- મીડ વીક- હસમુખ ગજજર
- કીડીઓનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સામાં ગઠિયા (આર્થરાઇટિસ) અને અન્ય જૂની બીમારીઓમાં થાય છે. કીડીઓમાંથી નિકળતા ફોર્મિક એસિડનો ઉપયોગ ડ્રગ્સ તૈયાર કરવા માટે થાય છે.
ગેં ડા, પંેગોલિન અને હાથી જેવા વન્યજીવોના અંગોની તસ્કરીના ગેર કાયદેસર ધંધા વિશે જાણ્યું હશે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે નાણા માટે માણસ કીડી જેવા નાના જીવનો પણ હવે વેપાર કરવા લાગ્યો છે. થોડાક સમય પહેલા આફ્રિકન દેશ કેન્યાની રાજધાની નૈરોબીના વિમાનમથકે એક ચીની પ્રવાસીની બેગમાંથી ૨૦૦૦ જેટલી આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓ (મેસોર સેફાલોટ્સ) મળી હતી. તાજેતરમાં આ ગુના માટે ચીની નાગરિકને ૧ વર્ષની જેલની સજા અને ૧૦ લાખ કેન્યાઇ શિંલિંગનો દંડ ફટકારવામાં આવતા સૌનું ધ્યાન ખેચાયું છે. એક અહેવાલ અનુસાર કેન્યાની રિફટ ઘાટીમાં એક શાંત કૃષિ પ્રધાન નગર ગિલગિલ અને તેની આસપાસ કીડીઓના હજારો જેટલા દર છે જે ગેરકાયદેસર વેપારનું કેન્દ્ર બની ગયા છે. કેન્યાના સત્તાવાળાઓ માને છે કે એશિયામાં ચીન અને યુરોપના બજારોમાં આ કીડીઓનું ગેર કાયદે ધૂમ વેચાણ થાય છે. જો કે કેન્યામાં કીડીઓની ચોરી પકડાવાની આ પહેલી ઘટના ન હતી. વર્ષ ૨૦૨૩માં કેન્યાના ૩ નાગરિકો પર ૩ લાખ શિલિંગથી વધારે કિંમતની કીડીઓની નિકાસ કરવાનો આરોપ લાગ્યો હતો. એપ્રિલ ૨૦૨૫માં ૫ હજારથી વધુ આફ્રિકન હાર્વેસ્ટર રાણી કીડીઓની ટેસ્ટ ટયૂબ અને સિરીઝ સાથે બેલ્ઝિયમના બે યુવકો, એક વિયતનામી અને એક કેન્યાઇ સ્થાનિક નાગરિક પર દાણચોરીનો ખટલો ચલાવવામાં આવ્યો હતો. કીડીઓ ચોરવા આવતા વિદેશી તસ્કરોને સ્થાનિક પરિચિતોના સાથની જરુર પડતી હોવાથી કેટલાક કેન્યાઇઓ લાલચમાં આવી જાય છે. એક હાર્વેસ્ટર રાણી કીડીના આંતરરાષ્ટ્રીય બજારમાં ૨૨૦ ડોલર મળે છે જેની કિંમત ભારતીય રુપિયામાં ૨૧૦૦૦ જેટલી થાય છે. ચીનમાં ૬ મહિનામાં ૫૮૦૦૦ હજારથી વધુ કીડીઓની કોલોનીઓનું ઓનલાઇન વેચાણ થયું છે. સંશોધકોના ધ્યાનમાં આવ્યું કે તેમાંની મોટા ભાગની ચીનની મૂળનિવાસી નહી પરંતુ બહારથી આયાત થયેલી હતી. જર્નલ બાયોલોજિકલ કન્ઝર્વેશનમાં પ્રકાશિત એક લેખ અનુસાર ચીનમાં સૌથી વેપાર થતી પ્રજાતિઓમાં એક વિશાળ આફ્રિકી હાર્વેસ્ટર કીડીઓ હોઇ શકે છે.
