- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- નિનાદે તેને હૈયાધારણ આપી. આપણે લગ્ન કરવાના જ છે, ડરે છે કેમ?
નિ નાદ પ્રેમિકાની શોધમાં નિરાશ થઇ ભદ્રકાળી માતાના દર્શને આવ્યો. બહાર નીકળતો હતો, ત્યાં ત્રણ વરસની નાનકડી ભીખારી છોકરી વિનવી રહી હતી.
'શેઠ, બે દિવસથી કાંઈ ખાધું નથી, કાંઈ મદદ કરો.'
નિનાદ તેને જોઈ જ રહ્યો. આટલી સુંદર રૂપાળી છોકરી ભીખ કેમ માંગે છે? સુંદર ચહેરો, રૂપાળી ત્વચા, લાંબુ અણીદાર નાક ! નિનાદે તેને બેસાડી ત્રીસ રૂપિયા આપી ચા-નાસ્તો કરાવ્યો.
'બેટા ! શું નામ છે તારું?'
'જસ્મીન.' છોકરીએ જવાબ આપ્યો.
'ક્યાં રહે છે ?' નિનાદે પૂછયું.
'અહીં બાજુમાં રિવરફ્રન્ટના ઝુંપડામાં.' છોકરી બોલી.
'ઘરે કોઈ નથી બેટા !' હવે નિનાદને છોકરી વ્હાલી લાગવા લાગી.
'એક મા જ છે, શેઠ, તે બીમાર છે, એટલે મારે એકલા ભીખ માંગવા આવવું પડયું.' જસ્મીને રડમસ અવાજે કહ્યું.
હું પણ બદનસીબ એકલો જ છું ને! વિચારમાં નિનાદ ભૂતકાળમાં સરી પડયો. વિચારમાં તે સાબરકાંઠાના તલોદ તાલુકાના નાના ઉજેડીયા ગામે પહોંચી ગયો. તેના પિતા નરેન્દ્ર પટેલ જમીનદાર હતા. સો વીઘા જમીનમાં ખેત મજૂરો રાખી મજૂરી કરાવીને જુદાજુદા પાક લેતા.
બારમું પાસ કરી વધારે ભણવા તેના પપ્પાએ તેને અમદાવાદ મોકલી દીધો. અમદાવાદ હોસ્ટેલમાં રહી તે એમબીએનો અભ્યાસ કરી રહ્યો હતો.
ઉનાળાના વેકેશનમાં તે ગામ જાય ત્યારે ખેતરે આંટો મારવા ચોક્કસ જતો. ત્યાં કુવા પાસે એક રૂમમાં તેને કુદરતી વાતાવરણમાં આરામ કરવો બહુ ગમતો.
એક બપોરે તે શાંતિથી એકલો આરામ કરતો હતો ત્યાં સુંદર અઢાર વરસની યુવતીને ભાત લઈ આવતી જોઈ તે બેઠો થઈ બહાર આવ્યો. આટલું સુંદર રૂપ તેણે હજી સુધી જોયું ન હતું. નિર્દોષ ચહેરો, ગોળ છાતીના ઊભાર, લાંબા વાળ, ગુલાબી હોઠને તે જોઈ જ રહ્યો.
'શું નામ છે તારું ?' તેણે પુછયું.
'નિરાલી, મારા બાપા રમુકાકાને ભાત આપવા આવી છું.' તેણે નિર્દોષ ભાવે કહ્યું. 'તમે જ શેઠના દીકરા નિનાદ છો ને, અમદાવાદ કોલેજમાં ભણો છો.'
'હા, તારે અમદાવાદ આવવું છે ?' નિનાદે પુછયું.
'સાહેબ, મને ફરવાનો ખુબ શોખ છે. મને અમદાવાદ ફરવું ગમશે.' નિરાલી મુસ્કુરાતા બોલી.
'ચાલ, આ વખતે તને લઇ જઈશ.' નિનાદ પણ તેની તરફ આકર્ષાયો. ધીમે ધીમે બન્ને એકબીજા પ્રત્યે ખેચાતા રહ્યા. દરરોજ મળવાનું વાતચીત મોબાઈલમાં સુંદર વિડીયો જોવાનું વિગેરે નિરાલીને પસંદ હતા.
અષાઢ મહિનાની એ વરસાદી સાંજ નિનાદને યાદ આવી ગઈ. જોરદાર ઝાપટું પડતા નિરાલી સાવ ભીંજાઈને ધ્રુજી રહી હતી. નિનાદે પોતાની રૂમમાં બોલાવી નેપકીનથી કોરી થવા કહ્યું. ભીના કપડામાંથી તેનું યૌવન છલકાઈ રહ્યું હતું. રોમેન્ટિક વરસાદી વાતાવરણ, યુવાન હૈયા અને એકાંત, પછી જોઈએ શું? બન્ને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા.
