એક ચાઇનીઝ મૂવીએ થાઇલેન્ડ આવતા ચીની પ્રવાસીઓને ડરાવ્યા !
- મીડ વીક- હસમુખ ગજજર
- થાઇલેન્ડમાં ચાઇનીઝ ટૂરિસ્ટોનો જમાવડો ઘટીને અડધો થઇ ગયો છે. ચાઇનીઝ સોશિયલ મીડિયામાં ફેલાયેલા કાલ્પનિક ભયથીે ફરવા આવવાનું ટાળી રહયા છે.
દ ક્ષિણ પૂર્વ એશિયાના બે દેશ થાઇલેન્ડ અને કંબોડિયા આજકાલ ચીનથી નારાજ થયા છેે. નારાજગીનું કારણ ચીનમાં ૮ ઓગસ્ટના રોજ બહાર પડેલી ફિલ્મ 'નો મોર બેટસ' છે. મેન્ડરીન ભાષાની આ ફિલ્મ ચીનમાં ધૂમ મચાવી રહી છે. બોકસ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે પરંતુ મૂવીની થાઇલેન્ડના પ્રવાસન ઉધોગ પર વિપરીત અસર થઇ છે. કંબોડિયાએ પણ ફિલ્મથી પોતાની બદનામી થઇ રહી હોવાનો વિરોધ નોંધાવ્યો છે. આ ફિલ્મની કહાની ચીની યુવાઓને ઉંચા પગારવાળી નોકરીની લાલચ આપીને અજાણ્યા સ્થળે આપવામાં આવતી યાતનાઓ પર આધારીત છે. ઓનલાઇન પીડિત યુવાનોને સાયબર છેતરપીંડીનું કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, ફિલ્મમાં છેવટે આખી સિન્ડીકેટનો પદાર્ફાશ થાય છે. આ ફિલ્માંકન ચીની યુવાઓને ખૂબ સ્પર્શી રહયું છે. લાયઝાંગ અને ગીના જીનના અભિનયને વખાણવામાં આવી રહયો છે. ફિલ્મમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે સત્ય ઘટના પરથી છે. હજારો ચીની યુવાઓને લાલચ આપીને થાઇલેન્ડથી અપહરણ કરીને યાતના શિબિરોમાં લઇ જવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયાના કંબોડિયા કે મ્યાંમાર જેવા દેશમાં અજાણ્યા સ્થળે ગોંધી રાખીને ફોન સ્કેમ કરાવવામાં આવે છે. જો કે 'નો મોર બેટસ'માં જે દેશ દર્શાવાયો છે તેમાં કોઇનું નામ લેવાયું નથી.આ ફિલ્મનું શુટિંગ કંબોડિયા કે થાઇલેન્ડમાં થયું નથી. ભૂતકાળમાં આ દેશો અંગે સમાચાર માધ્યમોમાં પ્રગટ અહેવાલો અને વિગતોને ફિલ્મમાં કંડારવામાં આવી છે. મૂવી માત્ર બે મહિના પહેલા જ રિલીઝ થઇ હોવા છતાં ચીનની આ વર્ષની ૩ જા ક્રમની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની છે.
