- મીડ વીક- હસમુખ ગજજર
- બાળકો યુધ્ધ કરતા નથી કે તેઓ યુધ્ધનું કારણ પણ જાણતા નથી તેમ છતાં યુધ્ધનો ભોગ બને છે.
ગ ત ૨૮ ફેબુ્રઆરીના રોજ ઇઝરાયેલ અને અમેરિકાના હુમલાના પ્રથમ દિવસે સવારે ૯ વાગે ઇરાનના મિનાબ શહેરની ગર્લ્સ સ્કૂલને નિશાન બનાવતા ૧૬૮ જેટલી માસૂમ બાળકીઓના મુત્યુ થયા હતા. આ ઇરાન યુધ્ધને ૧ મહિના કરતા પણ વધુ સમય પસાર થઇ ગયો છે. આ દરમિયાન એરબેઝ, વ્યવસાયિક કેન્દ્રોથી માંડીને ઉર્જાક્ષેત્રો પર હુમલાની સેંકડો ઘટનાઓ બની છે. ઇરાનના સાઉથ પાર્સ અને કતારના રાસ લફ્ફાન ગેસ ફિલ્ડ પરના હુમલાથી હાહાકાર મચી ગયો હતો. ઇરાન યુધ્ધના બદલાતા ઘટનાક્રમોની વચ્ચે મિનાબ શહેરની શાજરેહ તૈય્યબેહ એલિમેન્ટરી ગર્લ્સ સ્કૂલ પરના હુમલાની ચર્ચા સતત થતી રહે છે. આ હુમલામાં કુલ તો ૨૦૦ મુત્યુ થયા જેમાં ૭ થી ૧૨ વર્ષની ૧૬૮ બાળકીઓ ઉપરાંત ૨૬ શિક્ષક અને ૬ અન્યનો સમાવેશ થતો હતો. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)એ ધર્મગુરુ આયાતોલ્લાહ અલી ખોમેનેઇની શહાદતની સાથે માસૂમ બાળકો પર થયેલા હુમલાને પણ ઘાતકી ગણાવીને પ્રતિશોધનો પડકાર ફેંકેલો છે. એક માહિતી મુજબ ઇરાન પીડિતોની સ્મૃતિમાં સ્કૂલના સ્થળે સ્મારક તૈયાર કરવા ઇચ્છે છે જયારે મૂળ સ્કૂલને બીજે ખસેડવામાં આવશે. સંયુકત રાષ્ટ્રમાં ઇરાનના રાજદૂત અલી બાહરેનીએ ૨૩ માર્ચેના રોજ માનવ અધિકાર પરિષદના અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સ્કૂલમાં બાળકો શિક્ષણ લઇ રહયા હોય તેવા સમયે હુમલો થવો ગંભીર બાબત છે. આ સંદર્ભમાં સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર ચીફ વોલ્કર તુર્કે જિનિવા ખાતે સંબોધનમાં મિનાબ હુમલા માટે જવાબદાર લોકોની તાત્કાલિક તપાસ કરીને ન્યાયની માંગણી કરી હતી. જિનિવા ખાતે ચર્ચાનો મુખ્ય વિષય આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર સંઘર્ષોમાં બાળકો અને શૈક્ષણિક સંસ્થાનોની સુરક્ષાનો હતો. મિનાબમાં ગર્લ્સ સ્કૂલ પર હુમલો કેવી રીતે થયો તેને લઇને અનેક થિયેરીઓ અને અટકળો છે. અમેરિકાના જાણીતા સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ અમેરિકી સેનાએ જુના ડેટાના આધારે ભૂલથી દક્ષિણ ઇરાનની આ સ્કૂલ પર હુમલો કર્યો હતો. અમેરિકી સેના સ્કૂલની નજીક આવેલા સૈન્ય થાણાને નિશાન બનાવવા ઇચ્છતી હતી પરંતુ યુધ્ધ અભિયાનની કેન્દ્રીય કમાનને મળેલી માહિતી કદાંચ જુના ડેટા પર આધારિત હતી. જો આ ડેટા જુના હતા તો તેના આધારે શા માટે કાર્યવાહી કરવી પડી તે પણ એક મોટો સવાલ છે.
