Get The App

80% ભૂકંપ માટે 40,000 કિમી લાંબી 'રીંગ ઓફ ફાયર' જવાબદાર

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
80% ભૂકંપ માટે 40,000 કિમી લાંબી 'રીંગ ઓફ ફાયર' જવાબદાર 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- રીંગ ઓફ ફાયર ક્ષેત્રમાં એક ટેકટોનિક પ્લેટ બીજી પ્લેટ નીચે દબાણ કરે છે. બે પ્લેટો વચ્ચે સંપર્ક બનીને થ્રસ્ટ ફોલ્ટ સાથે સરકવાથી ધરતીકંપ થાય છે

તા જેતરમાં રશિયાના કામચટકા ટાપુ પર વિશ્વમાં છેલ્લા ૧૪ વર્ષ દરમિયાનમાં સૌથી શકિતશાળી ભૂકંપ આવ્યો હતો.રિકટરસ્કેલ પર આની તીવ્રતા ૮.૮ કરતા વધારે હતી. આ કોઇ સામાન્ય ભૂકંપ ન હતો વિશ્વમાં આવેલા ૧૦ શકિતશાળી ભૂકંપમાનો એક હતો. કામચટકામાં આવેલી વેલી ઓફ ગેસર્સ જે દુનિયાની સૌથી મોટી ગેસરઘાટી છે જયાં ગરમ પાણીના ફૂવારા અને વરાળ ધરતીમાંથી નિકળે છે. યુનેસ્કોએ આ સ્થળને વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરેલું છે. કામચટકામાં કોર્યાક, ઇટેલમેન અને ઇવેન જેવા સ્થાનિક આદિવાસી સમુદાય રહે છે જેમની પરંપરાગત જીવનશૈલી, નૃત્ય અને રીતિ રિવાજ આજે પણ જીવંત છે. હોટ સ્પ્રિંગ્સ ઉપરાંત ગ્લેશિયર અને જંગલમાં અનોખા પર્યટન સ્થળ છે. કામચટકાના પાસે કુરીલ કામચટકા ટ્રેંચ છે.કામચટકા પ્રમાણમાં ખૂબજ ઓછી માનવ વસ્તી ધરાવતો વિસ્તાર છે. પેટ્રોપાવલોવ્સ્કની વસ્તી ૨ લાખ કરતા પણ ઓછી છે. કામચટકા લગભગ ૧૨૫૦ કિમી લાંબો પ્રાયદ્વીપ છે જે ઉત્તર પ્રશાંત મહાસાગર અને ઓખોત્સ્કસાગરની વચ્ચે આવેલો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ટાપુના પેટ્રોપાવલોવ્સ્કથી અંદાજે ૧૩૬ કિમી પૂર્વમાં હતું.  સમુદ્રમાં પ્રચંડ ભૂકંપ આવે ત્યારે પેટાળમાં ઉથલ પાથલ થવાથી પાણીની લહેરો પેદા થાય છે જે ઝડપથી આગળ વધીને કાંઠા તરફ વિનાશ વેરે છે જેને જાપાની ભાષામાં સુનામી કહેવામાં આવે છે. આ સુનામી શબ્દ દુનિયા આખીમાં પ્રચલિત છે. કામચાટકામાં ૫ મીટર ઉંચાઇ સુધીના મોજા ઉછળતા જોવા મળ્યા હતા. જમીન પર આવતા ભૂકંપના તરંગોની ગતિ તેજ હોવાથી જલદી વિસ્તરે છે જયારે સુનામીના તરંગોની ગતિ ઓછી હોવાથી ભૂકંપ પછી સુનામી આવવામાં વાર લાગે છે. ભૂકંપના તરંગો સમુદ્રમાં ચો તરફ ફેલાતા હોય છે પરંતુ  કેન્દ્રબિંદુથી સમુદ્ર તટ દૂર હોયતો સુનામી એલર્ટ માટે પુરતો સમય મળી રહે છે. જો કે સમુદ્રના દરેક ભૂકંપ પછી સુનામી આવતંુ નથી પરંતુ કાંઠા પર વિનાશ ના વેરાય તેના માટે સાવચેતી જરુરી બને છે. ૧૯૫૮માં અલાસ્કાના લિટ્ટુઇયામાં એક ભૂકંપ પછી ૫૨૪ મીટર સુનામી આવ્યું હતું જે અત્યાર સુધીનું સૌથી ઉંચું સુનામી મનાય છે. 