'નો મોર બેટસ'માં કમ્પ્યુટર પ્રોગ્રામર અને મોડેલની વાર્તા છે જેમને કોઇ દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશના શહેરમાં સારા વેતનથી નોકરીની લાલચમાં ફસાવવામાં આવે છે. 'નો મોર બેટસ' થી પોતાના દેશની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થઇ રહયું હોવાનો દાવો કંબોડિયાના કલ્ચર મંત્રાલયે કર્યો છે. આ અંગે મંત્રાલયના પ્રવકતાએ ચીની અધિકારીઓનેે પત્ર લખીને ખુલાસો પણ માંગ્યો છે. ચીનમાં આ ફિલ્મનું નિર્માણ પોતાના લોકોેને કૌભાંડ વિરોધી મેસેજ આપવા થયું છે પરંતુ મેસેજની એટલી ઊંડી અસર થઇ છે કે ઓગસ્ટ મહિનામાં ફિલ્મ રિલીઝ થઇ એ પછી થાઇલેન્ડમાં ચાઇનીઝ ટૂરિસ્ટોનો જમાવડો ઘટીને અડધો થઇ ગયો છે. ફિલ્મના લીધે અપહરણ થઇ જવાના ફેલાયેલા કાલ્પનિક ભયથી લોકો ફરવા આવવાનું ટાળે છે. ચીનના સોશિયલ મીડિયા વેઇબો પર થાઇલેન્ડ નહી જવાની ચેતવણી આપવામાં આવી રહી છે. ચીની નાગરિકોનું અપહરણ થઇ જવાની અફવાઓ આગની જેમ ફેલાઇ રહી છે. ચીની નાગરિકોમાં થાઇલેન્ડની છબી એક દગાખોર અને ખતરનાક દેશની બની રહી છે. આની સીધી અસર થાઇલેન્ડ આવનારા ચીની પ્રવાસીઓ પર થઇ છે. તાજેતરના વેઇબો પરના સર્વેક્ષણમાં ૫૪૦૦૦ ઉત્તરદાતાઓમાંથી ૪૮૦૦૦ લોકોએ સુરક્ષાને મુસાફરી કરતા વધારે પ્રાધાન્ય આપ્યું હતું.આથી થાઇલેન્ડ સહિતના દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની મુસાફરી કરવા ઇચ્છતા નથી જેમાં થાઇલેન્ડનો પણ સમાવેશ થાય છે.
સૌ જાણે છે કે થાઇલેન્ડની ઇકોનોમી પ્રવાસન પર આધારિત છે, જીડીપીના ૬૫ થી ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. થાઇલેન્ડના પ્રવાસન ઉધોગને ધબકતો રાખવામાં માટે ચીની પ્રવાસીઓનો મોટો ફાળો રહયો છે. થાઇલેન્ડનો સાંસ્કૃતિક ખજાનો, ધબકતા શહેરો અને કુદરતી સૌદર્યનું આકર્ષણ રહે છે. કોરોના મહામારી પહેલા ૧ કરોડ ચીની નાગરિકો થાઇલેન્ડમાં પ્રવાસી બનીને આવતા હતા. દુનિયા આખીનો પ્રવાસન ઉધોગ કોરોના મહામારીની અસરમાંથી બહાર આવવા મથી રહયો છે.
થાઇલેન્ડનો પણ ભાગી પડેલો પ્રવાસન ઉધોગ છેલ્લા કેટલાક મહિનાઓથી પાટા પર ચડી રહયો હતો ત્યારે ફરી બ્રેક વાગે તેવા સંજોગો ચાઇનીઝ મૂવીથી ઉભા થયા છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ચાઇનિઝ સંસ્કૃતિનો સૌથી વધુ પ્રભાવ થાઇલેન્ડ પર જોવા મળે છે. વોટર ફાઇટસ હોય કે લાલ ટેન ઉત્સવ ચીનીઓ બેંગ્કોક ઉમટી પડે છે. થાઇલેન્ડ આવતા કુલ પ્રવાસીઓમાં ચોથા ભાગના ચીની નાગરિકો હોય છે.
વર્તમાન વર્ષમાં માત્ર ૨૩ લાખ જ ચીની પ્રવાસીઓ આવ્યા છે. એમાં પણ છેલ્લા બે મહિનાથી તો પ્રવાસીઓનો પ્રવાહ અચાનક જ સૂકાઇ ગયો છે. ચીનના સોશિયલ મીડિયામાં ફિલ્મથી પ્રેરિત અફવાઓના ઘોડાપુરથી થાઇલેન્ડનું પ્રવાસન ઓસરવા માંડયું છે. જે ચીની લોકો થાઇલેન્ડના પ્રવાસે જવા મકકમ છે તેમનું મન પણ સગા સંબંધીઓ ભાંગી રહયા છે.