યુએનના એક અહેવાલ અનુસાર છેલ્લા બે દાયકાથી વધુ સમયથી દુનિયાભરમાં ચાલેલા સશસ્ત્ર સંઘર્ષમાં સ્કૂલો પર ૧૪ હજારથી વધુ હુમલા થયા છે. શિક્ષણ સંસ્થાનો અને સ્કૂલી બાળકો આંતરરાષ્ટ્રીય કાનુન હેઠળ સુરક્ષિત ગણાતા હોવા છતાં યુધ્ધ અને હિંસાનો ભોગ બની રહયા છે. યુધ્ધમાં શિક્ષણ સંસ્થાનો પર જીવલેણ હુમલા વધતા જાય છે જે જરાં પણ સ્વીકાર્ય નથી. બાળકો યુધ્ધ કરતા નથી કે તેઓ યુધ્ધનું કારણ પણ જાણતા નથી તેમ છતાં તેઓ યુધ્ધની કિંમત ચુકવે છે. વયસ્કોની સરખામણીમાં વિસ્ફોટકો અને હથિયારથી માર્યા જવાની કે અપંગ થવાની શકયતા વધારે રહે છે. યુનિસેફ મુજબ વર્તમાનમાં ૪૬ કરોડથી વધુ બાળકો સુદાન, યુક્રેન, મ્યાંમાર, પેલેસ્ટાઇન જેવા હિંસા ધરાવતા સ્થળોએ રહે છે. વિશ્વમાં ૧૪ કરોડ કરતા વધુ બાળકો અનાથ છે જેમાં ૯૫ ટકાથી વધુની ઉંમર ૫ વર્ષ કરતા ઓછી છે. ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨થી શરુ થયેલા રશિયા- યુક્રેન યુધ્ધમાં માત્ર ૧ મહિનામાં યુક્રેનના અડધાથી વધુ બાળકો વિસ્થાપિત થયા હતા. યુક્રેનના શહેરો પર થયેલા બોંબમારાની શરુઆતમાં જ ૫૦૦ બાળકો શિકાર બન્યા હતા. ૭ ઓકટોબર ૨૦૨૩માં આતંકી સંગઠન હમાસના હુમલાની ઘટના પછી ઇઝરાયેલના ગાજા પરની સૈન્ય કાર્યવાહીમાં ૧૧૦૦૦થી વધુ બાળકો માર્યા ગયાનું અનુમાન છે. આ સંખ્યામાં કાટમાળ નીચે દબાયેલા કે ભૂખમરાથી માર્યા ગયેલાઓનો સમાવેશ થતો નથી. ઇઝરાયેલમાં હમાસ દ્વારા બંધક બનાવેલા ૨૫૩ લોકોમાંથી ૪૦ માર્યા જેમાં ૩૦ જેટલા બાળકો પણ હતા. દુનિયા ભરમાં દર ૬ માંથી એક થી વધુ બાળકો સંઘર્ષની શકયતા ધરાવતા વિસ્તારોમાં રહે છે. ૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વિશ્વ અનાથ દિને યુએનના આંકડા અનુસાર ૫.૨ કરોડ આફ્રિકા, ૧ કરોડ કેરેબિયાન અને લેટિન અમેરિકામાં, ૬.૧ કરોડ એશિયામાં અને ૭૩ લાખ મધ્ય એશિયા અને પૂર્વી યુરોપમાં અનાથ બાળકો રહે છે. આફ્રિકાના કેટલાક દેશોમાં ચાલતા સશસ્ત્ર સંઘર્ષમાં બાળકોના હાથમાં હથિયારો આપીને લડવૈયા ગુ્રપો ભરતી કરીને હદ વટાવી દીધી છે.
