Get The App

ખોટો આડંબર .

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ખોટો આડંબર                                                  . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- સાંજે ખુશ થતો અમલ ઘરે આવ્યો, ત્યારે અંદરથી તેના ચોપડા અને વાસણો બહાર ફેંકાતા જોઈ દોડયો

શ હેરની મોંઘી એવી આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજમાં રિસેસમાં વિદ્યાર્થીઓ પોતપોતાના ગુ્રપમાં ટોળટપ્પા મારતા હતા. ત્યાં તો મેહુલ એક્દમ નવી ઈમ્પોર્ટેડ બાઇક લઈને ગુ્રપ પાસે આવ્યો, ને બધાનું ધ્યાન તેના તરફ ખેંચાયું, બાઇક એટલી આકર્ષક હતી કે બધા એને ઘેરી વળ્યા.

'વાહ, મેહુલ નવી જ બાઇક છે ને કાંઇ! મને એક રાઉન્ડ તો અપાય.' કહેતા નટખટ દેખાવડી આરિયા તેની બાજુમાં આવી ગઈ. 

'હા, હા, ચાલ બેસી જા.' એમ કહીને મેહુલે હાથ પકડીને તેને બાઇક પર બેસાડી, ચાલુ કરી. 

દૂર ઉભેલો અમલ આ જોઈ જલી ગયો. તેને પહેલેથી જ આરિયા બહુ ગમતી હતી, પણ કાંઇ મેળ પડતો ન હતો. પાંચ મિનિટ કોલેજની આજુબાજુ રાઉન્ડ મારી મેહુલ પરત આવી ગયો. તેણે આરિયાનો હાથ પકડીને ઉતારી. જલી ઉઠેલા અમલે પુછયું, 'કેટલાંની છે બાઇક? મારે પણ લેવી છે.' બધા હસી પડયા.

'અમલ, આ તો સાડાચાર લાખની ઇમ્પોર્ટેડ બાઇક છે, તારું કામ નહિ.' મેહુલે બડાઈ મારતા કહ્યું.

'તું તો ઘરેથી સાઇકલ લઈને આવે તે જ સારું છે.' મલયે મજાકમાં કહ્યું, આરિયા હસી પડી.

'અઠવાડિયામાં આવી જ નવી નક્કોર બાઇક ના લાવું તો મારુ નામ અમલ નહીં.' હવે ચડસાચડસીમાં અમલ ચેલેન્જ મારી બેઠો.

'મંજૂર, મંજૂર' બધા એકી સાથે બોલી ઉઠયા. અમલ માટે હવે આ ચેલેન્જનો અમલ કરવો એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ ગયો.

અમલ ગરીબ માં-બાપનો એકનો એક પુત્ર હતો. તેને એક પરણવા લાયક બહેન માનસી હતી., તેના લગ્નની તૈયારી ચાલતી હતી. અમલના પપ્પા મગનભાઈ રેડિમેડ ગારમેન્ટની દુકાનમાં સેલ્સમેનનું કામ કરતાં. પગાર ટૂંકો, અને મોંઘવારીમાં ચાર જણાનું ગુજરાન માંડમાંડ પૂરું થતું. અમલ હોશિયાર હોવાથી આ ટોપ-રેન્ક કોલેજમાં એડમિશન તો મળી ગયું, પણ અહી બધા લખપતિ વેપારી બાપના દીકરા દીકરી ભણતા. 

અમલ ચિડાયેલ સોગિયું મોઢું લઈ ઘરે પહોચ્યો ત્યારે તેના પપ્પા મગનભાઈ અને મમ્મી માલતીબેન તેમની દીકરીના લગ્નના ખર્ચનો હિસાબ માંડતા હતા. આંકડો ત્રણ લાખ સુધી પહોચી ગયો. મગનભાઈએ ચાર માસનું ભાડું પણ નહોતું ભર્યું. અમલે આવતાવેંત માંગણી ચાલુ કરી. 

'પપ્પા, મારે નવી ઇમ્પોર્ટેડ બાઇક લેવી છે.' 'બેટા, હજુ તારી બેનના લગ્નના પૈસા પણ ખૂટે છે, એમાં બાઇક લાવવી ક્યાથી?'

અમલ ગુસ્સે થઈ રૂમમાં જઇ ઊંધે માથે સૂઈ ગયો. તેના મમ્મી માલતીબેન જમવા બોલાવવા ગયા, પણ અમલે ખાવાપીવાનું છોડી દીધું. માં બાપ ગમ ખાઈ ગયા. 

એક દિવસ, બે દિવસ પૂરા થયાને અમલ બેહાલ થઈ ગયો. બાઇક વગર મોંમાં અન્નનો દાણો પણ નહિ નાખું ની જીદ સવાર હતી. મમ્મી પપ્પા ચિંતામાં પડયા, કરવું શું? અંતે મગનભાઈએ તેની દીકરીના લગ્નના ભેગા કરેલા રૂપિયા, ચારમાસનું ભાડું ભેગા કરીને જોઈ તો હજુ રૂપિયા ખૂટતા હતા. છેવટે તેમણે તેમનું સ્કૂટર વેચી દીધું.

'ચાલ બેટા! તને બાઇક અપાવું.' મગનભાઈએ કહ્યું, અમલ ખુશ થઈ ગયો. તેના જીદ્દી મનમાં એ વિચાર જ ન આવ્યો કે મમ્મી-પપ્પાએ કેવી રીતે સગવડ કરી હશે?

