- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'મેડમ, બાકીના ત્રણ પ્રવાસીના પૈસા કોણ આપશે ? તમારા એકના ભાડાથી તો મને પેટ્રોલનો ખર્ચો પણ ના નીકળે'
રા જકોટ હાઇવેની બહાર ટેક્ષી ડ્રાઈવર આકાશ ધાબામાં ચા નાસ્તો કરી રહ્યો હતો. ત્યાં અચાનક દોડતી ચોવીસ વરસની યુવતી આરોહી સૂટકેસ સાથે આવી ગઈ, અને ડ્રાઈવર આકાશને કહ્યું 'ચાલો, અમદાવાદ આવવું છે ?'
'હા, બેસી જાવ, બીજા પ્રવાસીઓ આવે એટલે નીકળી જઈએ.' - આકાશે ચા પીતા જવાબ આપ્યો.
થોડી વાર પછી આરોહીએ ફરી બૂમ પાડી. 'જલ્દી કરો, મારે અમદાવાદ ઝડપથી પહોંચવું પડે તેમ છે. ગાડી ચાલુ કરો.'
'મેડમ, બાકીના ત્રણ પ્રવાસીના પૈસા કોણ આપશે ? તમારા એકના ભાડાથી તો મને પેટ્રોલનો ખર્ચો પણ ના નીકળે, ખોટ જાય.' આકાશે કહ્યું.
'સારું, બધાના ભાડા હું આપી દઇશ. ચાલો જલ્દી.' આરોહીએ લલચાવતા કહ્યું.
સ્વરૂપવાન ચોવીસ વરસની આરોહી આકર્ષક લાગતી હતી. આકાશ તેનાથી અને બધાના ભાડા મળી જશેની વાતથી લલચાઈને આવી ગયો. એકલી આરોહીની સવારી સાથે તેણે ટેક્ષી અમદાવાદ તરફ મારી મૂકી. દશ મિનિટ તો બન્ને મૂંગા બેસી રહ્યા. પછી આકાશથી ના રહેવાયું.
'મેડમ, અમદાવાદ જવાની કેમ ઉતાવળ કરો છો? જરૂરી કામ છે ?'
'મારા માબાપ પરાણે મારા લગ્ન બાજુના ગોંડલ ગામના છોકરા સાથે કરાવવાની જીદ કરી રહ્યા છે. છોકરામાં કાઈં દમ નથી. દેખાવ સામાન્ય, ભણતર ફક્ત આંઠ ધોરણ, અને ખેતીવાડીનું કામ કરે છે. મારે તેની સાથે લગ્ન કરવા નથી. એટલે ઘરેથી ભાગીને અમદાવાદ જઈ રહી છું.' આરોહીએ પોતાની કથા ટૂંકમાં સમજાવી. આકાશ આટલી સુંદર કન્યા હજુ પરણિત નથી, તે જાણી મનમાં ખુશ થયો.
'અમદાવાદમાં કોને ઘરે જાઓ છો ?'
'આમ તો મારુ ત્યાં કોઈ નથી. પણ ત્યાં પહોંચી કોઈ વ્યવસ્થા કરીશ.' આરોહીએ કહ્યું.
'તમારું નામ શું છે ?' કહીને આકાશે વધારે પરિચય કેળવવા કહ્યું.
'મારુ નામ આરોહી છે, હવે તમારે મને મેડમ નહીં આરોહી કહેવાનું, અને ડ્રાઈવર તમારું નામ શું છે?' આરોહીએ પ્રેમથી કહ્યું. 'મારુ નામ આકાશ છે. અને એમ.એ. સુધી ભણેલો છું.' પોતાનો પરિચય આપતાં આકાશ ખુશ થયો. 'ઓહો! એમ. એ. સુધી ભણીને ટેક્ષી ચલાવે છે, આકાશ ! કેટલું કમાય છે ?'
'આ મારો શોખ છે. મને લોંગ ડ્રાઈવ કરવું ગમે છે. મને બીમાર અને બુઢા પેસેન્જરને મદદ કરવી ગમે છે. તેમને ઘરે પહોંચાડતા મને અંદરથી નિજાનંદનો અનુભવ થાય છે. મને નોકરી કરવી ગમતી નથી, છતાં આમાં નોકરીના પગાર કરતાં ડબલ પૈસા મળી રહે છે.' આકાશે ખુલ્લા દિલે આરોહીને વાત કરી.
'શું વાત છે, નોકરી કરતાં ડબલ આવક!' આરોહી ખુશ થતાં બોલી.
'તમે પણ મને આકાશ કહી શકો છો.' આકાશે કહ્યું.
'આકાશ, આવક સારી છે એટલે રહેવાનું પણ સરસ હશે. બાળકો કેટલા છે ?' આરોહી ધીમે ધીમે તેના અંગત પરિચય કેળવવા વાતોએ વળગી.
'ના, હજુ મારા લગ્ન જ નથી થયા. હું મારા માબાપ સાથે બોપલના ફ્લેટમાં જ રહું છું.' આકાશને પણ વાતચીતમાં રસ પડી ગયો. બન્નેએ વાતચીત દરમ્યાન અપરિણિત છે, એ જાણી લીધું. ટેક્ષી ઝડપભેર આગળ વધી રહી હતી. લીમડી ગામ છૂટી ગયા પછી આરોહીએ સામેથી કહ્યું, 'ચાલો, ચા-નાસ્તો કરીશું ?' આકાશ ખુશ થઈ ગયો. વાહ ! આ તો છોકરી થઈને સામેથી ચા નાસ્તા માટે ટેક્ષી ઊભી રખાવે છે. હાઇવે પરની સુંદર હોટલ પાસે આકાશે ટેક્ષી ઊભી રાખી. ગરમ ગરમ ફાફડા અને ગોટા તથા ચાનો આરોહીએ ઓર્ડર કર્યો.
