14 દેશોમાંથી પસાર થતો 30 હજાર કિમી લાંબો હાઇવે
- મીડ વીક- હસમુખ ગજજર
- અલાસ્કાથી આર્જન્ટિના જતા હાઈવેેમાં કોસ્ટારિકા, પેરુ, પનામા, નિકારાગુઆ, મેકિસકો, ઇકવાડોર, હોન્ડુરાસ,ગ્વાટેમાલ, બોલીવિયા,અલ સાલ્વાડોર, કોલંબિયા, ચિલી અને કેનેડાનો સમાવેશ થાય છે
સા માન્ય રીતે વિશ્વમાં વધતા જતા વાહન વ્યહવારના પગલે રસ્તાઓનો વિકાસ થતો હોય છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો સૌથી લાંબો હાઇવે એનએચ ૪૪ છે જે ૩૭૪૫ કિમી લાંબો છે આ હાઇવે ભારતની વિવિધતામાં એકતાની ઓળખ સમાન છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડને જોડતો હાઇવે ૩૦ હજાર કિમી કરતા પણ વધુ લાંબો છે જે ૧૪ દેશોમાંથી પસાર થાય છે. વિશ્વના સૌથી વિશાળ હાઇવેમાં કટ કે ટર્ન ભાગ્યે જ જોવા મળે છે. હાઇવે સીધો અને અવરોધ વગરનો હોવા છતાં વાહન ચલાવવું સરળ નથી. એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવાનું સાહસ બધા કરી શકતા નથી. આ હાઇવેની સફર રસ્તાની બદલાતી જતી સુંદરતા અને સ્વરુપનો અનુભવ કરાવે છે. આ હાઇવે પર ઘનઘોર જંગલ, બરફનો પ્રદેશ અને રણ પ્રદેશ પણ જોવા મળે છે. વાહનચાલકો ઉત્તર અમેરિકાના ઉંચા રોકીઝ, અલાસ્કાના બરફીલા ટ્રુન્ડ, પનામાના વરસાદી જંગલો, મેકસિકોના સૂર્યપ્રકાશથી ભરેલા રણ, મધ્ય અમેરિકાના ધુમ્મસવાળા વાદળો અને ભવ્ય એન્ડીઝમાંથી પસાર થાય છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મોટરેબલ રસ્તા પરથી વાહન ચલાવવું ઘણા વાહનચાલકોનું સપનું હોય છે. પેન અમેરિકન હાઇવે તરીકે ઓળખાતો માર્ગ હજારો વર્ષોથી અમેરિકામાં રહેતા સ્વદેશી સમુદાયોને ધમધમતા આધુનિક શહેરો સાથે જોડે છે. આટલા વિશાળ હાઇવેના ૧૧૦ કિમી લાંબા ડરાવનારા એક ભાગને ડેરિયન ગેપ કહેવામાં આવે છે. ડેરિયન ગેપ પનામા અને કોલંબિયા વચ્ચે લગભગ ૧૦૦ કિમી સુધી ફેલાયેલો ઓવરલેન્ડ રુટ છે. પેન અમેરિકન હાઇવે ના સમગ્ર ભાગમાં મુસાફરી કરવા માંગતા લોકો સામાન્ય રીતેે હોડી અથવા વિમાન દ્વારા ડેરિયન ગેપને બાયપાસ કરવાનું પસંદ કરે છે. આ ગેપ વિસ્તારમાં અપહરણ, ડ્ગ ટ્રાફિકિંગ, સ્મગલિંગની ઘટનાઓ પણ બનતી રહે છે. પેન અમેરિકન હાઇવેમાં કોસ્ટારિકા, પેરુ, પનામા, નિકારાગુઆ, મેકિસકો, ઇકવાડોર, હોન્ડુરાસ, ગ્વાટેમાલ, બોલીવિયા, અલ સાલ્વાડોર, કોલંબિયા, ચિલી, કેનેડા અને આજર્ન્ટિના દેશનો સમાવેશ થાય છે. આ હાઇવેના કોઇ એક નહી પરંતુ અનેક રુટ છે. આ બધા રુટને ભેગા કરવામાં આવે તો લંબાઇ ૪૮૦૦૦ કિમી જેટલી થાય છે. અલાસ્કાથી શરુ થતો માર્ગ આર્જેન્ટિનાના ઉસોડિયામાં પુરો થાય છે.