નવું ડાર્કકોફી કલરનું ઈમ્પોર્ટેડ બાઇક લઈ તે કોલેજ કંપાઉંડમાં પ્રવેશી હોર્ન મારતા તેના ગુ્રપમાં સન્નાટો છવાઈ ગયો. મેહુલ અને મલય તો જોતાં જ રહી ગયા. 

'અરે વાહ અમલ, તારો તો વટ પડી ગયો.' આરિયાએ વખાણ કરતાં રાઉન્ડની માંગ કરી. અમલ ખુશ થઈ ગયો. તેણે હાથ પકડીને આરિયાને મોટો રાઉન્ડ ખવડાવ્યો. તેના ગુ્રપને કેન્ટીનમાં આઇસ્ક્રીમ નાસ્તાની પાર્ટી આપી, તો ચારે તરફ વાહ વાહ થઈ ગઈ.

મગનભાઈએ સ્કૂટર વેચી કાઢયું હોવાથી ચાલતા માંડ નોકરી કરવા પહોચ્યા, ત્યારે હાંફતા હતા. 'શું મગનભાઈ, પોણો કલાક મોડા આવે તે કેમ ચાલે? આમેય તમારી ઉંમર થઈ ગઇ છે, એટલે કાલથી તમે છુટ્ટા, નોકરીએ આવતા નહીં.' શેઠે ગુસ્સે થઈને કહ્યું. મગનભાઈ કરગરી પડયા., 'શેઠ, દયા કરો, હજુ મારી દીકરી પરણવાની બાકી છે, દીકરો કોલેજમાં ભણે છે.' પણ શેઠે તેની એક ના સાંભળી. બેકાર મગનભાઈ રડમસ ચહરે ઘેર આવતા હતા, ત્યાં તેમના થનારા વેવાઈનો મોબાઈલ આવ્યો, 'શું મગનભાઇ, દીકરીના લગ્ન ક્યારે લેવા છે?' 

મગનભાઈ વિચારમાં પડી ગયા. લગ્નના ત્રણ લાખ તો બાઇક લેવામાં વપરાઇ ગયા હતા. તેમણે વિનંતી કરતાં કહ્યું, 'શેઠ, છ મહિના સગવડ થાય ત્યાં સુધી રાહ જુઓને!' સામેથી વેવાઈ વિફર્યા, 'જો સગવડ ના થતી હોય તો આ સગાઈ ફોક સમજજો. મારે તમારા જેવા લૂખ્ખા વેવાઈ જોડે સંબંધ રાખવો નથી.' 'હે!' કહેતા મગનભાઈ અવાક થઈ ગયા. એક જ દિવસે નોકરી ગઈ અને દીકરીની સગાઈ તૂટી ગઈ. ઘરે માંડ પહોંચીને માલતીબેનને વાત કરી, તો માલતીબેનને પણ ચક્કર આવી ગયા. બંને માથે હાથ દઈને બેસી પડયા. તેમની દીકરી પણ સગાઈ તૂટી જતાં ચકરાઈ ગઈ.

ત્યાં તો મકાનમાલિક તેના માણસોને લઈને ચાર મહિનાનું બાકી ભાડું લેવા આવી પહોચ્યો, 'મગનભાઈ, ચાર માસનું ચડી ગયેલું ભાડું આપો, નહિતર મકાન ખાલી કરો.'

મગનભાઈ અને માલતીબેને હાથ જોડયા, પગે લાગ્યા, પણ મકાનમાલિક માને જ નહિ ને! તેણે માણસોને ઘર ખાલી કરવા ઓર્ડર કરી દીધો. 

સાંજે ખુશ થતો અમલ ઘરે આવ્યો, ત્યારે અંદરથી તેના ચોપડા અને વાસણો બહાર ફેંકતા જોઈ દોડયો.

'પપ્પા, આ સામાન કેમ ફેંકે છે?'

મગનભાઇમાં બોલવાનાય હોંશ નહોતા. ત્યાં તો અંદરથી જોરદાર વેલણ તેના માથામાં ટિચાતા તે ઊંધો જઇ પડયો. 

બાજુવાળા પાડોશીએ બધી વાત વિગતવાર કરતાં અમલ એકડમ પસ્તાઈ ગયો. 'અરેરે! મારી બાઇક લેવા પપ્પાએ સ્કૂટર વેચી, ભાડાના અને આરિયાના લગ્નના પૈસા વાપરી કાઢયા.' તે પસ્તાવાથી રડી પડયો. મારી બાઈકની જિદે જ મમ્મી પપ્પાની હાલત બગાડી નાખી. વિચારતા જ તે બેહોશ મમ્મીને પગે લાગતાં પપ્પાને જોતાં શૂન્ય મનસ્ક થઈ ગયો. મારે તરત જ આ બાઇક પરત કરી પૈસા લાવવા પડશે. પણ સેકન્ડ હેન્ડ બાઈકના નાણાં હવે અડધા થઈ ગયા, તે કોણ તેને સમજાવે ?

સામે ઉભેલું ઇમ્પોર્ટેડ બાઇક અમલની મૂર્ખામી, ખોટા દેખાડા અને આડંબર ઉપર મંદ મંદ હસી રહ્યું હતું.

લાસ્ટ-સ્ટ્રોક

 જુવાનિયાઓ દેખાદેખી અને વટને ખાતર ખોટી માંગણીઓ કરી માં બાપને મુશ્કેલીમાં મૂકી દે છે. પોતાની ચાદર હોય તેટલા જ પગ ફેલાવો, અન્યથા ફેંકાઇ જશો.