Get The App

પીઓકે, ગિલગિટ અને બાલ્ટિસ્તાન : પાકિસ્તાનના કાળા કરતૂતોનો ઇતિહાસ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
પીઓકે, ગિલગિટ અને બાલ્ટિસ્તાન : પાકિસ્તાનના કાળા કરતૂતોનો ઇતિહાસ 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- ભારત પાસે લડાખ સહિત કાશ્મીરનો 101387 વર્ગ કિમી વિસ્તાર છે. પાકિસ્તાન પાસે પીઓકે સહિત 85793 વર્ગ કિમી જયારે ચીન પાસે 38000 (અકસાઇ ચીન સહિત) વર્ગ કિમી છે. એ રીતે જોઇએ તો અડધું કાશ્મીર ચીન અને પાકિસ્તાનના કબ્જામાં છે જે ભારતે છોડાવવાનું બાકી છે.

પ હલગામ આતંકી હુમલા પછી સરહદ પારના આતંકવાદ મુદ્વે ફરી પીઓકેે (પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર) ચર્ચામાં આવ્યું છે. આમ પણ પાકિસ્તાનને પાઠ ભણાવવા ગિલગિટ,બાલ્ટિસ્તાન સહિતના પીઓકે પર  સૈન્ય કાર્યવાહીની માંગ સમયાંતરે ઉઠતી રહી છે. પીઓકેમાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓના થાણા હોવાથી ભારતને સરહદ પર કાયમ રંજાળ રહે છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં ભારત પાકિસ્તાન બંને એક સાથે આઝાદ થયા પરંતુ પાકિસ્તાને વિકાસના સ્થાને વિનાશનો માર્ગ પસંદ કર્યો હતો. ૧૯૪૮માં પાકિસ્તાન સૈન્યએ કબાઇલીઓના વેશમાં કાશ્મીર પર આક્રમણ કર્યુ હતું. એ સમયે કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સંઘ સાથે જોડાણના હસ્તાક્ષર કરતા ભારતના સૈન્યએ પાકિસ્તાની આક્રમણખોરોને ખદેડવા માંડયા હતા. એ જ સમયે યુ એન દ્વારા યુધ્ધવિરામનો આદેશ થતા કાશ્મીરમાં જે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવી તે નિયંત્રણ રેખા કે એલઓસી (લાઇન ઓફ એક્ચ્યુઅલી કંટ્રોલ) કહે છે. એલઓસીની પેલે પારનો વિસ્તાર યુધ્ધવિરામના પગલે હુમલાખોરો પાસે રહી ગયેલો છે જેને પીઓકે (પાકિસ્તાન ઓક્યૂપાય કાશ્મીર) કહે છે. ભારત સ્વતંત્ર થયું ત્યારે જમ્મુ કાશ્મીર ઉપરાંત લડાખ, ગિલગિટ અને બાલ્ટિસ્તાન પણ હરિસિંહના શાસનનો જ ભાગ હતા. ૧૯૩૫માં ગિલગિટ એક બ્રિટિશ એજન્સીને ૬૦ વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવ્યું હતું પરંતુ ૧ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આ કરાર રદ કરીને અંગ્રેજોએ સમગ્ર વિસ્તાર હરિસિંહને પાછો આપ્યો હતો. ૩૧ ઓકટોબરના રોજ હરિસિંહે કાશ્મીરનું ભારતમાં વિલિનિકરણ કર્યુ ત્યારે ગિલગિટ અને બાલ્ટિસ્તાન પણ આપોઆપ ભારતનો ભાગ બન્યા હતા. આ ગિલગિટ-બાલ્ટિસ્તાન હરિસિંહને પાછા મળતા ત્યાંના સ્થાનિક કમાંડર મિર્જા હસનખાનના પેટમાં તેલ રેડાયું હતું તેણે બળવો કરીને ૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ ગિલગિટ - બાલ્ટિસ્તાનની આઝાદીનું એકતરફી એલાન કર્યુ હતું. આ મોકાનો લાભ જોઇને જ પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર હુમલો કરી પચાવી લીધું હતું. જો કે એ પહેલા કાશ્મીરના રાજા હરિસિંહે સમગ્ર કાશ્મીરના ભારત સાથેના જોડાણ અંગેના દસ્તાવેજ પર સહી કરી હતી. પાકિસ્તાનનું આ પગલું ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને હરગિજ મંજુર ન હતું. ૨૮ એપ્રિલ ૧૯૪૯ના રોજ ગિલિગટની સ્થાનિક સરકારને પાકિસ્તાનની સંઘિય સરકાર સાથે જોડવામાં આવતા ભારે વિરોધ થયો હતો.

