Get The App

કાલિનિનગ્રાદ નાટો અને રશિયા વચ્ચે સમરાંગણ બનશે?

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
કાલિનિનગ્રાદ નાટો અને રશિયા વચ્ચે સમરાંગણ બનશે? 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- એવું માનવામાં આવે છે કે અમેરિકી સેના અને નાટો સહયોગીઓએ ઇસ્ટર્ન ફલેંક ડિટરેંસ લાઇન નામની એક નવી રક્ષા હરોળ શરુ કરી છે જેનો હેતુ રશિયાના કાલિનિનગ્રાદ ક્ષેત્ર પર કબ્જો મેળવવાનો છે. 

બા લ્ટિક સાગરના દક્ષિણ કાંઠે ૧૫૧૦૦ ચોરસ કિમી વિસ્તાર ધરાવતું કાલિનિનગ્રાદ નામનું ક્ષેત્ર આવેલું છે.  રશિયાનું એક એવું સ્થળ જે યુરોપ અને નાટો દેશોની દરિયાઇ અને જમીન સરહદથી સાવ નજીક પડે છે. રશિયાની સરહદથી ૩૦૦ કિમી દૂર આવેલા આ કાલિનિનગ્રાદમાં જળમાર્ગે જઇ શકાય છે. રશિયાએ પોતાના કાલિનિનગ્રાદમાં જમીન માર્ગે જવું હોયતો બેલારુસ, લિથુઆનિયા  કે પોલેન્ડમાંથી પસાર થવું પડે છે. આ ૩ દેશોમાંથી પોલેન્ડ અને લિથુઆનિયા 'નાટો' દેશ છે. નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) ૩૨ દેશોના મિલિટરી સંગઠનનું નામ છે જેની સ્થાપના ૧૯૪૯માં મોટે ભાગે રશિયાને પડકારવા માટે થઇ હતી. આંતરિક પ્રશાસન માટે દરેક દેશને પ્રાંત, પ્રોવિન્સ કે રાજય હોય છે એવી જ રીતે કેટલાક પૂર્વ સોવિયત સંઘ દેશોમાં 'ઓબ્લાસ્ટ' એવો શબ્દ પ્રયોજવામાં આવે છે. રશિયામાં પણ આજે  વિવિધ પ્રશાસનિક એકમોને ઓબ્લાસ્ટ્સ કહેવામાં આવે છે. રશિયાનું કાલિનિનગ્રાદ ઓબ્લાસ્ટ એક એવું વિશિષ્ટ સ્થાન જે એકસક્લેવ પણ છે. એકસક્લેવ એટલે કોઇ પણ રાજય કે જિલ્લાનો કોઇ એવો હિસ્સો જે ભૌગોલિક રીતે મુખ્યભાગથી કેટલાક વિદેશી ક્ષેત્રો દ્વારા અલગ પડે છે. કાલિનિનગ્રાદ ઓબ્લાસ્ટનો મોટો ભાગ પ્રગોલ્યા નદી અને તેની સહાયક નદીઓના બેસિનમાં વસેલો છે. ૧૯૯૧માં સોવિયત સંઘના ગણરાજયોનું વિઘટન થતા કાલિનિનગ્રાદ ઓબ્લાસ્ટ એક ખરા અર્થમાં એકસકલેવ બન્યું હતું. રશિયાએ કાલિનિનગ્રાદમાં વસ્તુઓના મોટા પાયે સપ્લાય માટે યુરોપીય સંઘ પર નિર્ભર રહેવું પડે છે. અવર જવર અને માલસામાનની હેરફેર માટે બેલારુસ અને લિથુઆનિયામાંથી પસાર થતી ૬૧૮ કિમી લાંબી રેલવે લાઇન પર મદાર રાખે છે.  હેરફેરમાં મુખ્યત્વે કોલસો, કોન્ક્રીટ અને લાકડા સહિતની વસ્તુઓનો સમાવેશ થતો રહયો છે. ૨૦૨૨માં યુક્રેન યુધ્ધ શરુ થયા પછી લિથુઆનિયાએ આવન જાવન પર પ્રતિબંધ મુકયો હતો. નાટો  દેશોથી ઘેરાયેલો આ એક એવો વિસ્તાર જેનો રશિયાએ ખૂબ મુશ્કેલીથી સંપર્ક રાખવો પડે છે. કાલિનિનગ્રાદ રશિયાનું આ એક માત્ર બરફમુકત યુરોપીય પોર્ટ પણ છે. કાલિનિનગ્રાદમાં બટાટા, શાકભાજી, વિવિધ અનાજ અને દૂધાળા પશુઓ ગ્રામીણ વસાહતીઓની આજીવિકા માટે મહત્વના છે. દરિયાકાંઠે લોકોનો મુખ્ય વ્યવસાય માછલી પકડવાનો છે. શહેરી વિસ્તારોમાં મુખ્ય તો એન્જિનિયરિંગ ઉધોગ,ધાતુ અને કાગળ લૂગદીનું નિર્માણ થાય છે. ૨૨૩ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા કાલિનિનગ્રાદ શહેરમાં રહેવાવાળા મોટા ભાગના રશિયન છે. થોડાક યુક્રેનિયન, બેલારુસિયન, લિથુઆનિયાઇ અને જર્મન પણ વસે છે. કાલિનિનગ્રાદ ઓબ્લાસ્ટનું કાલિનિનગ્રાદ એક એવું શહેર છે જે પોતાના દેશના ભૂમિ વિસ્તારની બહાર છે. આવું જ એક નખચિવન નામનું અઝરબેઝાનનું શહેર છે જે છેક આર્મેનિયામાં છે. 

