Get The App

ભલામણ પત્ર .

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
ભલામણ પત્ર                                               . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- રૂપાએ પણ જવાબો સારા આપ્યા. છેલ્લે તેણે સાદા પત્ર પર હસ્તલિખિત કાગળ મેડમને વાંચવા આપ્યો. 

આ જે સવારથી જ રૂપાણી એક્સપોર્ટની ઓફિસમાં દોડાદોડ ચાલુ હતી. પાંત્રીસ માણસોનો સ્ટાફ હતો, દેશવિદેશમાં એક્સપોર્ટનો મોટો બિઝનેસ હતો. નવી જગ્યા આસિસ્ટન્ટ મેનેજર માટે ઇન્ટરવ્યુ બાર વાગે ચાલુ થવાના હતા. એમ.બી.એ. પાસ યુવાન ઉમેદવારને લેવાના હતા. 

ફક્ત એક જ જગ્યા માટે કુલ બાવીસ અરજીઓ આવી હતી. કંપનીના શેઠ મેહુલ રૂપાણીનું વરસ પહેલા જ અકસ્માતે મોત થતાં, તેમના પત્ની કમિનીબેનને શેઠાણી બની સી.ઈ.ઓ.ની જવાબદારી નિભાવવી પડતી હતી. કંપનીના મેનેજર શર્માજી હવે ઉમર થવાથી કામ કરવામાં થાક અનુભવી રહ્યા હતા, એટલે કામિનીદેવીએ યુવાન ઉમેદવાર જે એમ.બી.એ. પાસ હોય તેને આસી.મેનેજર તરીકે નિમવાની શહેરના અગ્રણી અખબારોમાં જાહેરાત આપી હતી. ઓફિસનો આખો ખંડ ઉમેદવારોથી ભરાઈ ગયો હતો. 

કામિનીબેન અને શર્માજી વિચારમાં પડી ગયા, કોને પસંદ કરવા અને કોને નહીં? તેમણે ઝડપભેર ઇન્ટરવ્યુ ચાલુ કરી દીધું. બધા ઉમેદવારોમાંથી તેમણે સાત પસંદ કર્યા. આ સાત ઉમેદવારોના બીજા રાઉન્ડમાં ઈન્ટરવ્યું લેવાનું ચાલુ કર્યું. 

પહેલો ઉમેદવાર સુંદર વસ્ત્રો સાથે આકર્ષક દેખાવનો આશાસ્પદ યુવાન હતો. 

'શું નામ છે તમારું ?' મેડમે પૂછયું.

'મેડમ, આસિત કાપડિયા' ઉમેદવારે જવાબ આપ્યો. 

'આ કામનો અનુભવ છે?' શર્માજીએ પૂછયું. 

'હા, સર, મેં આજ પોસ્ટ પર એક વરસ વડોદરાની કંપનીમાં કામ કરેલું છે.'

'તો અહીં કેમ આવ્યા?' મેડમે પૂછયું. 

'મેડમ આપની કંપનીનું નામ બહુ મોટું છે, અને મારે અમદાવાદમાં જ સેટલ થવું છે.' આસિતે જવાબ આપ્યો અને આસીતે એક પત્ર આપ્યો. 

'આ શું છે?' મેડમને નવાઈ લાગી. 

'મેડમ અમદાવાદના મોટા ઉદ્યોગપતિ ઉમેશ કાપડિયાએ આપને મારી ભલામણ કરતો પત્ર લખ્યો છે.' આસિતે જવાબ આપ્યો. 

મેડમે પત્ર વાંચ્યો, તેમાં આસિતને પસંદ કરવાની ભલામણ હતી, અને છેલ્લે આભાર માન્યો હતો.

'આ કાપડિયા તમારા શું થાય?' મેડમે ઇન્તજારીથી પૂછયું. પણ શર્માજીને ખબર જ હતી. મેડમને આવા લાગવગિયા ભલામણ પત્રોની સખત ચીડ હતી.

'મેડમ, એ અમારા દૂરના કાકા છે, તેમણે ખાસ યાદ કરીને આ પત્ર લખેલ છે, એ તમારું પણ કામ કરી આપશે.' આસિતે ધીમેથી કહ્યું. 

'સારું, સારું' મેડમના મોં પરનો ગુસ્સો શર્માજીએ જોઈને બૂમ પાડી. બીજા ઉમેદવારને મોકલો. 

એક પછી એક બીજા ઉમેદવારો આવતા ગયા. બધાનો દેખાવ લગભગ સરખો જ હતો. કામિનીદેવી અને શર્માજી વિચારમાં પડયા, કોને પસંદ કરવા ?

છઠ્ઠી ઉમેદવાર મોના મહેતાએ વાતચીત પૂરી થતાં રાજ્યના ઉદ્યોગપ્રધાન શંકરભાઇ પટેલનો ભલામણ પત્ર કાઢયો. 

મેડમે વાંચીને પૂછયું,  'આ શંકરસાહેબ તમારા શું થાય?'

'મેડમ, તેમના પી.એ. હેતા સાહેબ અમારી જ્ઞાતિના જ છે, તેમણે ખાસ મારા માટે ભલામણ લખાવી છે.' મોનાએ કહ્યું. 

