Get The App

પૃથ્વીની ભૂગોળ બગાડતા-બદલતા રહેતા જવાળામુખી વિસ્ફોટની ઘટનાઓમાં ડોકિયું

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
પૃથ્વીની ભૂગોળ બગાડતા-બદલતા રહેતા જવાળામુખી વિસ્ફોટની ઘટનાઓમાં ડોકિયું 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- તાજેતરમાં ઇથોપિયાના અફાર પ્રદેશમાં હાયલી ગુબી નામનો જવાળામુખી 10 હજાર વર્ષ પછી જાગ્યો હતો. આ જવાળામુખી લાંબા સમય કરતા પણ 4500 કિમી દૂર સુધી ઉડેલી રાખ અને આકાશમાં છવાયેલા કાળા વાદળોના લીધે વધુ ચર્ચામાં છે

આ મ તો જવાળામુખી વિસ્ફોટની કુદરતી ઘટનાઓ બનતી રહે છે પરંતુ થોડાક સમય પહેલા ઇથોપિયાના અફાર પ્રદેશમાં 'હાયલી ગુબી' ૧૦ હજાર વર્ષ પછી જાગ્યો હતો. સ્મિથ સોનિયન ઇન્સ્ટિટયૂશનના ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામે પુષ્ટિ આપી હતી કે ૧૨૦૦૦ વર્ષ પહેલાના હોલોસીન સમયગાળા સુધીમાં આ જવાળામુખીની કોઇ  સક્રિયતા જોવા મળી ન હતી. હાયલી ગુબી તેના લાંબા સમય કરતા પણ ૪૫૦૦ કિમી દૂર સુધી ઉડેલી રાખ અને આકાશમાં છવાયેલા કાળા વાદળોના લીધે વધુ ચર્ચામાં છે. વિસ્ફોટની અસરથી ૨૪ નવેમ્બરે રાખના ઘાટા વાદળ લાલ સાગરને પાર કરીને યમન,ઓમાન અને પાકિસ્તાન થઇને ભારતના આકાશમાં છવાયા હતા. જેટ સ્ટ્રીમ તરીકે ઓળખાતી ઉપરની સપાટી પરની તેજ હવાના લીધે આનો ફેલાવો ૫૪ લાખ વર્ગ કિલોમીટરથી પણ વધુ હતો. રાખના વાદળો વાયુમંડળમાં ૧૦ થી ૧૫ કિમી ઉંચાઇએ હતા પરંતુ આપણે જે હવામાં શ્વાસ લઇએ છીએ તેને ૧૦ થી ૨૦ મીટર ઉપરથી માપવામાં આવે છે આથી જમીન પર રાખના વાદળોની કોઇ પ્રદૂષિત અસર વર્તાઇ નહી.

જો કે ખૂબ ઉંચાઇએ ઉડતા વિમાનોના એન્જીનમાં રાખ કાંચની જેમ ચોંટી જવાની શકયતા રહેતી હોવાથી અનેક ફલાઇટસ રદ કરવાની કે સમય રુટમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.જવાળામુખીની પ્રચંડ કુદરતી તાકાત સામે વિજ્ઞાન પણ  લાચાર જણાય છે.જવાળામુખી કે ભૂકંપની સચોટ આગાહી કરવી હજુ પણ શકય નથી તેમ છતાં  કેટલાક સંકેતોના આધારે ઇથિપિયામાં શકિતશાળી વિસ્ફોટ થશે એવું અમૂક નિષ્ણાતો માનતા હતા. ઇથોપિયામાં છેલ્લા પાંચ મહિનામાં ૪ થી વધુની તિવ્રતાવાળા ૨૦૦ થી વધુ ભૂકંપ નોંધાયા હતા.  વર્ષ ૨૦૨૫ની શરુઆતમાં ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી ૧૬૫ કિમી દૂર ઉત્તર પૂર્વમાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં સેંકડો લોકો માઉન્ટ ડોફાન પર્વત પરથી નીકળતા ધૂમાડા અને ઉંચે ચડતા અગ્નિગોળાથી ગભરાઇને રહેઠાણ છોડવા લાગ્યા હતા. ફરતા થયેલા વીડિયોમાં જવાળામુખી ફાટવાના સંકેતો જણાતા હતા.હમણાં હાયલી ગુબી જવાળામુખી વિસ્ફોટ થયો તે અફારક્ષેત્ર વિશ્વમાં સક્રિય જવાળામુખી ક્ષેત્રોમાંનું એક ગણાય છે જે ગ્રેટ રિફટ વેલીના ભૂગર્ભીય રુપના સક્રિય ક્ષેત્રમાં આવે છે. અહીંયા છેલ્લા ૮૦૦ વર્ષમાં અનેક ભૂકંપ અને જવાળામુખીઓ ફાટવાની ઘટનાઓ બનેલી છે. ઇસ ૧૨૫૦ થી ૧૮૨૦ દરમિયાન બે મોટા જવાળામુખી વિસ્ફોટ થયા હતા. છેલ્લા કેટલાક સમયથી અફાર પ્રદેશના ભૂકંપગ્રસ્ત વિસ્તાર અવશ ફેન્ટલની આસપાસ એક ડઝનથી વધુ ભૂકંપની ઘટનાઓ નોંધાઇ હતી. આ સિસ્મિક  એકટિવિટીના આધારે એક વિશાળ જવાળામુખી વિસ્ફોટ થઇ શકે છે તેવું અનુમાન ૭ માર્ચ ૨૦૨૫ના રોજ શોેધકર્તા ગેમેચુ બેદાસા ટેફરીએ લગાવ્યું હતું. 

