Get The App

હવે તો બદલો આ જુનવાણી વિચારધારા!

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
હવે તો બદલો આ જુનવાણી વિચારધારા! 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- ''મારી દીકરી જીનલ જ મૂરખ છે, તેણે હક્ક કરીને માંગવું જોઈએ ને. પણ હવે શું ?''

શે ઠ જે. કે. દલાલ કરોડોની સંપત્તિના માલિક હતા. પોતાની બે ફેકટરીમાંથી કરોડો રૂપિયા કમાઈને પુષ્કળ સંપત્તિ ભેગી કરી હતી.

પરિવારમાં પત્ની લક્ષ્મીબેન, એક પુત્ર અનિલ અને દીકરી જીનલ એમ કુલ ચાર જણા જ હતા. લક્ષ્મીબેને પોતાના બંને સંતાનોનો ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક કરેલ જેથી બંને હોંશિયાર અને સુખી હતા. વિચાર જરા જુનવાણી અને રૂઢિચુસ્ત ખરા. તેથી દીકરીને પહેલેથી જ પારકે ઘેર જવાનું છે તેમ કહીને જ ઉછેરી હતી. જીનલને વારંવાર યાદ દેવરાવતા કે દીકરીએ તો પિયર છોડીને સાસરે જવાનું હોય છે. પતિની કમાણીથી જ ઘર ચલાવવું પડે છે. તેમને લગ્ન પછી પિયર આવવાનો કે હક્ક કરવાનો અધિકાર જ નથી. એ તો એમ જ માનતા કે દીકરીને પરણાવી દીધી એટલે આપણી ફરજ પૂરી.

અનિલ મોટો અને તેના લગ્ન પહેલા થઈ ગયા હતા. તેનો દીકરો કર્મ પણ મોટો થઈને ડૉક્ટર બની ગયો હતો. જીનલના લગ્ન પણ ખાધેપીધે સુખી પરિવારમાં રાકેશ સાથે કરી દીધેલ તેને પણ બે સંતાનો થયા હતા.

જે.કે. દલાલ તો સિત્તેર ઉપર થયા એટલે સમજીને સંપત્તિનો વહીવટ કરવા લાગ્યા હતા. તેમને દીકરી પર પણ એટલો જ પ્રેમ હતો, તેથી જીનલના નામે ફલેટ, જમીનનો પ્લોટ અને શેરો અલગ તારવ્યા હતા. પરંતુ લક્ષ્મીબેનના મગજમાં આ વાત ઊતરતી ન હતી. તેઓ માનતા કે દીકરીને લગ્નમાં આણું આપ્યું, પછી પહેલી ડિલિવરીમાં જિયાણું અપાઈ જાય એટલે આપણી ફરજ પૂરી. તેમને જીનલ ઉપર પ્રેમ નહોતો, તેવું મનમાં ય નહોતું, પરંતુ રૂઢિચુસ્ત વિચારો હજુ પણ તેમના મનમાં સવાર હતા.

શેઠ જગદીશભાઈ સમજાવતા કે ''આપણે માટે તો દીકરો અને દીકરી બંને સમાન છે, પછી આવો તફાવત કેમ વિચારે છે ?'' દીકરાને દીકરી કરતાં થોડું વધારે આપીએ, પણ દીકરીને વારસાઈ હિસ્સામાંથી કાંઈ જ ન આપીએ તે બરાબર નથી.

લક્ષ્મીબેન છણકો કરીને કહેતા, ''તમને કંઈ સમજણ જ પડતી નથી, દીકરીને તો કંઈ અપાતું હશે, તેના સાસરિયાં જ બધુ વાપરશે ને ?? આપણી મૂડી અને મિલકત તેના સાસુ સસરાના હાથમાં જતી રહે, એ હું હરગિઝ નહીં સાંખી લઉં.'' તેમની જુની વિચારધારા મનમાંથી ખસતી નહોતી.

પણ આપણી દીકરી અને જમાઈ તો જુદા જ રહે છે. તેને પણ બે સંતાનો છે એકલા અનિલને જ બધુ આપવાની શી જરૂર છે ? જગદીશભાઈએ ઠાવકાઈથી કીધું. દીકરીને આપીએ એટલે તેના બંને સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે.

