશ્ચિમી મીડિયા દ્વારા ત્રીજા વિશ્વનો નકારાત્મક રીતે ઉલ્લેખ થાય છે. આને ત્રીજી દુનિયા કરતા ગ્લોબલ સાઉથ કહેવામાં યોગ્ય અને તટસ્થ મૂલ્યાંકન ભાવ રહેલો છે. ગ્લોબલ સાઉથને ભૂ રાજનીતિક રણનીતિ તરીકે રજૂ કરવામાં ભારતની મહત્વની ભૂમિકા રહી છે. એક અનુમાન છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વની ચાર મોટી અર્થ વ્યવસ્થામાંથી ત્રણ ગ્લોબલ સાઉથમાં હશે જેમાં ચીન અને ભારત અગ્રણી ગણાતા હશે. ગ્લોબલ સાઉથમાં ચીન, સાઉદી અરબ, ભારત જેવા દેશોના રાજનેતાઓ આંતરરાષ્ટ્ીય ફલક પર પોતાની પ્રભાવશાળી ભૂમિકા નિભાવી રહયા છે. બ્રિકસ દેશોમાં બ્રાઝિલ, રશિયા,ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સંયુકત જીડીપી વિકસિત ગણાતા જી-૭ દેશો કરતા વધારે છે. ગ્લોબલ સાઉથમાં આમ તો ગુયાના સહિતના દેશોનો સમાવેશ થાય છે પરંતુ ટ્રમ્પ પ્રશાસનના પોતાના નવા ગ્રેટર નોર્થ અમેરિકા ઝોનનો ભાગ ગણાવા લાગ્યું છે. ગુયાના, કયૂબા અને વેનેઝુએલા જેવા દેશો ગ્લોબલ સાઉથનો ભાગ નહી ગણતા ગ્રેટર નોર્થ અમેરિકા હેઠળનું સહિયારુ રણનીતિક ક્ષેત્ર માને છે. આમ સત્તાવાદી અમેરિકા દુનિયાના નકશામાં ફેરફાર કરવા માંગે છે. પ્રભાવ પાથરવો અને દબાણ પ્રયુકિત કરવી એમાં ઘણો ફરક હોય છે. કોઇ પણ દેશની આંતરિક સ્થિતિ ગમે તેટલી વિકટ હોય એ તેનો પ્રશ્ન છે. શાસન વ્યવસ્થા કે શાસક સારા ન હોયતો બદલવાએ જે તે દેશના લોકોનું કામ છે. તેના માટે આંતરિક બાબતોમાં માથુ મારવુ, સરકારો બદલવી,નેતાઓને ધમકાવવા કે પકડી લેવાએ દાદાગીરી છે. ગ્રેટ નોર્થ અમેરિકામાં વેનેઝુએલા તેનો સૌથી મોટો દાખલો છે તે ભૂલવા જેવું નથી.


