Get The App

ઇરાન યુધ્ધથી ક્રુડના દરિયાઇ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખતરો કેટલો?

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન યુધ્ધથી ક્રુડના દરિયાઇ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખતરો કેટલો? 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- ભૂતકાળમાં કયારેય બંધ નહી થયેલા હોર્મુઝ જળ માર્ગને બંધ કરવાની ધમકી ઇરાન આપી ચુકયું છે. સાઉદી અરબ, યુએઇ, કુવૈત અને ઇરાક જેવા ઓપેક દેશોના તેલના કુવાઓમાંથી નિકળતા ક્રુડ તેલની 20 ટકા નિકાસ હોર્મુઝ સ્ટ્રેટ થી થાય છે. 

અ મેરિકા, ઇઝરાયલે ઇરાન પર હુમલો કરતા મહાયુધ્ધના મંડાણ થયા છે. અગાઉ ૨૦૨૫માં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ૧૨ દિવસ (૧૩ જૂનથી ૨૪ જૂન) યુધ્ધ ચાલ્યું હતું ત્યાર પછી હવે વૉર પાર્ટ ૨- ૨૦૨૬ના પ્રથમ હુમલામાં જ ઇરાનના સુપ્રિમ લિડર અલી ખોમેનીઇને નિશાન બનાવાયા હતા. અમેરિકાએ સ્પષ્ટ કર્યુ છે કે ઇરાનમાં સત્તા પરિવર્તનથી ઓછું કશું જ ખપતું નથી. ઇરાન મધ્યપૂર્વનો એક શકિતશાળી દેશ છે પરંતુ અમેરિકા, ઇઝરાયેલની ઘેરાબંધી સામે નવી લિડરશીપ કેવી વ્યૂહરચના અપનાવે છે તે મહત્વનું છે. યુધ્ધ લાંબા સમય સુધી ચાલે તો ઇરાનની નજીક આવેલા જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરના જોખમ અંગેની પણ ચર્ચા થવા લાગી છે. હોર્મુઝ ઇરાન અને ઓમાન વચ્ચેનો  સાંકળો દરિયાઇ રસ્તો જે ફારસ અને ઓમાનની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. હોર્મુઝ સ્ટ્રેટ આમ તો સદીઓથી એક મહત્વપૂર્ણ દરિયાઇ વેપાર માર્ગ રહયો છે પરંતુ આધુનિક સમયમાં ક્રુડ ઓઇલ અને ગેસના વેપાર માટેનો ટ્રાંજિક ચેક પોઇન્ટ તરીકે જાણીતો છે. આરબ દેશોની આર્થિક સમૃધ્ધિ ક્રુડ તેલની ઇકોનોમિ પર ટકેલી છે.  વિશ્વમાં સાઉદી અરબ, યુએઇ, કુવૈત અને ઇરાક જેવા ઓપેક દેશોના તેલના કુવાઓમાંથી નિકળતા ક્રુડ તેલની ૨૦ ટકા નિકાસ આ દરિયાઇ માર્ગે  થાય છે. એક માર્કેટ રિસર્ચ કંપનીના ડેટા મુજબ દરરોજ ૨ કરોડ બેરલ ક્રુડ તેલ અને ઇંધણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. લિકિવફૈડ નેચરલ ગેસના (એલએનજી)મોટા ઉત્પાદક દેશો હોર્મુઝ સ્ટ્રેટ પર મહત્તમ નિર્ભર છે. હોર્મુઝ જળમાર્ગની ઉત્તરમાં ઇરાન જયારે દક્ષિણમાં ઓમાન છે. ન કરે નારાયણ જો ઇરાનનું અમેરિકા-ઇઝરાયેલ સાથેનું યુધ્ધ લાંબા સમય સુધી ચાલે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય કે અવરોધાય તો ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય વેપારને ભારે ફટકો પહોંચી શકે છે. ગત ફેબુ્રઆરીમાં ઇરાને શકિત પ્રદર્શનના ભાગરુપે કરેલા સૈન્ય અભ્યાસમાં હોર્મુઝના એક ભાગને થોડાક કલાકો સુધી બંધ કરવાની કવાયત હાથ કરી હતી. ગત વર્ષ જૂન મહિનામાં અમેરિકાએ ઇરાનની ફોર્ડો સહિતના ૩ પરમાણુ સ્થળોએ હુમલા કર્યા પછી ઇરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની ધમકી આપી હતી. આ દરમિયાન ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુધ્ધવિરામની જાહેરાત થયા પછી જ તણાવ ઘટયો હતો. ઇરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના પક્ષમાં મતદાન કર્યું હતું. જો કે આની કાર્યવાહી હાથ ધરવી કે નહી તે સુપ્રીમ નેશનલ સિકયુરિટી કાઉન્સિલ અને સુપ્રીમ લીડર પર છોડયું હતું. 