૧૯૫૫માં દક્ષિણ વિયેતનામના સમ્રાટ બાઓનું તખ્તાપલટ થતા અમેરિકા આ જંગમાં કુદી પડયું હતું. ઓપરેશન થંડર અંર્તગત ૧૯૬૫માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જોનસને વિયેતનામ વૉરમાં ૪.૫ લાખ સૈનિકો ઉતાર્યા હતા. અમેરિકાના સૈન્યએ વિયેતનામમાં વિરોધીઓ પર અત્યાચાર કરીને હાહાકાર મચાવી દીધો. બીજા વિશ્વયુધ્ધ પછી શરુ થયેલા શિતયુધ્ધમાં સોવિયત સંઘ(રશિયા) અને ચીને વિયેતનામના સામ્યવાદી સમર્થકોને મદદ કરતા અમેરિકા માટે મુશ્કેલી વધી હતી. વિયેતનામની આર્મી સાથે ઉશ્કેરાયેલા લોકો પણ અમેરિકી સૈનિકોની હત્યા કરવા લાગ્યા. અમેરિકા આમ તો પાવરફૂલ બોંબમારો કરતું હતું પરંતુ જમીન પર તેના સૈન્યની સ્થિતિ નબળી થઇ રહી હતી. છેવટે જાન્યુઆરી ૧૯૭૩માં ઉત્તર વિયેતનામ સાથે થયેલી એક સંધી અંર્તગત અમેરિકાએ પોતાની આર્મી પાછી ખેંચી લીધી હતી. અમેરિકાએ વિયેતનામ વૉરમાં ૫૮૦૦૦ સૈનિકો અને અબજો ડોલર નાણા ગુમાવ્યા હતા. આર્મી પાછી ખેંચ્યાના માત્ર બે વર્ષ પછી ૩૦ એપ્રિલ ૧૯૭૫ના રોજ ઉત્તર ભાગની સામ્યવાદી સેનાએ દક્ષિણ વિયેતનામના પાટનગર સાઇગોન પર આક્રમણ કરીને પચાવી પાડયું હતું.
સાઇગોનનું નામ બદલીને હો ચી મિન્હ કરવામાં આવ્યું હતું. ફેલ ઓફ સાઇગોન(સાઇગોનનું પતન)ની ઘટનાએ અમેરિકાની આબરુ ધૂળ ધાણી કરી હતી. વિયેતનામ યુધ્ધમાં નેપાલ્મ બોંબમારા દરમિયાન નગ્ન દોડતી ૯ વર્ષની ફાન થી કિમ ફૂક નામની છોકરીની તસ્વીરે તરખાટ મચાવ્યો હતો. કિમ ફૂક (નેપાલ્મ ગર્લ) નિર્દોષ નાગરિકો પર થોપવામાં આવેલા યુદ્ધનું પ્રતિક બની હતી. તસ્વીરમાં કિમ ફૂક ઉપરાંત નાનો ભાઇ ફાન થાન્હ ફૂક, કિમના પિતરાઇ ભાઇ-બહેન વાન બૉન અને હો થી ટિંગ પણ હતા. નગ્ન દોડતી કિમ ફૂકનો ફોટો આજે પણ 'ધ ટેરર ઓફ વૉર ' (યુધ્ધના આતંક) તરીકે ઓળખવામાં આવે છે. વિયેતનામી યુધ્ધની ક્રુરતાનો ચહેરો ઉજાગર કરતી નેપાલ્મ ગર્લની ભયભીત અભિવ્યકિતને લોકો આજે પણ ભૂલ્યા નથી. ૮ જુન ૧૯૭૨ના રોજ દક્ષિણ વિયેતનામના ટ્રાંગબેંગ ગામમાં એક ખાસ પ્રકારની જેલીમાંથી તૈયાર કરવામાં આવેલા નેપાલ્મ બોંબ વડે હુમલો થયો હતો. આ પ્રકારના બોંબની જેલી શરીરના સંપર્કમાં આવવાની સાથે જ બળવા લાગે છે. જેલીના સંપર્કથી બળતરા થવાથી ૯ વર્ષની કિમફૂક કપડા ફગાવીને દોડતી હતી ત્યારે સાઇગોન ખાતે ફરજ બજાવતા એપીના ૨૧ વર્ષના ફોટોગ્રાફર નિક ઉતે તસ્વીર ખેંચી હતી.આ તસ્વીરની પુષ્ઠભૂમિમાં નેપાલ્મ બોંબ ફાટયો ત્યારે બાળકો અને સૈનિકો વિસ્ફોટના ધૂમાડા નજીકથી પસાર થઇ રહયા હતા. નિકે એક ડોકયુમેન્ટરીમાં ઉલ્લેખ કર્યો હતો કે છોકરી મારી નજીકથી પસાર થઇ ત્યારે તેના શરીરનો કેટલોક ભાગ બળી જવાથી ચામડી ઉતરતી જણાતી હતી. ૯ વર્ષની કિમફૂકના શરીરનો ૩૦ ટકા જેટલો ભાગ બળી ગયો હતો.
