Get The App

અનિત્ય માનવ શરીર .

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
અનિત્ય માનવ શરીર                                           . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- તેણે વિચાર્યું, ડૉક્ટરને હાથ અને પગમાં ગોળી મારી અપંગ બનાવી દઇશ, પછી આવા ખોટા કામ કરી જ નહીં શકે

'ડૉ ક્ટર સાહેબ, મારા પપ્પાને થયું છે શું ?' ચિંતાથી ગૌરાંગે પૂછયું. 

'જો તેને એક્યુટ એપેન્ડીસાઇટીસ છે તત્કાલ ઓપરેશન કરાવવું પડશે, નહીંતર તે ફાટશે, તો ચેપ આખા પેટમાં ફેલાઈ જશે અને જીવ જોખમમાં આવી જશે.' ડો. કિશોર દેસાઇએ સમજાવતા કહ્યું. 

'મારે મારા પપ્પાનું ઓપરેશન તો કરાવવું છે, પણ સિનીયર ડો. સુનિલ શાહ પાસે કરાવવું છે.' ગૌરાંગને સિનીયર ડો. શાહ પર વધારે ભરોસો હતો.

'જુઓ, ડો. શાહ બે મહિના માટે તેના દિકરા પાસે અમેરિકા ગયા છે. તેની જગ્યાએ હું જ ઓપરેશનો કરું છું. ઓપરેશન કરાવવું કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. તમારા મમ્મી અને બીજા સગાને વાત કરવા લઈ આવો.' ડોકટરે કહ્યું. 

'સાહેબ, મારા મમ્મી તો પાંચ વરસ પહેલા ગુજરી ગયા છે, અને અહીં અમદાવાદમાં અમારા બીજા કોઈ સગા નથી.' ગૌરાંગે જવાબ આપ્યો. 

'તો તમે જ નક્કી કરો. તમારા પપ્પાની ઉમર સિત્તેર વરસ છે, એટલે જોખમ વધુ છે, અને જો વધારે વખત થયો તો ચેપ ફેલાઈ જશે.' ડો. કિશોરે સમજણ પાડી. 

હવે ગૌરાંગ વિચારમાં પડયો. તેની ઈચ્છા તો ડો. શાહ પાસે જ ઓપરેશન કરાવાની હતી, પણ તે લાંબી રજા ઉપર હોવાથી શું થાય?

તેણે કચવાતા મને હા પાડી. 'સારું ડૉક્ટર, પણ ઓપરેશનમાં વાંધો નહીં આવે ને!'

'જુઓ, આમ તો બધાં અદ્યતન સાધનો છે, એટલે વાંધો નહીં આવે, પણ ઉંમર વધારે છે, એટલે સાચવવું પડે' ડો. દેસાઇએ સમજાવ્યું. 

'મારા માટે તો પપ્પા જ મારા સર્વસ્વ છે. એટલા માટે તો હું પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવ્યો છું. ગમે તેમ પણ પપ્પાને વાંધો ન આવે' ગૌરાંગ બોલ્યો. 

'હું પ્રયત્ન કરીશ પચાસ ટકા ડિપોઝીટ ભરી દો પછી ઓપરેશન થિયેટરમાં લઈએ.'

'સાહેબ, મારી પાસે અત્યારે સગવડ નથી, કાલ સુધીમાં કરી નાખીશ.' કહેતા તે વિચારે ચડયો, ડો. શાહ તો ક્યારેય પહેલા પૈસા માંગતા નહોતા.

'સારું, હું ઓપરેશન ચાલુ કરું છું.' કહીને ડો. દેસાઇ અંદર સ્ક્રપ થવા ગયા. પણ તેને બદલે ડો. શાહનો આગ્રહ રાખનાર દર્દીના સગા ગૌરાંગનું મન ખાટું થઈ ગયું. તેણે મને કમને હા તો પાડી, ઓપરેશન સફળ થઇ જાય તો સારું એમ વિચારી બહાર રાહ જોતો બેસી રહ્યો.

