- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- બરાબર પાંચ વાગે મેનકાને દરવાજે ટકોરા પડયા. બારણું ખોલતા મેનકાના દિલની ધડકનો વધી ગઈ.
'સાં ભળો છો, આજે સાંજે પાંચ વાગે મારો કોલેજ ફ્રેન્ડ મિથુન આવાનો છે તમે પણ આવી જશો ને.' બહુ જ લાંબા વિચારો અને મંથન પછી મેનકાએ તેના પતિ મૌલિકને કહ્યું.
મૌલિક વિચારમાં પડી ગયો. તેણે વિચારીને જવાબ આપ્યો, 'હું કોશિશ કરીશ, પણ સાંજે પાંચથી સાત વચ્ચે ઓફિસથી આવતા બહુ જ ટ્રાફિક હોય છે, તેથી બહુ જ મુશ્કેલ છે, પણ મિથુન, કેમ અહી આપણે ઘેર?'
'ત્રણ વરસે અમદાવાદ આવેલ છે, તેથી મળવા આવવાનો છે. અત્યારે તે મુંબઈમાં જોબ કરે છે.' મેનકાએ જવાબ આપ્યો.
'પણ જો જે હો, સંભાળજે, તેનાથી દુર જ રહેજે.' મૌલિકે ગભરાતા ગભરાતા કહ્યું.
'ના ના, તમારે કઈ ચિંતા કરવા જેવું નથી. આપણા લગ્ન પહેલા જ મેં તમને અમારા સંબંધો અને મિત્રતા વિષે બધી ચોખવટ કરેલી છે. હવે તો આપણા લગ્નને પણ ત્રણ વરસ થઇ ગયા છે.' મેનકાએ વિશ્વાસથી જવાબ આપ્યો.
મૌલિક કોચવાતા મને ઓફીસ ગયો. મિથુન ત્રણ વરસ પછી પોતાની જૂની પ્રેમિકાને મળવા કેમ તેના ઘેર આવી રહ્યો છે ? તેને પોતાની પત્ની મેનકા પર પૂરો વિશ્વાસ હતો પણ પ્રેમી ઘરે મળવા આવે તે વિચારી કોચવાઇ રહ્યો હતો. મેનકાને પણ નવાઈ લાગતી હતી, આમ અચાનક ત્રણ વરસ પછી મિથુનનો ફોન ક્યાંથી?
'હું તારે ઘેર મળવા આવી શકુ?' ફોનમાં મિથુનનો અવાજ સાંભળી મેનકા થોથવાઈ ગઈ, પણ અંદરખાનેથી તો ખુશ હતી, વાહ કેટલા વખતે તેને જુના દોસ્તે યાદ કરી અને ફોન કર્યો.
'પણ મારો પતિ મૌલિક હોય ત્યારે સાંજે જ આવને !' મેનકાને હવે એકાંતમાં તેને મળતાં ડર લાગતો હતો.
'હું સાંજે પાંચ સાડા પાંચે તો આવી જઈશ. પછી તો મારી મુંબઈની ફ્લાઈટ છે. ફક્ત તને મળવા જ માંગુ છું.' મિથુને એ જ જૂની દોસ્તીભરી સ્ટાઈલથી કહ્યું.
'સારું હું મૌલિકને ઓફીસથી વહેલો બોલાવી લઉં છું.' મેનકાએ જવાબ આપ્યો.
અને પાંચ વરસ પહેલાની એ સાંજ તેને યાદ આવી ગઈ. અષાઢની મસ્ત માહોલવાળી વરસાદી સાંજે તે એકલી જ ઘરે હતી. ત્યાં મિથુન આવી ચડયો, 'મેનકા, તારી ઇકોનોમિકસની નોટ આપીશ, મારે છેલ્લા બે લેકચર લખવાના છે.'
'અરે તું તો સાવ પલળી ગયો છે, અંદર આવ, ગરમ કોફી પીને જ જા.' મેનકા પણ રોમાન્સના મુડમાં બોલી.
વરસાદી રોમેન્ટિક વાતાવરણ, બે જુવાન હૈયા અને એકાંતમાં ન બનવાનું બની ગયું. મેનકા એક્દમ ગભરાઈ ગઈ. હવે શું થશે ?
'આપણે લગ્ન કરવાના જ છે, પછી શા માટે ગભરાય છે.' મિથુને આશ્વાસન આપ્યું.
સમયનું પંખી ઉડી રહ્યું હતું. મિથુન અને મેનકાની જ્ઞાાતિ અને રીવાજો જુદા હોવાથી બન્નેના માંબાપ લગ્ન માટે માન્યા જ નહી, અને મેનકાના લગ્ન તેમની જ જ્ઞાાતિમાં મૌલિક સાથે કરી નાખ્યા. મિથુન પણ લગ્ન કરીને મુંબઈ નોકરી મળતાં સ્થાયી થયો. મેનકાએ લગ્ન પહેલા મૌલિકને પોતાના મિત્ર મિથુનની બધી વાત કરી હતી, પણ એકાંતમાં લક્ષ્મણરેખા ઓળંગી ગયા હતા, તે થોડું કહેવાય ?
