Get The App

ફેસબુક ફેમિલી .

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
ફેસબુક ફેમિલી                                                      . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- પોતાની દરેક અંગત વસ્તુઓની ગ્રુપોમાં લોકોને જાણ કરવાની ક્યાં જરૂર પડે?

'હે તલ, તારી બર્થડે ગિફ્ટ શું લાવ્યો હોઈશ ?' તેના પતિ વિવાને ઓફિસથી ઘરે આવતાં કહ્યું. 'શું છે ? સરસ વીંટી લાવ્યા લાગો છો ?' હેતલે ખુશ થઈ પૂછયું. 

'આંખો બંધ કર, ચાલ બહાર.' એમ કહી વિવાન હેતલને બહાર લાવ્યો. આંખો ખોલવાનું કહેતા સામે લક્ઝુરિયસ કાર જોઈ હેતલ ખુશ થઈ ગઈ. 

'વાહ, મારા માટે છે ? સરસ ગિફ્ટ છે.' કહી હેતલ ગાડી સાથે સેલ્ફી લઈ ફોટા પાડવા લાગી. 

'હવે હું આ ફોટા મારા ફેસબુક ગ્રુપ અને વ્હોટસેપ ગ્રૂપમાં મુકીશ. બધેથી વાહ વાહના અને અભિનંદનના મેસેજ આવવા લાગશે. ખૂબ મજા પડશે.' કહીને હેતલ વિવાનને વળગી પડી.

હેતલ અને વિવાનના લગ્નને ચાર વરસ થઈ ગયા હતા. વિવાનને અમેરિકન સોફ્ટવેર કંપનીની બેંગલોર બ્રાન્ચમાં નોકરી હતી. વિવાનનો હોદ્દો ઊચો હતો, તેથી પગાર અફલાતૂન હતો. તેમની સાથે વિવાનના વિધવા મમ્મી સંગીતાબેન રહેતા હતા. બેંગલોરમાં મોટા ભાડાના ફ્લેટમાં રહેતા, પણ સગાવહાલાં બધા ગુજરાતમાં હતા, અહીં તો મિત્રો અને પાડોશીઓ જ સગા હતા. 

વિવાનની પોતાની કાર તો હતી. આ વરસે હેતલની બર્થડેમાં સુંદર મોટી લક્ઝુરિયસ કાર ભેટ કરી. હેતલે બધા ફોટા તેના ગ્રુપમા અપલોડ કરી દીધા. 

સામેથી મેસેજોનો મારો ચાલુ થઈ ગયો. 

'વાહ સુંદર કાર છે.'

'કેટલામાં પડી ?'

'ગાડીનો કલર સરસ છે.'

'ગાડી સાથે તારો ફોટો સરસ મેચ થાય છે.'

'ઓહો હો ! કુલ બ્યાસી મેસેજ વાંચીને હેતલ ખુશ થઈ ગઈ. તે કાંઈપણ નવું ખરીદે તો તરત ફોટો પાડીને ગ્રુપોમાં અપલોડ કરી દે. નવો ડ્રેસ હોય કે નવો દાગીનો. પછી જવાબી મેસેજો વાંચીને હેતલ ખુશ થઈ જાય અને વિવાનને પણ વંચાવે. 

તેના સાસુ સંગીતાબેનને આ જરાપણ ના ગમે. આ શું ? આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે. પોતાની વસ્તુઓ આમ ફોટા પાડીને દરેકને દેખાડવાની, જણાવવાની ક્યાં જરૂર છે. તેણે વિવાનને ફરિયાદ કરી. 

વિવાને રાત્રે હેતલને મમ્મીએ કહેલી વાત કહેતા હેતલ બગડી. 'મમ્મી તો સાવ જુનવાણી છે. અને આ નવા જમાનાના ફેસબુક અને વ્હોટસપ ગ્રુપોની અને મેસેજોની શું સમજ પડે? વિવાન તું પણ ક્યાં મમ્મીની વાતોમાં આવી ગયો.'

વિવાનને આ જરાપણ ના ગમ્યું પોતાની દરેક અંગત વસ્તુઓની ગ્રુપોમાં લોકોને જાણ કરવાની ક્યાં જરૂર પડે ?

બીજા દિવસે બાજુવાળા પાડોશી હેંગડેના મમ્મીની તબિયત બગડી. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. વિવાને સાંજે ઓફિસથી આવીને કહ્યું, 'હેતલ, ચાલ બાજુવાળા હેંગડેના મમ્મીની ખબર કાઢવા. હોસ્પિટલમાં દાખલ કર્યા છે.'

'વિવાન, તું એકલો જઈ આવને', હેતલે બેફિકરાઈથી કહ્યું.

'કેમ?' વિવાનને નવાઈ લાગી. 

'હજુ મારે બધા મેસેજો વાંચીને જવાબ લખવાનો બાકી છે.' હેતલે મોબાઇલમાં જ મોં રાખી જવાબ આપ્યો. વિવાન ક્રોધે ભરાઈને એકલો ગયો.

અઠવાડિયા પછી વિવાનની ઓફિસના રેડ્ડી સાહેબના પિતાશ્રીનું મરણ થયું. વિવાને હેતલને કહ્યું, 'ચાલ રેડ્ડી સાહેબને ઘરે ખરખરો કરવા, તેના પિતાજીનું મોત થયું છે.'

'ના મને ત્યાં કોણ ઓળખે ? એની કરતાં હું ફેસબુકની સહેલી સાથે ચેટિંગ કરીશ.' હેતલે ફરી નન્નો ભણતા કહ્યું. 

