રોમાનિયાના ચૂંટણી પરિણામોએે યુરોપિયન યુનિયનની લાજ રાખી
- મીડ વીક- હસમુખ ગજજર
- મધ્યમમાર્ગી ડેનના સ્થાને જો દક્ષિણપંથી સિમિયોન ચુંટણી જીત્યા હોતતો ઇયુ અને નાટો સભ્ય તરીકે રોમાનિયાની ભૂમિકા બદલાઇ જવાની હતી
દ ક્ષિણ પૂર્વ યુરોપમાં કાળા સમુદ્રના કાંઠે બલ્ગેરિયા અને યુક્રેન વચ્ચે આવેલા રોમાનિયા દેશમાં તાજેતરમાં યોજાયેલી ચુંટણીના પરિણામો યુરોપિયન દેશોને રાહત પહોંચાડનારા છે. આમ તો દરેક દેશમાં ચુંટણી યોજાવી અને સરકાર રચાવીએ જે તે દેશની આંતરિક બાબત છે પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે વણથંભ્યું યુદ્ધ ચાલી રહયું છે ત્યારે રોમાનિયાનું નેતૃત્વ કોના હાથમાં આવે છે તે મહત્વનું હતું. ૧.૯૦ કરોડની વસ્તી ધરાવતું રોમાનિયા યુરોપિયન સંઘ (ઇયુ) માં સૌથી વધુ દેવું ધરાવે છે. રોમાનિયા દુનિયાના સૌથી મોટા મિલિટરી અને રાજકિય સંગઠન નોર્થ એટલાન્ટિક ટ્રીટ્રી ઓર્ગેનાઇઝેશન (નાટો) નું પણ સભ્ય છે. રોમાનિયાના માધ્યમથી યુરોપના દેશો યુક્રેનને મદદ કરતા રહયા છે. પાડોશી દેશ યુક્રેનના ફાઇટર વિમાન પાયલોટને રોમાનિયામાં પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. આથી રશિયા જાણતું હતું કે રોમાનિયામાં પોતાની તરફેણ કરતું શાસન આવે તે જરુરી છે. રોમાનિયાના મધ્યમમાર્ગી નેતા અને બુખારેસ્ટના મેયર નિકુસોર ડેનનો મુકાબલો 'એલાયન્સ ફોર ધ યુનિયન ઓફ રોમાનિયન્સ'ના સ્થાપક જયોર્જ સિમિયન સાથે થયો હતો. ડેનના યુરોપ અને પશ્ચિમ તરફી ઝુકાવ અને પ્રતિ સ્પર્ધીઓના અતિ રાષ્ટ્રવાદી વલણ ચુંટણીનો મુખ્ય મુદ્વો હતો. છેવટે કટ્ટર દક્ષિણપંથી સિમિયોનને હરાવીને રોમાનિયાના ચાર પક્ષો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી, સેવ રોમાનિયા યુનિયન પાર્ટી, નેશનલ લિબરલ પાર્ટી અને રોમાનિયામાં હંગેરીના ડેમોક્રેટિક એલાયન્સની ભાગીદારી સાથે નિકુસોર ડેન રોમાનિયાના ૬માં રાષ્ટ્રપતિ બન્યા છે.