કામચટકાનો સમાવેશ પ્રશાંત મહાસાગરની ચારે તરફ આવેલા ભૌગોલિક ક્ષેત્ર 'રીંગ ઓફ ફાયર'માં થાય છે. 'રીંગ ઓફ ફાયર' એક એવું સ્થળ છે જયાં વિશ્વમાં સૌૈથી વધુ જવાળામુખી અને ભૂકંપ આવે છે. ૪૦ હજાર કિમી લાંબા રિંગ ઓફ ફાયરનો આકાર ઘોડાની નાળ જેવો છે જેની ઉપર રશિયા, જાપાન, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ, ઓસ્ટ્રેલિા,ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, ચિલી, પેરુ, મેકિસકો અને યુએસએના અલાસ્કા તથા કેલિફોર્નિયા અને કેનેડાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. એન્ટાર્કટિકાનો વિસ્તાર પણ રીંગ ઓફ ફાયર હેઠળ જ આવે છે. આ વિસ્તારમાં ભૂકંપની સંખ્યા અને જવાળામુખીના વધુ વિસ્ફોટના લીધે રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. ૪૫૦ થી વધુ જવાળામુખી રીંગ ઓફ ફાયરના કિનારે આવેલા છે. જાપાનનો માઉન્ટ ફૂજી અને ઇન્ડોનેશિયાનો ક્રકટોઆ જવાળામુખી આ ક્ષેત્રમાંથી જ આવે છે. બ્રિટિશ જિયોલોજિકલ સર્વે મુજબ રીંગ ઓફ ફાયર ક્ષેત્રમાં વિશ્વના ૭૫ ટકા જવાળામુખી ૮૦ ટકા જેટલા ભૂકંપ માટે જવાબદાર છે. રશિયાના કામચટકાનો ભૂકંપ વિશ્વનો ૬ ઠા ક્રમનો સૌથી મોટો ભૂકંપ છે. ૯ ની તિવ્રતાનો પાંચમો સૌથી મોટો ભૂકંપ ૧૯૫૨માં કામચટકામાં જ આવ્યો હતો એ સમયે દક્ષિણી પ્રાયદ્વીપોમાં ૧૨ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. ભુકંપની દ્વષ્ટીએ આ વિસ્તાર વિશ્વમાં અત્યંત સંવેદનશીલ અને ખતરનાક માનવામાં આવે છે. અલાસ્કા, જાપાન, ચિલી અને ઇકવાડોર રિંગ ઓફ ફાયર ઉપર હોવાથી ભૂકંપનો સૌથી વધુ ભોગ બને છે. ૧૯૬૪માં અલાસ્કામાં ૯.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જે ઇતિહાસનો બીજો સૌથી મોટો ભૂકંપ હતો.માર્ચ ૨૦૧૧થી ઉત્તર પૂર્વી જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૯.૦ માપવામાં આવી હતી. ભૂકંપ પછી ત્રાટકેલા વિશાળ સુનામીએ ફુકુશિમા દાઇચી પરમાણુ ઉર્જા સંયંત્રની કોલ્ડ સિસ્ટમને નિષ્કિય કરી નાખી હતી.સુનામીથી ૧૫૦૦૦થી વધુ લોકોના મુત્યુ થયા હતા.ડિસેમ્બર ૨૦૦૪માં ઇન્ડોનેશિયામાં શકિતશાળી ભૂકંપ આવ્યો હતો તેનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું. આથી ભારતના આંદામાન, નિકોબાર, કેરલ, આંધ્રપ્રદેશ, પોડિચેરી અને તમિલનાડુમાં પણ સુનામીએ વિનાશ વેર્યો હતો.

