Get The App

એશિયન દેશોમાં મહિલા નેતૃત્વ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
એશિયન દેશોમાં મહિલા નેતૃત્વ 1 - image

- શ્રીલંકાના સિરીમાવો ભંડારનાયકેથી જાપાનના સાને તાકાઇચી સુધી

- મીડ વીક- હસમુખ ગજજર

- વિશ્વના 80 જેટલા દેશોમાં મહિલાઓએ સર્વોચ્ચ પદ સંભાળ્યું છે જયારે એશિયાખંડના નાના મોટા કુલ ૧૫ જેટલા દેશોમાં મહિલા વડાપ્રધાન કે સરકારના અન્ય સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકી છે

તા જેતરમાં જાપાનના ઇતિહાસમાં પ્રથમ વાર જ કોઇ મહિલાએ વડાપ્રધાન પદ સંભાળ્યું છે. સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ની ૬૪ વર્ષિય મહિલા નેતા સાને તાકાઇચીએ  ૪૬૫ બેઠકો ધરાવતી સંસદમાં બહુમતિનો આંકડો પાર કરીને શિગેરુ ઇશિબાનું સ્થાન લીધું છે. આમ તો એલડીપી એક એવો રાજકીય પક્ષ જેને બીજા વિશ્વયુધ્ધ પછી સૌથી વધુ સમય જાપાન પર શાસન કર્યુ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એલડીપીના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર અને ગેર વહિવટમાં જોડાયેલા હોવાથી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાએ સંસદના બંને ગૃહમાં પોતાની બહુમતિની સાથે પીએમ પદ પણ ગુમાવવું પડયું હતું. લેડી સાને તાકાઇચીના માથે દેશને એકતાના પંથે લઇ જવા ઉપરાંત પાર્ટીને પણ મજબૂત કરવાનો ભાર છે. તાકાઇચીને કેટલાક જાપાનની આયરન લેડી માને છે. જો કે તેમના રુઢિવાદી વલણના કારણે વિરોધીઓ તાલિબાન તાકાઇચી તરીકે પણ સંબોધે છે. પોતાને શિંજો આબેની ઉત્તરાધિકારી માનતી તાકાઇચી અનેક વાર કેબિનેટ મંત્રી રહી ચુકી છે.શિંજો આબેનો સૂરજ તપતો હતો ત્યારે જાપાનના ગૃહમંત્રી રહયા હતા. તાકાઇચીએ ૪૩ વર્ષની ઉંમરે પોતાની રાજકીય પાર્ટીના તાકુ યામામોટો સાથે લગ્ન કર્યા હતા. આંતરરાષ્ટીય રાજનીતિ અને અર્થ વ્યવસ્થામાં જાપાન ખૂબજ મહત્વ ધરાવતું હોવાથી એશિયા ખંડના વધુ એક મહિલા નેતાના  નેતૃત્વ પર વિશ્વની નજર મંડાયેલી છે. આમ તો એશિયાના મોટા ભાગના દેશોની સરેરાશ મહિલાઓ દબાયેલી અને કચડાયેલી રહી છે. પુરુષ પ્રધાન માનસિકતા, સામાજિક બંધનો અને ભેદભાવનો ભોગ બનતી રહી છે તેમ છતાં એશિયન દેશોમાં સમયાંતરે મહિલા નેતૃત્વ ઉભરતું આવ્યું છે. દુનિયાના ૮૦ દેશોમાં મહિલાઓએ સર્વોચ્ચ પદ સંભાળ્યું છે જયારે એશિયાખંડના નાના મોટા કુલ ૧૫ દેશોમાં મહિલા વડાપ્રધાન કે સરકારના અન્ય સર્વોચ્ચ પદ સુધી પહોંચી છે.