પણ લક્ષ્મીબેન માનતા જ નહોતા. એક સ્ત્રી જ બીજી સ્ત્રીનું હિત જોવામાં વાંધા-વચકા કાઢી રહ્યા હતા. છતાં પણ જગદીશભાઈએ તો તેમની મિલકતના ૬૦ ટકા દીકરાને અને ૪૦ ટકા દીકરીને નામે કરવાનું વિલ બનાવ્યું. તેમના વકીલ દારૂવાલાને વહીવટદાર નીમી દીધા.

એક રાત્રે અચાનક જે.કે. શેઠને ૭૦ વર્ષની ઉંમરે હાર્ટએટેક આવ્યો અને દુનિયાને અને કુટુંબીજનોને રડતાં મૂકીને વિદાય લીધી. લક્ષ્મીબેન એકલા પડી ગયા. દીકરો અનિલ પોતાના કુટુંબમાં અને દીકરી જીનલ એના કુટુંબ સાથે વ્યસ્ત હતા. સવા મહિના પછી જે.કે. શેઠનું વિલ વાંચવાની વાત આવી. દારૂવાલા વકીલ જે.કે. શેઠનું વિલ લઈને આવી ગયા.

લક્ષ્મીબેન તો તરત જ બોલ્યા, ''બધુ દીકરા અનિલના નામે જ કરી નાખો. જીનલને તો આપણે ઘણું આપેલ છે.'' વકીલે સમજાવ્યા, શેઠે વિલ મુજબ જોગવાઈ કરવા મને વહીવટદાર નીમેલ છે.

જીનલ પણ વટનો ટુકડો હતી. તેને પોતાના ભાઈ અને મમ્મી પાસે માંગીને હાથ લંબાવવો પડે તે સ્થિતિ મંજૂર નહોતી. તે એમ જ કહેતી, ''મને મમ્મી આપે તો જ લઉં'' તેનો પતિ રાકેશ મહેનતુ હતો, પરંતુ છેલ્લાં 

બે વર્ષથી તેની આર્થિક સ્થિતિ નબળી પડી હતી શેરબજારની અચાનક મંદીમાં તેની મહેનતની કમાણી ડૂબી ગઈ હતી. તેને ખબર હતી કે જે.કે. શેઠે તેમની દીકરી જીનલ માટે સારી એવી જોગવાઈ કરેલી છે. પરંતુ જીનલ અને લક્ષ્મીબેનને સમજાવે કોણ ?

વકીલે સમજાવવા બહુ કોશિશ કરી, પણ લક્ષ્મીબેન આપવા તૈયાર નહોતાં અને તેમની દીકરી જીનલ સામેથી માંગે નહીં, તે માંગીને લેવા તૈયાર ન હતી. વિવાદ બે કલાક ચાલ્યો.

અંતે દીકરા અનિલના નામે તમામ સંપત્તિ કરી નાખવામાં આવી. જીનલના નામની અન્ય સંપત્તિ બેન્ક એકાઉન્ટ અને શેર પણ લક્ષ્મીબેને જીનલને આપવાની ના પાડી દીધી. અનિલને તો ભાવતું'તું ને વૈદ્યે કીધું જેવો ઘાટ થયો. જે.કે. શેઠના વિલની વાત તો ક્યાંય ઊડી ગઈ. જુના જમાનાના વિચારો બદલીને સરકારે પણ દીકરા અને દીકરીને સમાન હકદાર બનાવી કાયદો પસાર કરેલ છે.

જીનલ અને રાકેશ કરકસર કરીને તેના બંને સંતાનોને કોલેજનો અભ્યાસ કરાવતા હતા.

બે વર્ષે અનિલનો દીકરો કર્મ એ દાકતરીનો અભ્યાસ પૂરો કરીને અમેરિકા જતો રહ્યો. અને ત્યાં જ લગ્ન કરીને સ્થાયી થયો, બે જ વર્ષમાં તેણે અનિલને અને તેના પત્નીને અમેરિકા બોલાવી લીધા.

લક્ષ્મીબેનને અમરિકાનું હવામાન ફાવે તેમ જ નહોતું તેથી ઇન્ડિયામાં જ રહેવાનું નક્કી થયું. પણ મોટી ઉંમરે એકલા તો રખાય જ નહીં, તેથી અંતે વૃદ્ધાશ્રમમાં મોકલવાનું વિચારવા લાગ્યા. દીકરો અનીલ અને તેની પત્ની અમેરિકાના વૈભવી વાતાવરણ અને રહેણીકરણીથી અંજાઈ ગયા હતા. તેથી અમેરિકામાં જ રહેવું હતું. પોતાની વૃદ્ધ માતાનાં શું હાલ થશે, તેનો વિચાર જ ના કર્યો. અનિલે મમ્મીને ખર્ચો મોકલીને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી દર્શાવી.