ચીનના કેટલાક ગુ્રપ્સે થાઇલેન્ડ ટુર પર જવાનું માંડી વાળ્યું છે. ઓન લાઇન હોટલ બુકિંગ ઓર્ડર કેન્સલ કરાવી દીધા છે. એસોસિએશન ઓફ થાઇ ટ્રાવેલ એજન્ટોએ સ્વીકાર્યુ છે કે ઇન્ટરનેટ પર ફેલાઇ રહેલી નકારાત્મક વાતોથી પ્રવાસીઓની સંખ્યા પર ભારે અસર થઇ છે. બેંગ્કોકમાં ૪૪ વર્ષની એક ચાઇનીઝ નર્સે આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ પોતાનો અનુભવ જણાવતા કહયું હતું કે મારા તમામ મિત્રોએ મને કહયું કે હું થાઇલેન્ડ જઉને આવું એ પછી જ બધા આવશે. કેટલાક એ પણ જાણે છે કે ફિલ્મની વાર્તામાં અતિશયોકિત છે તેમ છતાં થાઇલેન્ડ જવાની વાત આવે ત્યારે ડર સતાવી રહયો છે. આજના સમયમાં કોઇ એક ફિલ્મનો આટલો બધો માનસ પ્રભાવ અને સોશિયલ મીડિયા પરની વિપરીત અસર નવાઇ પમાડે તેવી છે. થાઇલેન્ડ સરકારે ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૩થી સળંગ ૫ મહિના સુધી ચીની નાગરિકો માટે થાઇલેન્ડની વીઝા ફ્રી યાત્રાની સુવિધા આપવાની જાહેરાત કરી છે. ચાઇનીઝ ફિલ્મમાં વાસ્તવિકતાનો થોડો આધાર છે પરંતુ દસ્તાવેજીકરણ હોવાનો દાવો કરાય છે તે પ્રકારના કોઇ જ કૌભાંડો થાઇલેન્ડની ધરતી પર થયા નથી એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. થાઇલેન્ડમાં કેટલીક ઘટનાઓ બની છે તેને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સાથે લેવા દેવા નથી. તેમ છતાં ફિલ્મની એક મનો વૈજ્ઞાાનિક અસરે ચીની પ્રવાસીઓના નાનકડા ડરને સુપર ચાર્જ કરી દીધો છે. અફવાઓ એ હદે વધી કે ચીનની રાજધાની બેઇજિંગ સ્થિત થાઇ દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને તમામ પ્રવાસીઓની સુરક્ષા કરવાની ખાતરી આપવી પડી. થાઇલેન્ડ ઉપરાંત કંબોડિયાના ટ્રાવેલ એજન્ટ પણ પરેશાન છે.
એક બ્લોકબસ્ટર ફિલ્મના કારણે લોકોમાં ઉભી થયેલી નકારાત્મક ભાવનાને તોડવામાં ચીનની સરકાર મદદ કરે તેવી માંગ કરી કરી રહયા છે. ચીનના ટ્રાવેલ એજન્ટો પોતાની રણનીતિ બદલીને થાઇલેન્ડના સ્થાને લોકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનું શરુ કર્યુ છે. ફિલ્મમાં ભલે અતિશયોકિત હોય પરંતુ ૨૯ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશ્નર ફોર હ્વુમન રાઇટસ (ઓએચસીએચઆર) ના કાર્યાલયના અહેવાલ અનુસાર મ્યાંમારમાં ઓછામાં ઓછા ૧૨૦૦૦૦ અને કંબોડિયામાં ૧૦૦૦૦૦ લોકોને ગેંગો દ્વારા કપટ કરીને ચલાવવામાં આવતા કોલ સેન્ટર્સમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. લાઓસ, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ સહિતના અન્ય દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા હજારો લોકો માટે ટ્રાન્સિસ્ટ પોઇન્ટ (પરિવહન માર્ગ) બની ગયા છે. ફિલ્મ બહાર પડયા પછી ચીની સમાજ આ મુદ્વે વધુ જાણકારી મેળવવા ઉત્સૂક પણ બન્યો છે.