Get The App

દિવસે ન કરો એવા કામ, જેથી ન મળે ઊંઘ કે આરામ

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
દિવસે ન કરો એવા કામ, જેથી ન મળે ઊંઘ કે આરામ 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- તેનો પગાર અને હોદ્દો તો તમારા કરતાં નીચો છે, પણ સમાજમાં તેમનું સ્ટેટસ તો જુઓ

થા કીને ઓફિસથી મોડી સાંજે મુકુંદભાઈ ઘેર આવીને સોફા ઉપર બેઠા અને તેની પત્ની માનસી પાણીનો ગ્લાસ આપતાં બોલી. 'સાંભળ્યું, બાજુ વાળા નીરજભાઈ બીએમડબલ્યુ કાર લાવ્યા એ અને તેમના પત્ની નિયતિબેન સાંજે ગાડી લઈને નીકળ્યા ત્યારે આખી સોસાયટીના લોકો જોવા બહાર નીકળ્યા હતા. શું ઠાઠથી બન્ને બેઠા હતા. હજુ એ તો ડેપ્યુટી એન્જીનીયર છે, જ્યારે તમે તો પાંચ વરસથી એકઝીકયુટીવ એન્જીનીયર છો, છતાં વેગન આર જેવી સામાન્ય કાર ચલાવો છો. મને તો શરમ આવે છે.'

મુકુંદભાઈ હસી પડયા, 'એમાં શું છે, બંને કારનો ઉપયોગ તો એક સ્થળેથી બીજા સ્થળે જવા જ કરવાનો છે ને, આપણને આપણી કારથી સંતોષ છે, પછી શેની શરમ ?'

'તમને તો તમારા સ્ટેટસની પડી જ નથી. બધા મને પૂછે છે, 'આ જૂની ગાડી ક્યારે બદલાવો છો ?'

'જો માનસી, એક વાત સમજ, કોઈનાં ઘરની સરખામણી કે ઈર્ષા ન કરવી જોઈએ. આપણે આપણી આવક અને જરૂરીયાત પ્રમાણે ખર્ચો કરવો જોઈએ.' મુકુંદભાઈએ સમજાવતા કહ્યું.

તમે તો સાવ બોચિયા અને સિધ્ધાંતવાદી જ રહ્યા. તેનો પગાર અને હોદ્દો તો તમારા કરતાં નીચો છે, પણ સમાજમાં તેમનું સ્ટેટસ તો જુઓ. તેમની ઉપલી આવક કેટલી બધી હશે, તમે તો એવું કંઈ કરતાંય નથી. સાચાબોલા હરીશચંદ્ર થવાથી આ કળયુગમાં જીવાય જ નહીં.' કહેતા માનસીબેન ગુસ્સામાં આવી ગયા.

'જો આપણને નીતિનો જે પૈસો મળે છે, તેમાં જ ખુશ રહેવાનું. આપણી ચાદર જેટલા જ પગ ફેલાવાય. દિવસે એવા કોઈ કામ ના કરવા કે જેથી રાત્રે ઊંઘ ના આવે, સમજી.' સિધ્ધાંતવાદી મુકુંદભાઈ સમજાવતાં બોલ્યા.

માનસીબેનનો ઉકળાટ અને ગુસ્સો ઔર વધી ગયા. અસંતોષની આગમાં તે ઉકળી ગયા. આવાને આવા સિધ્ધાંતવાદી માણસો શું પૈસા બનાવવાના હતા ? વિચારતાં તે ઊંધું ફરી સુઈ ગયા.

ગુસ્સે થયેલ માનસીબેન હવે તેમનો ગુસ્સો મુકુંદભાઈ પર ઉતારવા લાગ્યા. તેમને માટે ખાસ જલી ગયેલી રોટલી અને દાઝી ગયેલો ભાત ગુસ્સામાં પિરસતા. મુકુંદભાઈને તેમના હાથનો મોહનથાળ બહુ ભાવતો, તેથી તે બનાવવા વિનંતી કરતા.

'શું મોહનથાળ ખાવા જેવી અક્કલ તો છે નહીં !' કહીને માનસીબેન ક્યારેય તે બનાવે જ નહીં !

મુકુંદભાઈ આટલી ઊંચી પોસ્ટ ઉપર હતા, છતાં અનીતિનો એક પણ પૈસો ક્યારેય લેવાની વાત જ નહીં કરવાની. તેથી તેમની આખી ઓફિસમાં બધા જ કામ નીતિપૂર્વક થતાં. પ્રજાના પૈસાનો જરા પણ દુરુપયોગ ન થાય અને નીતિપૂર્વક કામ થાય તેવો જ મુકુંદભાઈનો આગ્રહ રહેતો.

એક અઠવાડિયા સુધી માનસીબેન મોઢું ચડાવીને ફરતા રહ્યા. મુકુંદભાઈ સાથે જરા પણ વાતચીત નહીં. તેમને હતું કે આમ ગુસ્સો કરીને વિરોધ કરવાથી મુકુંદભાઈની નીતિ અને મતિ બદલાશે. પણ મુકુંદભાઈ ટસનાં મસ ના થયા. એ જ એમનું સિધ્ધાંતવાદી નીતિપૂર્વક વર્તન ચાલુ ને ચાલુ.

બીજા અઠવાડિયે વળી ભડકો થયો. મુકુંદભાઈ અને માનસીબેન હજુ રાત્રીનું ભોજન પતાવીને બેઠાં હતાં, ત્યાં નીરજ અને નિયતિ ખુશ થતાં આવ્યા.' કેમ છો, માનસીબેન, આ દિવાળીમાં ક્યાં ફરવા જવાનો પ્રોગ્રામ છે ?'