મેડમ ગુસ્સે થયા મિનિસ્ટરના પી.એ. પોતાની જ્ઞાતિજન માટે ભલામણ લખાવે, એ કેટલું યોગ્ય?

શર્માજીએ 'સારું' કહીને છેલ્લી ઉમેદવાર રૂપા આચાર્યને બોલાવી. 

રૂપાએ પણ જવાબો સારા આપ્યા. છેલ્લે તેણે સાદા પત્ર પર હસ્તલિખિત કાગળ મેડમને વાંચવા આપ્યો. 

'શું છે, ભલામણ પત્ર છે?' મેડમને આ ના ગમ્યું. 

'મેડમ, મારા પપ્પા જિગર આચાર્યએ ખાસ કહ્યું છે, એક વખત તો વાંચવો જ પડશે.' રૂપાએ વિનંતી કરી.

'હેં ! જીગર આચાર્ય ?' કહેતા કમિનીબેન ઊંડા વિચારમાં ડૂબી ગયા. બેંતાલીસ વરસના આધેડ કામિનીબેન રૂપાણીના મનમાંથી વીસ વરસ ફટાક કરતાં ખરી ગયા, અને તે બાવીસ વરસના કોલેજિયન કામિની દામાણી બની ગયા.

શહેરની સૌથી પ્રખ્યાત જી. કે. આર્ટ એન્ડ કોમર્સ કોલેજમાં સેકન્ડ યર બી. કોમ.ના ક્લાસમાં સૌથી દેખાવડી યુવતી હોય તો તે કામિની દામણી. બધા યુવકો તેની આસપાસ મંડરાઈ રહેતા, પણ ન જાણે કેમ તેને સૌથી નિર્દોષ દેખાતા, રૂપાળા જીગર પર દિલ લાગી ગયું હતું. 

આખી કોલેજમાં જીગર આચાર્ય અને કામિની દામાણીની જોડી પ્રખ્યાત હતી. ફાઇનલ યર બી. કોમ.માં તો બન્ને એ એકબીજાને લગ્નનું વચન પણ આપી દીધું. 

કમનસીબે કામિની દામાણીના માબાપનું મન બીજી જ્ઞાતિના સામાન્ય કુટુંબના જીગર માટે માન્યું જ નહીં. કામિનીમાં ભાગી જઈને લગ્ન કરવાની હિંમત ચાલી જ નહીં. અંતે તેના લગ્ન રૂપાણી એક્સપોર્ટના મેહુલ રૂપાણી સાથે થયા. કામિનીને જીગરને વચન ન પાળ્યાનો અને બીજા સાથે લગ્ન કરવાનો પસ્તાવો છેક સુધી રહી ગયો, પણ શું થાય ?

'લાવ શું લખ્યું છે કાગળમાં ?' કામિનીબેન પાછા વર્તમાનમાં આવી ગયા. 

કામિનીદેવીએ પત્ર હાથમાં લીધો. 'પ્રિય કામિની, આપણા લગ્ન થઈ ના શક્યા, એ તો નસીબના ખેલ છે, પણ હજી હું તને ભૂલ્યો નથી. મારી પત્નીનું ત્રણ વરસ પહેલા કોરોનામાં મોત થયું છે. મને પાકન્સન્સની બીમારી લાગવાથી નોકરી છૂટી ગઈ છે. આ મારી દિકરી રૂપાને તારી પાસે મોકલું છું. યોગ્ય લાગે તો નોકરી પર રાખજે. લી. તને હરદમ યાદ કરનાર જીગર.'

'શું થયું છે બેટા, તારા પપ્પાને ?' મેડમ અપસેટ થતાં બોલ્યા. 

'મેડમ, તેમના પાર્કિન્સન્સનાં રોગને કારણે તે સરખા ઊભા પણ રહી શકતા નથી. ખાવાપીવામાં પણ મારે મદદ કરવી પડે છે. હવે મારી આ નોકરી પર જ અમારા ઘરનો આધાર છે.' રૂપાએ રડમસ અવાજે કહ્યું. 

મેડમ પણ રડમસ થઈ ગયા. તેમણે તરત જ રૂપાને પસંદ કરી એપોઇન્ટમેન્ટ લેટર ટાઈપ કરાવી દીધો. પગાર પણ ઉપરના સ્લેબનો શરૂઆતથી જ કરી આપ્યો. 

શર્માજી અવાફ બનીને જોઈ રહ્યા. ભલામણ પત્રના વિરોધી મેડમે આ સાવ સાદી ચિઠ્ઠીને કેમ આટલું મહત્વ આપ્યું, તે સમજાયું નહીં. 

રૂપા ઊભી થઈને મેડમને પગે લાગી. 'બેટા તારા પપ્પાનું ધ્યાન રાખજે, અને દવા બરાબર કરાવજે.'

શર્માજી અને રૂપા નવાઈ પામી જોઈ રહ્યા. કામિનીદેવીના મુખ ઉપર તેના જૂના પ્રેમીને મદદ કર્યાંનો સંતોષ ચમકી રહ્યો હતો.