જીનલને આ ખબર પડતાં જ તેની મમ્મીને પોતાના ઘેર લઈ આવી. તે લોકો ખાધેપીધે સુખી હતા, પરંતુ ઘેર એરકન્ડિશન, નોકરચાકર જેવી સુવિધા ક્યાંથી લાવવી ?

લક્ષ્મીબેન પહેલા તો ના ના જ કરતા રહ્યા. જીનલના સાસુ સસરાનો તો દેહાંત થઈ ગયો હતો. તેથી ઘરમાં કોઈ વડીલ હતું જ નહીં. ''દીકરીને ઘેર રહેવાય કેવી રીતે''ની વિચારધારા હજુ તેમના મન ઉપર સવાર હતી.

જીનલ અને રાકેશે સમજાવતાં કહ્યું, ''બા, અમારે ઘરે કોઈ વડીલની છત્રછાયા નથી. તમારી હાજરીથી અમને હૂંફ અને આશિર્વાદ મળતાં રહેશે.''

ના, ના, કરતાં અંતે લક્ષ્મીબેન શહેરના ત્રણ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ આવ્યા. પણ ઘર જેવો પ્રેમ અને સુવિધા ક્યાંથી મળે ? અંતે તેમણે જીનલના ઘરે જવાનું નક્કી કર્યું.

જે.કે. શેઠના પત્ની લક્ષ્મીબેન અફસોસ કરી રહ્યા હતા, મેં જ દીકરીને વારસાઈ હક્કથી વંચિત કરેલ છે, છતાં પણ દીકરી અને જમાઈને અંતર મનથી આશીર્વાદ આપી રહ્યા હતા. દીકરીના ઘરનું પાણી પણ ના પીવાવાળા લક્ષ્મીબેન છેવટે દીકરીને ઘરે જ જીવનના અંતિમ સમયે આવી ગયા.

એક દિવસ ખબર આવ્યા કે અનિલે અમેરિકામાં બેઠા બેઠા દલાલ મારફતે જે.કે. શેઠની તમામ સંપત્તિ, શેર વિગેરે વેચીને તેના ડોલર કરાવી લીધા છે. લક્ષ્મીબેન ખરેખર પસ્તાઈ રહ્યા હતા. મેં જ દીકરીને ગાય સમજીને કઈ ના આપ્યું. તે જૂની કહેવત ''દીકરી અને ગાય દોરે ત્યાં જાય.'' યાદ કરીને રડી પડયા.

અમેરિકાથી અનિલનો ખુશાલીનો ફોન આવ્યો, ''મેં મિલિયન ડોલરનું મોટું હાઉસ લઈ લીધું છે.'' ખૂબ જ મોટું અને છ બેડરૂમનું, સુખસુવિધાવાળું એરકન્ડિશન હાઉસ, જેના ફોટા મોકલી આપ્યા.

ગરમીમાં પંખો ખાતા લક્ષ્મીબેન વિચારી રહ્યા હતા. ''મારી દીકરી જીનલ જ મૂરખ છે, તેણે હક્ક કરીને માંગવું જોઈએ ને. પણ હવે શું ?'' પોતાની ભૂલ તો કોઈને દેખાતી જ નથી.

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે ''મનુષ્યએ સિદ્ધિ પામવા કર્મ તો કરવું જ પડશે, પછી ભલે સામી બાજુએ માં, ભાઈ કે દાદા હોય.'' કર્મ વગર કશું જ મળતું નથી. નહીંતર ભવિષ્યની પેઢી તમને આળસું કે મૂરખ કહીને વગોવશે.

લાસ્ટ સ્ટ્રોક : આપણાં દેશમાં જૂની પ્રણાલિકા છે કે દીકરીને આણા-જીયાણા અપાઈ જાય એટલે તેનો હક પૂરો થઇ જાય, પણ આધુનિકતા એ છે કે વિલ વગરની સંપત્તિમાં દીકરા અને દીકરીનો હક્ક સરખો જ ગણાય છે, વિલમાં દીકરીને આપેલ હોય તો તો સવાલ જ નથી !!