- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- સોમવારની સવારે રાજન ગાડીમાં બેસવા જતો હતો ને રૂપાળી રૂપલે સામેથી હાથ કરી લીફ્ટ માંગી
રા જન ઓફિસમાં આંટા મારી રહ્યો હતો. તેને બે દિવસ માટે ભાડુતી માં જોઈતી હતી, પણ અહીં શહેરમાં તો ક્યાંય મળે તેમ નહોતી. તેણે પોતાને ગામ જવાનું નક્કી કર્યું, ત્યાં તેનાં બચપણનો દોસ્ત હેમંત યાદ આવ્યો. એ જરૂર મદદ કરશે.
'હેમંત, મને ફક્ત બે દિવસ માટે ભાડુતી માં જોઈએ છે, મળી જશે ? હું તેને રૂપિયા આપીશ.' તેણે ગામ પહોંચીને વાત કરી.
'પણ તારા માબાપ તો અકસ્માતમાં પાંચ વરસ પહેલા ગુજરી ગયા છે. હવે ભાડુતી માં કેમ જોઈએ છે ?' હેમંતને નવાઈ લાગી. 'પછી તો શહેરમાં જઈને તું ખુબ કમાયો, શેર બજારમાં લોટરી લાગી અને લાખોપતિ બની ગયો. તારી પાસે ગાડી અને બંગલો અને ઓફીસ છે, અને વરસ પહેલા તો તે લવ મેરેજ પણ કરી લીધા, હવે ભાડુતી માં કેમ ?'
'એની જ તો આ માથાકુટ છે ને, મારા કર્મ જ ફૂટેલા છે. એ આખી વાત હું તને સમજાવીને કહીશ, પણ અત્યારે તો મારે બે દિવસ માટે મારી માની ઉંમરની આધેડ સારા ઘરની માં જોઈએ છે. હું તેને ભાડું આપીશ.' રાજને ફોડ પાડયો.
બહું વિચારતા હેમંતને યાદ આવ્યું. તેમના મહોલ્લામાં પંચાવન વરસના વિધવા નિરજાબેન એકલા રહેતા હતા. તેમના પતિનું કેન્સરથી મોત થયા બાદ, વરસ પહેલા જ દિકરાનું પણ મોટર બાઈક અકસ્માતમાં મોત થયું હતું. કમાણી કાંઈ ના હોવાથી ગરીબ અવસ્થામાં એકલા જીવન ગુજારી રહ્યા હતા.
'નિરજા માસી, તમારું એક કામ પડયું છે. આ મારો દોસ્ત રાજન છે.' હેમંતે તેમના ઘરે પહોંચી ઓળખાણ કરાવતા કહ્યું.
રાજન ને જોતા જ નિરજાબેનને પોતાનો મૃતક દિકરો યાદ આવી ગયો.
'મારૂ શું કામ પડયું ?' નિરજાબેનને નવાઈ લાગી.
'જો તમારે બે દિવસ રાજનના બંગલે શહેરમાં જવાનું છે. એની માં તરીકે રહેવાનું છે. એના ભાડા પેટે રાજન દશ હજાર રૂપિયા આપશે.' હેમંતે ફોડ પડતાં કહ્યું.
'દશ હજાર રૂપિયા ભાડુતી માં બનવાના ! પણ મારે કરવાનું શું છે ?' નિરજાબેનને નવાઈ લાગી.
'જુઓ મારો દોસ્ત રાજન ફસાઈ ગયો છે. તમારે તેને ઘરે તે કહે તેમ બધું કરવાનું છે.' હેમંતે કહ્યું.
પહેલા તો નિરજાબેનને ભાડુતી માં થવા મન માન્યું નહીં. પણ બે જ દિવસના દશ હજાર રૂપિયા મળે અને તેના દિકરા જેવા રાજનનું કામ થાય એમ માનીને તેમણે હા પાડી.
રાજન તેમને ગાડીમાં બેસાડી પોતાને બંગલે લઇ આવ્યો, અને તૈયાર કરી નવા કપડાં પહેરાવી જાજરમાન પૈસાદાર માતા જેવાં લાગે તેવી બનાવી દીધા.
'સાહેબ, મારે કરવાનું શું છે ?'
'જુઓ તમારે મને સાહેબ નહીં કહેવાનું, પણ હું તમારા દિકરા જેવો જ છું, એટલે બેટા બેટા કહેવાનું.' રાજને ફોડ પડતાં કહ્યું. નિરજાબેનને પોતાનો દિકરો યાદ આવી ગયો અને રડવા જેવા થઇ ગયા. ઘરે આવીને તેણે ઘરઘાટી, નોકરાણી અને રસોયાણીને માંની ઓળખાણ કરાવી.
છેલ્લા પાંચ વરસથી રાજનનું નસીબ સાથ દઈ રહ્યું હતું અને તેની શેરબજારની જાણકારી અને પિતાનો શેર બજારનો ધંધો તેને માટે શુકનવંતા પુરવાર થયા. પિતાના મોત પછી તેના ખરીદેલા શેરોના ભાવ કુદકે અને ભુસકે વધવા લાગ્યા. તેણે નવો બંગલો સેટેલાઈટમાં અને વૈભવી ગાડી લીધા પછી લાલચુ છોકરીઓની નજરમાં આવી ગયો.
