Get The App

બાંગ્લાદેશમાં ચાર દાયકાથી નિરંતર ચાલતા 'બેટલ ઓફ બેગમ્સ' નો અંત

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં ચાર દાયકાથી નિરંતર ચાલતા 'બેટલ ઓફ બેગમ્સ' નો અંત 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- શેખ હસીના માટે હવે ગુમાવેલું રાજકીય ગ્રાઉન્ડ મેળવવું મુશ્કેલ જણાય છે. ત્યારે તેમના કટ્ટર રાજકીય વિરોધી ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષે લાંબી માંદગી બાદ અવસાન થતા બાંગ્લાદેશનું  રાજકારણ બેગમો  વિહોણું બન્યું છે

અ મેરિકાના ૨૫૦ વર્ષના ઇતિહાસમાં કયારેય કોઇ મહિલા રાષ્ટ્રપતિ બની નથી પરંતુ મહિલા અધિકારો અને  મહિલા સશકિતકરણમાં પછાત રહી ગયેલા અનેક એશિયન દેશોમાં મહિલાઓએ ટોચનું પદ સંભાળેલું છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ  ફિલિપાઇન્સ, પાકિસ્તાન, તુર્કી અને ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં મહિલા સર્વોચ્ચ પદ રહેલી  છે. એમાં  સૌથી વધુ ચર્ચા બાંગ્લાદેશની બે બેગમો ખાલિદા ઝિયા અને શેખ હસીનાની થાય છે. આ બે બેગમો સતત ચાર દાયકા સુધી બાંગ્લાદેશની રાજનીતિના કેન્દ્રમાં રહી હતી. બંને વચ્ચે સત્તા કરતા પરિવારની વિરાસત અને બદલો લેવાની ભાવના ગજબ હતી. ફિલ્મી પટકથા જેવી કહાનીમાં જેલ, બેલ અને સિંહાસન જેવા અનેક દ્વષ્યો લોકોએ જોયા છે. બંને બેગમોએ લાંબા સમય સુધી વ્યકિતગત બદલાની ભાવનાથી પ્રેરિત રાજનીતિ અપનાવી તેના માઠા પરિણામો બાંગ્લાદેશની લોકશાહી ભોગવી રહી છે. રાજકીય ધુ્રવીકરણ, સંસદનો બહિષ્કાર, દેશવ્યાપી હડતાલો, હિંસા અને રાજકીય સંસાધનો અને સંસ્થાઓનો ઉપયોગ થવાથી લોકતાંત્રિક ઢાંચો કમજોર જોવા મળે છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશમાં  સરકારની આરક્ષણ નીતિઓ સામે થયેલા વિરોધ પ્રદર્શનના પગલે શેખ હસીનાએ પીએમ પદ પરથી ઉતરી જવું પડયું હતું.  બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારના સંચાલક મહમદ યુનુસની નીતિઓ અને વલણ ભારતમાં રાજયાશ્રય લઇ રહેલા શેખ હસીના માટે મુશ્કેલીભર્યુ છે. હસીના પર જુલાઇ-ઓગસ્ટ-૨૦૨૪માં થયેલા વિદ્વોહ દરમિયાન માનવતા વિરોધી અપરાધને લગતા જુદા જુદા કેસ ચાલી રહયા છે જેમાં કેટલાક કેસમાં આજીવન કારાવાસથી માંડીને ફાંસીની સજા આપવામાં આવી છે. બાંગ્લાદેશની એક લોબી ભારત પર હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી રહી છે. બાંગ્લાદેશમાં આગામી ફેબુ્રઆરીમાં યોજાનારી ચુંટણીમાંથી હસીનાના રાજકીય પક્ષ બાંગ્લાદેશ અવામી લીગની હકાલપટ્ટી કરવામાં આવી છે. ભારતમાં રહેતા શેખ હસીના માટે હવે ગુમાવેલું ગ્રાઉન્ડ મેળવવું અત્યંત મુશ્કેલ જણાય છે. બીજી બાજુ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ શેખ હસીનાના કટ્ટર રાજકીય વિરોધી ખાલીદા ઝિયાનું  લાંબી માંદગી પછી  ૮૦ વર્ષે અવસાન થતા બાંગ્લાદેશના રાજકારણમાં બે બેગમોની વર્ષો જુની લડાઇ સમાપ્ત થઇ છે. બાંગ્લાદેશનું રાજકારણ હવે બે બેગમોની હાજરી વગરનું બન્યું છે પરંતુ ઇતિહાસમાં 'બેટલ ઓફ બેગમ્સ'ને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. 