ગૌરાંગના પપ્પા શરદભાઈની ઉંમર વધારે હતી, તેની ચિંતા તો હતી જ, તેમાંય પાછી ડિપોઝીટ ભરી નહોતી તેથી ડાક્ટર ટ્રીટમેન્ટ તો બરાબર કરશે ને, તેની ચિંતામાં ગૌરાંગ ઓપરેશન થિયેટર બહાર આંટા મારી રહ્યો હતો. 

ડોકટર દેસાઇ પરુ થયેલ એપેન્ડીક્ષ શોધી કાઢીને બહાર કાઢી ટાંકા લઈ રહ્યા હતા. ત્યાં સિસ્ટરે એકદમ બૂમ પાડી, 'સર, પેશન્ટની પલ્સ અને બીપી ડાઉન જઈ રહ્યા છે.' બે મિનિટમાં તો બીપી સાવ નીચે અને પલ્સ બંધ ! દર્દીના શ્વાસ થંભી ગયા. ડો. દેસાઈને પરસેવો વળી ગયો. આ શું થઈ ગયું અચાનક !! 

ઓપરેશન થિયેટરમાં દોડધામ મચી ગઈ. એનેસ્થેટિસ્ટ અને ડો. દેસાઇએ તત્કાલ લાઈફ સેવિંગ ઇન્જેકશન ચાલુ કરાવી ઑક્સીજન વધારી દીધો. બેથી ત્રણ વખત આર્ટિફિસિયલ હાર્ટ મસાજ વિગેરે કર્યું, પણ વ્યર્થ ! 

નીચી મુંડીએ ડૉક્ટર બહાર નીકળ્યા તેમને જોઈ ગૌરાંગ દોડયો, 'સાહેબ, કેમ છે મારા પપ્પાને?' ડોક્ટર શું બોલે ? જવાબ આપ્યા વગર ચાલવા લાગ્યા, ગૌરાંગે સિસ્ટર સામે જોયું, તેમણે રડમસ અવાજે કહ્યું, 'સોરી, અમે બહુ મહેનત કરી પણ કેસ બચાવી ન શક્યા.'

'હેં ! મારા પપ્પા ગુજરી ગયા ?' કહેતા ગૌરાંગ માથે હાથ દઈ બેસી પડયો. તેણે વિચાર્યું, આ ડોક્ટરે જ બેદરકારી દાખવી છે, મેં શાહ સાહેબનો આગ્રહ રાખ્યો હતો, તેથી જ આવું કર્યું લાગે છે, તે હિંમત કરી ઊભો થયો, અને ઝડપથી પહોંચ્યો, ડો. દેસાઈની કેબિનમાં!

'ડોક્ટર, તમે જ બેદરકારીથી મારા પપ્પાને ખતમ કર્યા છે.' એક વખત મન ખોટું વિચારે પછી તેની તરફ જ આગળ વધતું જાય છે. તેને ખોટા વિચારો જ આવે છે.

'ના, ના, ઓપરેશન તો બરાબર થયું હતું, પછી એકાએક શું થયું ખબર પડતી નથી.' ડૉક્ટર દેસાઇએ રડમસ થઈને જવાબ આપ્યો. 

'બનાવો નહીં, તમે જાણી જોઈને બેદરકારી કરી મારા પપ્પાને મારી નાખ્યા છે.' હું છોડીશ નહીં તમને ! ગૌરાંગ ગુસ્સે ભરાયો.

'મેં બધાં પ્રયત્નો કર્યા હતા, પણ એકદમ શું થયું, ખબર પડતી નથી. મેં અર્જન્ટ પોસ્ટમોર્ટમ માટે બોડી મોકલી આપેલ છે.' ડોકટર દેસાઇ ખરેખર ડરી ગયા હતા. 

ગૌરાંગ ધુઆંપુઆં થતો ઘરે પહોંચ્યો તેણે ડોન કનુ કાળીયાને બોલાવી એક દેશી કટ્ટો અને બે કારતૂસ મંગાવ્યા. ખોટું વિચારતું મન પછી બદલો લેવા તૈયાર થઇ જાય છે. તેણે વિચાર્યું, ડૉક્ટરને હાથ અને પગમાં ગોળી મારી અપંગ બનાવી દઇશ, પછી આવા ખોટા કામ કરી જ નહીં શકે, આખી રાત તેનું મન અશાંત થઈ ગયું, પછી ઊંઘ ક્યાંથી આવે?