એલઓસીની પેલે પારના  પીઓકે (પાકિસ્તાન ઓકયૂપાય કાશ્મીર) કાશ્મીરનો વિસ્તાર ૧૩૨૯૭ ચોરસ કિમીનો છે. ગિલગિટ બાલ્ટિસ્તાનનો વિસ્તાર ૭૨૪૯૬ ચોરસ કિમી અલગથી છે. પીઓકે અને ગિલગિટ -બાલ્ટિસ્તાન મળીને ૮૫૭૯૩ ચો કિમી વિસ્તાર છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને બે ભાગમાં વહેંચી શકાય છે. એક મીરપુર મુઝફફરાબાદવાળો ભાગ જે જમ્મુ કાશ્મીરના નીચેના ભાગ સાથે જોડાયેલો છે જયારે બીજો ગિલગિટ બાલ્ટિસ્તાનવાળો ભાગ જે કાશ્મીરના ઉપરના ભાગ લડ્ડાખ સાથે જોડાયેલો છે. મીરપુર મુઝફરાબાદવાળા પીઓકે ક્ષેત્રને પાકિસ્તાને વિશેષ દરજજો આપ્યો છે. જેમાં કુલ ૮ જિલ્લા મીરપૂર ભીમબર, કોટલી, મુઝફરાબાદ, બાગ,નીલમ, સૂધાનોટી અને રાવલકોટ ઉપરાંત ૧૯ તાલુકા અને ૧૮૨ સંઘિય પરિષદોનો સમાવેશ થાય છે. મીરપુર મુઝફફરાબાદ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનવાળા બંને ભાગમાં વસ્તીની વિસંગતતા જોવા મળે છે. મુઝફફરાબાદ ક્ષેત્રમાં ૩૫ થી ૩૬ લાખ લોકો વસવાટ કરે છે જયારે ૭૨૦૦૦ હજાર વર્ગ કિમીથી વધુ વિસ્તાર સુધી ફેલાયેલા ગિલગિટ અને બાલ્ટિસ્તાનનાં માત્ર ૧૪ થી ૧૫ લાખ લોકો રહે છે. ગિલગિટ- બાલ્ટિસ્તાનની નજીક અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન અને ભારત એમ ૪ દેશોની સરહદ  અડે છે. ચીનના શીનજિયાંગ પ્રાંતથી ગ્વાદર પોર્ટ સુધીનો ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) ગિલગિટમાંથી પસાર થાય છે. જો કે ચીન પાકિસ્તાન વચ્ચેના સીપીઇસીને ભારત ગેર કાયદેસર ગણે છે. કુલ ૧૪ જિલ્લાઓમાં વહેંચાયેલા ગિલગિટ બાલ્ટિસ્તાનનું વ્યૂહાત્મક અને સામરિક દ્વષ્ટીએ ખૂબ મહત્વ હોવાથી આ ક્ષેત્રની હિલચાલ પર ભારત ચાંપતી નજર રાખે છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન જમ્મુ કાશ્મીરનો જ એક ભાગ હોવા છતાં પાકિસ્તાને તેની અલગ ઓળખ આપી છે. ટેકનીકલી રીતે આ વિસ્તાર પાકિસ્તાનનો નથી છતાં બંને વિસ્તારમાં પાક સરકાર અને આર્મીનું શાસન ચાલે છે. આમ જોવા જઇએ તો યુ એનના ૧૯૪૮-૪૯ના નિયમ મુજબ તો ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી લશ્કર જ હટાવી લેવાનું હતું તેના સ્થાને પાકિસ્તાને આ વિસ્તારની ડેમોગ્રાફી  જ બદલી નાખી છે. બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને તો બ્રિટિશ પાર્લામેન્ટમાં એક પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતંર કે ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાન ગેર કાયદેસર કબ્જો ધરાવે છે.

ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સ્થાનિક લોકોની જમીન પર સરકાર બળજબરીથી કબ્જો કરી રહી છે. મુઝફરાબાદવાળા કાશ્મીરમાં સુન્ની જયારે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં શિયા મુસ્લિમ વધારે છે.ખાસ કરીને ઉદારમતવાદી અને શિયા સૂફીઓને કનડવામાં આવે છે. ગિલગિટ વિસ્તારના સૌથી મોટા શહેર ગિલગિટમાં ૨.૫૦ લાખ લોકો રહે છે. સિંધુ નદી લડાખમાંથી નિકળીને ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં થઇને વહે છે જે પાકિસ્તાનમાં ખેતી અને પીવાના પાણીનો ખૂબ મોટો સોર્સ છે.ગિલગિટની ઉત્તરમાં ચીન અને અફઘાનિસ્તાન, પાકિસ્તાનનો ખૈબર પખ્તતૂનવા પ્રાંત અને પૂર્વમાં ભારતનું કાશ્મીર છે.

