Get The App

યુરોપમાં ફૂડનો બગાડ અને વસ્ત્રોની વધતી ફેશન પર નિયંત્રણનો પ્રયાસ

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
યુરોપમાં ફૂડનો બગાડ અને વસ્ત્રોની વધતી ફેશન પર નિયંત્રણનો પ્રયાસ 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- દરેક યુરોપિયન  દર વર્ષે સરેરાશ 132 કિલોગ્રામ ખોરાક અને 12 કિલોગ્રામ કપડા વેડફે છે વસ્ત્ર અને ભોજનની બરબાદીથી જમીન અને જળ જેવા દુર્લભ પ્રાકૃતિક સંસાધનો પર વિપરીત અસર થાય છે.  

યુ રોપિયન યુનિયન (ઇયુ) ૨૭ દેશોનો સમૂહ છે જે પોતાની સહિયારી ઇકોનોમી, કરન્સી અને નીતિઓ ધરાવે છે. ગત પખવાડિયે ઇયુની પાર્લામેન્ટે ખોરાકનો બગાડ અને ફાસ્ટ ફેશન પર લગામ તાણવાની મંજુરી આપી છે. એક સત્ય સનાતન બાબત એ છે કે જો અન્નનો વેડફાટ અટકાવવામાં આવેતો વધુને વધુ ગરીબોના ઘર સુધી પહોંચાડી શકાય છે. લાખો ખેડૂતો હવા, પાણી અને જમીન જેવા કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને વિવિધ અનાજનું ઉત્પાદન મેળવે છે. વૈજ્ઞાનિક ખેતીમાં પાક  ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો અને કેમિકલ દવાઓનો અતિ વપરાશ પર્યાવરણને નુકસાન કરે છે. ખેતરમાં જે અનાજ પાકે છે તેના માટેની પ્રક્રિયાથી લાંબા ગાળે જમીન, પાણી, આરોગ્ય અને સમગ્ર પર્યાવરણને નુકસાન થાય છે. આજીવિકા અને વિકાસ માટે પર્યાવરણને થતું નુકસાન  ભરપાઇ ના થઇ શકે તેવું હોવું જોઇએ નહી.૧ કિલો અનાજ તૈયાર કરવા માટે સરેરાશ ૮૦૦ થી ૪૦૦૦ લિટર સુધી પાણીની આવશ્યકતા રહે છે. અન્ન સુરક્ષા માટે અનાજ ઉગાડવાનું બંધ ના કરી શકાય પરંતુ પાકેલા મહામૂલા અનાજનો બગાડ થતો અટકાવવો આપણા હાથમાં છે. યુરોપિયન યુનિયન ૨૦૩૦ સુધીમાં રેસ્ટોરન્ટમાં બગડતા ખોરાકમાં ૩૦ ટકા અને  ખોરાક પ્રોસેસિંગ દરમિયાન ૧૦ ટકા જેટલો ઘટાડો ઇચ્છે છે. યુરોપિયન યુનિયનની ખોરાક પ્રણાલીથી થતા કુલ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનનો લગભગ ૧૬ ટકા છે. યુરોપના પર્યાવરણ સમૂહોએ કૃષિક્ષેત્રને  પણ અનાજના વેડફાટમાં આવરી લેવાની માંગ કરી રહયા છે.