રૂપલ આકર્ષક, રૂપાળી અને દેખાવડી હતી. તે રાજનને ફસાવવાના પેંતરા કરવા લાગી. રાજનના બંગલાની સામે જ તેનો ફ્લેટ હતો.
સોમવારની સવારે રાજન ગાડીમાં બેસવા જતો હતો ને રૂપાળી રૂપલે સામેથી હાથ કરી લીફ્ટ માંગી. ગાડીમાં તે જાણીજોઈને રાજનની નજીક બેસી કામુક નજરે સ્માઈલ કરીને રાજનને તેના પ્રત્યે આકર્ષિત કરી દીધો. પછી તો રાજનનું હરવાફરવાનું અને ફાઈવસ્ટાર હોટલની આનંદદાયક મહેફીલોનો સિલસિલા ચાલુ.
અંતે રાજન અને રૂપલે કોર્ટમેરેજ કરી લીધા.
પહેલું વરસ તો પ્રેમના આવેગમાં સુખમય પસાર થયું. પણ પછીથી રૂપલના ખર્ચા અને નાની વાતે ઝગડા વધતાં ગયા. રૂપલની નજર તો રાજનની મિલ્કતો પર જ હતી. અંતે કંટાળીને રાજને કહ્યું, 'મને છૂટો કરી દે, મારે તારાથી છૂટાછેડા જોઈએ છે.' રૂપલ ગુસ્સામાં ઘર છોડી ગઈ. બીજે દિવસે સવારે રૂપલ તેના વકીલ રુસ્તમ કાચવાલા સાથે ડિવોર્સના પેપર લઈને આવી પહોંચી.
'રાજન તારી મિલકતના ૫૦ ટકા તારે રૂપલને આપવાના છે, એલ્યુમની પેટે પછી જ આમાં તે સહી કરશે.' રુસ્તમજીએ કહ્યું.
'કઈ મિલ્કત ? આ બંગલો, ગાડી, બેન્ક બેલેન્સ વિગેરે બધું મારી માના નામે છે.'
'આ વચ્ચે માં, ક્યાંથી આવી ? અત્યાર સુધી તો હતી જ નહીં.' રૂપલે ગુસ્સે થઇ કહ્યું.
'માં, અહીં આવ. તે છેલ્લા બે વરસથી ગામડે હતી.' રાજને ફોડ પાડયો.
'હા, બેટા શું છે ?' કહેતા નિરજાબેન ડ્રોઈંગરૂમમાં આવ્યા.
'હા, મેં વાત સાંભળી, આ બંગલો, ગાડીઓ અને મિલ્કત રાજનના પપ્પા મારા નામે કરતાં ગયા છે. રાજન તો અહીં અત્યારે કર્મચારી તરીકે કામ કરે છે.' નિરજાબેને ફોડ પાડયો. રૂપલ ગુસ્સામાં અંદર પહોંચી તેણે કામવાળીને અને રસોઈયાણીને ગુસ્સે થઇ પુછયું, 'આ માં ક્યાંથી આવી ?'
'શેઠાણી, ગઈ કાલે રાત્રે જ બા આવ્યા છે. તે ગામડે હતા.' બન્નેએ એક જ જવાબ આપ્યો. રૂપલ ઠંડી પડી ગઈ. તેણે સહી કરેલા ડાઈવોર્સ પેપર રાજન તરફ ફેંકી વકીલને લઇ નીકળી ગઈ.
રાજન ખુશ થઇ ગયો. તેણે નિરજાબેનને દશ હજાર રૂપિયા આપતાં કહ્યું, 'લે, માં, તારા લીધે મારી મિલકતો બચી ગઈ. ખરેખર સરસ કામ કર્યુ.'
'નાં બેટા, મારે આ રૂપિયા ના જોઈએ મેં તો તને આફતના સમયે મદદ કરી છે. તને જોઇને મને મારો દિકરો રાકેશ યાદ આવી જાય છે.' કહેતા નિરજાબેનની આંખો ભરાઈ આવી. 'ગયા વરસે આ જ મહીને તે બાઈક અકરસ્માતમાં માર્યો ગયો હતો.' કહેતા તેમણે રૂપિયા પરત કર્યાં અને રડી પડયાં.
રાજન પણ તેને જોઈ રહ્યો. સાવ ગરીબ ખાવાપીવાના પણ ફાંફાંવાળી સ્ત્રી દશ હજાર રૂપિયા પરત કરે છે? એ પણ મારામાં તેના દિકરાનો ચહેરો યાદ કરીને ! અને તેનો પ્રેમ ઉભરાઈ ગયો.
'જો, માં, તમે મને બેટો કહ્યો છે, તો એક જ વિનંતી કરું છું. અહીં આવડા મોટા બંગલામાં હું પણ એકલો જ છું. મારા માતાપિતા પણ બે વરસ પહેલા ગુજરી ગયા છે. મારે માની હૂંફની જરૂર છે. તમે અહીં જ રોકાઈ જાવ.' કહીને તે નીચે નમીને નિરજાબેનને પગે લાગ્યો.
અશ્રુ વહેતી આંખે તેણે રાજનને ગળે લગાડયો. પોતાનો દિકરો મળી ગયો વિચારી તેણે ઈશ્વરનો આભાર માન્યો.


