વફાદાર જીવનસાથી .


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- કૉલેજમાં તેના ઉપર મરતી છોકરીઓ, હવે આવા બિમાર અને નિર્બળ દેવેન્દ્ર સામે જોવા પણ તૈયાર ન હતી.

ક રોડપતિ જે.કે શેઠનો એકનો એક દીકરો દેવેન્દ્ર કોલેજમાં આવતાં રંગીલો બની ગયો. મોટી લક્સસ ગાડીમાંથી કોલેજે આવીને, ડ્રાઈવર દરવાજો ખોલે ને દેવેન્દ્રને ઉતારે, ત્યારે કોલેજની તમામ કન્યાઓ તેને તાકી રહેતી, દેવન્દ્રને પણ પૈસાના જોરનો ખ્યાલ આવી ગયો હતો. મિત્રો અને બહેનપણીઓ સાથે કૅન્ટીનમાં ગપ્પાં મારતાં હજારનું બિલ તો તે આરામથી ચૂકવી દેતો.

ગરીબ ઘરની પણ કામણગારી કામિની તેના પર મરવા લાગી હતી. દેવન્દ્ર સાથે વાત કરવાની એક પણ તક તે છોડતી નહીં. સાથેસાથે કૅન્ટીનમાં ખાવું, પીવું, ગાડીમાં ફરવું અને છેવટે પિક્ચરમાં જવાનું રોજનું થઈ ગયું

એક રાત્રે ઉત્તેજક ફિલ્મ જોઈ બંને હોટલમાં જમવા ગયાં. રાત વધી ગઈ હોવાથી અને બહાર જોરદાર વરસાદ હોવાથી બંનેએ રાત એ જ હોટલમાં વિતાવવાનું નક્કી કર્યું. દેવેન્દ્રે નજીકની ફાઇવસ્ટાર હોટલમાં એરકન્ડિશન રૂમ ભાડે રાખી લીધી.

'આ ભી જા, ઓ પિયા'  જેવી ઉત્તેજક ફિલ્મ, ફાઇવસ્ટાર હોટલનો ગરમ ખોરાક અને રાત્રિના એકાંતમાં બંને સમાજની તમામ મર્યાદાઓ વટાવી ગયાં. સવારે ઘેર જતાં પહેલાં દેવેન્દ્રએ કામિનીને લગ્ન કરવાનું વચન આપ્યું.

દેવન્દ્ર માટે તો આ એક મોજમજા અને આનંદ માટેની રાત્રિ માત્ર હતી. તેને ખબર જ હતી કે તેનાં પપ્પા-મમ્મી આવી ગરીબ છોકરીને સ્વીકારશે જ નહીં.

કામિનીએ લગ્ન કરવા કેટલી વિનંતી કરી, દબાણ કર્યું, પણ હવે દેવેન્દ્રને લતા વધારે ગમવા લાગી હતી. કામિની પાસે તેમના પ્રેમ અને કાળા કરતૂતોની કોઈ પણ સાબિતી ન હોવાથી દેવમન્દ્રએ તેને ગણકારી જ નહીં.

હવે દેવેન્દ્રની હિંમત વધતી ગઈ. એક જ મહિનામાં લતા સાથે પણ મોજમજા કરવામાં બંને મર્યાદા ઓળંગી ગયાં.

ધીમેધીમે જે. કે. શેઠ સુધી સમાચાર પહોંચવા લાગ્યા હતા. દેવેન્દ્રનાં મમ્મી અલ્પાબહેન પણ ચિંતામાં પડી ગયાં.

રવિવારે સવારે જે. કે. અને અલ્પાબહેને દેવેન્દ્રને ચાના ટેબલ પર જ ટકોર્યો.

'ભણવાને બદલે રખડવા અને લફરામાં તારું ધ્યાન વધારે હોય તેમ લાગે છે ?' પપ્પાએ સવાલ કર્યો. પણ દેવેન્દ્ર બેફિકર હતો, 'પપ્પા, મારે તો અંતે તમારી ફક્ટરીમાં જ બેસવું છે ને.'

ઊછળતો આખલો ખીલે બંધાય તો સારું, એમ વિચારી અલ્પાબહેન બોલ્યાં, 'તો બેટા, છોકરીઓ જોવા લાગ, તું ગ્રેજ્યુએટ થઈ જાય પછી લગ્ન કરી લઈએ.'

'અરે હજુ ક્યાં ઉતાવળ છે ?' પચ્ચીસ વર્ષના દેવેન્દ્રને લગ્ન કરીને એક જ પત્ની સાથે ઠરીઠામ થવાનું સમજાતું જ નહોતું.

દર મહિને આનંદ માટે છોકરીઓ બદલતા દેવેન્દ્રને સમાજનો આ અભિગમ માન્ય જ ન હતો. લગ્ન કરીને એક જ પાત્ર સાથે જિંદગી વિતાવવાનું તેને મનમાં બેસતું જ ન હતું. પૈસા ખરચતા જોઈતો આનંદ મળે જ છે ને ! તેને માટે ધરાઈ ગયા પછી, હોટલની ડિશ બદલવા જેટલું જ આસાન કામ છોકરીઓ બદલવાનું થઈ ગયું હતું.

લીવ ઈન રિલેશનશિપ ફ્રીડમ તેને વધારે યોગ્ય લાગતી. ફાવે તેટલો સમય સાથે રહેવાનું અને ન ફાવે તો છુટ્ટાના છુટ્ટા. લગ્નના એક ખૂંટે બંધાયેલા લોકોને જોઈને તેને હસવું આવતું.