રીંગ ઓફ ફાયર નીચેના ભૂગર્ભની ગતિવિધિઓ હજારો કિમી લંબાઇના ક્ષેત્રને ભૂકંપ તથા જવાળામુખીની આફત માટે સેન્સેટિવ બનાવે છે. પૃથ્વીના બાહિય સ્તરો ૧૫ સ્લેબમાં વિભાજીત છે જેને ટેકટોનિક પ્લેટસ તરીકે ઓળખવામાં આવે છે. ટેકટોનિક પ્લેટોએ ખડકના વિશાળ સ્લેબ છે જે સેંકડો કિમી સુધી ફેલાયેલા છે.  રીંગ ઓફ ફાયર પ્લેટ ટેકટોનિકસનું જ પરિણામ છે. ટેકટોનિક પ્લેટો પૃથ્વીના પોપડાના વિશાળ સ્લેબ છે જે પઝલના ટુકડાઓની જેમ એક બીજા સાથે બંધ બેસે છે. પ્લેટો સ્થિર હોતી નથી પરંતુ સતત ઘન અને પીગળેલા ખડક સ્તર ઉપર ફરતી રહે છે. કયારેક પ્લેટો એક બીજા સાથે અથડાઇને અલગ થઇ જાય છે. કયારેક ભારે પ્લેટ હળવા પ્લેટની નીચે સરકી જવાથી ઉંડી ખાઇ બને છે. ટેકટોનિક  પ્લેટો એક બીજાથી આડી રીતે સરકતી વખતે ટ્રાન્સફોર્મ સીમા રચાય છે. આ પ્લેટોના ભાગો જયાં ટચ કરે ત્યાં અટવાઇ જાય છે.

બાકીની પ્લેટો આગળ વધતી રહે ત્યારે તે વિસ્તારોમાં તણાવ ઉત્પન્ન થતા ભૂકંપ આવે છે. આ તાણ જમીન કે ખડક તુટવાનું પણ કારણ બને છે. પ્લેટો તૂટવા અથવા સરકવાના આ વિસ્તારોને ફોેલ્ટ કહેવામાં આવે છે. ઉત્તર અમેરિકાના મધ્ય પશ્ચિમ કિનારા તરફ ફેલાયેલો સાન એન્ડ્રીયાસ ફોલ્ટ, રીંગ ઓફ ફાયર પરનો સૌથી સક્રિય ફોલ્ટ છે. ઉત્તર અમેરિકન પ્લેટ જે દક્ષિણ તરફ આગળ વધી રહી છે અને પેસિફિક પ્લેટ જે ઉત્તર તરફ આગળ વધી રહી છે. ૧૨૮૭ કિમી લાંબી અને ૧૬ કિમી ઉંડી ફોલ્ટલાઇન યુએસ રાજયના કેલિફોર્નિયાના પશ્ચિમ ભાગમાંથી પસાર થાય છે. ફોલ્ટ પર ગતિશિલતાને કારણે ૧૯૦૬માં સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભૂકંપમાં ૩૦૦૦થી વધુના મુત્યુ થયા હતા. 

શહેરના અડધા રહેવાસીઓ બેઘર બની ગયા હતા. સાઇબેરિયાથી અલાસ્કા સુધી પેસિફિક પ્લેટ અને નોર્થ અમેરિકન સુધીનો વિસ્તાર પેસિફિક પ્લેટ અને નોર્થ અમેરિકન પ્લેટની વચ્ચેની સરહદ પર પડે છે. અલાસ્કામાં એલ્યુશિયન ટાપુઓ એલ્યુુશિયન ખાઇની સમાંતર છે જેની સરેરાશ ઉંડાઇ ૭૬૭૯ મીટર જેટલી છે. આ ટાપુઓ પર યુએસના ૬૫ માંથી ૨૭ સક્રિય જવાળામુખીઓ છે. 