એક યુરોપિયન દર વર્ષે ૧૩૨ કિલોગ્રામ ખોરાક અને ૧૨ કિલોગ્રામ કપડા વેડફે છે. યુરોપના દેશો દુનિયામાં કપડાના સૌથી મોટા આયાતકાર છે. દરેક દેશોમાં ફાસ્ટ ફેશનનો ટ્રેન્ડ ચાલતો હોવાથી કપડાનો વપરાશ વધતો જાય છે.  કપડાએ માત્ર અંગ ઢાંકવાનું  માધ્યમ નહી પરંતુ ફેશનેલેબલ જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે. ફાસ્ટ ફેશનના નામે કપડાનો પુરતો ઉપયોગ કર્યા વિના જ ફેંકી દેવામાં આવે છે. વસ્ત્રો પણ કપાસ જેવા ખેતીના પાકો અને અન્ય વનસ્પતિમાંથી તૈયાર થતા હોવાથી   પર્યાવરણના સંરક્ષણ માટે કાળજી જરુરી છે. આર્થિક સમૃધ્ધિના પગલે આધુનિક જીવનશૈલીનું આગમન થવાની સાથેજ વસ્ત્રોની ખરીદી ઝડપથી થવા લાગી છે. યુરોપિયન યુનિયનનું માનવું છે કે એક કોટન ટી શર્ટ બનાવવા માટે લગભગ ૨૭૦૦ લિટર અને એક જીન્સ પેન્ટ માટે બનાવવા ૪૦૦૦ લિટર પાણીની જરુર પડે છે. આ પાણીનો જથ્થો એક વ્યકિતને ૧ વર્ષ સુધી ચાલી શકે તેટલો છે. યુરોપમાં આવી રહેલા આગામી નવા નિયમ મુજબ કપડા ટકાઉ, મરામત યોગ્ય અને રિસાઇકલિંગ થઇ શકે તેવા હોવા જરુરી છે. ઇયુ કપડાના ઉત્પાદનને ૨૫ થી ૪૦ ટકા જેટલું ઓછું કરવાની ધારણા ધરાવે છે. માનવીની પાયાની જરુરિયાત ખોરાક અને વસ્ત્રોનો વેડફાટ અટકાવવા ઉત્પાદકોનું ઉત્તરદાયિત્વ નકકી કરવામાં આવી રહયું છે. આ જોગવાઇ હેઠળ ઇ કોમર્સ પ્લેટફોર્મવાળાને પણ આવરી લેવામાં આવનાર છે. દરેક દેશને આ નિર્દેશ લાગુ કરવા માટે ૩૦ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. નવા નિયમમાં કપડાની વસ્તુઓ જેમ કે ટોપીઓ, કાંબળા, બિસ્તર, રસોઇના લિનેન અને પડદા જવા વસ્ત્રોનો પણ સમાવેશ થાય છે.   

વર્તમાન સમયમાં વિશ્વમાં ૧ ટકાથી ઓછા વસ્ત્રોનું રિસાયકલિંગ થાય છે. યુરોપીય સંઘમાં વર્ષે ૧૨.૬ મિલિયન ટન કપડાનો વેસ્ટ પેદા થાય છે જયારે ૧.૨ કરોડ ટન કપડા ફેંકી દેવામાં આવે છે. યુરોપ કાપડ અને કપડાની આયાત કરે છે પરંતુ ફાસ્ટ ફેશનના ટ્રેન્ડમાં સેકન્ડરી કપડા એશિયા અને આફ્રિકાના ગરીબ દેશોમાં ઠાલવે પણ છે.  ઉદાહરણ તરીકે આફ્રિકાનું ઘાના ફાસ્ટ ફેશનનું ડંપિગ ગ્રાઉન્ડ બની ગયું  છે. દર અઠવાડિયે રાજધાની અક્રાનીમાં ૧૫ મિલિયન સેકન્ડ હેન્ડ કપડા આયાત થાય છે જેને   સ્થાનિક ભાષામાં 'ઓબ્રોની વાવૂ ' કહેવામાં આવે છે આનો અર્થ 'મરેલા લોકોના કપડા ' એવો થાય છે. ઘાના  રિયુઝ, રિપેરિંગ,અપ સાઇકલિંગ અને રિમેન્યુફેકચરિંગનું મોટું કેન્દ્ર હોવાથી કપડાના ઢગલા જ એક સમસ્યા બની  છે. આયાત થતા કપડામાંથી ૪૦ ટકા કપડાની ગુણવત્તા એટલી ખરાબ હોય છે કે તે ફરી વેચાય તેવી સ્થિતિમાં હોતા નથી. સસ્તા અને ખરાબ ગુણવત્તાવાળા કપડાનું કારણ ફાસ્ટ ફેશન ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં કપડાના ટકાઉપણા પર ધ્યાન આપવામાં આવતું નથી.  આવી જ રીતે યુરોપ, અમેરિકા અને અરબ દેશોમાંથી મોટા પાયે લેટિન દેશ ચિલીના અટકામા ખાતે જૂના  કપડાના ડુંગર ખડકાયેલા છે. દર વર્ષે આ સ્થળે ૫૯ હજાર ટન કપડા ઠલવાય છે. દુનિયાનું આ સૌથી મોટું સેકન્ડ હેન્ડ કલોથ સ્થળ ફાસ્ટ ફેશનની ચાડી ખાય છે. દુનિયા ભરમાં સેકન્ડ હેન્ડ કપડાના  બજારનો મુખ્ય સ્ત્રોત યુરોપ છે. અનેક ઇ કોર્મસ કંપનીઓને કપડા સપ્લાય કરવામાં આવે છે. ચીનની એક વિખ્યાત ઇ કોમર્સ કંપની ફેશનના કપડા સસ્તા ભાવમાં ડમ્પ કરે છે. આથી ચીની કપડાના દરેક પાર્સલ પર ૨ યુરોનું આયાત શૂલ્ક લગાવવાનો પણ પ્રસ્તાવ છે. 