યુરોપના મધ્યયુગમાં અહીંયા પ્રેશિયાનો ત્વાંગસ્તે નામનો કસ્બો હતો.૧૨૫૫માં ઉત્તરી ક્રુસેડસ દરમિયાન ટીટોનિક નાઇટસ દ્વારા અહીં એક નવો કિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ વસાહત પ્રેશિયાના ડચી અને પૂર્વી પ્રશિયા જર્મનીનું મુખ્ય મથક બન્યું હતું. બીજા વિશ્વયુધ્ધ પછી ૧૯૪૬માં અમેરિકા અને બ્રિટને પોટસડેમ સંધી હેઠળ આ ક્ષેત્ર રશિયાને સોંપ્યું હતું. અગાઉ આ સ્થળનું જર્મન નામ કોનિગ્સબર્ગ હતું જે બદલીને સોવિયત સંઘ (રશિયા)એ કાલિનિનગ્રાદ આપ્યું હતું. આ નામ બોલ્શેવિક ક્રાંતિકારી મિખાઇલ કાલિનિનના નામ પરથી પડયું છે. કેલિનિને ૧૯૧૯ થી ૧૯૪૬ સુધી સોવિયત સંઘના રાજય પ્રમુખ તરીકે કામ કર્યુ હતું. બીજા વિશ્વયુદ્ધ પછી કાલિનિનગ્રાદ રશિયાનો વિશિષ્ટ ભાગ બનતા જર્મન નાગરિકોને અહીંથીે ભાગવા મજબૂર કરીને રશિયનોને લાવવામાં આવ્યા હતા. કાલિનિનગ્રાદ શીતયુધ્ધના સમયમાં સોવિયત સંઘ (રશિયા)એ અમેરિકા અને સહયોગી નાટો દેશોને ડારો દેખાડવા એક વ્યૂહાત્મક સ્થળ તરીકે ખૂબ ઉપયોગ કર્યો હતો. ૨૦૧૨માં વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા પછી કાલિનિનગ્રાદ વિદેશનીતિ અને ઘરેલું નીતિઓનું પ્રદર્શન સ્થળ બની ગયું છે. કાલિનિનગ્રાદમાં સીધા મોસ્કોથી થતા આદેશોનું જ પાલન થાય છે. યુક્રેન યુધ્ધ પછી પશ્ચિમ વિરુધ રશિયાના રક્ષણાત્મક ક્ષેત્ર તરીકે કાલિનિનગ્રાદ હુકમના એક્કા સમાન છે. કાલિનિનગ્રાદ યુરોપમાં સૌથી મોટી સૈન્ય હિલચાલવાળા ક્ષેત્રમાનું એક ગણાય છે. કાલિનિનગ્રાદ રશિયા માટે બાલ્ટિક સાગર તરફ સીધી દેખરેખ રાખવાનો બીજો મહત્વનો રસ્તો છે. બાલ્ટિકસાગરમાં રશિયાના સૈન્ય કાફલાનું મુખ્યાલય અને મુખ્ય સૈન્ય અડ્ડો આ કાલિનિનગ્રાદ ઓબ્લાસ્ટમાં છે. રશિયા કાલિનિનગ્રાદ ક્ષેત્રમાં પોતાના સૈનિકોની ટુકડીઓ રાખે છે. જયાં પણ જરુરી હોય ત્યાં સૈન્ય અભિયાનો માટે અહીંથી સૈન્ય રસાલો મોકલાય છે. નેવીનો કાફલો ચોકી ભરતો આગળ વધતો રહે છે. 