સવારે નિત્યક્રમ પતાવી તેણે અશાંત મનને શાંત કરવા તેના ધર્મગુરુ શાંતિબાબાના પ્રવચનમાં જવા વિચાર્યું. તેણે દેશી કટ્ટો અને બે કારતૂસ ખિસ્સામાં નાખ્યા. 

શાંતિબાબાના આશ્રમમાં નિરવશાંતિ વચ્ચે છસો ભક્તો સાથે પ્રવચન ચાલુ હતું. 

'ભક્તજનો, ઉંમર થતાં બને તેટલું પ્રભુભક્તિ અને આધ્યાત્મિક જીવન તરફ પ્રયાણ કરજો. માનવ શરીરનો કોઈ ભરોસો નથી. ઊંઘમાં પણ માણસનો જીવ જતો રહે છે, માટે અત્યારથી જ જાગીને ભક્તિમાં લાગી જાવ.'

ગૌરાંગ આ સાંભળી ચમકી ગયો. સાજા સારા માણસો પણ મોટી ઉંમરે ઊંઘમાં આંખ મીંચી દે છે, તો મારા પપ્પા તો સેપ્ટિક થયેલા એપેન્ડીક્ષ સાથે ઓપરેશન ટેબલ પર હતા, કદાચ આપમેળે જ કાંઈ થયું ન હોય ! તેના સદાચારી મને ઠપકો આપ્યો, 'શું ઉતાવળે ડૉક્ટરને મારવા નીકળ્યો છે, ડૉક્ટર તો દર્દીનો જીવ તારે, દર્દીને મારે નહીં.'

તે ઉદાસ મને ચાલતો થયો. ત્યાં હોસ્પીટલના સિસ્ટરનો મોબાઈલ આવ્યો, 'ગૌરાંગભાઈ, તમારા પપ્પાનું અરજન્ટ પોસ્ટમોર્ટમ કરાવેલ, તેનો રીપોર્ટ આવી ગયો છે. તેમને ઓપરેશન ટેબલ પર જ માસીવ હાર્ટએટેક આવતાં મોત થયું છે.' 

'હે ! શું વાત છે ! ઉતાવળે મારાથી સાવ ખોટું કામ થઇ જાત. ત્યાં સામેથી ડોક્ટર દેસાઈને આવતા જોઈ નીચું જોઈ ગયો. 'ગૌરાંગ, તારા પપ્પાનું તો માસીવ એટેકથી મોત થયું છે.' ડૉ. દેસાઈ તેને સમજાવતા કહ્યું.

'હા, સાહેબ, મને સિસ્ટરે કહ્યું.' કહીને તે નીચી મુંડી કરી ઉભો રહી ગયો. 

'શું છે ?' ડોકટરે પુછયું, 'સાહેબ, મને માફ કરી દો,' કહીને તેણે દેશી કટ્ટો અને બે કારતુસ ડોકટરના પગ આગળ મૂકી દીધા, 'ઉતાવળે મારાથી મોટી ભૂલ થઇ જાત.' કહેતા તે રડવા લાગ્યો. 

'જો, અમે ડોકટરો હમેંશા દર્દીને સારૃં થાય, આરામ પડે તેને માટે જ કાર્યરત હોઈએ છીએ. પણ આ માનવ શરીર અદભુત છે. એક અંગને સારૂ કરતા હોઈએ, ત્યારે અચાનક બીજું અંગ ફેઈલ થઇ જાય તો, અમારા પ્રયત્નો એળે જાય છે. આ બધા પરમ કૃપાળુ પરમેશ્વરનાં ખેલ છે. માટે ઉતાવળે કોઈ ખોટા નિર્ણય ના લેવાં' કહેતા ડોક્ટર દેસાઈએ ગૌરાંગને ગળે લગાવ્યો. તેના વહેતા આંસુથી મનમાં વિચારેલ તમામ ખોટા વિચારો ધોવાઇ ગયા.

Tags :