ભૂકંપ કે જવાળામુખીની કુદરતી ઘટના પૃથ્વીની સપાટી નીચે લાખો વર્ષથી ચાલતી એક સતત પ્રક્રિયાનો ભાગ છે જે  પૃથ્વીની ભૂગોળ બદલાવી કે બગાડી નાખે તેવા શકિતશાળી સાબીત થાય છે. પૃથ્વીના ઉંડા ભાગમાંથી આવતી ગરમીના કારણે મેંટલ નિરંતર ગતિશીલ રહે છે. આના પરિણામ સ્વરુપ ગરમ ઠોસ ચટ્ટાન મેંટલથી ઉપર ઉઠીને પૃથ્વીના નબળા પોપડાના સ્થાનોએ ફૂટે છે જેને જવાળામુખી વિસ્ફોટ કહે છે. નિષ્ણાતો માને છે કે  ૨૦૦ મિલિયન વર્ષ પહેલા એક સુપર વોલ્કેનો (મહા શકિતશાળી જવાળામુખી) એટલી તીવ્ર ઉર્જા સાથે ફાટયો હતો કે પૃથ્વી ગ્રહ પરની ૭૫ ટકા પ્રજાતિઓનો નાશ થયો હતો. આ પ્રચંડ વિસ્ફોટે ઉત્તર અમેરિકા અને આફ્રિકાને તોડીને એટલાન્ટિક મહાસાગર બનાવ્યો હતો. ઇસ ૧૮મી સદીમાં મળી આવેલા રોમન શહેર પૉમ્પયાઇ અને હરકયૂલેનિયમ ખંડરો દર્શાવે છે કે આ શહેરો માઉન્ટ વિસૂવિયસના લાવામાં દફન થઇ ગયા હતા. ઇટલીના માઉન્ટ વિસૂવિયસમાં થયેલા વિસ્ફોટની પશ્ચિમી સભ્યતા પર ખૂબજ ઉંડી અસર જોવા મળે છે. ઇસ ૧૮૮૩માં કાક્રાતોઆ જવાળામુખીના વિસ્ફોટે દુનિયામાં ભારે ચર્ચા જગાવી હતી. ૮ મે ૧૯૦૨માં કેરિબિયાઇ ટાપુ માર્ટિનિકમાં માઉન્ટ પેલી જવાળામુખીમાં વિસ્ફોટ થવાથી સેંટ પિયર નામના  શહેરમાં ૨૮ હજાર લોકોના મુત્યુ થયા હતા. આવી જ રીતે ઇસ ૧૮૯૫માં કોલંબિયાના નેવાડો ડેલ રુઇઝ નામના જવાળામુખીના વિસ્ફોટથી ૨૦ હજાર લોકોના જીવ ગયા હતા  એટલું જ નહી પ્રચંડ ગરમીથી ગ્લેશિયર પીગળવા લાગ્યા હતા. 