એશિયા ખંડના દેશોની રાજનીતિમાં મહિલા નેતૃત્વની વાત નિકળે ત્યારે ભારતના દક્ષિણે આવેલા શ્રીલંકામાં ૨૧ જુલાઇ ૧૯૬૦ના રોજ સિરીમાવો ભંડારનાયકે વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 

સિરીમાવોએ વધુ બે મુદત માટે (૧૯૭૦ થી ૭૭ અને ૧૯૯૪ થી ૨૦૦૦) સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. એક શ્રીમંત પરિવારમાં જન્મેલા સિરીમાવોના લગ્ન ૧૯૪૦માં શ્રીલંકાના જાણીતા રાજકારણી એસ ડબલ્યુ આર ડી ભંડારનાયકે સાથે થયા હતા.  એસ ડબલ્યુ આર ડી ભંડારનાયકે ૧૯૫૬માં શ્રીલંકાના વડાપ્રધાન બન્યા હતા.૧૯૫૯માં પતિની હત્યા પછી શ્રીલંકા ફ્રિડમ પાર્ટી (એસએલએફપી) દ્વારા તેમને નેતા બનવા પ્રેરિત કરાયા હતા. પુત્રી ચંદ્રીકા કુમારતુંગાએ પણ રાજકીય વારસો આગળ વધાર્યો હતો. ચંદ્રીકાએ તેમની નવી સરકારમાં માતા સિરીમાવો ભંડારનાયકેને વડાપ્રધાન તરીકે નિયુકત કર્યા હતા. સિરીમાવોએ ઓગસ્ટ ૨૦૦૦માં ખરાબ સ્વાસ્થ્યના લીધે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ભારતની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું એક માત્ર સંતાન હતા. માતા કમલા નેહરુનું અવસાન થયા પછી પિતાની છત્રછાયામાં ઉછેર થયો હતો. ૧૧ જાન્યુઆરી ૧૯૬૬માં લાલ બહાદુરશાસ્ત્રીના અવસાન પછી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસમાં ભાગલાવાદથી પરેશાન થયા બાદ પોતાનું વર્ચસ્વ મજબૂત બનાવીને આગળ વધ્યા હતા. ૧૯૭૧ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસના રુઢિચુસ્ત જૂથને પરાજય આપીને ઇન્દિરાએ ભવ્ય વિજય મેળવ્યો હતો.૧૯૭૧ના અંતમાં પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ને મજબૂત સમર્થન આપ્યું હતું. ભારતના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન સામે ઝડપી અને નિર્ણાયક વિજય મેળવીને બાંગ્લાદેશનું નિર્માણ કર્યુ જેમાં ગાંધીની નેતાગીરીની મોટી ભૂમિકા હતી. જૂન ૧૯૭૫માં કટોકટી શાસનનો ઉગ્ર અને વ્યાપક વિરોધ થતા લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતર્યો હતો. ૧૯૭૭ની લોકસભા ચુંટણીમાં કારમો પરાજય વેઠયો હતો. ૧૯૮૦માં યોજાયેલી લોકસભા ચુંટણીમાં ફરી સત્તામાં આવ્યા હતા. ૧ જૂન ૧૯૮૪માં અમૃતસરના સુવર્ણમંદિરમાં થયેલા ઓપરેશન બ્લુસ્ટાર પછી ૩૧ ઓકટોબરના રોજ ખુદના જ  બે શીખ અંગ રક્ષકોએ ગોળીઓ ચલાવીને હત્યા કરી હતી. ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ અને વિશ્વના બીજા મહિલા વડાપ્રધાન હતા. પાકિસ્તાનના મહિલા રાજકારણી બેનઝીર ભુટ્ટો ૧૯૮૮ થી ૧૯૯૦ અને ૧૯૯૩ થી ૧૯૯૬ એમ બે વાર પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જનરલ મોહમ્મદ ઝિયા ઉલ હકે  પિતા ઝુલ્ફીકાર ભુટ્ટોને રાષ્ટ્રપતિ તરીકેના પદ પરથી ઉતારીને ફાંસી અપાવી હતી. પિતાને ફાંસી થયા પછી પિતા દ્વારા સ્થાપિત પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી)ને સંભાળી હતી. બેનઝીર આધુનિક ઇતિહાસમાં કોઇ પણ મુસ્લિમ દેશની પ્રથમ મહિલા પીએમ બની હતી. ૨૭ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ સંસદીય ચુંટણી માટે પ્રચાર દરમિયાન ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી. 