એવું માનવામાં આવે છે કે જો નોર્થ કે સાઉથ અમેરિકાના દેશોના બે પાટનગરની વચ્ચે પસાર થઇ રહયા હોઇએ ત્યારે કોઇ પણ રીતે આ અનોખા પેન અમેરિકન હાઇવે પર અચૂક આવી જવાય છે. કેટલા સમયમાં પહોંચવું આમ તો વાહનની ગતિ પર નિર્ભર રાખે છે પરંતુ દરરોજ ૫૦૦ કિમીનું અંતર કાપવામાં આવે તો પણ તેને પૂર્ણ કરવામાં ૬૦ દિવસ લાગે છે.કાલોરસ સાંતામારિયા નામના એક સાહસિકે હાઇવેની સમગ્ર સફર ૧૧૭ દિવસમાં પુરી કરી હતી.જે લોકો આ હાઇવેની સફરે નિકળે છે તેમને મહીનાઓ પહેલા તૈયારીઓ કરવી પડે છે. ખાવા પીવાથી માંડીને જરુરી ચીજવસ્તુઓ સાથે રાખવી પડે છે. વાહન બગડે કે ટાયરમાં પંકચર પડે ત્યારે જાતે જ સમારકામ થઇ શકે તે માટે ટુલ પણ રાખવા પડે છે. મિકેનિક સરળતાથી ના મળે ત્યારે આ હાથ વગો હુન્નર કામ આવે છે. માર્ગમાં જુદા જુદા પ્રકારના હવામાનનો સામનો કરવો પડતો હોવાથી એ હિસાબે પોષાકની જરુર પડે છે. રસ્તા પર ભુસ્ખલન, અચાનક પૂર અને કુદરતી જોખમો પણ રહેલા છે. જે પ્રવાસીઓને ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડના ઇતિહાસ અને પરંપરાઓની સમૃધ્ધિમાં ડોકિયું કરવું ગમે છે તેમના માટે હાઇવે માર્ગદર્શક સમાન છે. મેકિસકોના નુએવો લાડેડોથી પનામા સિટી (૫૩૯૦) કિમી સુધીનો ઇન્ટર અમેરિકન હાઇવે તેનો જ એક ભાગ છે. ઇકવાડોરનો કોટોપેકસી જવાળામુખી ઇકવાડોરના પેન અમેરિકન હાઇવે પરથી દેખાય છે. નોંધવા જેવી વાત એ છે કે રસ્તો સ્પેનિશ બોલતા દેશોમાંથી પસાર થયા છે આથી લાંબી મુસાફરીમાં સરળતા રહે તે માટે સ્પેનિશ શીખેલા હોયતો સરળતા રહે છે.
૧૯મી સદી દરમિયાન અમેરિકા ખંડના ઉત્તર અને દક્ષિણ ભાગને રોડ અથવા રેલ્વેથી જોડવાનું સપનું સેવવામાં આવ્યું હતું.૧૮૮૦માં યુએસએના ન્યૂયોર્કથી આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સ વચ્ચે ૧૧૦૦૦ માઇલ લાંબી રેલ્વેલાઇનના નિર્માણનો પ્રસ્તાવ હતો, જો કે આ ટ્રાન્સ કોન્ટિનેન્ટલ રેલવે લાઇનનો આ વિચાર મોટે ભાગે કાગળ પર જ રહી ગયો હતો. છેવટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાના રાજયોને જોડતો રાજમાર્ગ તૈયાર કરવાની માંગ ઉઠી હતી. ૧૯૨૩માં સેન્ટિયાગો ડી ચિલીમાં પાંચમી પાન-અમેરિકન કોન્ફરન્સમાં યુનાઇટેડ સ્ટેટ્સને પનામા સાથે જોડતા હાઇવે માટેનો ખર્ચ એ સમયે ૫૫ મિલિયન ડોલર આંકવામાં આવ્યો હતો.જેના માટે તત્કાલિન યુએસ પ્રમુખ જોન કેલ્વિને કેટલીક મધ્ય અમેરિકન સરકારોને નાણાકીય સહાયનું વચન આપ્યું હતું.