હોર્મુઝ જળમાર્ગ લગભગ ૧૬૧ કિમી લાંબો છે જયારે તેના સાંકળા બિંદુ પર માત્ર ૩૩ કિમી પહોળો છે. શિપિંગ લેન વિસ્તાર  માત્ર ૩ માઇલ પહોળો છે. આથી માલવાહક જહાજ આ પોઇન્ટ પર આવન જાવન કરે તે દરમિયાન ૩ માઇલથી વધારે દૂર રહી શકતા નથી. હોર્મુઝ સ્ટ્રેટની ઉંડાઇ ૨૦૦ થી ૩૩૦ ફૂટ જેટલી છે જે તેલ ટેન્કરોના આવા ગમન માટે શ્રેષ્ઠ માર્ગ છે. આ જહાજ માર્ગનો મોટો ભાગ ઓમાનના ક્ષેત્રીય જળક્ષેત્ર અને કેટલાક ઇરાનના ક્ષેત્રીય જળક્ષેત્રમાં આવે છે. ઇરાન જહાજ માર્ગોના ઉત્તરમાં જળમરુમધ્યને નિયંત્રિત કરે છે જયારે ઓમાન દક્ષિણમાં જળ મરુમધ્યને નિયંત્રિત કરે છે. હોર્મુઝ સામુદ્રધુની આર્થિક અને સૈન્ય દ્વષ્ટીથી મહત્વના ઇરાની બંદરગાહ અબ્બાસના ઉત્તરી તટ પર છે જેની નજીક ઇરાનના કેશ્મ,હોર્મુઝ, હેંગામ અને લારક દ્વીપ સમૂહો આવેલા છે. કેશમ ફારસ ખાડીનો સૌથી મોટો દ્વીપ છે જે ઇરાની તટની સમાંતર છે. ૧૨૦૦ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવતો આ દ્વીપ અનિયમિત આકૃતિ ધરાવે છે.  યુએઇ પણ આ સામુદ્રધુનીથી પ્રમાણમાં નજીક છે. તેલ સમૃધ્ધ પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડતી એક માત્ર દરિયાઇ ચેનલ છે. હોર્મુઝ  સામુદ્રધુની ઇરાન કે ઓમાન નહી પરંતુ આંતરરાષ્ટ્રીય કાનુન અને યુએનના સમુદ્રી કાનુન સંમેલન (યુએનલોસ) દ્વારા શાસિત છે. ૧૯૮૦માં ઇરાન અને ઇરાક વચ્ચે યુધ્ધ થયું ત્યારે હોર્મુઝ પાસે એક બીજાના ક્રુડ ટેન્કરો પર હુમલા થયા હતા. ટેન્કર યુધ્ધ તરીકે જાણીતી આ ઘટનામાં ૧૦૦થી વધારે ટેન્કરો યુધ્ધની જવાળામાં લપેટાયા હતા. ઇરાને તો કુવૈત અને અન્ય ખાડી દેશોના આવતા ટેન્કરો પણ છોડયા ન હતા.  એ સમયે આંતરરાષ્ટ્રીય નેવી ફોર્સ અને ખાસ તો યુએસએ અને પશ્ચિમી દેશોએ હસ્તક્ષેપ કરીને હોર્મુઝમાં સુરક્ષાની ગેરંટી આપી હતી. બહેરીનમાં ૧૯૯૫થી તૈનાત અમેરિકી-નૌસેનાનો પાંચમો કાફલા સહિત આંતરરાષ્ટ્રીય ફોર્સ પણ સુરક્ષિત આવાગમન માટે નજર રાખે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા  ક્રુડ ઓઇલનો ૮૨ ટકા જેટલો હિસ્સો ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા  એશિયન દેશોમાં જાય છે. આ ચાર દેશો મળીને ૭૦ ટકા જેટલા ક્રુડ ઓઇલનો વપરાશ કરે છે. 

