For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાયબર બુલિંગઃ વિશ્વમાં દર 6 મું બાળક ઓન લાઇન હિંસાનો ભોગ બની રહયું છે!

Updated: Apr 2nd, 2024

Article Content Image

- મીડ વીક- હસમુખ ગજજર

- આજની ડિજિટલ દુનિયામાં બાળકો સાયબર બુલિંગનો અનુભવ કરતા હોય છે પરંતુ વાત કરતા ડરતા હોવાથી વાલીઓએ વિશેષ ધ્યાન રાખવું જરુરી બની ગયું છે. બાળક રસ્તા પર ચાલતું હોય ત્યારે આપણે આંગળી પકડીને રસ્તો ક્રોસ કરાવીએ છીએ એવી કાળજી ડિજિટલ પથ પર રાખવી આવશ્યક બની છે

તા જેતરમાં અમેરિકાના ફ્લોરિડામાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધને લગતું બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયાથી બાળકો સાયબર બુલિંગનો શિકાર બની રહયા છે. આ વિધેયકની જોગવાઇ મુજબ સોશિયલ મીડિયાનો જો બાળકોએ ઉપયોગ કરવો હશે તો માતા પિતા કે વાલીની મંજૂરી હોવી જરુરી છે. વાલીની સંમતિ નહી હોય તેવા સોશિયલ મીડિયા પરના તમામ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. આ પગલું બાળકોને ડિપ્રેશન, આત્મહત્યા જેવા માનસિક સ્વાસ્થ્યને લગતા ઓનલાઇન જોખમોથી બચાવવા માટે ભરવામાં આવ્યું છે.  આ વિધેયકમાં કોઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ લેવામાં આવ્યું નથી પરંતુ મેટ્રિકસ, ઓટો પ્લે વીડિયો અને લાઇવ સ્ટ્રીમિંગ જેવી વિશેષતાઓ ધરાવતા સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખવામાં આવ્યા હોય તે શકય છે. સોશિયલ મીડિયા અભિવ્યકિત અને વાણી સ્વાતંત્રતા માટે મહત્વનું ગણાય છે ત્યારે અમેરિકાના ઇતિહાસમાં સોશિયલ મીડિયા પરની સૌથી મોટી કાર્યવાહી છે. વિધેયકના વિરોધીઓ માને છે કે બાળકોને જરી પુરાણી માનસિકતામાં ઢસેડી જવા જોઇએ નહી, સોશિયલ મીડિયા પર ઉંમર કરતા સામગ્રી (કોન્ટેન્ટ) પર વધુ ધ્યાન આપવાની જરુર છે. બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો અમલ ૨૦૨૪ના વર્ષાન્તે થવાનો છે તેમ છતાં અત્યારથી ખૂબ ચર્ચા જગાવી છે. 