માણસનો જેમ સંસાર હોય તેમ કીડીઓનો પણ સંસાર હોય છે તે કોલોની બનાવીને રહે છે. આ નાનકડો જીવ ખૂબ મહેનતુ હોય છે. પ્રજનન સમય દરમિયાન નર અને માદા કીડીઓ બહાર નિકળે ત્યારે તસ્કરોને રાણી કીડીઓને પકડીને વેચવા માટે સૌથી અનૂકૂળતા રહે છે. રાણી કીડીઓ ઇંડા ઉત્પન્ન કરે છે જેમાંથી કીડીઓની સંખ્યા વધતી રહે છે. કીડીઓની કોલોનીમાં રાણી કીડીઓ સિવાયની સૈનિકો અને મજૂરો જેવી કીડીઓ હોય છે જે પ્રજોત્પતિનું કામ કરતી નથી. કીડીઓના દરમાં વિકસિત થતી રાણી કીડીઓ પર તસ્કરોની નજર રહે છે. બદલાયેલી પરિસ્થિતિમાં પૂર્વ આફ્રિકી દેશ કેન્યામાં હાથી દાંત અને ગેંડાના શિંગડા સાથે સંકળાયેલા હાઇ પ્રોફાઇલ વન્ય જીવ અપરાધોની સાથે કીડીઓનો કારોબાર પણ વધતો જાય છે. કીડીઓના દરમાંથી રાણી કીડીઓ લઇ લેવામાં આવે ત્યારે કીડીઓની કોલોની ધીમે ધીમે ઉજજડ થઇ જાય છે. કીટકશાસ્ત્રીઓ માને છે કીડીઓની આ ઉજજ્ડ થતી કોલોનીઓના લીધે કેેન્યાની ઇકો સિસ્ટમ પર અસર પડવાનો ભય ઉભો થયો છે. કુદરતે કોઇ પણ જીવનું કારણ વિના નિર્માણ કર્યુ નથી દરેકનું આ પૃથ્વી પર એક ખાસ મહત્વ છે. કીડીઓ દર બનાવીને ખેતીલાયક જમીનને પોચી બનાવે છે. કીડીઓ કેટલાક ખાસ અનાજના દાણાને એક સ્થળેથી બીજા સ્થળે ફેરવે છે. હાર્વેસ્ટર કીડીઓ આફ્રિકન સવાનામાં ઘાસના બીજનો મુખ્ય ફેલાવો કરે છે. પોતાની વસાહતો માટે બીજને ખોરાક તરીકે એકત્રિત કરે છે તે દરમિયાન છોડી દીધેલા બીજનું કુદરતી રીતે અંકુરણ થાય છે. એક બાજુ કેન્યામાં આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓની ઇકો સિસ્ટમમાં ગેરહાજરી માટીના સ્વાસ્થ્ય અને જૈવવિવિધતાને અસર કરી શકે છે બીજી બાજુ આ કીડીઓને તેમના મૂળ વિસ્તારની બહાર વિદેશ લાવવામાં આવે છે ત્યારે ભયંકર પર્યાવરણીય પરિણામોનું જોખમ પણ વધે છે કારણ કે જે તે જીવ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે જ અસ્તિત્વ ધરાવતો હોય છે તેને આવી રીતે બહાર લઇ જવો એ જે તે સ્થળની ઇકો સિસ્ટમ માટે યોગ્ય નથી. વૈજ્ઞાનિકોએ વૈશ્વિક સ્તરે કીડીઓના વધતા જતા વેપારની નોંધ લઇને ચેતવણી આપી છે કે પૂર્વી આફ્રિકાની મૂળ નિવાસી મેસોર સેફાલોટ્સ કીડીને આક્રમક ગણાય છે ખાસ કરીને દક્ષિણી-પૂર્વી ચીનમાં મુખ્યત્વે અનાજ આધારિત કૃષિને અવરોધી શકે છે. આ કીડીઓ વ્યાપક રીતે જંગલમાં ફેલાઇ જાયતો આક્રમક બનીને નુકસાન પણ કરી શકે છે. જયાં ઇકો સિસ્ટમ માટે જે જીવ ફિટ ના હોય તેની હાજરી હંમેશા નુકસાનકર્તા બને છે.