શેખ હસીના અને ખાલિદા ઝિયા આ બંને બેગમો ગ્રાઉન્ડ જીરોથી સંઘર્ષ કરીને જીવનના અત્યંત કરુણ અંગત અનુભવમાંથી પસાર થઇને રાજનીતિની શતરંજમાં ઉતરી હતી.  દુનિયાના નકશા પર સ્વતંત્ર બાંગ્લાદેશના ઉદય પછી શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વ હેઠળ અવામી લીગે પ્રથમવાર સત્તાની કમાન સંભાળી હતી. ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ સૈન્ય તખ્તાપલટની  ઘટનામાં બાંગ્લા 

દેશના  સ્થાપક, બંગબંધુ મુજીબુર રહેમાન, માતા, ત્રણભાઇઓ અને બે ભાભીઓ સહિત કુલ ૩૬ લોકોની ઢાકા સ્થિત નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી. મુજીબુરની પુત્રી શેખ હસીના  વિદેશ હોવાથી નરસંહારમાંથી બચી ગઇ હતી.આ ઘટના પછી હસીના કેટલોક સમય ભારતમાં રહી હતી. પરિવાર ગુમાવ્યાના દર્દને લઇને છેવટે રાજકારણમાં ઉતરીને અવામી લીગની કમાન સંભાળી હતી. મુજીબુરની હત્યા પછી બાંગ્લાદેશમાં અરાજકતાના દોર વચ્ચે  મુકિત સંગ્રામમાં ભાગ લેનારા સૈન્ય શાસક ઝિયાઉર રહેમાને ૧૯૭૭માં સત્તા સંભાળી હતી. ઝિયાઉરે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ની સ્થાપના કરી હતી. ૧૯૮૧માં વધુ એક સૈન્ય તખ્તાપલટમાં ઝિયા ઉર રહેમાનની હત્યા થતા પત્ની બેગમ ખાલિદા ઝિયાને રાજકારણ સાથે લેવા દેવા ન હોવા છતાં રાજકીય અખાડામાં ઉતરીને બીએનપી પક્ષનું નેતૃત્વ હાથમાં લીધું હતું. આવી રીતે બાંગ્લાદેશની સ્થાપનાના થોડાક વર્ષોમાં જ  શેખ હસીના અને બેગમ ખાલિદા ઝિયા એમ બે મહિલાઓ વારસામાં મળેલા પોતાના રાજકીય પક્ષનું નેતૃત્વ સંભાળવા આગળ આવી હતી. એ સમયે બંને બેગમો એક બીજાની રાજકીય વિરોધી નહી પરંતુ લોકતંત્રની સ્થાપના માટે ખભેખભા મિલાવીને લડતી હતી. બે મહિલાઓએ સૈન્યની તાનાશાહી સામે લોકશાહીની સ્થાપનાનો એક બુલંદ અવાજ હોય તેવો માહોલ ઉભો થયો હતો. ૧૯૮૦ના દશકમાં બંને મહિલાઓએ સૈન્ય શાસક હુસૈન મોહમ્મદ ઇરશાદ વિરુધ આંદોલન ચલાવ્યું હતું. આખા દેશની જનભાવના બેગમોની લાગણીઓ અને માંગણીઓ સાથે જોડાઇ હતી. બાંગ્લાદેશની સૈન્ય  સરકારને ઘૂંટણીયે પાડવા માટે સ્ટુડન્ટસ આંદોલનો ગતિશીલ બન્યા. બેગમોના એક ઇશારે  દેશ ઠપ્પ થઇ જતો હતો છેવટે ૬ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ સૈન્ય તાનાશાહ ઇરશાદે સત્તા છોડવાની ફરજ પડી હતી. એ સમયે એક મંચ પર રહેતી બે મહિલાઓ આગળ જઇને બાંગ્લાદેશના રાજકારણને બે શકિત કેન્દ્રોમાં વહેંચી દેશે એવી તો કોઇએ કલ્પના પણ કરી ન હતી. ધીમે ધીમે બંને વચ્ચે સત્તાની હોડ શરુ થઇ જે આગળ જતા દુશ્મનીમાં ફેરવાઇ ગઇ હતી. ૧૯૯૧માં બાંગ્લાદેશમાં પ્રથમવાર દેશ વ્યાપી ચુંટણીઓ યોજાઇ જેમાં બીએનપી પક્ષે ફતેહ મેળવતા ખાલિદા ઝિયા બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બની હતી. હસીનાએ અવામી લીગના ચેરપર્સન તરીકે વિરોધ પક્ષની ભૂમિકા મેળવી હતી. ૧૯૯૬માં બાંગ્લાદેશમાં ફરી ચુંટણી યોજાઇ જેમાં ખાલિદા ઝિયાનો પરાજય થયો હતો. ખાલિદા ઝિયામાં ભારત વિરોધી વલણ જોવા મળતું હતું. મુજીબુર રહેમાનની પુત્રી શેખ હસીના   એ (૧૯૯૬ થી ૨૦૦૧) સુધી  પ્રથમવાર સત્તા સંભાળી હતી. ૨૦૦૧માં યોજાયેલી ચુંટણીમાં લોકોએ ખાલિદા ઝિયાને ફરી વિજયમાળા પહેરાવી હતી. બાંગ્લાદેશમાં સત્તાનો હાથ બદલો થવાની સાથે બે  બેગમો વચ્ચેની  રાજકીય દુશ્મનાવટ વધતી રહી હતી.  ૨૦૦૪માં બેગમ શેખ હસીનાની એક રેલીમાં ગ્રેનેડ એેટેક થયો હતો. 