નાનપણમાં રેડિયો સાંભળીને મોટા થયેલા વડીલો રેડિયોની ગીત સંગીતની દુનિયાને યાદ કરે છે. ટીવીના યુગની ધારાવાહિકોની વાતો કરતા થાકતા નથી પરંતુ આજના ૧૦ થી ૧૫ વર્ષના નાના બાળકો સ્માર્ટફોન પરની ઓનલાઇન દુનિયાને વર્ષો પછી કેવી રીતે યાદ કરશે?  નાના બાળકોમાં ઓન લાઇન દુનિયાનું વળગણ વધતું જાય છે ત્યારે માતા પિતાએ પોતાનું સંતાન કયાંક સાયબર બુલિંગનો શિકાર ના બની જાય તેનું ધ્યાન રાખવું જરુરી બન્યું છે. સાયબર બુલિંગ એક પ્રકારની ઓનલાઇન બદમાશી છે જે ડિજિટલ માધ્યમોથી થાય છે. ઓનલાઇન દાદાગીરી અજાણ્યા કે કોઇ પરિચિત દ્વારા પણ થતી હોય છે. બાળક રસ્તા પર ચાલતું હોય અને આંગળી પકડીને રસ્તો ક્રોસ કરાવીએ એવી કાળજી ડિજિટલ પથ પર રાખવી હવે જરુરી બની છે.  આ એક નવા પ્રકારની ડિજિટલ આફત છે જે ગમે ત્યારે દસ્તક દે તેવી છે. સોશિયલ મીડિયા, મેસેજિંગ પ્લેટફોર્મ, ગેમિંગ પ્લેટફોર્મ પર સાયબર બુલિંગની ઘટનાઓ બાળ માનસ પર વિપરીત અસરો જન્માવી રહી છે. સોશિયલ મીડિયા પર ખાસ કોઇ નિયંત્રણ નહી હોવાથી જુઠ ફેલાવવું, શરમજનક તસ્વીરો, વીડિયો, મેસેજિંગ પ્લેટફોર્મ પરથી હલકા મેસેજ અને ચિત્રોનો મારો ચાલે છે. ઓન લાઇન વિડીયો ગેમમાં દુરોપયોગના કિસ્સામાં ખૂબ વધારો થયો છે. ઓનલાઇન ગેમર્સ પાસે એક ચેટ કરવા માટે માઇક્રોફોનના ઉપયોગના માધ્યમથી અન્ય ઉપયોગકર્તા સાથે વાત કરવાની ક્ષમતા હોય છે. આનો ઉપયોગ ટીમવર્કને પ્રોત્સાહિત કરવાનો, મિત્રતા નિભાવવાનો અને સામાન્ય રીતે ગેમિંગના સમગ્ર અનુભવને બહેતર બનાવવાનો હોય છે. કેટલાક આ ટેકનીકનો ગેરલાભ ઉઠાવીને તેનો ઉપયોગ મૌખિક દુર્વ્યવહાર કે ટેકસ્ટ મેસેજિંગના માધ્યમથી કરે છે. સુવિધાના નામે કે દેખાદેખીથી બાળકોને ફોન આપવાના સ્થાને વાલીઓએ ફોનની જરુરિયાત શું છે તે જાણવું જરુરી છે. સ્માર્ટફોનના ઇન્ટરનેટ પર વાંધાજનક ચેટિંગ અને ગાળી ગલોચ પણ સામાન્ય થઇ ગયા છે. નાની ઉંમરે છોકરાઓ પોતાના સોશિયલ ગુ્રપ બનાવી લે છે અને પછી ઝગડતા રહે છે. જે બાળકનું બુલિંગ કરવામાં આવતું હોય ગુ્રપ છોડીને જતું રહે છે. બાળકે મારપીટના ડરથી સ્કૂલ આવવાનું બંધ કરી દીધું હોવાની પણ ઘટનાઓ બને છે. બાળકો વિચારે છે કે વર્ચ્યુઅલ દુનિયામાં ગુમનામ રહીને જે કરશે તે ચાલશે તેનું કશું જ પરિણામ ભોગવવું પડશે નહી તેમની આ ખોટી સમજ અને વાલીઓની બેદરકારી બાળકને ઓનલાઇન અપરાધી બનવા તરફ લઇ જાય છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપ સંદર્ભના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઓનલાઇનની દુનિયા બાળકો માટે ખૂબજ અસુરક્ષિત બની રહી છે. બાળકો ૨૪ કલાકમાંથી સરેરાશ ૬ કલાક ઓનલાઇન રહેવા લાગ્યા છે.  વિશ્વનું દર ૬ મું બાળક ઓનલાઇન હિંસાનો શિકાર બની રહયું છે. આ માટે યુરોપ, મધ્ય એશિયા અને ઉત્તર અમેરિકાના ૪૪ દેશોના ૧૧ થી ૧૫ વર્ષના ૨૭૯૦૦ બાળકોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૬ ટકા બાળકોએ સાયબરબુલિંગનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું. 

૪ વર્ષ પહેલા બાળકોમાં સાયબર બુલિંગનું પ્રમાણ ૧૨ ટકા જેટલું હતું. કોરોના મહામારીના લાંબા લૉકડાઉન પછી કિશોરો અને કિશોરીઓની દુનિયા ઝડપથી વર્ચ્યુઅલ બની રહી છે પરિણામ સ્વરુપ વર્ચ્યુઅલ હિંસામાં પણ વધારો થયો છે. એક સમયે ઘર, સ્કૂલો અને સમુદાયોમાં બાળકો હિંસાનો સામનો કરતા હતા કે હવે  એસએમએસ, ચિત્રો, વીડિયો, ઇમેલ ચેટથી સાયબર બુલિંગ સ્વરુપે કરવા લાગ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના વિસ્તૃત ડેટા અનુસાર બાળકો સાથે સૌથી વધુ વધારે સાયબર બુલિંગ બલગેરિયા, લિથુઆનિયા, મોલ્ડોવા અને પોલેન્ડમાં જોવા મળે છે. સાયબર બુલિંગના શિકાર બાળકો પોતાને જેમાં રસ રુચિ હોય તેમાં ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. બેચેની, ડિપ્રેશન અને ગુસ્સો જોવા માનસિક લક્ષણો જયારે શારીરિક લક્ષણોમાં થાક, ઉંઘ નહી આવવી, પેટ અને માથામાં દુખાવો જોવા મળે છે. લોકો સાયબર બુલિંગ કેમ કરે છે એ અંગે પણ સંશોધનો થયા છે જેમાં ઘણા કારણો ધ્યાનમાં આવ્યા છે. એક તો ખૂદ ભોગ બનેલી વ્યકિત ઓનલાઇન બદલો લેવા પ્રેરાય છે. લોકો સાથે આવી રીતે જ વર્તવું જોઇએ એવી મગજમાં ગાંઠ વાળી લે છે. ઇર્ષા પણ સાયબર બુલિંગ પાછળનું મહત્વનું કારણ છે. ખાસ તો કિશોરો અને યુવાઓ ખૂદ પોતાની જાતને શોધતા હોય છે.