રોમાનિયાની ચુંટણી ગત વર્ષના અંતમાં પણ આયોજીત થઇ હતી પરંતુ રશિયન હસ્તક્ષેપની આશંકાના પગલે રોમાનિયન ન્યાયાલય દ્વારા ચુંટણી રદ કરી સમગ્ર ચુંટણી પ્રક્રિયા ફરીથી ચલાવવાનો આદેશ કર્યો હતો. એ સમયે કટ્ટર દક્ષિણપંથી અને રશિયા સમર્થક ૬૨ વર્ષના ઉમેદવાર કાલિન જયોર્જેસ્કુ રાષ્ટ્રપતિની ચુંટણીમાં જીતના મજબૂત દાવેદાર ગણાતા હતા. એક સમયે જુડોમાં બ્લેક બેલ્ટ અને મેરેથોન દોડેલા આ નેતાને ચુંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધુ મત મળ્યા હતા. રોમાનિયામાં પોતાને અનુકૂળ અને યુરોપિયન યુનિયન વિરોધી સરકાર રચાય તે માટે રશિયા ડખલગીરી કરતું હોવાનો પશ્ચિમી દેશોએ આક્ષેપ કર્યો હતો. રશિયાએ ભલે આક્ષેપો ફગાવી દીધા હોય પરંતુ રોમાનિયાની સર્વોચ્ચ અદાલત દ્વારા ચુંટણી રદ્દ ના થઇ હોતતો કદાંચ રશિયા તરફનો ઝોક ધરાવતા અને નાટો-ઇયુના ઘોર વિરોધી કાલિન જયોર્જેસ્કુને રોમાનિયાના રાષ્ટ્રપતિ બનવાની ઉજળી તક હતી. એ સમયે ચુંટણી રદ થતા રોમાનિયામાં કેટલાક સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા એટલું જ નહી હિંસક રેલીઓ પણ થઇ હતી. ૬ મહિના પછી હમણાં મે મહિનાની શરુઆતમાં ફરી ચુંટણી યોજાઇ જેમાં જયોર્જેસ્કુના સ્થાને ૩૮ વર્ષિય કટ્ટર દક્ષિણપંથી જર્યોજ નિકોલે સિમિયોન ગઠબંધન તૈયાર કરીને ચુંટણી મેદાનમાં ઉતર્યા હતા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૬માં જન્મેલા જર્યોજ નિકોલે સિમિયોને તેમના શૈક્ષણિક વર્ષો દરમિયાન રોમાનિયન ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપતા વિધાર્થી સંગઠનોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. બુકારેસ્ટ યુનિવર્સિટીમાં બિઝનેસ અને એડમિનિસ્ટ્રેશન ફેકલ્ટીમાં અભ્યાસ કરનારા આ જમણેરી યુવા ઉમેદવાર ચુંટણી પ્રચારમાં ઇયુની નીતિઓને વાહિયાત ગણાવીને યુક્રેનને લશ્કરી સહાયમાં કાપ મુકવા પર ભાર મુકતા હતા. મધ્ય અને પૂર્વી યુરોપના ગરીબ દેશના પરંપરાગત મુલ્યો, ઇસાઇ પરંપરા અને રુઢિવાદી ચર્ચ પર પણ ભાર મુકયો હતો. રોમાનિયાને ઇયુ અને નાટો ઉપરાંતની પણ દુનિયામાં ઓળખ હોય તેવી વિચારસરણી રજૂ કરી હતી.
બંને પક્ષોના ધુંવાધાર પ્રચાર પછી ૪ મેના રોજ પ્રથમ તબક્કાની ચુંટણીમાં પણ સિમિયન આગળ રહયા હતા પરંતુ બીજા તબક્કાની ચુંટણીના પરિણામો મધ્યમમાર્ગી નિકુસોર ડેનની ફેવરમાં રહયા હતા. ડેનના ગઠબંધનને અંદાજે ૫.૮૫ મિલિયન મતોથી પણ વધુ મત મેળવીને વિજય પતાકા લહેરાવી હતી. આ સાથે ડેન માટે રાષ્ટ્રપતિની ખુરશી સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. બ્રાસોવ કાઉન્ટીના ફાગારાસમાં જન્મેલા અને બુકારેસ્ટ યુનિવર્સિટીમાં ગણિતનો અભ્યાસ કરનારા નિકુસોર ડેને ૧૯૮૭ અને ૧૯૮૮માં ગણિત ઓલિમ્પિયાડ્સમાં સુવર્ણચંદ્રક જીતીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી. પેરિસ યુનિવર્સિટીમાંથી પીએચડી ડિગ્રી મેળવીને ડેન ફ્રાંસથી રોમાનિયા પાછા ફર્યા ત્યારે તેમણે આરએનએસબી નામની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થાનો હેતું સૌથી પ્રતિભાશાળી રોમાનિયન વિધાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધનો માટે માર્ગદર્શન આપવાનો હતો. ૨૦૧૫માં ડેને સેવ બુકારેસ યુનિયનની સ્થાપના કરી હતી જેનો