યુક્રેને કુર્સ્ક ક્ષેત્ર પર  કબ્જો કરતા રશિયાએ કાલિનિનગ્રાદથી સૈનિકોને નવેસરથી ગોઠવવાની ફરજ પડી હતી. રશિયાએ પોતાની ટુંકા અંતરની ઇસ્કંજર મિસાઇલો કાલિનિનગ્રાદ ગોઠવેલી છે. અંદાજે ૯૩૯૮૮૭ લોકોની વસ્તી ધરાવતું કાલિનિનગ્રાદ ઓબ્લાસ્ટ કોઇ સાધારણ રશિયન ક્ષેત્ર નથી. મોસ્કોના સૌથી પશ્ચિમી ક્ષેત્ર હોવાના નાતે આ બાલ્ટિક સાગરમાં શકિત સંતુલન માટે રણનીતિક ચોકી તરીકે કામ કરે છે. પહેલેથી જ અહીં મિસાઇલ પ્રણાલીઓ, રડાર સ્ટેશનો અને મજબૂત સૈન્ય બુનિયાદી માળખાનું એક મજબૂત નેટવર્ક છે. ૨૦૧૩માં રશિયાએ કાલિનિનગ્રાદમાં પરમાણુ શસ્ત્રો છુપાવ્યા હોવાનો અહેવાલ પ્રગટ થતા દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. તાજેતરમાં પ્રગટ થયેલા એક અહેવાલ અનુસાર રશિયા કાલિનિનગ્રાદમાં એક જાસુસી અડ્ડો બનાવી રહયું છે. ઉપગ્રહથી મળતા ચિત્રમાં શીતયુધ્ધ સમયના એક ગોળાકાર પરિસરની રચના થતી દેખાય છે જે પોલેન્ડ અને જર્મની જેવા નાટો દેશોની સંચાર સિસ્ટમમાં વિક્ષેપ પાડવા સક્ષમ છે. આજના ઇલેકટ્રોનિક યુધ્ધમાં આવા પરિસરનો  ઉપયોગ રેડિયો સિગ્નલ અવરોધીને શત્રુ સૈન્યની ગતિવિધિઓ પર નજર રાખવામાં થાય છે. 

યુક્રેન -રશિયા યુધ્ધની સાથે સમયાંતરે કાલિનિનગ્રાદ પણ ચર્ચામાં રહે છે.એવું માનવામાં આવે છે કે અમેરિકી સેના અને નાટો સહયોગીઓએ ઇસ્ટર્ન ફલેંક ડિટરેંસ લાઇન નામની એક નવી રક્ષા પ્રણાલી શરુ કરી છે જેનો હેતું રશિયાના કાલિનિનગ્રાદ ક્ષેત્ર પર કબ્જો મેળવવાનો છે. ગત જુલાઇ મહિનામાં અમેરિકી સેનાના યુરોપ અને આફ્રીકાના કમંાડર જનરલ ક્રિસ્ટોફરે ડોન્હ્યુએ નાટો સૈન્ય રશિયાના કાલિનિનગ્રાદ પર હુમલો કરીને કબ્જો કરી શકે છે એવી ચેતવણી આપી હતી. 

રશિયા પણ નાટો સેનાએ હુમલો જો કર્યો તો તે ત્રીજા વિશ્વયુધ્ધની શરુઆતનું નિમિત્ત બનશે એવી તીખી પ્રતિક્રિયા આપી હતી એટલું જ નહી રશિયાની સંસદિય સમિતિના અધ્યક્ષ અને લિયોનિંદ સ્લેટ્સ્કીએ તો કાલિનિનગ્રાદના હુમલાને રશિયા પરનો હુમલો ગણીને જરુર પડે પરમાણુ વિકલ્પ ખુલ્લો રાખવાની સાફ વાત કરી હતી. નાટો અને પશ્ચિમી દેશોને ડર છે કે કાલિનિનગ્રાદ ઓબ્લાસ્ટનો ઉપયોગ રશિયા યુરોપ પર હુમલો કરવા માટે કરી શકે છે. આમ બંને પક્ષોને એક બીજાનો ડર છુપાએલો છે. આ એક વ્યૂહાત્મક ભૂભાગ (એકસકલેવ)ના ઓથા હેઠળ રશિયા સુવાલ્કી ગેપ ઉપર પણ કબ્જો કરી શકે છે. અંદાજે ૬૦ માઇલ પહોળી આ દુગર્મભૂમિ પટ્ટી બાકીના નાટો દેશોને બાલ્ટિક દેશો સાથે જોડે છે. સંરક્ષણની દ્વષ્ટીએ આ કોરિડોર અત્યંત સંવેદનશીલ છે.નિષ્ણાતોનું માનવું છે કે માનો કે યુક્રેન યુદ્ધ શાંત પડવાના સ્થાને અવિરત ચાલતું રહે તો રશિયાને રોકવા નાટો માટે પહેલું સમરાંગણ કાલિનિનગ્રાદ બની શકે છે. યુક્રેન સમર્થક અને નાટો સદસ્ય એવા પોલેન્ડ દેશે ગત જૂનમાં ક્રાકો સ્થિત રશિયન વાણીજય દુતાવાસને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. રશિયાએ પણ હવે કાલિનિનગ્રાદમાં પોલેન્ડના વાણીજય દુતાવાસને બંધ કર્યુ છે. રશિયાનું વલણ સ્પષ્ટ છે કે તે કોઇ પણ સંજોગોમાં કાલિનિનગ્રાદ પરનો કબ્જો છોડશે નહી.રશિયાનો એક એવો બાહિય હિસ્સો જ દેશની ભૂમિથી જોજન દૂર હોવા છતાં નાટો સામે ચેસના વજીરની જેમ કામ આવી રહયો છે.કાલિનિનગ્રાદ પર જો નાટો દેશ હુમલો કરે તો ત્રીજા વિશ્વયુધ્ધને કોઇ અટકાવી શકે નહી. આથી જ તો યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ થાળે પડે અને ટકાઉ શાંતિના દ્વાર ખૂલે એના પર મોટો મદાર રહેલો છે. 

Tags :