૫ ઓકટોબર ૧૯૨૫ના રોજ બ્યૂનર્સ આયર્સ ખાતે હાઇવે તૈયાર કરવા માટેની પ્રથમ બેઠકમાં સમગ્ર યોજનાની રુપરેખા રજૂ કરવામાં આવી હતી. અમેરિકાના બે ખંડોને જોડવા માટે વિશ્વના સૌથી લાંબા રસ્તાનું નિર્માણ ૧૯૨૮માં કયૂબામાં યોજાયેલા છઠ્ઠા સંમેલન પછી શરુ થયું હતું. હાઇવેને તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં એન્જીનિયર્સ અને કામદારો કામે લાગ્યા હતા. પ્રથમ તબકકામાં લારેડો, ટેકસાસથી મેકિસકો સિટી સુધી માર્ગ તૈયાર કરાયો હતો. બીજા તબક્કામાં માર્ગ પનામા સિટી સુધી લઇ જવામાં આવ્યો હતો. ૧૯૩૬માં આર્જેન્ટિના ખાતે બીજી વાર સંધી પર હસ્તાક્ષર થવાથી ભાગ લેનારા દેશોએ પાન-અમેરિકન હાઇવેને વ્યાપક સમર્થન આપ્યું હતું. તમામનો હેતું અમેરિકા ખંડના ઉત્તર અને દક્ષિણ ભાગને જોડવાનો હતો પરંતુ રોડ નિર્માણનું કામ શરુઆતમાં સંકલન વિના આગળ વધતું રહયું હતું. ૧૯૪૩માં મેકિસકો ૯૬૦ કિમીના ભાગનું ઉદઘાટન કરીને ધ્યાન ખેંચ્યું હતું. દક્ષિણ અમેરિકામાં વેનેઝુએલા,કોલંબિયા અને ઇકવાડોર
હાઇવે નિર્માણ માટે પોતપોતાની રીતે આગળ વધ્યા હતા.પેરુ સરકારે ૧૯૩૦ના દાયકાથી જ દરિયાકિનારે પરિવહનને અનુકૂળ બનાવવા રસ્તો તૈયાર કરવા પર ભાર મુકયો હતો. આ રસ્તો સેન્ટિયાગો (ચિલી) સુધી ગયો હતો ત્યાંથી પૂર્વ તરફ ઉસ્પાલટા થઇને આર્જેન્ટિનાના મેન્ડોઝા તરફ ગયો હતો જે એન્ડિઝ પર્વતમાળાઓમાં સમુદ્રની સપાટીથી લગભગ ૪૦૦૦ મીટરની ઉંચાઇએ છે જયાં વર્ષના ૬ મહિના બરફ રહે છે. ઉત્તર અમેરિકામાં સત્તાવાર ઇન્ટર સ્ટેટ હાઇવે આ સિસ્ટમમાં ભળી જાય છે. મેકિસકો તરફ જતા તે ડલ્લાસ, ટેકસાસમાં ઇન્ટરસ્ટેટ ૩૫, કોલોરાડોમાં ઇન્ટરસ્ટેટ ૨૫ તરીકે ઓળખાયા પછી ન્યુ મેકિસકો (લાસ ક્રુસેસ) પહોંચે છે. મેકિસકોના ન્યુવો લારેડોથી રસ્તો દક્ષિણમાં મધ્ય અમેરિકા તરફ જાય છે. હોન્ડુરાસના ટેગુસિગાલ્પાને બાદ કરતા તમામ દેશોની મુખ્ય રાજધાનીઓમાંથી રાજમાર્ગ પસાર થાય છે. કોસ્ટારિકાના સેરો ડે લા મુર્ટે નામના સ્થળ સુધી પહોંચવા માટે ૩૩૩૫ મીટર ઉંચાઇ સુધી આગળ વધે છે. મધ્ય અમેરિકામાં ઉત્તરથી દક્ષિણ તરફ જતા થોડાક રસ્તાઓ જ છે જેમાંના મોટા ભાગના ખાસ કરીને પાન-અમેરિકન હાઇવે પશ્ચિમ (પેસિફિક) કિનારા સાથે ચાલે છે. અલાસ્કાના પ્રુધો ખાડીથી આર્જેન્ટિના જવા માટે ડેરિયન ગેપ સિવાય ફોર્ટ નેલ્સન, બ્રિટિશ કોલંબિયા અને ટોક, અલાસ્કાના દૂરવા ઉત્તરીય ભાગોમાં કેટલીક બસો પણ આ રુટ પર જોવા મળે છે. ઉત્તર અને દક્ષિણ વચ્ચે સમગ્ર પશ્ચિમ ગોળાર્ધમાં બસ દ્વારા મુસાફરી કરવા માટે બહુવિધ ટ્રાન્સફરની જરુર પડે છે.
પહેલા મોટા ભાગના મધ્ય અમેરિકી દેશો વચ્ચે સારા રસ્તાના અભાવે વ્યાપાર વિકસ્યો ન હતો. કોસ્ટા રિકા અને પનામા વચ્ચે કોઇ જ માર્ગ ન હતો આથી આ પેન અમેરિકન હાઇવે ખૂબ ઉપયોગી સાબીત થયો હતો. અમેરિકાના એક છેડાથી બીજા છેડા સુધી હાઇવેની યોજના હેઠળ પાડોશી દેશો સાથેના સંબંધો મજબૂત બન્યા હતા. જો કે પાન અમેરિકન હાઇવેની યુએસએમાં સત્તાવાર રીતે ઓળખ ભૂંસાઇ રહી છે. મોટા ભાગના ટ્રાવેલ બ્લોગર્સ, સાહસિકો અને અને નેશનલ જિયોગ્રાફિક લેખકો ઉલ્લેખ કરે છે. એવું કહેવાય છે કે રસ્તો કયાંય જતો નથી રસ્તા પરથી માનવીઓ જ મંઝિલ તરફ જતા હોય છે. પેન અમેરિકન હાઇવે ફકત વિશ્વનો લાંબો રસ્તો જ નથી પરંતુ માનવીય ઉદારતા,લચિલાપણાનો પણ પૂરાવો છે જે એક સાથે જુદા જુદા દેશોની વિવિધ સંસ્કૃતિઓ અને ભૂપ્રદેશના લોકોને જોડતો રહયો છે.