 પોતાની સરખામણી બીજા સાથે કરીને અસુરક્ષિતપણું મહેસૂસ કરતા રહે છે જેના પરિણામ સ્વરુપ જન્મતી ઇર્ષા સાયબર બુલિંગ અને ડિજિટલ ગેર વર્તન કરવા પ્રેરે છે. બાળકોને પોતાની અંગત જાણકારી નામ, સરનામું અને ફોન નંબર ઓનલાઇન શેયર ના કરે તેનું વાલીઓએ ધ્યાન રાખવું જોઇએ. સ્ક્રીનશોટ, ઇમેલ અને ટેકસ્ટ મેસેજ સાયબર બુલિંગના પુરાવા સ્વરુપે સંગ્રહ કરવાની સમજ આપવી જોઇએ.

વર્ષ ૨૦૨૨માં અમેરિકાની એક કમ્પ્યૂટર સિકયુરિટી કંપનીએ ચોંકાવનારી માહિતી આપી હતી કે દુનિયાના દેશોની સરખામણીમાં ભારતના બાળકોમાં સાયબર બુલિંગ વધુ જોવા મળે છે. કંપનીના સર્વે મુજબ ૪૫ ટકા ભારતીય બાળકોએ કબુલ્યું હતું કે કયારેક ને કયારેક કોઇ અજાણી વ્યકિતની ધમકી મળી હતી. જેમાં ૪૨ ટકા નસ્લવાદી, ૩૬ ટકા યૌન ઉત્પીડન અને ૨૩ ટકા માહિતી જાહેર કરી દેવાની ધમકીનો સમાવેશ થતો હતો. સર્વેમાં એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે દુનિયાના દેશોની સરખામણીમાં ભારતીય બાળકો નાની ઉંમરે મોબાઇલનો ઉપયોગ કરવાનું શીખી લે છે.  ભારતીય માતા પિતા સાયબર અપરાધ અંગે સંતાનો સાથે ખૂબ ઓછી વાત કરે છે. બાળકો જયાં સુધી ડેટા લિમિટ ખતમ ના થાય ત્યાં સુધી ઓનલાઇન દુનિયામાં સક્રિય રહે છે. ઉનાળુ વેકેશનમાં પ્રવૃતિને નામે સૌથી વધુ સમય મોબાઇલ પર સક્રિય રહે છે. કોવિડમાં ઓનલાઇન ભણવાનું શરુ થયું એ પછી બાળકોમાં મોબાઇલનો રસ વધી ગયો તે હજુ પણ યથાવત રહયો છે. જે બાળકો ઇન્ટરનેટ પર વધારે રહે છે તે સાયબર બુલિંગનો ભોગ પણ વધારે બને છે. આથી જ તો બાળકોના  સ્ક્રીન ટાઇમ પર નજર રાખવાની જરુર છે. વાલીઓ સુવિધાના નામે બાળકોને હાથમાં સ્માર્ટફોન પકડાવી દે છે પરંતુ તેના દુષ્પરિણામોનો વિચાર કરતા નથી. આજની ડિજિટલ દુનિયામાં બાળકોનું ધ્યાન રાખવું જરુરી બની ગયું છે. સ્કૂલોમાં પણ બાળકોને સાયબર બુલિંગ એક પ્રકરણ તરીકે ભણાવવાનો સમય પાકી ગયો છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓને પણ આના માટે જવાબદાર બનાવવી આવશ્યક છે.

Gujarat