આ હુમલામાં બેગમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું મુખ્ય આરોપી તરીકે નામ આવ્યું હતું. ઓકટોબર ૨૦૦૬માં ખાલિદા ઝિયાનો શાસનકાળ પુરો થતા ચુંટણી વિવાદના પગલે જાન્યુઆરી ૨૦૦૭માં કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફકરુદ્દીન અહેમદના નેતૃત્વમાં સૈન્ય સમર્થિત અંતરિમ સરકાર બની હતી. ફકરુદ્દીન અહેમદની સરકારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું જેમાં સેંકડો રાજનેતાઓ,વેપારીઓ અને અધિકારીઓની ધરપકડ કરી હતી જેને 'માઇનસ ટુ 'ફોર્મ્યુલા કહેવામાં આવતી હતી. આ ફોર્મ્યુલાનો ઇરાદો બાંગ્લાદેશની રાજનીતિમાંથી બે બેગમો નામે શેખ હસીના અને  ખાલિદા ઝીયાનું મહત્વ ઘટાડવાનો હતો.  

બેગમ ખાલિદા ઝિયા અને તેમના પુત્ર તારિક રહેમાનની ધરપકડ કરવામાં આવી. તારિક રહેમાન પર માતાના રાજમાં સમાંતર સરકાર ચલાવીને મળતિયાઓને લાભ અપાવવાના સંગીન આરોપ હતા. ૨૦ મિલિયન ડોલરનું મની લોન્ડ્રીંગ અને ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટમાં ૨.૧ કરોડ ટકા ( બાંગ્લાદેશની કરન્સી) દુરોપયોગનો પણ ખટલો ચાલ્યો હતો. ૨૦૦૮માં ખાલિદા ઝિયાને જેલમાંથી મુકત કરવામાં આવ્યા જયારે તારિક રહેમાનને ફરી બાંગ્લાદેશના રાજકારણમાં નહી આવવાની શરત સાથે લંડન રહેવા જવાની પરવાનગી મળી હતી.  શેખ હસીના સરકાર રહેમાનને  આતંકવાદી અને દેશ વિરોધી ગણતી રહી હતી. 