પેસિફિક પ્લેટ નોર્થ અમેરિકન પ્લેટની નીચે ખસે જેને સબડકશન કહેવામાં આવે છે. જયારે આ દબાણ વધી જાય છે ત્યારે પ્લેટસ અચાનક તૂટીને ખસે છે જેને ભૂકંપ કહેવામાં આવે છે. જયાં આ ગતિવિધિ વારંવાર થતી હોય તેને ભૂકંપ વિસ્તાર કહેવામાં આવે છે. રીંગ ઓફ ફાયર ઉત્તરી અમેરિકી પ્લેટ, દક્ષિણ અમેરિકી પ્લેટ, ફિલીપીન પ્લેટ, ઓસ્ટ્રેલિયાઇ-ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ સહિતની અનેક મહાદ્વીપીય પ્લેટોથી ઘેરાયેલું ક્ષેત્ર છે. પ્રશાંત પ્લેટ અને એક મહાસાગરીય પ્લેટ જે પ્રશાંત મહાસાગરનું તળ બનાવે છે. પ્લેટોની ગતિના કારણે સબ્સિડન્સ ક્ષેત્ર બને છે. પ્રશાંત અને યૂરેશિયન પ્લેટનો ટકરાવ જવાળામુખી અને ભૂકંપ લાવે છે. ટેકટોનિક પ્લેટનો ટકરાવ એટલો ભયંકર હોય છે કે સમુદ્રનું તળિયું હલી જાય છે.કામચટકામાં આવવાવાળા ભૂકંપ મોટે ભાગે મેગાથ્રેસ્ટ ભૂકંપ હોય છે. મેગાથ્રસ્ટ ધરતીકંપો કન્વર્જેનટ પ્લેટ સીમાઓ પર થાય છે જયાં એક ટેકટોનિક પ્લેટ બીજી પ્લેટ નીચે દબાણ કરે છે. બે પ્લેટો વચ્ચે સંપર્ક બનીને થ્રસ્ટ ફોલ્ટ સાથે સરકવાથી ધરતીકંપો થાય છે. આ ઇન્ટરપ્લેટ ભૂકંપ પૃથ્વી ગ્રહના સૌથી શકિતશાળી ભૂકંપ હોય છે જેની તિવ્રતા ૯ ની નજીકની કે તેનાથી વધારે હોય છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં આવેલા ૯ ની તિવ્રતા ધરાવતા ભૂકંપ મેગાથ્રસ્ટ ભૂકંપો રહયા છે. કાળા ડિબાંગ વાદળો અને હવાના બદલાતા સ્વરુપને આધારે વરસાદનું અનુમાન લગાવી શકાય છે પરંતુ ભૂકંપની અગમચેતી અત્યંત અઘરી છે. પૃથ્વીના પેટાળમાં થતી હલચલના લીધે ભૂકંપની કુદરતી આફતને રોકવી શકય નથી પરંતુ સર્તકતાથી જાનહાની ચોકકસથી ઓછી કરી શકાય છે. જાપાન, તાઇવાન અને મેકિસકો જેવા દેશો પાસે ભૂકંપ ચેતવણી સિસ્ટમ છે. ભૂકંપ અને સુનામીની ચેતવણી બાબતે જાપાને ખૂબ કામ કર્યુ છે. જાપાનમાં ભૂકંપની જાહેર ચેતવણી ૧૫ થી ૨૦ સેકન્ડ પહેલા જ બહાર પાડવામાં આવે છે. તેના પરિણામ સ્વરુપ ૯ પોઇન્ટથી વધુના ભૂકંપ છતાં જાનહાની અટકી હતી જે જાનહાની થઇ તે સુનામીના લીધે હતી. જાપાનમાં ભૂકંપ સમયે શું કરવું અને શું નહી તેની તાલીમ બાળકોને સ્કૂલો અને નર્સરીમાંથી મળે છે.રીંગ ઓફ ફાયરના લીધે છાશવારે ભૂકંપનો સામનો કરતા જાપાને આફતને ઓળખીને ભૂકંપ મેનેજમેન્ટનું પ્રેરણા આપે તેવી કામગીરી રહી છે.રીંગ ઓફ ફાયરની સમિપ આવેલા કામકટકાના તાજેતરના મહાશકિતશાળી ભૂકંપમાં બાંધકામોને નુકસાન થયું છે પરંતુ મુત્યુઆંક ઓછો છે તે પણ નોંધનિય છે.  

Tags :