વૈશ્વિક સ્તરે ચીન અને યુરોપમાં કીડીઓની કાળા બજારી કેમ શરુ થઇ છે તે જાણવું જરુરી છે. કેટલાક દેશોમાં કીડીઓનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સામાં ગઠિયા (આર્થરાઇટિસ) અને અન્ય જૂની બીમારીઓમાં થાય છે. કીડીઓમાંથી નિકળતા ફોર્મિક એસિડનો ઉપયોગ ડ્રગ્સ તૈયાર કરવા માટે પણ થાય છે. ભારતમાં કીડીયારું પુરવાની પરંપરા છે જે જીવદયા સાથે સંકળાયેલી છે. કીડીઓ ગરમી પડે તે પહેલા બહાર આવીને ખોરાકનો સંગ્રહ કરે છે જે તેને ચોમાસામાં કામ લાગે છે. યુરોપમાં ફ્રાંસ અને બેલ્ઝિયમ સહિતના દેશોમાં કેટલાક કીડીઓનું પાલન કરતા શોખીનો વધતા જાય છે. તસ્કરો આ કીડીપાલન પ્રેમીઓને કીડીઓ વેચીને કમાણી કરે છે. આ કીડીપાલન પાછળ કોઇ જીવદયા નહી પરંતુ કીડીઓને કોલોની બનાવતી જોઇને કૂતૂહલ મેળવવા માટે હોય છે. કલેટર્સ કીડીઓને ફોર્મિકેરિયમ તરીકે ઓળખાતા ખાસ રહેઠાણોમાં રાખીને તેમની વસાહતો બનતી નિહાળે છે. તેમનો હેતુ રાણી કીડીઓ અને નરને પારદર્શી પિંજરામાં રાખ્યા પછી કીડીઓના સમગ્ર જીવન ચક્ર વિશે જાણવાનો હોય છે. આવા શોખીનોને ઓન શોધીને તસ્કરો કીડીઓ વેચી મારે છે. આફ્રિકન હાર્વેસ્ટર કીડી (મેસોર સેફાલોટ્સ) તેની પ્રજાતિઓમાં સૌથી મોટી છે. આ કીડી લગભગ ૨૦ મીમી સુધી વધી શકે છે જયારે રાણી કીડી ૨૫ મીમી સુધી વધે છે. આફ્રિકન હાર્વેસ્ટરનું પ્રમાણમાં મોટું અને આકર્ષક કદ પાલન માટે વધારે અનુકૂળ રહે છે. મોટા પ્રાણીઓના ઉપયોગી અંગોનું ગેર કાયદેસર વેચાણ પકડાય છે પરંતુ કીડીઓ એક નાની પ્લાસ્ટિક ડબ્બી કે કયૂબમાં પણ સમાઇ જાય છે. નાના કેપ્સૂલ, સિરીઝ કે કપાસના રુની ગાદીમાં છુપાવીને લઇ જવામાં આવે ત્યારે એરપોર્ટ સ્કેનેરમાં પણ પકડાતી નથી. અમેરિકી ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર વિશ્વમાં જાનવરોના ગેરકાયદે વેપારમાં ૨૯ ટકા ગેંડા, ૨૮ ટકા પેંગોલિન,૧૫ ટકા હાથી અને ઇલ માછલીઓનો સમાવેશ થાય છે. પોપટ જેવા રંગીન પાંખો ધરાવતા પક્ષીઓની પણ તસ્કરી થાય છે. આ તો મોટા જાનવરો છે હવે આફ્રિકી કીડીઓ જેવા સુક્ષ્મ જીવોની પણ માંગ વધતી જાય છે જેમાંની મોટા ભાગની પ્રજાતિઓ વિલૂપ્તિના આરે છે. એક માહિતી મુજબ કેન્યાની
મેસોર સેફાલોટ્સ કીડીઓની દાણચોરી જૈવ વિવિધતાના આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સિધ્ધાંતોનું સીધું ઉલંઘન છે. કેન્યામાં વધતી જતી બાયો પાયરસી વર્ષ ૨૦૧૩ના વન્યજીવન સંરક્ષણ અને વ્યવસ્થાપન અધિનિયમની કલમ ૯૯નો પણ ભંગ કરે છે. આ ગુનામાં ૧ વર્ષની જેલ અને ૭૭૦૦ ડોલર દંડની જોગવાઇ હોવા છતાં બાયો-પાયરસીના ગુના વધતા જાય છે. આંતરરાષ્ટ્રીય પ્રચાર માધ્યમોએ પણ નોંધ લીધી છે કે આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓની ઇકો સિસ્ટમમાં ગેરહાજરી જૈવવિવિધતાને અસર કરી શકે છે. માટીમાં દર બનાવીને રહેતો કીડી જેવો સાધારણ જીવ ઇકો સિસ્ટમ માટે કેટલો મહત્વનો છે તેની હયાતી નહી હોય ત્યારે જ કદાંચ વધુ સમજાશે અને ત્યારે ખૂબ મોડું પણ થઇ ગયું હશે.