માનસીબેને મુકુંદભાઈ સામે જોયું. બન્ને જોઈ રહ્યા, 'હજુ સુધી તો કાંઇ નક્કી નથી.'

'તમારે સાથે આવવું હોય તો ચાલો, સાથે મજા પડશે. ચૌદ દિવસની અમેરિકાની ટ્રીપ ફક્ત સાડાસાત લાખની જ છે.' 'ઓહ, આટલી મોંઘી ટ્રીપ અમને ના પોષાય. અમે તો આટલામાં જ ગોવા કે ઉટી ફરવાનું વિચારીએ છીએ.' 

મુકુંદભાઈનો જવાબ સાંભળી નિયતિ હસી પડી. 'શું સાહેબ તમને તો બધુ પોષાય એમ છે, ખાલી મજાક કરો છો,' કહીને નીરજભાઈ હસતાં હસતાં ઊભા થઈ નિરાલીનો હાથ પકડી નીકળી ગયા. દરેક લાલચુ, રૂશ્વતી માણસ બીજાને પણ એવા જ સમજે છે.

માનસીબેન જલીને ખાખ થઈ ગયા. તેમણે ગરમ થઈને કહ્યું, 'શું એકઝીક્યુટીવ એન્જિનિયર થઈને આમ પોષાય નહીં કહો છો, તમને પરણીને તો હું હેરાન થઈ ગઈ.

'જો આપણે શાંતિથી નીતિપૂર્વક રહેવાનું. તને એવું લાગતું હોય તો તું મને છોડીને જઈ શકે છે.' મુકુંદભાઈએ સમજાવતા કહ્યું.

આખી રાત માનસીબેન ઇર્ષ્યાની આગમાં ઊંઘી શક્યા નહિ. મુકુંદભાઈ કોઈપણ ચિંતા વગર પરમાત્માને યાદ કરતાં શાંતિથી ઊંઘી ગયા.

બીજા દિવસે સવારથી તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો. ચારે તરફ તબાહી અને પાણી ભરાવાથી જનજીવન રફેદફે થઈ ગયું. સાબરમતી ઉપરનો નવો જ બ્રિજ ધડાકા સાથે તૂટી પડયો. અનેક વાહનો અને માણસોનો ખુડદો બોલી ગયો. ચારે તરફ હાહાકાર મચી ગયો.

લોકોનો પ્રચંડ વિરોધ અને હાલાકી જોતાં સરકારે તત્કાલ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દીધી. કરોડોના ખર્ચે બંધાયેલ નવો બ્રીજ ફક્ત ત્રણ વરસમાં તૂટે જ કઈ રીતે ?

તેના બિલ્ડરો મનહરલાલ અને સુંદરલાલ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી કસ્ટડીમાં પૂરી દીધા. પોલીસના સખત ચૌદમા રતનથી બચવા બંનેએ ઝટપટ ગુનો કબુલી બધી વિગતવાર માહિતી આપી દીધી. સાઇટ ઉપરના ડેપ્યુટી એન્જિનિયર નીરજ સુતરીયાએ બે કરોડ લાંચ લઈ બીલ પાસ કરી, બિલકુલ હલકી ગુણવત્તાનો સ્ટીલ અને સિમેન્ટથી બાંધેલો પુલ ફક્ત ત્રણ જ વરસમાં તૂટી ગયો.

રાતે ને રાતે સીબીઆઈએ નીરજના ઘેર છાપો મારતાં સોનાના બિસ્કિટ અને પાંચસોની નોટોના બંડલો તિજોરીમાંથી મળી આવતા, બે નંબરના મુદામાલ સાથે તેની ધરપકડ કરી.

સોસાયટીમાં ચકચાર મચી ગઈ, હો હા થઈ ગઈ. નિયતિ દોડી સામે મુકુંદભાઈના ઘેર ! મુકુંદભાઈએ વિગતો સાંભળી કહી દીધું, 'ખોટા કર્મો ન કરવા મેં નીરજને પહેલેથી ચેતવી દીધો હતો. હવે કરેલા કર્મોના ફળ તો અહીં ભોગવવા જ પડશે. જે થવાનું છે, તે તો થઈને જ રહેશે. કાયદાને કાયદાનું કામ કરવા દો.'

હાથકડી પહેરાવેલ નીરજ નીચું જોઈને રડમસ ચહેરે જઈ રહ્યો હતો, તેની પાછળ નિરાલી રોતી કકળતી 'બચાવો, બચાવો' કહીને દોડી રહી હતી.

આ જોઈને માનસીબેન એકદમ સહેમી ગયા. અરે ! મારો વર તો, કેટલો શુધ્ધ અને સિધ્ધાંતવાદી છે. લાંચ રૂશ્વત તેને સ્પર્શી પણ શકે નહીં. તે ખુશ થઈને મુકુંદભાઈને વળગી પડી. તમારે માટે ભાવતો મોહનથાળ હમણાં બનાવું છું, કહેતા તે રસોડમાં ઉપડી.

લાસ્ટ સ્ટ્રોક : 

જીવનમાં અનીતિના કામો અને પૈસો ક્યારેય સુખી કરતા નથી. દિવસે એવા કામ ન કરો, જેથી રાતની ઊંઘ ઉડી જાય, શું લઈને આવ્યા અને શું લઈને જવાનું છે ?