અમેરિકાના સમાચારપત્રોના પ્રથમ પાને પ્રકાશિત થયેલી નેપાલ્મ ગર્લ યુધ્ધ વિરોધી આંદોલનોનો ચહેરો બની ગઇ હતી. ૧૯૭૩માં નેપાલ્મ ગર્લની તસ્વીર 'ફોટો ઓફ ધ યર' તરીકે પસંદ કરાઇ હતી. પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા આ ફોટો ખરેખર કોણે પાડયો હતો તેનો પણ વિવાદ રહયો છે. છેલ્લે વર્ષ ૨૦૨૫માં 'ધ સ્ટ્રિંગર ' નામની ડોકયુમેન્ટરીમાં આ અંગે કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. એ સમયે ઘટના સ્થળે ૩ ફોટોગ્રાફર હતા જેમાં ફ્રિલાન્સ ફોટોગ્રાફર ગુયેન થાન્હેન્ધે પણ ફોટો કલીક કરવાનો દાવો કર્યો હતો. વિખ્યાત થયેલી નેપાલ્મ ગર્લ કિમ ફૂકને વિયેતનામી સરકારે ઉચ્ચ અભ્યાસ માટે કયૂબા મોકલી હતી. કયુબામાં અભ્યાસ દરમિયાન એક વિયેતનામી સ્ટુડન્ટ સાથે પ્રેમ થતા છેવટે લગ્ન કરી લીધા હતા. કયુબાથી કેનેડાના ટોરેન્ટો શિફટ થઇને એક નવી જીંદગીની શરુઆત કરી હતી. કિમ ફૂકને બે બાળકો છે તેણે કિમ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે જે યુદ્ધના શિકાર બનેલા બાળકોની મદદ કરે છે. કિમ ફૂક માને છે કે બાળકો માટે યુધ્ધનો ભયાનક સ્વરુપ રજૂ કરતી તસ્વીર યુવા ફોટોગ્રાફર નિક ઉતે ખેંચી હતી એટલંક જ નહી હોસ્પીટલમાં લઇ જઇને જીવ પણ બચાવ્યો હતો. આ ઘટનાને ૫૦ વર્ષ થયા તેમ છતાં બંને એક બીજાના સંપર્કમાં રહયા છે. સવાલ ફોટો કોણે ખેચ્યો હતો તેના કરતા પણ ફોટો પાછળ રહેલી અભિવ્યકિત મહત્વની છે જેને અમેરિકી નાગરિકોને વિયેતનામ યુધ્ધ વિરોધની ભાવના ભરવા મજબૂર કર્યા હતા. ઇરાનના મિનાબ સ્કૂલ જેવી કરુણાંતિકાને માનવીય સંવેદનાથી વિચારીએ તો નિદોર્ષ બાળકો યુધ્ધ શરુ કરતા નથી તો તેમનો અંત પણ યુધ્ધમાં થવો જોઇએ નહી. યુધ્ધની ચિચિયારીઓ વિયેતનામની નેપાલ્મ ગર્લની હોય કે ઇરાનની ગર્લ્સ સ્કૂલની એક સરખી જ હોય છે. કોઇ પણ દેશના નિદોર્ષ નાગરિકો અને દેશનું ભાવિ ગણાતા બાળકો હુમલાનો સબ્જેકટ કે ઓબ્જેકટ હોવા જોઇએ નહી. આ બાબતે નેપાલ્મ ગર્લનું બિરુદ મેળવનારી કિમ ફૂકનો અવાજ પણ બુલંદ હોવો જરુરી છે. યુધ્ધમાં તો યુધ્ધ વિરામ હોય છે. વાટાઘાટો હોય છે અને છેવટે પૂર્ણ વિરામ પણ થતું હોય છે પરંતુ યુધ્ધમાં ગુમાવેલા નિદોર્ષ સ્વજનો, સંતાનોનું નુકસાન કોઇ ભરપાઇ કરી શકતું નથી એ ભૂલવા જેવું નથી.


