- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- પૈસા રોકાતા મયંકે તરત જ તેની બહેન મોસમીને ફોન જોડયો.
હ નુમાન મંદિર બહાર ભિખારીઓની લાઈન લાગી હતી. આજે તો મંદિરમાં વડોદરાથી ધર્મિષ્ઠ દંપતી અન્નદાન કરવા આવવાના હતા. મોસમી અને નિગમને ગાડીમાં ભોજન લઈને આવતા જોઈને ભિખારીઓમાં ખાવા માટે ભાગદોડ મચી ગઈ.
મોસમી એક પછી એક ભિખારીને રોટલી અને દાળ પીરસવા લાગી. છેલ્લે એક સુનમુન ભિખારી નીચી મૂંડીએ બેઠો હતો. મોસમી તેની પાસે પહોચી અને ભિખારીએ કહ્યું, 'બેટા, મેં બે દિવસથી કંઈ જ ખાધું નથી, ભગવાન તારું ભલું કરે.' અવાજ સાંભળીને અને તેનો ચહેરો જોઇને મોસમી ચોંકી અને રડવા જેવી થઇ ગઈ. 'અરે પપ્પા તમે અહીં ?' ભિખારી તેની સામે ટગરટગર જોઈ રહ્યો, તેને કાંઈ જ યાદ નહોતું. મોસમીએ તેના પતિ નિગમને બોલાવી રડતાં રડતાં કહ્યું. 'જો પપ્પા તો અહીં ભીખ માગી રહ્યા છે.' નિગમ પણ આશ્ચર્યચકિત થઇ ગયો. તેણે કહ્યું, 'પપ્પા તો અમેરિકા ગયા હતા ને ! અહીં ક્યાંથી ? પપ્પાને આપણે ઘરે લઇ જઈ, કપડાં આપી અને આરામ કરાવીએ.'
મોસમી અને નિગમ બન્ને ગાડીમાં તેના પપ્પા પ્રમોદરાયને બેસાડી ઘરે લાવ્યા. તેમને નવડાવી નવા કપડાં પહેરાવી સુવડાવી દીધા. પણ પ્રમોદરાય ને કશુ જ યાદ આવતું ન લાગ્યું.
તેને માનસિક રોગોના નિષ્ણાત પાસે લઇ જઈ તપાસ કરાવતાં ડોકટરે કહ્યું, પ્રમોદરાયને કોઈ મોટો આઘાત લાગેલ છે, જેને લીધે આ થયેલ છે, પાછો આઘાતમાંથી સારા થઇ શકે છે, તે માટે શેનો આઘાત છે, એ જાણવું પડે.'
'આ કઈ રીતે થયું?' ડોકટરે મોસમીને પુછયું.
'મારા પપ્પા તો મહિના પહેલા મારા ભાઈ અને ભાભી સાથે અમેરિકા જવા ગયા હતા. મારી સાથે તેમણે મહિના પહેલા વાતચીત થઇ હતી. તેમની ઈચ્છા ન હતી, પણ મારો ભાઈ મયંક અમેરિકા શિફટ થઇ રહ્યો હતો, તેથી તેમણે ના છૂટકે અહીં બધું, મિલ્કત અને ઘર વેચીને જવું પડયું હતું.'
'તો પછી તમારા પપ્પા સાથે મયંક વાત નહોતો કરાવતો ?' ડોક્ટરને નવાઈ લાગી.
'ડોક્ટર, મેં ત્રણ ચાર વખત ફોનમાં કહ્યું કે પપ્પા જોડે વાત કરાવ, પણ તે દર વખતે કઈને કઈ બહાનું કાઢે, પપ્પા ચાલવા ગયા છે, પપ્પા સુઈ ગયા છે, પણ મારી સાથે વાત ના કરાવતો.' મોસમી રડતાં રડતાં બોલી.
'પણ પપ્પા તો અહીં ઇન્ડીયામાં જ છે. તેથી ભાઈ અને ભાભીએ જ કાંઈ ગોટાળો કરેલ છે.' ડોકટરે કહ્યું, 'એ શું થયું હતું તે ખબર પડે તો પ્રમોદરાય સારા થઇ શકે.'
'તેને માટે તો મારે મારા ભાઈને અહીં બોલાવવા પડે, પણ તે અને ભાભી બહુ સ્વાર્થી અને કંજૂસ છે, તેથી પરત બોલાવવા કઈ રીતે ? પપ્પાની બધી મિલ્કત વેચાવી તેના ડોલર ટ્રાન્સફર કરાવવાની પેરવી કરી છે.' મોસમી બોલી.
ત્રણે વિચારમાં પડી ગયા. કરવું શું ? 'એક ઉપાય સુઝે છે, અહીં બેંકમાં તેના વેચાઈ ગયેલી મિલ્કતના રૂપિયાને ટ્રાન્સફર થવા ના દઈએ. બેંક મેનેજર તેને રૂબરૂ સહી કરવા બોલાવે છે. તેમ કહીએ, અને તેણે રૂબરૂ સહી કરવા આવવું જ પડશે.' નિગમે આઈડિયા સુઝાડયો.