ઇરાન પોતાના દાવા પ્રમાણે આત્મરક્ષણ માટે  સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી કરે તો સઉદી અરબ અને યુએઇ જેવા ખાડી દેશોમાં હાહાકાર મચી શકે છે. નવાઇની વાત તો એ છે કે ઇરાન ખુદ તેલ નિકાસ માટે હોર્મુઝ જળમાર્ગ પર નિર્ભર છે. હોર્મુઝ સ્ટ્રેટ ના માર્ગે ઇરાન સૌથી વધુ તેલ પોતાના મોટા ખરીદાર ચીનને મોકલે છે. હોર્મુઝ ક્રુડ તેલની આવન જાવન જ નહી જીઓ  પોલિટિકસનું પણ કેન્દ્ર રહયું છે. ૨૧ મી સદીમાં  ઇરાન અને અમેરિકી નૌસેના વચ્ચે જલ મરુમધ્યે અનેક વાર ટકકર થઇ છે.દાયકાઓ પહેલા પણ ઇરાન અને પશ્ચિમી શકિતઓ વચ્ચે ભૂ-રાજકીય તણાવનું આ મેદાન રહયું હતું. ૧૦મી થી ૧૭ મી સદી સુધી આ જળમાર્ગ હોર્મુઝ રાજય દ્વારા નિયંત્રિત હતો. હોર્મુઝ એશિયા,આફ્રિકા અને યુરોપ વચ્ચે વૈભવી ચીજવસ્તુઓ માટે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરતું હતું. ૧૦ થી ૧૫ સદીમાં આ પ્રદેશ પ્રાચીન મધ્યયુગીન વેપારનું એક સમૃધ્ધ કેન્દ્ર હતું. પોર્ટુગીઝ અને ઓટ્ટોમન સંઘર્ષ દરમિયાન ઇસ ૧૫૧૫માં પોર્ટુગલોએ હોર્મુઝ પર કબજો કર્યો હતો. ઇરાનના ઓટ્ટોમન સામ્રાજયએ પોર્ટુગિઝોને પડકાર ફેંકતા ૧૫૫૦ સુધીના દાયકામાં વેપાર માર્ગના નિયંત્રણ માટે અનેક વાર ઘર્ષણ થયું હતું. ૧૯ મી સદીમાં બ્રિટને ખાસ કરીને ભારત તરફના વેપાર માર્ગોનું રક્ષણ કરવા માટે પર્સિયન ગલ્ફમાં મજબૂત નૌકાદળ ઉભું કર્યું હતું. આધુનિક યુગમાં ખાસ કરીને બીજા વિશ્વયુધ્ધ પછી ક્રુડના ઉત્પાદન અને વેચાણમાં વધારો થતા આ હોર્મુઝ દરિયાઇ માર્ગનું વૈશ્વિક સ્તરે મહત્વ વધી ગયું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉદી અરબ અને યુએઇએ જેવા ખાડી દેશોએ ક્રુડના વેપાર માટે  હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરવાના વૈકલ્પિક રસ્તો તૈયાર કરવાના પ્રયાસ કર્યા છે. સાઉદી અરબ પાસે ઇસ્ટ-વેસ્ટ ક્રુડ ઓઇલ પાઇપલાઇન છે જેની ક્ષમતા રોજની ૫૦ લાખ બેરલ સુધીની છે. એક અંદાજ મુજબ હોર્મુઝ સ્ટ્રેટ સિવાય પણ દરરોજ ૨૬ લાખ બેરલ મેટ્રિક ટન તેલ પ્રતિ દિન વૈકલ્પિક માર્ગોથી મોકલી શકાય છે. યુએઇ પણ પોતાના ઓનશોર તેલ ક્ષેત્રોને ઓમાનની ખાડીમાં આવેલા ફુજેરા એકસપોર્ટ 