ઇ કોર્મસ ઉત્પાદકો સહિત કપડા ઉત્પાદકોને ૩૦ મહિનાની અંદર રિસાયકલિંગ માટે નાણા એકત્ર કરવાની ફરજ પાડવામાં આવશે.  ઉત્પાદકોને પણ ટકાઉ, મરામત યોગ્ય અને રિસાયકલિંગ થઇ શકે તેવા કપડા તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવશે. એક માહિતી મુજબ યુરોપિય સંઘમાં ૪.૫ અબજ અલ્ટ્રા ફાસ્ટ ફેશન કપડાના પાર્સલ આવે છે જેમાં ૧૦ માંથી ૯ ચીનથી આવતા હોવાથી આ પ્રકારના ફેશન પર નિયંત્રણ પર ભાર મુકવામાં આવે છે. યુરોપિયન યુનિયન માને છે કે લોકો શું ખાય છે ? શું પહેરે છે અને ફેંકે છે તે બાબતની જાગૃતિ સોશિયલ ઇકોનોમીનો જ એક ભાગ ગણાશે. ઇયુના સાંસદોનું માનવું છે કે ચીનથી શીન જેવા પ્લેટફોર્મના માધ્યમથી આવતા સસ્તી કિંમતના ફાસ્ટ ફેશન બૂમ કપડા પર નિયંત્રણ જરુરી બન્યું છે. યુરોપિયન યુનિયનની ઇપીઆર યોજનાઓ અંર્તગતના કાનુનનું લક્ષ્ય ટકાઉ ફેશન અર્થ વ્યવસ્થાનો પાયો નાખવાનો છે.

જો કે નિષ્ણાતોનું માનવું છે કે યુરોપિયન યુનિયનની આગામી નીતિઓથી બાંગ્લાદેશ, વિયેતનામ, ચીન અને ભારત જેવા વિકાસશીલ દેશોના કપડા અને  પરિધાન ઉધોગો  પર મોટો આર્થિક બોજ પડી શકે છે. એશિયાઇ દેશોમાં લાખો લોકો પોતાની આજીવિકા માટે કપડા અને 

પરિધાન ઉધોગ પર આધાર રાખે છે. વૈશ્વિક કપડા ક્ષેત્ર પહેલાથી જ અમેરિકી ટેરિફના લીધે અસ્થિરતાનો સામનો કરી રહયું છે ત્યારે ઇયુના નવા કાયદાને એક નવા અવરોધ તરીકે જોવામાં આવી રહયો છે. મોટા ભાગની ફાસ્ટ  ફેશન આ દેશોમાંથી જ બાકીની દુનિયામાં આવે છે. ૨૦૦૮માં યુરોપીય સંઘે વેડફાટને અટકાવવા માટે કાયદો ઘડયો હતો તેનો વ્યાપ વધારીને પરિધાન સુધી પહોંચાડવામાં આવ્યો છે. નકામી  વસ્તુઓનું પ્રમાણ ઓછું કરીને પૃથ્વી ગ્રહનું રક્ષણ કરવાનું નવું અભિયાન આના કેન્દ્રમાં છે.યુરોપીય સંઘની સંસદે યુરોપમાં બરબાદ થતા અનાજ અને ફાસ્ટ ફેશન પરિધાન પર લગામ તાણવાના એક વ્યાપક કાનુનને અંતિમ સ્વરુપ આપ્યું છે જેની તૈયારીઓ અને અમલવારી માટે ૨૦ મહિના જેટલો સમય આપ્યો છે.યુરોપમાં ૨૦૨૧ થી ૨૦૨૩ સ્તરની સરખામણીમાં ખોરાક પ્રોસેસિંગ દરમિયાનના વેડફાટમાં  મોટો ઘટાડો કરવાનો ઉદ્દેશ ધરાવે છે. અતિ ઉપભોગતા કલ્ચર છેવટે કુદરતના ચક્રને અવરોધે છે એટલું જ નહી જાત ભાતની આફતોને આમંત્રે છે. આમ ફૂડ અને કપડાના વપરાશ બાબતે ટ્રેન્ડ સેટ કરનાર યુરોપ ધીર ગંભીર બનતું જાય છે. પ્રસ્તાવિત  નિયમો અને કાયદાનું એક ધાર્યુ અમલીકરણ થશે તો આગામી વર્ષોમાં ધાર્યુ પરિણામ ચોકકસ મળી શકે છે.