'સાચી વાત છે, એ જ કરીએ.' તેમણે બેંક મેનેજરને વિનંતી કરી, પ્રમોદભાઈની હાલત જણાવી બાકીના વેચાણના પચાસ લાખ ટ્રાન્સફર થતાં રોકી દીધા. પૈસા રોકાતા મયંકે તરત જ તેની બહેન મોસમીને ફોન જોડયો. મોસમીએ જવાબમાં કહ્યું 'મયંક, બેંક મેનેજર તને રૂબરૂ સહી કરવા બોલાવે છે. પપ્પા સાથે વાત કરાવ. નહીંતર તમારા પચાસ લાખ રૂપિયાના ડોલર ટ્રાન્સફર નહીં થાય.'
'પપ્પા તો બહાર ચાલવા ગયા છે, મારાથી અવાય તેવું નથી. અહીં નવી જ જોબ છે. તેથી રજા મળે તેમ નથી.' મયંકે ઉડાઉ જવાબ આપ્યો.
'તારે રૂબરૂ આવવું જ પડશે, નહીંતર રૂપિયા ટ્રાન્સફર નહીં થાય.' મોસમીએ મક્કમપણે કહ્યું.
અઠવાડીયા પછી મયંક એકલો મોસમીને ઘરે આવ્યો, મોસમી અને નિગમે દરવાજો ખોલવા જ પ્રમોદરાય પપ્પાને મોકલ્યા. તેને જોતા જ મયંક ચકરાઈ ગયો.
'પપ્પા, તમે મોસમીને ઘરે ક્યાંથી ?' કહેતા મયંક ગભરાઈ ગયો.
મોસમી અને નિગમ અંદરથી આવીને તાડુક્યા 'મયંક, પપ્પાને તે શું કરી દીધું, તેમને અમેરિકા લઇ જવાને બદલે આ શું કર્યું ?' મયંક ગભરાઈ ગયો.
'સાચું બોલ, નહીંતર અમે પોલીસને બોલાવીને તને પકડાવી દઈશું' હવે નિગમ કડક સ્વરે બોલ્યો.
મયંક એકદમ રડવા લાગ્યો, તેને તેના કૃત્ય ઉપર પસ્તાવો થયો, અને પ્રમોદરાયને પગે પડી ગયો, 'મને માફ કરી દો, પપ્પા મારી ભૂલ થઇ ગઈ. અમે પૈસાની લાલચમાં આવી ગયા હતા.'
'પણ તે શું કર્યું હતું?' મોસમીએ પુછયું.
મયંકે રડતાં રડતાં કહ્યું 'મારી અને પાયલની નિયત બગડી ગઈ હતી. અમારે અમેરિકામાં પપ્પાની સેવા અને ખર્ચ કરવો નહોતો. એટલે અમદાવાદ એરપોર્ટની બહાર જ તેમને બેસાડી અમે અંદર જઈ ફ્લાઈટમાં નાસી ગયા. પપ્પા પાસે ફક્ત તેમની એક નાની બેગ જ હતી. પછી શું થયું તે ખબર નથી.'
આ વાત સાંભળતા પ્રમોદરાય ચમકી ગયા. એકદમ તેમને બધું યાદ આવી ગયું. તેમણે કહ્યું, 'એરપોર્ટની બહાર લોનમાં મેં બન્નેની બાર કલાક રાહ જોઈ. ભૂખ અને તરસથી હું બેહાલ થઇ ગયો. બધી ફ્લાઈટ જતી રહેતા વોચમેને મને ડંડો મારી ભગાડી દીધો. માથામાં જોરથી દંડો વાગવાથી મારી યાદદાસ્ત જતી રહી હતી. હું ગાંડાની જેમ અહીં આસપાસ ભિખારી બનીને ખાવાપીવાનું માંગતો રહ્યો.'
આ સાંભળીને મોસમીની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. મયંક પણ આ સાંભળીને પસ્તાવાથી રડતો રહ્યો.
'હમણાં પોલીસ આવશે જ, અમે જાણ કરી દીધી છે.' નિગમે કહ્યું.
મયંક 'માફ કરો, માફ કરો' કહેતા પપ્પાના પગમાં પડી ગયો.
પ્રમોદરાયે મોટું મન રાખી તેને માફ કરી દીધો. છોરૃં કછોરૂ થાય, પણ માવતર કમાવતર થોડા થાય છે.
મોસમી અને નિગમે પ્રમોદરાયના બંગલાના બાકીના પચાસ લાખ રોકીને પ્રમોદરાયના નામની ડીપોઝીટ કરાવી. અને પપ્પાને પોતાને ઘેર પ્રેમથી રાખી લીધા.
મયંકે પપ્પાને અમેરિકા લઇ જવા બહુ આગ્રહ કર્યો, પણ હવે પ્રમોદરાય તેની જોડે જાય ખરા ??
લાસ્ટ સ્ટ્રોક :
ઘરડાં માબાપને તરછોડી દેનાર સંતાનોએ જાણી લેવું જોઈએ કે વહેતું જીવન તેમને પણ આ અવસ્થામાં લાવવાનું જ છે, ત્યારે તમારા સંતાનો પણ તમારી સાથે આવું જ કરશે તો ??