૨૦૦૯માં શેખ હસીના સત્તામાં પાછા ફર્યા ત્યાર પછી સત્તા નિરંતર જાળવી રાખી હતી. શેખ હસીનાએ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મેળવી હતી. બાંગ્લાદેશનો આર્થિક વિકાસ કરવાનો શ્રેય લઇને લોકો પાસેથી ખોબલેને ખોબલે મત મેળવતા ગયા. શેખ હસીનાનું વલણ રાજકીય વિરોધીઓ,કટ્ટરપંથીઓ  ખાસ તો બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી) માટે અત્યંત કઠોર રહયું હતું. શેખ હસીનાનો કાર્યકાળ રાજકીય વિરોધીઓને ખતમ કરીને એકહથ્થુ શાસનથી ભરપૂર રહયો હતો. માનવાધિકાર ભંગ અને ગેરરીતિના આરોપો સાથે વિપક્ષો ચુંટણીનો બહિષ્કાર કરતા રહયા પરંતુ શેખ હસીનાને કોઇ જ અસર થતી ન હતી.  બેગમ ખાલિદા ઝિયા સાથેના વ્યહવારમાં રાજકીય વિચારધારા કરતા તો વ્યકિતગત બદલાની ભાવના વધારે હતી. ૨૦૧૮માં ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના જુદા જુદા બે કેસમાં ૧૭ વર્ષ જેલની સજા થઇ હતી.ખાલિદાના સમર્થકોએ સમગ્ર કાર્યવાહીને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી. જેલમાં બેગમ ઝિયાની તબિયતને લઇને સમર્થકોના વધતા જતા રોષ વચ્ચે ૨૦૨૦માં  પાટનગર ઢાકામાં એક ભાડાના મકાનમાં નજરકેદ રાખીને એક ખાનગી હોસ્પિટલમાં આરોગ્યની સારવાર શરુ કરવામાં આવી.બેગમ ખાલિદાના પુત્ર તારિક રહેમાને  વિદેશમાં માતાની ઘનિષ્ઠ સારવાર માટે લંડનથી ૧૮ વાર અરજી કરી છતાં શેખ હસીનાએ દયા ખાધી નહી. છેવટે હસીના સત્તામાંથી ફેંકાયા પછી રખેવાળ સરકારે  સારવાર માટે વિદેશ જવાની રજા આપી હતી પરંતુ ખૂબ મોડું થયું હોવાનું ખાલિદાના સમર્થકો વસવસો ધરાવે છે. સમયની બલિહારી છે કે સત્તાનો નશો ગમે તેટલો ચડયો હોય એ જરુરથી ઉતરે છે. બેગમ હસીના બાંગ્લાદેશના સત્તાના રાજકારણમાંથી  ફેેકાઇ ગયા છે જયારે બીજા બેગમ ખાલિદા ઝિયાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. શેખ હસીનાના એક ચક્રી શાસનનો અંત આવ્યા પછી અંતરિમ સરકારના મુખિયા મહમદ યુનુસ માટે પરિસ્થિતિ સંભાળવી કપરી બની છે. બાંગ્લાદેશમાં રાજકિય અરાજકતા અને હિંસક દેખાવો પર દુનિયાની નજર મંડાયેલી છે. વાણી -વર્તન પરથી તો  ખાલિદાની જેમ  મોહમ્મદ યુનુસના મનમાં પણ ઉંડે ઉંડે ભારત વિરોધી લાગણી જોવા મળે છે જયારે શેખ હસીનાના લાંબા કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો સૂમેળભર્યા  રહેલાએ નોંધનિય છે.  તાજેતરમાં ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાને શરત તોડીને લંડનથી ઢાકા આવીને માતાનો રાજકીય વારસો સંભાળ્યો છે. બીએનપી પાર્ટી કેડરમાં ઉત્સાહ જોવા મળે  છે. રહેમાન  ઢાકા પાછા ફરતો હતો  ત્યારે લાખો સમર્થકોએ  સડકો પર ઉભા રહીને સ્વાગત કર્યુ હતું.  બાંગ્લાદેશમાં ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ  દેશ વ્યાપી ચુંટણી થવાની છે ત્યારે રહેમાનની મોટી ભૂમિકા જોવાઇ રહી છે. આ ચૂંટણી બે બેગમો વિહોણા બાંગ્લાદેશનું ભવિષ્ય નકકી કરનારી હશે.