Get The App

શ્રીલંકામાં દિસાનાયકેનું ડાબેરી શાસન .

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
શ્રીલંકામાં દિસાનાયકેનું ડાબેરી શાસન                      . 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- રાષ્ટ્રવાદ અને મૂડીવાદની આબોહવા વચ્ચે કોઇએ ધાર્યુ ન હતું એમ વામપંથી દિસાનાયકે શ્રીલંકાના નવા નાયક બનીને ઉભર્યા છે. નવાઇની વાત તો એ છે કે છેલ્લે 2020માં યોજાયેલી ચુંટણીમાં દિસાનાયકેને માત્ર 3 ટકા મતો જ મળ્યા હતા. જયારે વર્તમાન ચૂંટણીમાં સૌથી વધુ 42.31 ટકા મત મળ્યા છે

લો કતંત્રમાં મત માંગીને શાસક અને વિપક્ષો લોકોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે. તાજેતરમાં ભારતની દક્ષિણે શ્રીલંકામા પ્રથમવાર જ  વામપંથી અનુરાકુમારા દિસાનાયકે રાષ્ટ્પતિ ચુંટાયા છે. રાષ્ટ્રવાદ અને મૂડીવાદની આબોહવા વચ્ચે કોઇએ ધાર્યુ ન હતું એમ દિસાનાયકે નવા નાયક બનીને ઉભર્યા છે. નવાઇની વાત તો એ છે કે છેલ્લે ૨૦૨૦માં યોજાયેલી ચૂંટણીમાં દિસાનાયકેને માત્ર ૩ ટકા મતો જ મળ્યા હતા. જયારે વર્તમાન ચૂંટણીમાં ૪૨.૩૧ ટકા મત મળ્યા છે.'સમાગી જન બલાવેગાયા'પક્ષના નજીકના પ્રતિસ્પર્ધી સજીથ પ્રેમાદાસાને ૩૨.૭૬ ટકા મત મળ્યા હતા.૧૯૮૨ પછી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સૌથી મોટી કાંટાની ટક્કર હતી.શ્રીલંકામાં કુલ ૧ કરોડ અને ૭૦ લાખ મતદારો હતા જેમાંથી ૭૦ ટકાએ મતદાનમાં ભાગ લીધો હતો.શ્રીલંકામાં ૨ વર્ષ પહેલા જે આર્થિક હાલત બગડી હતી જે જોતા આ ચૂંટણીનું મહત્વ વધી ગયું હતું. સામાન્ય રીતે શ્રીલંકામાં પ્રથમ રાઉન્ડમાં જ પરીણામ નકકી થઇ જતું હોય છે પરંતુ આ વખતે ઇતિહાસમાં પ્રથમવાર બે તબક્કાની મતગણના પછી ચુંટણી પરિણામ આવ્યું હતું. ભ્રષ્ટાચાર અને આર્થિક સુધારાને આગળ વધારવા માટે લોકોએ ગરીબ પરિવારમાંથી આવતા નેતા પર ભરોસો મુકયો છે. કેન્દ્રીય શ્રીલંકાના ગાલેવેલામાં ૨૪ નવેમ્બર ૧૯૬૮માં જન્મેલા દિસાનાયકે ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક છે. તેઓ સરકાર વિરોધી હિંસક આંદોલન ચલાવી ચુકયા છે. જેવીપી (જનતા વિમુકિત પેરામુના)માં વિધાર્થીકાળથી રાજકારણમાં રહયા છે. જેવીપી યુવાઓના દેશવ્યાપી આક્રોશ વચ્ચે હિંસક અભિયાનો માટે જાણીતી હતી. આ પાર્ટીના હિંસક સંઘર્ષમાં હજારો સમર્થકો અને વિરોધીઓના મોત થયા હતા. 