ભૌગોલિક વ્યૂહની રીતે ભારત, ચીન અને પાકિસ્તાન આ ત્રણેય માટે મહત્વનો હોવાથી આ વિસ્તાર સમરાંગણ બન્યો છે. ભારત દ્વારા ૧૯૯૪માં એક પ્રસ્તાવ પારિત કરીને સમગ્ર પીઓકે વિસ્તાર ભારતનો જ એક ભાગ હોવાથી પાકિસ્તાનને ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. પીઓકેમાં  જેહાદીઓને તાલીમ આપીને ભારતમાં ઘૂસાડવાના કરતૂતોથી પાકિસ્તાનનો આખો  ઇતિહાસ ખરડાયેલો છે. ૧૯૯૯માં મુજાહિદ્દીનોને આગળ ધરીને કારગિલમાં પાકિસ્તાન આર્મીએ ઘૂસણખોરી કરી હતી.  

પીઓકેના રાષ્ટ્રપતિ,વડાપ્રધાન અને ન્યાય વ્યવસ્થા પાકિસ્તાનની કથપુતળી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર એમની સાથે ખૂબ ભેદભાવ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ધોરણોનું છડેચોક ઉલંઘન થઇ રહયું છે. ૨૦૨૩માં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડવાની સાથે જ પીઓકેમાં પણ ઉથલ પાથલ મચી ગઇ હતી. દાળ-રોટી અને વીજળી પાણી જેવી પાયાની સુવિધા માટે લોકોએ પ્રદર્શન કર્યા હતા. વિવિધ મીડિયા અને અહેવાલો અનુસાર ૬૦ લાખની વસ્તી ધરાવતા પીઓકેમાં રહેતા બાળકો માટે સ્કૂલ નથી,યુવાનો માટે કોલેજ નથી અને સારવાર માટે સારી હોસ્પિટલ નથી. પીઓકેના કેટલાક એકટિવિસ્ટો પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાન એમ બંને વિસ્તારોની સરખામણી જેલ સાથે કરતા રહે છે. ૨૦૧૮માં અખંડ જમ્મુ કાશ્મીરનો ભાગ ગણાતા ગિલગિટ- બાલ્ટિસ્તાનને પાકિસ્તાને પોતાનો પાંચમો પ્રદેશ જાહેર કરીને ચીનને ખૂશ કર્યુ હતું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની વાત નિકળે ત્યારે મુઝફરાબાદ અને રાવલકોટ જ નહી ગિલગિટ- બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ગુલામ કાશ્મીરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વિસ્તાર ૮૫ ટકા જેટલો છે. પાકિસ્તાન પાસે ગુલામ રહી ગયેલા કાશ્મીરના ત્રણ ભાગ પડે છે.  એક જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર સમજે છે તે મુઝફરાબાદ,રાવલકોટ વિસ્તાર, બીજો ગિલગિટ-બાલ્ટિસ્તાન અને ત્રીજો પાકિસ્તાને ચીનને ભેટમાં આપેલો છે તે ૧૯૦૦ ચોરસ કિમી વિસ્તાર છે. ૧૯૬૩માં પોતાને ભેટમાં મળેલા ૧૯૦૦ ચોરસ કિમી કાશ્મીર ભૂમિમાં ચીને આંતરમાળખાકિય સુવિધાઓ ઉભી કરી છે. આજે ભારત પાસે કાશ્મીરનો ૧૦૧૩૮૭ ચોરસ કિમી વિસ્તાર છે.

પાકિસ્તાન પાસે ૮૫૭૯૩ ચોરસ કિમી જયારે ચીન પાસે અંદાજે ૩૮૦૦૦ (અકસાઇ ચીન સહિત) વર્ગ કિમી વિસ્તાર છે. એ રીતે જોઇએ તો અડધું કાશ્મીર ચીન અને પાકિસ્તાનના કબ્જામાં છે જે ભારતે છોડાવવાનું બાકી છે. ચીનને આપેલા ભૂભાગ, ગિલગિટ -બાલ્ટિસ્તાન અને ભારત શાસિત વર્તમાન કાશ્મીરની વચ્ચે આવેલા એક વિસ્તારનું નામ સિયાચેન છે જેના પર ભારતનો કબ્જો છે જે પણ કાશ્મીરનો જ ભાગ છે. પાકિસ્તાન બરાબર જાણે છે કે કાશ્મીર કયારેય એને મળવાનું નથી છતાં લોકોને ભારત વિરોધી ઝેરના નશામાં જીવાડે છે. આતંકવાદની ફેકટરીઓ ચલાવે છે. કાશ્મીરની જીદ્ છોડીને પાકિસ્તાને વિકાસની રાહ પકડી હોતતો પ્રજા આજે ગરીબી અને ભૂખમરાથી બહાર આવી ગઇ હોત પરંતુ સુધરે એ પાકિસ્તાન નહી. દુનિયા આખી બદલાઇ પરંતુ ભારતદ્વેષમાંથી જન્મેલું પાકિસ્તાન બદલાયું નથી. આ અક્કડ પાડોશીની શાન ઠેકાણે લાવવાનો સમય પાકી ગયો છે.

Tags :