હવે વિવાન અને સંગીતાબેન બન્ને ગુસ્સે થયા. 'આખો દિવસ શું આ સોશિયલ મીડિયામાં બેસી રહે છે. પછી તને આફતના સમયે કોણ મદદે આવશે ?'

'ચિંતા ના કરો. મારે ફેસબુક પર બે હજાર આઠસો પચાસ મિત્રોનું ફેમિલી છે, એક જ મેસેજ કરૂને તરત જ રિસ્પોન્સ આવશે.' હેતલ તો પોતાના મોબાઇલમાં જ મસ્ત હતી. 

વિવાન ગુસ્સે થતાં એકલો ગયો. બેંગલોરના પોશ એરિયામાં વિવાને ઊંચી કિંમતે રિસેલમાં ફુલ્લી ફર્નિશ્ડ ફ્લેટ ખરીદ્યો, અને તેના ફોટા હેતલને ખુશ થઈ બતાવ્યા.

હેતલે તો બધા ફોટા બધે ગ્રુપોમાં અને ફેસબુકમાં અપલોડ કરી દીધા અને લખ્યું. 'અમારો નવો ફર્નિશડ ફ્લેટ.'

'અરે! હજુ કબ્જો તો આવવા દે રહેવા જઈએ, પછી મુકજે ને ! શું ઉતાવળ કરે છે?'

'મેં તો અપલોડ કરી દીધા.' હેતલે જવાબ આપ્યો. 

'વાહ, સરસ ઘર છે, નસીબદાર છે.' મેસેજ ચાલુ થઇ ગયા. 

'ફર્નિચર સુંદર છે, અભિનંદન.' મેસેજ વાંચી હેતલ ખુશ થઈ ગઈ. વિવાનને આ ઉતાવળ ના ગમી. 

બીજા દિવસે કબ્જો લેવા ગયો તો, ત્યાં વકીલ નોટિસ લઈ ઊભો હતો. વેચનારના ભાઈએ પોતાનો ભાગ માંગવા કોર્ટમાં દાવો કરી દીધો હતો. વિવાન અને હેતલ નિરાશ થઈ પરત ફર્યા.

દિવસો વીતવા લાગ્યા. મીડિયાના ફ્રેન્ડના મેસેજ આવવા લાગ્યા. 'હજુ રહેવા નથી ગયા.'

હેતલે જવાબ લખ્યા, 'કબજા માટે કેસ થયો છે, વાર લાગશે.'

બધેથી કટાક્ષના મેસેજો ચાલુ થયા. 'શું મજાક કરે છે ? હા, હા હા'

હવે હેતલને થયું, ઉતાવળ થઈ ગઈ.  વિવાન પણ ગુસ્સે થયો, 'મેં તો ના પાડી હતી ને !'

વકીલનો મેસેજ આવ્યો. કોર્ટમાં સ્ટે પડી ગયો છે, હવે કબ્જો આવતાં ચાર પાંચ વરસ લાગશે વિવાનની હાલત ડફોડી થઈ ગઈ. તેના અઢી કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા. જૂનો ફ્લેટ ખાલી કરવો પડે તેમ હતો. 

ક્રોધ નિરાશા, ગ્લાની અને શોકમાં વિવાનને હાર્ટ એટેક આવી ગયો. સંગીતાબેન અને હેતલ ચિંતામાં પડી ગયા. આટલે દૂર મદદે કોણ આવે ? તેના ઓફિસ સ્ટાફ કે પાડોશીઓ જોડે હેતલે સંબંધો રાખ્યા ન હતા. સંગીતાબેન ચીડાયા. હેતલે કહ્યું. 'વાંધો નહીં હું મારા ગ્રુપો અને ફેસબુકમાં મેસેજ કરું છું. નજીકના મિત્રો દોડી આવશે.' 

આશ્ચર્ય ! કોઈ કરતાં કોઈ હાજર થયું નહીં. ફક્ત હેતલના માં બાપ તાત્કાલિક પ્લેનમાં અમદાવાદથી આવી ગયા હતા. 

હેતલને નવાઈ લાગી. તેણે પોતાનું પેજ ખોલ્યું, અસંખ્ય મેસેજો હતા. 

'તમારા પતિ જલ્દી સારા થઈ જાય.'

'તેમનો ખ્યાલ રાખજો.'

હવે હેતલને ખ્યાલ આવી ગયો, આતો બધા ચેટિંગ અને મેસેજના મિત્રો હતા. 

હેતલ તેના માતાપિતા અને સાસુ આખો દિવસ દોડા દોડી કરતાં રહ્યા. પાંચ દિવસની મહેનત, દોડાદોડી અને ખર્ચાઓ પછી માંડ વિવાનને રજા મળી. 

બહાર નીકળતા વિવાને પૂછયું. 'તારી ફેસબુક ફેમિલી અને ગ્રુપોમાંથી કોઈ દેખાયું નહીં, શું થયું ?' 

હેતલ રડી પડી. 'મને માફ કરીદે વિવાન, મને ખ્યાલ આવી ગયો છે. હવેથી હું તમારી સાથે સારાનરસા પ્રસંગે જરૂરથી આવીશ.'

લાસ્ટ સ્ટ્રોક : જો સંબંધો સાચવવા અને વધારવા હોય તો વાસ્તવિક દુનિયામાં રહેવું જ પડશે. આ મોબાઈલ અને મીડિયા આભાસી સંબંધો ખાલી ટાઇમ પાસ જ છે એ યાદ રહે.