પૃથ્વી પર 'રીંગ ઓફ ફાયર' એક એવું સ્થળ છે જયાં વિશ્વમાં સૌૈથી વધુ જવાળામુખી અને ભૂકંપ આવે છે. ૪૦ હજાર કિમી લાંબા રિંગ ઓફ ફાયરનો આકાર ઘોડાની નાળ જેવો છે જેની ઉપર રશિયા, જાપાન, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ, ઓસ્ટ્રેલિા,ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, ચિલી, પેરુ, મેકિસકો અને યુએસએના અલાસ્કા તથા કેલિફોર્નિયા અને કેનેડાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. એન્ટાર્કટિકાનો વિસ્તાર પણ રીંગ ઓફ ફાયર હેઠળ જ આવે છે. ૪૫૦થી વધુ જવાળામુખી રીંગ ઓફ ફાયરના કિનારે આવેલા છે. જાપાનનો માઉન્ટ ફૂજી અને ઇન્ડોનેશિયાનો ક્રકટોઆ જવાળામુખી આ ક્ષેત્રમાંથી જ આવે છે. બ્રિટિશ જિયોલોજિકલ સર્વે મુજબ રીંગ ઓફ ફાયર ક્ષેત્રમાં વિશ્વના ૭૫ ટકા જવાળામુખી ૮૦ ટકા જેટલા ભૂકંપ માટે જવાબદાર છે. રીંગ ઓફ ફાયર ક્ષેત્રમાં એક ટેકટોનિક પ્લેટ બીજી પ્લેટ નીચે દબાણ કરે છે. બે પ્લેટો વચ્ચે સંપર્ક બનીને થ્રસ્ટ ફોલ્ટ સાથે સરકવાથી ધરતીકંપ થાય છે. આ ઇન્ટરપ્લેટ પર પૃથ્વી ગ્રહના સૌથી શકિતશાળી ૯ મેગ્ન્ટિયૂટ આસપાસના ભૂકંપ નોંધાયેલા છે. 

યુનાઇટેડ સ્ટેટસમાં ૧૮ મે ૧૯૮૦માં માઉન્ટ સેન્ટ હેલેન્સમાં જવાળામુખી વિસ્ફોટ થયેલો જેમાં ૫૭ લોકોના મોત થયા હતા. માઉન્ટ સેંટ હેલેન્સ જવાળામુખીની સક્રિયતા એક સ્ટડી તરીકે એક આદર્શ લેબ બની ગઇ હતી આથી જ તો મોડર્ન જવાળામુખી વિજ્ઞાનના વિકાસમાં સેન્ટ હેલેન્સનો મોટો ફાળો છે. વિસ્ફોટ પહેલા શિખરની ઉંચાઇ ૯૭૬૦ ફુટ (૨૯૭૫ મીટર) હતી જે વિસ્ફોટ બાદ નવા શિખરની ઉંચાઇ ૮૫૨૫ ફુટ (૨૬૦૦ મીટર) થઇ હતી.  

સવારે ૮.૪૫ વાગે વિસ્ફોટ થયા પછી રાખનો ગુબ્બાર મોસ્કો અને ઇડાહો સુધી પહોંચી ગયો હતો.૧૬ કલાક પછી રાખનો ગુબ્બાર છેક મધ્ય કોલોરાડો સુધી દેખાયો હતો.સેન્ટ હેલેન્સના શ્રેણીબધ્ધ વિસ્ફોટથી મકાનના છાપરા અને ફૂટપાથો પર લાખો ટન રાખના થર જામ્યા હતા. રાખ નદી અને નાળાઓમાં વહીને કોલંબિયા નદીમાં આવી હતી.નદીમાંથી જહાજો પસાર કરવા માટે નદીની સફાઇ કરવાની ફરજ પડી હતી.નદીના પાણીમાં ભળેલી રાખ ખેંચીને કાંઠે પાળા બાંધવામાં આવ્યા હતા. આજે પણ ઘાસ અને વૃક્ષથી ઢંકાયેલા કિનારે થોડાક ફૂટ ખોદકામ કરવામાં આવે તો રાખ મળી 

આવે છે. માઉન્ટ સેંટ હેલેન્સની રાખમાંથી બનેલા ટ્રે અને મગ પહાડ પાસેની દુકાનો પર વેચાય છે. યુએસના ઇતિહાસની સૌથી ખોફનાક જવાળામુખી આફત હતી  