૧૯૯૭માં દિસાનાયકે જેવીપીની કેન્દ્રીય સમિતિમાં જોડાયા પછી લાઇમ લાઇટમાં આવ્યા હતા.૨ ફેબુ્રઆરી ૨૦૧૪ વામપંથી પાર્ટીના ૧૭માં રાષ્ટ્રીય અધિવેશનમાં જેવીપીના મુખ્ય નેતા તરીકે વરણી થઇ હતી. વામપંથી નેશનલ પીપલ્સ પાર્ટી એલાયન્સના દિસાનાયકે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને ગુડ ગર્વેનન્સનો વાયદો આપેલો છે. આર્થિક બેહાલીમાં જીવતી શ્રીલંકાની પ્રજાએ પરિવર્તન માટે મત આપ્યો છે. સૌથી મોટો વાયદો તો કાર્યકારી રાષ્ટ્પતિ સિસ્ટમ સમાપ્ત કરીને સંસદની સર્વોપરિતા લાવવાનો કર્યો છે. નેશનલ પીપલ્સ પાવર (એનપીપી) ગઠબંધને રાષ્ટપતિ ચુંટણી ઘોષણાપત્રમાં જણાવાયું હતું કે કાર્યકારી રાષ્ટ્રપતિ પદને સમાપ્ત કરવામાં આવશે તેમજ સંસદ અન્ય કાર્યકારી શકિતઓ વિના દેશના રાષ્ટ્રપતિની નિયુકિત કરશે.

૪ ફેબુ્રઆરી ૧૯૪૮માં શ્રીલંકાને અંગ્રેજોની ગુલામીમાંથી મુકિત મળી હતી. ૧૯૭૨ સુધી આ દેશનું નામ સિલોન હતું તે બદલીને શ્રીલંકા કરવામાં આવ્યું હતું. ૧૯૭૮માં લંકાની આગળ માનવાચક શ્રીલંકા ઉમેરવામાં આવ્યું હતું. આ ઉપરાંત  ફ્રાંસીસી મોડલ પર આધારિત રાષ્ટ્રપતિ પદ કાર્યકારી બનાવી દેવામાં આવ્યું હતું. સશસ્ત્ર બળોના કમાંડર ઇન ચીફ અને મંત્રીઓના મંત્રીમંડળના પ્રમુખ ગણાતા રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની કે બોલાવવાની પણ સત્તા ધરાવે છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિના સહાયક અને ઉપ પ્રધાન અને રાષ્ટ્રપતિના ઉતરાધિકારી એમ બંને રીતે કામ કરતા હતા. 'યુનાઇટેડ નેશનલ પાર્ટી' (યુએનપી)ના અધ્યક્ષ જેઆર જયવર્ધને દ્વારા શરુઆત થઇ હતી. એનપીપીએ નવું બંધારણ લાવવાની પણ વાત કરી છે. જરુરી સુધારણા અને ખાસ તો સાર્વજનિક ચર્ચા કરીને જનમત સંગ્રહના માધ્યમથી પસાર કરવામાં આવશે. ભારતનું પાડોશી શ્રીલંકા હિંદ મહાસાગરમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રાચીન ઇતિહાસમાં તો શ્રીલંકા એક સોનાની નગરી હતું પરંતુ હાલનું શ્રીલંકા કંગાળ ભાસે છે. ૨૦૨૨માં આર્થિક સંકટ એટલું ઘેરુ બન્યું કે પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડીને ભાગવું પડયું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયાએ પોતાના શાસન દરમિયાન ટેકસમાં આડેધડ છૂટ,નબળી નિકાસ સહિતના અગણિત નીતિ વિષયક ખોટા નિર્ણયો લીધા હતા. જન કલ્યાણ અને વિકાસકાર્યોની આડમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હતો. કોરોના મહામારી દરમિયાન પર્યટન ઉધોગના વળતા પાણી થયા જેના પર શ્રીલંકાની ઇકનોમિનો ખૂબ મોટો આધાર હતો. વૈશ્વિક લૉકડાઉનથી પ્રવાસન ઉધોગ ઠપ્પ થતા વિદેશી હુંડિયામણ અટકી ગયું હતું. વિદેશી મુદ્રા ભંડાર ૨ કરોડ ડોલર કરતા પણ ઓછો રહયો હતો. જાહેર દેવું ૮૩ અબજ ડોલર અને ફૂગાવાનો દર ૭૦ ટકાને પાર કરી ગયો હતો. આર્થિક સંકટમાં સામાજિક અને રાજકિય રીતે રોયલ પરિવારો સિવાયના તમામ લોકો પરેશાન થઇ ગયા હતા. કોલંબો બંદરે વિદેશથી મંગાવેલી જીવન જરુરી વસ્તુંઓ ભરેલા વાહણ માલ ઉતારવા માટે પેમેન્ટની રાહ જોતા હતા. કોલંબોના ઉપ વિસ્તારોમાં લોકો ગેસના બાટલાના અભાવે લાકડા બાળીને ચૂલામાં રાંધતા હતા. મધ્યમ વર્ગના માનવીઓ સસ્તાભાવે સોનું વેચીને બજારમાંથી અનાજ ખરીદવા મજબૂર બન્યા હતા.શ્રીલંકાએ એલટીટીઇનો લોહિયાળ જંગ જોયેલો પરંતુ પ્રજાએ કયારેય આવી આર્થિક બેહાલી જોઇ ન હતી. ગેસ સિલેન્ડર,અનાજ અને દવાઓની અછતથી ફાટી નિકળેલી અશાંતિએ આગમાં ઘીનું કામ કર્યુ હતું. ૧૩ જુલાઇ ૨૦૨૨નો એક નાટકિય ઘટનાક્રમ જેમાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો લઇ લીધો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ અને સ્વમિંગ પૂલમાં નહાતા પ્રદર્શનકારીઓના ફૂટેજ દુનિયા આખીમાં વાયરલ થયા હતા.