છુટા પડતા નિરાલી હતપ્રત થઇ ગઈ. યુવાનીના આવેશમાં આ શું થઇ ગયું? હવે શું થશે ? નિનાદે તેને હૈયાધારણ આપી. આપણે લગ્ન કરવાના જ છે, ડરે છે કેમ ? પણ નિરાલીને વિશ્વાસ પડતો નહોતો. બીજે જ દિવસે નિનાદે તેની સાથે માતાજીના મંદિરમાં ગાંધર્વ લગ્ન કરી લીધા.
નિનાદે બીજે દિવસે તેના પિતા નરેન્દ્ર પટેલને વાત કરી. 'પપ્પા, હું નિરાલીના પ્રેમમાં છું, તેની સાથે લગ્ન કરવા માંગુ છું.'
'કોણ નિરાલી?' નરેન્દ્રભાઈને નવાઈ લાગી.
'આપણે ત્યાં કામ કરતાં રમુકાકાની દીકરી નિરાલી, અમારા મન મળી ગયા છે. એકબીજાને પ્રેમ કરીએ છીએ.
તેની સાથે ગાંધર્વ લગ્ન કરેલ છે, તે કહેવાની હિંમત ન ચાલી.'
તેના પપ્પા બગડયા, 'ગાંડો થયો છે, ખેતમજૂરની દિકરી સાથે લગ્ન કરાતા હશે. મેં તારે માટે અમદાવાદમાં મારા મિત્ર ભીમજીભાઈ પટેલની દિકરી નુપુર સાથે તારા વિવાહ કરી લગ્ન નક્કી કરી રાખ્યા છે.'
નિનાદનો વિરોધ છતાં નુપુર સાથે લગ્ન થઇ ગયા.
નિરાલીને નિનાદનાં કોઈ સમાચાર ના મળતા અંતે નિરાલીએ થાકીને નિનાદને શોધવા અમદાવાદની વાટ પકડી. નિરાલીની મા પહેલેથી જ મરણ પામી હતી.
નિનાદની પત્ની નુપુર ટૂંકા સમયના દાંપત્યજીવનમાં અચાનક કોરોનાના ભયંકર એટેકમાં મૃત્યુ પામી. નિનાદ એકલો પડી ગયો. તેને ગામથી ખબર આવ્યા, નિરાલીના બાપા મૃત્યુ પામતા, તે અમદાવાદ આવી છે.
આટલા મોટા અમદાવાદમાં નિરાલીને શોધવી ક્યાં આગળ ? એક વરસથી તે એક પછી એક એરિયા ફરતો રહ્યો. બાપુનગર, સરસપુર, મેમ્કો, અસારવા, શાહીબાગ કેટલા બધા એરિયા શોધી વળ્યો, પણ ક્યાંય નિરાલીનો પત્તો ન લાગ્યો. તે નિરાશ થઇ ગયો.
અંતે તેણે ભદ્રકાળી માતાની માનતા માની દરરોજ દર્શન કરવાની, અને નિરાલી મળી જાય તો એક હજાર એકની ચુંદડી ચડાવવાની.
અંતે નિનાદની આશા ઓસરી રહી હતી. શું કરવું તે વિચારી રહ્યો હતો. તે દર્શન કરીને બહાર નીકળતો હતો, ત્યાં બહાર જાસ્મીનને રડતા જોઈ પુછયું. 'કેમ રડે છે ?'
'સાહેબ, મારી માં તાવમાં કણસી રહી છે, બે દિવસથી તેણે કાંઈ ખાધુ જ નથી. તમે આવો ને !' તેણે રડતાં કહ્યું.
'સારું, ચાલ' તેની ખોલીમાં પહોચતા કણસી રહેલી નિરાલીને જોતા જ નિનાદ બોલી ઉઠયો, 'અરે તું ? એક વરસથી તને શોધી રહ્યો છું. નિરાલી પણ નિનાદને જોતા રડીને વળગી પડી.
'લે બેટા, તું પપ્પા ક્યારે આવશે? પૂછતી હતી ને, આ જ છે તારા પપ્પા!' નિરાલી રડતાં રડતાં બોલી.
'હેં, આ આપણી જ દિકરી છે !' આશ્ચર્યથી નિનાદ પણ તેને વળગી પડયો. ત્રણેની આંખોમાંથી આંસુઓનો વરસાદ ચાલુ જ હતો.