 ભારતમાં એપ્રિલ અને મે માસમાં ઉનાળો હોય છે પરંતુ આજથી ૨૦૭ વર્ષ પહેલા ઇસ ૧૮૧૬માં ઉનાળાની ઋતુ એકાએક ગાયબ થઇ હતી. આ ઉનાળો અદ્રષ્ય થઇ જવા માટે ઇસ ૧૮૧૫માં ઇન્ડોનેશિયાના સુમ્બાવા ટાપુના માઉન્ટ તંબોરાનો જવાળામુખી જવાબદાર હતો. માત્ર ભારત જ નહી પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધના ઘણા ખરા ક્ષેત્રોમાં ગરમીની સિઝન જ આવી ન હતી. સુમ્બાવા ટાપુ પર  ૧ હજાર વર્ષ સુધી સુષૂપ્ત રહેલો જવાળામુખી  ૧૦ એપ્રિલ ૧૮૧૫ના રોજ સક્રિય થયો હતો. આ જવાળામુખીના વિસ્ફોટનો અવાજ ૨૬૦૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના ૭૫ કિમી દૂર વિસ્તારમાં ૧૦૦ સેન્ટીમીટરની મોટી રાખનું પડ જામી ગયું હતું. ૧૩૦૦ કિમી સુધીના વિસ્તારમાં ચો તરફ રાખ ફેલાઇ ગઇ હતી. આ જવાળામુખીની અસરથી કુલ ૧ લાખથી વધુ લોકોના મોત થયા હતા. સુમ્બારા જવાળામુખીના કારણે એરોસેલ બનવાથી ભારતમાં પણ ઉનાળાની ઋતુ ઓછી અનુભવાઇ હતી. આ એરોસેલના લીધે સૂર્યની ગરમી જમીન સુધી ન પહોંચતા દક્ષિણ ભારતના તટિય વિસ્તારોમાં ઉનાળો જામ્યો નહી અને ચેન્નાઇએ શીત લહેરનો અનુભવ કર્યો હતો. કેટલાક દસ્તાવેજો મુજબ ૨૦ થી ૨૫ એપ્રિલ દરમિયાન બે વાર તાપમાન શુન્યથી નીચે ઉતરી ગયું હતું. છેવટે હવાના પ્રવાહના દબાણના કારણે ધૂળના કણો અરબ સાગર તરફ ખસ્યા હતા. આ ઘટનાના એક વર્ષ સુધી વરસાદ ખૂબજ મોડો અને પુષ્કળ થયો હતો.  આ જવાળામુખીએ ભારત ઉપરાંત યૂરોપ સહિતના અનેક દેશોના હવામાન પર વિપરિત અસર સર્જી હતી. જવાળામુખી વિસ્ફોટના પગલે રાખ અને વરાળના લીધે વાયુમંડળના ઉપરના સ્તરમાં શોર્ટ સર્કિટ જેવી સ્થિતિ ઉભી થઇ હતી.આ જવાળામુખી વિસ્ફોટ અગાઉના ૧૬૩૦ વર્ષમાં સૌથી ભીષણ હોવાથી આધુનિક ઇતિહાસની સૌથી મોટી ઘટના ગણાય છે.  

વર્ષ ૨૦૨૧માં પ્રશાંત મહાસાગરમાના દ્વીપ સમૂહ ટોંગા હુંગા હા અપાઇમાં જવાળામુખીનો એટલો મોટો વિસ્ફોટ થયો હતો કે તેના આંચકા અડધી દુનિયામાં અનુભવાયા હતા. પ્રશાંત મહાસાગરમાં સુનામી આવી અને સ્થાનિક વિસ્તારોની હવામાં રાખ ભરાઇ ગઇ હતી. ગત વર્ષ અમેરિકામાં કિલાઉઆ જવાળામુખી ફાટયો હતો. ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર માઉન્ટ સેમેરુ નામના જવાળામુખીએ હાહાકાર મચાવ્યો હતો. પહેલા નાસાનું એવું માનવું હતું કે જવાળામુખી વિસ્ફોટ જળવાયુને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે પરંતુ નાસાના નવા જળવાયુ સિમ્યુલેશનમાં જણાવાયું હતું કે એકસ્ટ્ીમ વોલ્કેનો ઇરપ્શન પૃથ્વીના જળવાયુને નુકસાનકારક છે.પૃથ્વીની છત્રી તરીકે કામ કરતા  ઓઝોન સ્તરનો નાશ કરી શકે છે. ઓઝોનના પડના લીધે જ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી આવતા અટકે છે. આ પૃથ્વીના જળવાયુને ગરમ રાખવામાં સહાયક બને છે. પૃથ્વી પર આજે સમૃધ્ધ જીવન જોવા મળે છે તેવું અન્ય ગ્રહો પર અત્યાર સુધી તો જોવા મળ્યું નથી. તેના મૂળમાં પૃથ્વી પર જીવન માટેની સૌથી અનુકૂળતા ધરાવતું વાતાવરણ અને અનુકૂળ ભૌગોલિક સ્થિતિ છે.જવાળામુખીઓ પ્રલય અને નવસર્જન માટે મોટી ભૂમિકા ભજવાતા રહયા છે ત્યારે ૧૦ હજાર વર્ષ પછી અચાનક ફાટેલો ઇથોપિયાનો જવાળામુખી કોઇ મોટા સંકેત તો નથી આપી રહયો ને ? તેનો ઉત્તર ભાવીના ગર્ભમાં પડયો છે.