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના મોટા ભાઇ મહિંદા રાજપક્ષે વડાપ્રધાન પદે હતા. પહેલા મહિંદા રાજપક્ષે અને ત્યાર બાદ ગોટાબાયાએ રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ગોટાબાયા તો વાયા માલદિવ થાઇલેન્ડ થઇને ૫૦ દિવસ સુધી દેશ છોડીને સિંગાપુર ભાગી ગયા હતા. મહિન્દા રાજપક્ષે પોતાના પ્રથમ કાર્યકાળમાં એલટીટીઇ વિદ્રોહીઓનો ખાતમો બોલાવીને બહુસંખ્યક સિંહલી પ્રજામાં હીરો તરીકે ઉભરી આવ્યા હતા. એક માહિતી મુજબ શ્રીલંકાના ગૃહયુધ્ધના આખરી તબક્કામાં શ્રીલંકા સેનાએ ૧ લાખ લોકોની હત્યા કરી હતી જેમાં ૪૦ હજાર તમિલ નાગરિકોનો સમાવેશ થતો હતો. મહિંદા રાજપક્ષે દેશભકત, બહાદૂર અને દૂરંદેશી તરીકે ઉભરી આવ્યા હતા. બહુસંખ્યક કટ્ટર સિંહલી રાષ્ટ્વાદીઓમાં રાજપક્ષે પરિવાર ખૂબ લોકપ્રિય થયો હતો. 

માનવ અધિકાર ભંગ, દમન અને વિરોધીઓને જેલમાં નાખવાની નીતિ છતાં રાજપક્ષે પરિવાર સત્તામાં ટકી રહયો હતો. પોતાનો સૂર્ય કદી આથમશે નહી એવી માન્યતા ધરાવતા રાજપક્ષે પરિવારના વર્તમાન ચૂંટણીમાં ડબલા ડૂલ થયા છે. મહિંદા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષની પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભૂંડી હાર થઇ છે. ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ સૌથી જલદ હોય છે, એ જયારે જાગે ત્યારે ગમે તેવા શકિતશાળી શાસનને બાળીને રાખ કરી નાખે છે. 

રાજપક્ષે સરકારના પતન પછી સંસદે વિપક્ષના નેતા રાનિલ વિક્રમસિંઘેને દેશનું સુકાન સોંપ્યું  હતું. 