બાંગ્લાદેશની વાત કરીએ તો છેલ્લા સાડા ત્રણ દાયકાથી બેગમ ખાલિદા ઝિયા અને શેખ હસીના વચ્ચે સત્તાનો હાથ બદલો થતો રહયો છે.ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન જેમણે ૧૯૯૧ થી ૧૯૯૬ અને ૨૦૦૧ થી ૨૦૦૬ના સમયગાળામાં સત્તાની બાગડોર સંભાળી હતી.૧૯૮૧માં પતિ ઝિયા ઉર રહેમાનની હત્યા પછી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. બંગબંધુ તરીકે ઓળખાતા બાંગ્લાદેશના સ્થાપક મુજીબુર રહેમાનની પુત્રી શેખ હસીનાએ ૧૯૯૬ થી ૨૦૦૧ અને ૨૦૦૯ થી ૨૦૨૪ સુધી બાંગ્લાદેશની સત્તા સંભાળી હતી. ૧૫  ઓગસ્ટ ૧૯૭૫ના રોજ હસીનાના પિતા, માતા અને ત્રણ ભાઇઓની લશ્કરી અધિકારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી પરંતુ ત્યારે તે દેશની બહાર હોવાથી બચી ગઇ હતી. શેખ હસીનાના પાંચમા કાર્યકાળ દરમિયાન મોટા પાયે બળવો અને વિરોધ પ્રદર્શન થયા બાદ દેશ છોડીને ૫ ઓગસ્ટ ૨૦૨૪થી ભારતમાં આશરો લઇ રહયા છે. કોરાઝોન એકિવનો ફિલિપાઇન્સના એક મહિલા રાજકીય નેતા જેમણે માર્કોસના લાંબા સરમુખત્યારશાહી શાસન પછી ફિલિપાઇન્સના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ૧૯૯૬ થી ૧૯૯૨ સુધી સેવા આપી હતી. પતિના અનુગામી તરીકે પાંચ બાળકોનો ઉછેર કરીને પછીથી રાજકારણમાં આવ્યા હતા. 

સરમુખત્યારી વલણ ધરાવતા માર્કોસે ૧૯૭૨ થી ૧૯૮૦ સુધી જેલમાં ધકેલી દીધા હતા. ૧૯૮૦ થી ૧૯૮૩ સુધી યુએસએમાં દેશ નિકાલ પણ ભોગવ્યો હતો. ૧૯૯૧માં શાંતિનું નોબલ મેળવનાર મ્યાંમારની મહિલા આંગ સાન સૂકી મ્યાંમારના લશ્કરી શાસન સામે લોકતંત્રનો પર્યાય બની હતી. આર્મીમેન પિતાની હત્યા થઇ ત્યારે તે માત્ર બે વર્ષની હતી. મ્યાંમારના સૈન્ય શાસન સાથે ભાગીદારી કરીને સૂકીએ  સ્ટેટ કાઉન્સિલરનું પદ સંભાળ્યું હતું. વડાપ્રધાન સમકક્ષ ગણાતો હોદ્દો છતાં રોહિંગ્યા પર થતા અત્યાચારો અને માનવાધિકારના મુદ્વે ચૂપ રહેવાથી તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ હતી. મ્યાંમારના સૈન્યએ બળવો કરીને સત્તા પરથી ઉતારી દીધા હોવાથી હવે તેઓ જેલમાં બંધ છે. ઇન્ડોનેશિયામાં સુકર્ણોપુત્રી તરીકે ઓળખાતી મેગાવતી ૨૦૦૧ થી ૨૦૦૪ દરમિયાન ઇન્ડોનેશિયાના પાંચમા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. ઓકટોબર ૨૦૦૨માં બાલી નાઇટકલબની બહાર એક કાર વિસ્ફોટમાં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા ત્યારે તેમની ખૂબ બદનામી થઇ હતી. ૨૦૦૯માં મેગાવતી ફરીથી રાષ્ટ્રપતિ પદની ચુંટણી લડયા હતા પરંતુ સુસિલો બામ્બાગ યુધોયો સામે તેમનો ફરી એક વાર પરાજય થયો હતો. 