ફાફડાની ડિશ તેણે ઉપાડી અને આકાશને આપતા તેનો હાથ આકાશના હાથને સ્પર્શી ગયો. આકાશના દિલની ધડકનો વધી ગઈ, ચહેરો લાલ થઈ ગયો. આરોહી આ જોઈને શરમાઈ ગઈ. વેઇટર બિલ લઈને આવ્યો, એટલે આરોહીએ પોતાનો મોબાઈલ કાઢયો અને જી-પે થી પેમેન્ટ આપવાની વાત કરી. વેઇટરે કહ્યું, 'મેડમ, અહીં તો રોકડા જ આપવા પડશે.'
તરત જ આકાશે પોતાના પાકીટમાંથી રોકડાં રૂપિયા કાઢી આપી દીધા. આરોહીએ કહ્યું . 'થૅન્ક યુ' આકાશનું દિલ ધડકી ઉઠયું. લીમડીથી હાઇવે ઉપર ટેક્ષી અમદાવાદ તરફ દોડી રહી હતી. પાછળની સીટ ઉપર બેઠેલી આરોહીએ પ્રેમથી કહ્યું, 'આકાશ, હું તારી સાથે આગળની સીટ પર બેસી શકું.'
'હા, હા, કેમ નહીં' આકાશે ટેક્ષી ઊભી રાખી અને આરોહી આગળની સીટ પર બેસી ગઈ. આકાશનો ચહેરો લાલ થઈ ગયો. વચ્ચે વચ્ચે આરોહી જાણી જોઈને પોતાનો હાથ ગિયર પર મુકતી હતી, જેથી આકાશના હાથનો સ્પર્શ થાય. આકાશ મીઠા સપનામાં રાચી રહ્યો હતો. તેને તો મનમાં આરોહી સાથે હનીમૂનમાં ક્યાં જવું ગોવા કે સિમલા તેના સપના આવી રહ્યા હતા. આટલી ગ્લેમર અને આકર્ષક પત્ની પામવા મળશે તે બદલ પોતાની જાતને ધન્ય માની રહ્યો હતો. ભગવાનનો મનમાં આભાર માનતાં તેનું મન ઉત્સાહથી થનગનાટ અનુભવી રહ્યું હતું. સરખેજથી ટેક્ષી આગળ વધી, વાસણા થઈ પાલડી ચાર રસ્તા પહોંચી ત્યારે રાત થઈ ચૂકી હતી. આરોહીએ અહીં ઉતારવા ટેક્ષી રોકાવી, અને કહ્યું, 'આટલામાં ક્યાંય એટીએમ હશે?'
'શા માટે?' આકાશે પ્રેમથી કહ્યું.
'મારે ચાર મુસાફરોના ભાડાં તો ચૂકવવા પડશે ને !' આરોહી બોલી.
'મેં ક્યાં રૂપિયા માંગ્યા ? હવે તો આ ઘરની જ વાત છે ને !' આકાશે આગ્રહ કરતાં કહ્યું, 'આપણે મળતા રહેશું, તારો મોબાઈલ નંબર આપ.' તેને આરોહીને પામવાની ઉતાવળ થઇ ગઈ.
'સાચે જ, ભાડું નહીં જોઈએ !' આરોહીએ પ્રેમથી કહ્યું અને પોતાનો મોબાઈલ નંબર લખી આપ્યો. પાલડી ચાર રસ્તાથી તે પાલડી ગામમાં જતી રહી. આકાશ પ્રેમ ભરી નજરે તેને જતી જોઈ રહ્યો. ભવિષ્યના લગ્નના સપનામાં ખોવાયેલ આકાશ સીટ ઉપર પડેલા કવર તરફ જોઈ. 'અરે ! આરોહી ભૂલી ગઈ કે શું ?' આકાશે કવર ઉપાડી તરત જ તેને મોબાઈલ જોડયો. સામેથી જવાબ આવ્યો, 'ગાંડાલાલ બોલું છું, કોનું કામ છે ?'
'આરોહીને આપો'
'રોંગ નંબર, અહીં આરોહી નથી.' આકાશ હડબડાઈ ગયો. તેને થયું 'ભૂલમાં બીજો નંબર લાગી ગયો લાગે છે.' બે મિનિટ પછી તેણે ફરી મોબાઈલ જોડયો, 'આરોહી'
'કહ્યું ને, અહીં કોઈ આરોહી નથી. હવે નંબર મિલાવ્યો તો ટાંટિયા તોડી નાખીશ.'ગાંડાલાલ બગડયા.
આકાશ સહેમી ગયો, તેણે કવર ખોલ્યું તો ચિઠ્ઠી નીકળી, 'ગરમ ચા નાસ્તો અને અમદાવાદ સુધીની લીફ્ટમાં મજા આવી. કેવો ઉલ્લુ બનાવ્યો !' ેવાંચીને આકાશ હતપ્રત થઈ બેસી પડયો.
લાસ્ટ સ્ટ્રોક
વિજાતીય આર્કષણથી સાવ અજાણ્યા સાથે ઘરોબો કેળવવાની ઉતાવળ કરવી નહીં. કોઈપણ સબંધમાં ચકાસણી કરીને પછી જ આગળ વધવું જોઈએ. વિજાતીય આકર્ષણથી યુવાન વયની વ્યક્તિ સામાન્ય વિવેક બુધ્ધિ ગુમાવે છે.