૬ વાર વડાપ્રધાન રહી ચુકેલા વિક્રમસિંઘેનું ભાગ્ય ખુલ્યું હોય એમ અચાનક જ રાષ્ટ્રપતિ બની ગયા હતા. ૨૦૨૦ની ચુંટણીમાં વિક્રમસિંઘે પોતાની 'યુનાઇેટેડ નેશનલ પાર્ટી'ના એક માત્ર ચૂંટાયેલા સાંસદ હતા. વિક્રમસિંઘે બે વર્ષ દરમિયાન આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે પ્રયાસ કર્યા હતા. રાજકિય અને આર્થિક કટોક્ટીના વાતાવરણમાં વિક્રમસિંઘે દેશની બાગડોર સંભાળી હતી છતાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સફળતા મળી નથી. તેમના પર શ્રીલંકામાં અપ્રિય થઇ પડેલા રાજપક્ષે પરિવારની ફેવર કરવાના આરોપો થતા હતા. ગોટાબાયા વિક્રમસિંઘની કૃપાથી જ દેશમાં પાછા ફરી શકયા હતા. નવા રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકે વૈચારિક રીતે ચીનની નજીક છે પરંતુ તે ચીને કે ભારતમાં ફસાવા માંગતા નથી એવી સ્પષ્ટતા કરી છે. શ્રીલંકામાં કોઇ પણ સરકાર આવે ભારતને નજર અંદાજ કરવું મુશ્કેલ છે. શ્રીલંકા પર હાલમાં ૩૬ અબજ ડોલરનું દેવું છે જેમાં એકલું ચીન જ ૭ અબજ ડોલર માગે છે. ચીનનું આર્થિક દેવું ધરાવતું શ્રીલંકા ચીનની વિસ્તારવાદી નીતિથી પણ પરિચિત છે. ગોટાબાયાના સમયમાં શ્રીલંકાએ હંબનટોટા નામનો ટાપુ ચીનની આપી દેવાની ફરજ પડી હતી. બાંગ્લાદેશ,હોય કે નેપાળ, શ્રીલંકા હોય કે મ્યાંમાર ભારતના પાડોશી દેશો પર ચીનનો પ્રભાવ ના વધે તે  જરુરી છે.  દિસાનાયકે  શપથગ્રહણ કર્યા પછી શ્રીલંકાની સંસદ ભંગ કરીને ૧૪ નવેમ્બરના રોજ મધ્યવર્તી ચૂંટણી જાહેર કરી છે. દિસાનાયકે ભલે રાષ્ટ્રપતિ તરીકે  ચુંટાયા હોય પરંતુ શ્રીલંકામાં ૨૨૫ બેઠકો ધરાવતી સંસદમાં તેમની પાર્ટી પાસે માત્ર ૩ બેઠકો જ છે. શ્રીલંકાની સંસદમાં ૨૨૫ સભ્યો હોય છે જેમાંથી ૧૯૬ બહુ સદસ્યીય નિર્વાચન ક્ષેત્રોમાં લોકો દ્વારા સિધા ચુંટાય છે. બાકીની ૨૯ બેઠકો રાજકિય દળોના સમગ્ર પ્રદર્શનના આધારે એક રાષ્ટ્રીય યાદીના માધ્યમથી ફાળવવામાં આવે છે. શ્રીલંકાની શાસન વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ રાજય અને સરકાર બંનેનો વડો હોય છે પરંતુ દેશને સારી રીતે ચલાવવા માટે સાંસદોની જરુર પડે છે. નવા સુધારણા થવાના છે તેમાં સંસદ અને સાંસદોનું મહત્વ વધવાનું છે. ગત ૯ મી સંસદમાં રાજપક્ષે પરિવારના પક્ષ એસએલપીપી પાસે ૧૪૫ બેઠકો સાથે જંગી બહુમતી હતી. વર્તમાન સંસદનો કાર્યકાળ ઓગસ્ટ -૨૦૨૫માં પુરો થતો હતો તે જોતા ૧૧ મહિના સંસદ વહેલી ભંગ કરાઇ છે. વામપંથી દિસાનાયકેને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ૪૨ ટકા મતો મળ્યા છે,તે જો આ જ પરિણામને સંસદીય ચૂંટણીમાં દોહરાશે તો જ સંસદમાં સ્થિતિ મજબૂત બનશે.


Google NewsGoogle News