એક જ જીવનસાથી સાથે સમગ્ર જિંદગી વિતાવવાનું તેને હાસ્યાસ્પદ લાગતું. મમ્મી-પપ્પા તો બોલ્યા કરે, જુનવાણી ખરાં ને ! સમાજની લગ્નપ્રથા તેને મન ઊતરી ગયેલી કઢી જેવી લાગતી.

ભારત સરકાર દ્વારા ફેબુ્રઆરીના અંતમાં શહેરમાં ખાસ ટ્રેન 'રેડ રિબન એક્સપ્રેસ' આવવાની હતી. એચ.આઈ.વી./એઇડ્સ જેવા જીવલેણ ખતરનાક રોગ સામે રક્ષણની માહિતી આપતી આ ટ્રેેન ખરેખર અદ્ભુત છે. તેના દરેકે- દરેક ડબ્બાઓમાં જાતીય રોગો, સલામત સંબંધ, એચ.આઈ.વી.નો ફેલાવો અને અટકાવતાં વિવિધ ચિત્રો, પિક્ચર્સ વગેરે ક્રમબદ્ધ ગોઠવાયેલાં હોય છે. આપણા તરુણો અને જુવાનિયાઓ માટે સુંદર માહિતી હોવાથી દરેક શાળાઓ અને કૉલેજોમાંથી દરેક વિદ્યાર્થીઓને તેની મુલાકાતે મોકલવામાં આવે છે.

દેવેન્દ્રની કાલેજમાં પણ નોટિસ મુકાઈ ગઈ હતી. દેવેન્દ્ર અત્યારે તરુણા સાથે ફરવાના મૂડમાં હતો. 

પણ તેમના માનીતા પ્રોફેસર પટેલ સાહેબના આગ્રહથી તે બંને પણ કૉલેેજના ગુ્રપ સાથે સ્ટેશને જવા નીકળી ગયાં.

એક પછી એક ડબ્બામાં વિવિધ બેનરો, માહિતી વગેરે જોતાંજોતાં દેવેન્દ્ર અને તરુણા એક મોટા બેનર પાસે અટકી ગયાં. તેના પર લખેલ સૂત્ર એક જ જીવનસાથી સાથે સુખી જીવનને વાંચી બંને હસી રહ્યાં હતાં. દેવેન્દ્ર હસતાં-હસતાં બોલ્યો, 'આ બધા હજી જુનવાણી જ રહેવા માગે છે કે શું ? આ લગ્ન વળી શી બલા છે ?'

છેલ્લા ડબ્બામાં સ્વૈચ્છિક લોહીની તપાસ થતી હતી. દેવેન્દ્રને તો આમાં રસ ન હતો; પરંતુ તરુણાને રસ પડી ગયો. બંનેએ પોતાનું લોહી એચ.આઈ.વી.ની મફત તપાસ માટે આપ્યું. તરુણાનો રિપોર્ટ તો નેગેટિવ હતો; પરંતુ દેવેન્દ્રનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તે એકદમ તૂટી ગયો. તે આ રિપોર્ટ માનવા જ તૈયાર ન હતો, તેથી શહેરની સારામાં સારી પ્રાઇવેટ લૅબોરેટરીમાં બીજા જ દિવસે લોહી તપાસ માટે આપ્યું તેમાં પણ એચ.આઈ.વી. ટેસ્ટ પોઝિટિવ આવતાં તે ભાંગી પડયો.

જે. કે. શેઠ અને અલ્પાબહેન પણ પેટ ભરીને પસ્તાઈ રહ્યાં હતાં. એકના એક દીકરાને આવી જીવલેણ બીમારી થતાં કોઈ પણ મા-બાપની હાલત બેહાલ થઈ જતી હોય છે. તેમને થયું કે, જો શરૂઆતથી દેવેન્દ્રની હરકતો પર ધ્યાન આપ્યું હોત તો સારું હતું, હવે રાંડયા પછીનું ડહાપણ શા કામનું ?

જે. કે. શેઠે શહેરના સારામાં સારા કન્સલ્ટન્ટની સારવાર ચાલુ કરી. પૈસાના ખર્ચનો તો કોઈ સવાલ જ ન હતો. પણ પરિણામ શૂન્ય !

મોંઘા ભાવની એ.આર.ટી.ની સારવાર ચાલુ હતી છતાં ધીમેધીમે દેવન્દ્રનો સી.ડી. કાઉન્ટ ઘટવા લાગ્યો. દરરોજના તાવ, કફ એને ખાઈ ગયાં, તેનું વજન પણ ઘટવા લાગ્યું. કૉલેજમાં તેના ઉપર મરતી છોકરીઓ, હવે આવા બિમાર અને નિર્બળ દેવેન્દ્ર સામે જોવા પણ તૈયાર ન હતી.

દેવેન્દ્રને હવે એક જ જીવનસાથીની વાત સમજાવા લાગી હતી. પૈસાથી બધું ખરીદાય, પણ આવા રોગ સામે તો સંયમપૂર્વકનું લગ્નજીવન જ બચાવી શકે તે એને સમજાઈ ગયું હતું પણ હવે બહું મોડું થઈ ગયું હતું.

આજે દેવેન્દ્ર કોલેજે કૉલેજે ફરીને દરેકને સમજાવી રહ્યો છે યાદ રાખો. 'એક જ વફાદાર જીવનસાથી એ જ સફળ લગ્નજીવન અને સ્વસ્થ જીવનનો પાયો છે.

City News

Sports

RECENT NEWS