ટર્મિનલને જોડનારી પાઇપલાઇન તૈયાર કરી છે. આથી તે મોટા ભાગનો ક્રુડ જથ્થો ફૂજેરાહ અમીરાતના માધ્યમથી ડાયવર્ટ કરવામાં સક્ષમ છે. ફૂજેરાહ એક માત્ર એવું અમીરાત જે ફારસની ખાડી નહી પરંતુ અરબસાગરના તટ પર છે. આની સમગ્ર તટરેખા મુસંદમ પ્રાયદ્વીપ (દક્ષિણ પૂર્વી અરબનો છેડો)ના પૂર્વી ભાગમાં ઓમાનની ખાડી પર આવેલી છે. ૧૩૦૦ ચોરસ કિમી ક્ષેત્રફળ અને  અને ૨.૩૬ લાખની વસ્તી ધરાવતા ફૂજેરાહ અમીરાતના ફૂજેરાહ શહેરમાં નાનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક પણ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો વિકલ્પ સાઉદી અરબ અને ઓમાન પાસે છે પરંતુ મધ્ય પૂર્વ, યુરોપ અને આફ્રિકાની સાથે ભારતનો મોટો સમુદ્રી વેપાર આ માર્ગથી જ થાય છે. ભારતમાં રોજ ક્રુડની ખપત અંદાજે ૫.૫ મિલિયન બેરલની છે. જેમાંથી ૧.૫ મિલિયન બેરલ તેલ  સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગેથી આવે છે. નિષ્ણાતો માને છે કે હોર્મુઝ અંગે એક વાત નોંધવા જેવી છે કે ભૂતકાળમાં ભલે આ હોર્મૂઝ જળમાર્ગ ભલે કયારેય બંધ થયો ના હોય પરંતુ જો યુધ્ધ લાંબું ચાલે અને શાંતિમાર્ગે ઉકેલ ના નિકળે તેવા સંજોગોમાં  યુએસ- ઇઝરાયેલને પોતાની સરહદ નજીક આવતા રોકવા ઇરાન હોર્મુઝનો શોર્ટ કટ વિચારી શકે છે. ઇરાને સાઉદી  અરબ, બહેરિન, કતાર સહિત  ૮થી વધુ દેશોને  ટુંકા અંતરની  મિસાઇલો અને ડ્રોન વડે ટાર્ગેટ કર્યા છે. ગલ્ફમાં સૈન્ય જમાવડા પરથી લાગે છે કે મીડલ ઇસ્ટમાં અમેરિકાએ ઇઝરાયેલને સાથે રાખીને લાંબા અને પરિણામલક્ષી યુધ્ધની અભૂતપૂર્વ તૈયારીઓ કરી છે.  સમગ્ર જોતા ઇરાન હોર્મુઝના જહાજ આવન જાવનના સાંકળા ભાગની નાકાબંધી કરે તો પણ હોર્મુઝની સમગ્ર પહોળાઇને લાંબા સમય સુધી અવરોધવી ઇરાન માટે પડકારજનક છે. રશિયા કે ચીન ઇરાનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ આપશે તો નવેસરથી ઉઠેલી અશાંતિની જવાળાઓ મધ્ય પૂર્વ નહી સમગ્ર વિશ્વને દઝાડતી રહેશે.