હેતું ભ્રષ્ટાચારનો વિરોધ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો હતો. એક વર્ષ પછી તેમણે સેવ રોમાનિયન યુનિયનની સ્થાપના કરી પરંતુ ૨૦૧૭માં મતભેદના પગલે પાર્ટીમાંથી રાજીનામુ આપીને મધ્યમાર્ગી અને પ્રગતિશીલ અભિગમ પસંદ કર્યો હતો. ડેને ૨૦૨૦માં બુકારેસ્ટના બીજા સ્વતંત્ર મેયર તરીકે ચુંટાયા તે પહેલા ૨૦૧૬થી ચેમ્બર ઓફ ડેપ્યુટીઝમાં સેવા આપી હતી. બુકારેસ્ટના મેયર તરીકે તેમણે જાહેર માળખાગત સુવિધાઓ અને પારદર્શિતા પર ધ્યાન આપ્યું હતું. રોમાનિયાના રાષ્ટ્રપતિ ઇયુમાં વિટો પાવર ધરાવે છે. રાષ્ટ્રપતિ નવા પ્રધાનમંત્રીની નિયુકિત કરવાનો પણ અધિકાર ધરાવે છે. મધ્યમમાર્ગી ડેનના સ્થાને જો દક્ષિણપંથી પ્રતિસ્પર્ધી સિમિયોન ચુંટણી જીત્યા હોતતો ઇયુ અને નાટો સભ્ય તરીકે રોમાનિયાની ભૂમિકા બદલાઇ જવાની હતી. રોમાનિયા નાટોનું સભ્ય દેશ છે માટે જો રશિયન
સમર્થક સિમિયોન જીત્યા હોતતો રોમાનિયાનો ઝુકાવ રશિયા તરફી રહયો હોત એમાં શંકાને સ્થાન નથી. આથી જ તો રોમાનિયાની ચુંટણીનું પરિણામ યુરોપમાં ઉદારમતવાદી મૂલ્યોની ફરી સ્થાપના તરીકે જોવામાં આવી રહ્યું છે. રોમાનિયાના લોકોએ લોકતંત્ર, કાયદાનું શાસન પસંદ કર્યુ હોવાની ઇયુએ પ્રતિક્રિયા આપી છે. ૪ મે ના રોજ ચુંટણીના પહેલા તબક્કાનું ૫૩ ટકા જેટલું મતદાન થયું જેમાં રશિયન સમર્થક કટ્ટરપંથી સિમિયોનના ૪૦ ટકા મતો સાથેના સારા દેખાવથી યુરોપિયન સંઘના સમર્થકોમાં ચિંતા વ્યાપી હતી. બીજા તબક્કામાં થયેલા ૬૪ ટકા જેટલા ભારે મતદાનથી પાસુ પલટાઇ ગયું હતું. સિમિયોનના સ્થાને નિકોસેર ડેનના ભવ્ય વિજયે યુરોપિયન યુનિયનની લાજ રાખી હતી. સિમિયોન અને ડેનનો મુકાબલો એટલો અણધાર્યો હતો કે ૬ મહિના પહેલા આની કોઇએ કલ્પના પણ કરી ન હતી.જો કે એલાયન્સ ફોર ધ યુનિયન ઓફ રોમાનિયનના સંસ્થાપક અને અધ્યક્ષ સિમિયોનના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધને તાજેતરના ચુંટણીના પરિણામોને ફગાવી દીધા છે. રોમાનિયાઇ રાજનીતિજ્ઞાો પર ફ્રાંસ જેવી યુરોપની વિદેશી શકિતઓનો હાથો બનવાનો આરોપ લગાવ્યો હતો. મતદાનમાં ગેરરિતીને રાજકીય કટોકટી સાથે સરખાવીને કાનુની મદદ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ થયા નહી. ચુંટણી હારેલા વિપક્ષી ગઠબંધનના નેતા સિમિયોન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશંસક રહયા છે પરંતુ ટ્રમ્પે ઉગતા સૂર્ય સમાન નિકુસોર ડેન સાથે ફોન પર વાત કરીને અમેરિકા આવવાનું નોતરુ પણ આપી દીધું છે. રોમાનિયાઇ ક્ષેત્રમાં અમેરિકાના પણ કેટલાક સામરિક હિત રહેલા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ પણ ડેનને અભિનંદન આપીને રોમાનિયાને મહત્વનું વિશ્વસનિય ભાગીદાર ગણાવ્યું છે. બાલ્કન દેશોમાં સૌથી મહત્વનું ગણાતું રોમાનિયા ૩૫૧ બિલિયન ડોલરનો જીડીપી ધરાવે છે. પ્રતિ વ્યકિત આવક ૪૭૦૯૩ ડોલર જેટલી છે. રોમાનિયા ૧૯૯૦ના દાયકા સુધી સોવિયત સંઘ રશિયાના કોમ્યુનિઝમના પ્રભાવમાં રહયું હતું. વર્તમાન ચુંટણીમાં ભલે દક્ષિણપંથી શકિતઓનો પરાભવ થયો હોય પરંતુ ગ્લોબલ રાજનીતિમાં રચ્યા પચ્યા રહેતા ઇયુ અને નાટો સાથે રહેવા સામે લોકોનો અણગમો વધતો જાય છે. રોમાનિયા પોતાની આગવી ઓળખ અને અસ્મિતા માટે જાગી રહયું છે એમાં શંકાને સ્થાન નથી.