ગોેલ્ડા મેર ઇઝરાયેલના એક મહિલા રાજકારણી જેમણે ઇઝરાયેલની સ્થાપનામાં ભાગ લીધો હતો. ગોલ્ડા મેર  ૨૬ ફેબુ્રઆરી ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી ઇઝરાયેલના ચોથા વડાપ્રધાન તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા હતી.ઓકટોબર ૧૯૭૩માં યોમ કિપ્પુર યુધ્ધ તરીકે ઓળખાતા ચોથા આરબ-ઇઝરાયેલ યુધ્ધ ફાટી નિકળ્યું હતું. શાંતિ પ્રયાસોની પરવા કર્યા વિના ગોલ્ડા મેરે સફળ નેતૃત્વ કર્યુ હતું.૧૯૯૩ થી ૧૯૯૬ સુધી અર્થશાસ્ત્રી તાનસુ સિલર તુર્કીના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. ટ્રુ બાથ પાર્ટીના સુલેમાન ડેમિરલના સ્થાને સત્તા પર આવનારા તાનસુએ દક્ષિણ પૂર્વમાં કુર્દિશ વિદ્રોહ અને આર્થિક સમસ્યા જેવા વિકરાળ પરિબળોનો સામનો કરવો પડયો હતો.થાઇલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન થાકિસન શિનાવાત્રાની નાની બહેન યિગલુક શિનાવાત્રા ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી વડાપ્રધાન પદ સંભાળનાર દેશની પ્રથમ મહિલા બની હતી.ચીની મૂળના એક શ્રીમંત પરિવારમાં જન્મેલા નવ બાળકોમાં સૌથી નાની વયની હતી. યિંગલૂક શિનાવાત્રાના કાર્યકાળમાં ચોમાસાના ભારે વરસાદના પગલે પુર પ્રકોપનો સામનો કરવો પડયો હતો. ગત ૨૯ ઓગસ્ટના રોજ થાઇલેન્ડના વધુ એક મહિલા પીએમ પેટોંગટાર્ન શિનાવાત્રાએ પદ પરથી રાજીનામુ આપીને ચર્ચામાં આવ્યા હતા. વન ચાઇના પોલીસી અંર્તગત ચીન તાઇવાનને અલગ દેશ ગણતું નથી પરંતુ પ્રથમ તાઇવાનની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ વેને ૨૦૧૬ થી ૨૦૨૪ સુધી બે ટર્મ માટે મજબૂત શાસન સંભાળીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત સિંગાપુર,કોસોવો અને કિર્ગીસ્તાનમાં પણ મહિલાઓ સરકારમાં મહત્વના હોદા પર રહી છે.નેપાળમાં સુશિલા કાર્કી ઝેન ઝી વિદ્રોહ પછી અંતરિમ સરકારના વડાપ્રધાન તરીકે સેવા આપે છે. વિશ્વયુધ્ધ પછી જેમ જેમ દેશોને સ્વતંત્રતા મળતી ગઇ તેમ મૌલિક બંધારણમાં પુરુષો અને મહિલાઓ માટે સમાન અધિકારનો મુદ્વો ચર્ચાતો રહયો છે પરંતુ એક નોંધવા જેવી વાત એ છે કે મોટા ભાગની મહિલાઓ એક વિશેષ પરિસ્થિતિમાં રાજનીતિમાં આવીને સફળ થઇ હતી આથી મહિલા સશકિતકરણ અને સમાન અધિકારો બાબતે હજુ ઘણી મંઝિલ કાપવાની બાકી રહે છે.