બરાબર પાંચ વાગે મેનકાને દરવાજે ટકોરા પડયા. બારણું ખોલતા મેનકાના દિલની ધડકનો વધી ગઈ. જુનો પ્રેમી એ જ મસ્તી, એ જ અદામાં, મિથુને પુછયું. 'અંદર આવી શકું?'
'હા, હા કેમ નહિ,' મેનકાના દિલના તાર ઝણઝણી ઉઠયા.
બન્ને ડ્રોઈંગરૂમાં ગોઠવાયા. એકબીજાના ખબર અંતર પૂછયા. સાદો સીધો, સરળ મૌલિકની વાતો કરી, પણ તેનામાં પ્રેમભર્યો રોમાન્સ ખુટતો હતો.
ત્રીસ વરસનો ફેશનેબલ, રોમેન્ટીક મિથુન હજુ એટલો જ હીરોઇસ્ટીક લાગતો હતો.
મેનકાનું મન ના પાડતું હતું પણ જાણે કે તન તેના તરફ ખેચાઈ રહ્યું હતું. તેને પાછુ નૈતિક પતન થવાનો ડર લાગવા લાગ્યો. 'હજુ મૌલિક કેમ આવ્યો નહિ?'
વિચારતી તે મિથુન માટે મસાલેદાર ચા બનાવવા ગઈ.
અમદાવાદના આશ્રમરોડમાં આગળ અકરસ્માત થયો હોવાથી મૌલિકની કાર ફસાઈ ગઈ. સાડાપાંચ વાગી ગયા પણ હજુ એક કલાક સુધી ટ્રાફિકમાંથી નીકળાય તેમ ન હતું. તેને ડર હતો, બે જુના પ્રેમી એકાંતમાં ભેગા થતાં કાઈ અજુગતું ના બને તો સારું.
મસાલેદાર આદુની ચા પીને બન્ને રોમાંચિત થઇ ગયા. કપ મુકતા મિથુનનો હાથ મેનકાના હાથને સ્પર્શી ગયો, ફરી પાછી એજ ઝણઝણાટી અને રોમાન્સ ! બે જુવાન હૈયા, જુના પ્રેમી, રોમાંચિત વાતાવરણ અને એકાંત, મેનકા ના પાડતી રહી, પણ અંદરનું ખેચાણ અને મિથુનનો રોમાંટિક સ્પર્શ ! પછી જોઈએ જ શું? મેનકાનું બાહ્ય મન અનૈતિક વ્યભિચાર માટે ના પાડી રહ્યું હતું, પણ...
ભૂતકાળમાં વાઘ માણસનું લોહી ચાખી ગયો હતો, મેનકા ભૂતકાળનો મિથુન સાથેનો સહવાસ ભૂલી શકી નહોતી. તેનું બાહ્યમન ના ના કરતુ રહ્યું, પણ....અંતે ન બનવાનું બની ગયું. છ વાગી જતા મિથુને ઘડિયાળમાં જોતા ચમકી ગયો, મારી ફ્લાઈટનો ટાઇમ થઇ ગયો, કહેતા તે ઉભો થઇ જતો રહ્યો, મેનકા તેને જોતી જ રહી ગઈ.
મૌલીક માંડ ટ્રાફિકમાંથી બહાર આવી ઘેર આવ્યો, ત્યારે સાડા છ વાગી ગયા હતા. મેનકાના વેરવિખેર વાળ, મુરઝાયેલો ચહેરો જોઈ તેને કાઈ ન બનવાનું બની ગયાનો એહસાસ થયો.
'મિથુન ક્યાં છે?' મૌલિકે હેરાન થતાં પૂછયું.
'તમે લેઇટ પડયા, મિથુન તો ગયો, પણ મેં તમારો વિશ્વાસઘાત કરેલ છે.' કહેતાં કહેતાં મેનકા રડી પડી. હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી!! કહેતા તે બેસી પડી.
'જે થવાનું હતુ તે થઇ ગયું, હવે શું ?' કહેતા મૌલિકે તેને હૈયાધારણ આપી, પણ તેનું દિલ અંદરથી ચિરાઈ ગયું.
લાસ્ટ સ્ટ્રોક : જુવાન વિજાતિય પાત્રો, જુના પ્રેમી, અને એકાંત, આનાથી વધારે સ્ફોટક ચિનગારી શું હોઈ શકે ? પછી વ્યભિચાર ના થાય તો જ નવાઈ! સાવચેતી ખુબ જ જરૂરી છે, અન્યથા ભૂલ તો થવાની જ છે.


